બહુ પુણ્ય કેરા પુંજથી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
બહુ પુણ્ય કેરા પુંજથી
શ્રીમદ્ રાજચંદ્ર
(હરિગીત)


બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો? ...૧

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું એ તો કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો,
એનો વિચાર નહિ અહો હો! એક પળ તમને હવો!! ...૨

નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીરેથી નીકળે;
પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ...૩

હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબધે વળગણા છે? રાખું કે એ પરહરું?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ...૪

તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે આત્મ તારો! આત્મ તારો! શીઘ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમ દૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ...૫