પ્રભુજી સાથે પ્રીત ન કીધી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પ્રભુજી સાથે પ્રીત ન કીધી
પ્રીતમ


પદ ૫૬ રાગ ગોડી.

પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી, એને મૂઆ ટાણે સંત બનાવો રે;
તુલસી મંગાવો અને તિલક કઢાવો, મુખે રામનામ લેવરાવો રે... ટેક

દવ લાગ્યા રે પછી કૂપ ખોદાવો, ઈ કેઈ પેરે અગ્નિ ઓલાશે રે;
ધન હતું તે ચોર જ લઈ ગયા, પછી દીવો કરે શું થાશે રે....
પ્રથમ પ્રભુજી સાથે ૧.

માત પિતા સુત ભાઈ ને ભગિની, ઈ સબ ઠગનકી ટોળી રે;
પ્રીત લગાડી તારું સર્વ લૂંટી લેશે, પછી રહેશે આંખ્યો ચોળી રે...
પ્રથમ પ્રભુજી સાથે ૨.

બાલપણું રમતાં ખોયું, જુવાનીમામ્ વાહાલી જુવતી રે;
બુઢ્ઢાપણે છોકરાં વાહાલાં, પછી મુવે તે માગી મુક્તિ રે...
પ્રથમ પ્રભુજી સાથે ૩.


ખાધું નહીં એણે ખરચ્યું નહીં, અને દાન માન નવ દીધુંરે;
હરિગુરુ સંતની સેવા ન કીધી, રામ નામ ન લીધુંરે...
પ્રથમ પ્રભુજી સાથે ૪.

તળાવ ફાટ્યા પછી પાળ બંધાવો, ઈ કઈ પેરે નીર ઠેરાશે રે;
કહે પ્રીતમ પ્રીતે હરિ ભજન વિના, અવસર એળે જાશે રે...
પ્રથમ પ્રભુજી સાથે ૫.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી,
એને મૂઆ ટાણે સંત બનાવો રે;
તુલસી મંગાવો અને તિલક કરાવો,
મુખે રામનામ લેવરાવો રે... ટેક

દવ લાગ્યા રે પછી કૂપ ખોદાવો,
ઈ કઈ પેરે અગ્નિ ઓલાશે રે;
ધન હતું તે ચોર જ લઈ ગયા,
પછી દીવો કરે શું થાશે રે.... ૧

માત પિતા સુત ભાઈ ને ભગિની,
ઈ સબ ઠગનકી ટોળી રે;
પ્રીત લગાડી તારું સર્વ લૂંટી લેશે,
પછી રહેશે આંખ્યો ચોળી રે... ૨

તળાવ ફાટ્યા પછી પાળ બંધાવો,
ઈ કઈ પેરે નીર ઠેરાશે રે;
કહે પ્રીતમ પ્રીતે હરિ ભજન વિના,
અવસર એળે જાશે રે... ૩