પૃષ્ઠ:Yugavandana.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કવિ, તને કેમ ગમે?


ધરતીને પટે પગલે પગલે
મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે :
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરતી,
લાખો નાર ગલી ગલીએ ફરતી
સારી રાત ભૂખે મજૂરી કરતી :
‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દમે –
ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા,
કાળાં કેદખાનાં કેરા જો સળિયા –
એનાં ક્રંદન શું નથી સાંભાળિયાં ?
એની ભીતર મૌન એકાકી રિબાઈ રિબાઈ હજારોના પ્રાણ શમે –
ત્યારે હાય રે હાય, કવિ ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ-નિઃશ્વાસભર્યા જગમાં,
સિતમે સળગંત ધરા-તલમાં :
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને –
ત્યારે હાય રે હાય, કવિ ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્ર તણા,
પીએ ઝેરી હવા જે દમદમમાં,
એને શાયર શું ! કવિતા શું ! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે !
ત્યારે હાય રે હાય, કવિ ! તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે !

♣ યુગવંદના ♣
૭૦