ફૂલનો ધરીયો રે મુગટ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ફૂલનો ધરીયો રે મુગટ
પ્રેમાનંદ સ્વામીફૂલનો ધરિયો રે, મુગટ ફૂલનો ધરિયો,
હેલી મોહનજી મરમાળે, મુગટ ફૂલનો ધરિયો... ટેક

સગંધી ફૂલોનો સરસ, મુગટ ભરિયો,
તોરા ગુચ્છ તણો ન જાયે, વર્ણન કરિયો... ૧

ગજરા બાજુ હાર હજારી, પેરી ડોલરિયો,
મંદિરિયે પધાર્યા મારે, કુંવર કેસરિયો... ૨

ફૂલ પછેડી ઓઢી મારા, મનડાને હરિયો,
જીવનજીની શોભા જોઈ, આંખડિયો ઠરિયો... ૩

ફૂલ ચાખડિયું પેરી ચટચટ, ચાલે નટવરિયો,
પ્રેમાનંદ કે એવો આવી, અંતરમા ગરિયો... ૪