બાપુનાં પારણાં/ધૂણી બળે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લાડકડો વર બાપુનાં પારણાં
ધૂણી બળે
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
નગારે ગેડી →


ધૂણી બળે


(નાગા નિરંજન બાવાની કોઈ ધૂણી કોઈ દિવસ બુઝાય નહિ. રાત ને દિવસ બળ્યા જ કરે તેમ પુ. ગાંધીજીના હૈયામા દેશદાઝની જે ધૂણી રાત દિવસ બળે છે તે બીજી કોઈ રીતે બુઝાય નહિ. એ રીતે આખો ભાવ બાવાજીની ધૂણીનો છે. તપસ્વી તપ તપે ત્યારે એને મેળવવા ઈંદ્રરાજ તેની પાસે રિદ્ધિસિદ્ધિ મોકલે, અપ્સરાઓ મોકલે, દેવ બનાવવાની લાલચ આપે, એ રીતે એના બધાય ઉપાય કરે કારણ કે તપસ્વી બરાબર તપ તપે તો ઈંદ્રને પણ તેને શરણે થવું જોઈએ. આ ગીતની એકેક કડીએ ગાંધીજીના મોટામોટા પ્રસંગોની આખી કલ્પના છે.)

(ભજન કાફી)


બાવલીઆની ધૂણીમાં આગ બળે,
ધૂણીમાં આગ બળે;
બાવલીઆનાં અંગેઅંગ પ્રજળે;
બાવલીઆની ધૂણીમાં આગ બળે.

હાડનું પીંજર તપ તપે એ વળ્યું ન પાછું વળે,
જોગીડા કેરા જોગ નીરખી, ઈંદ્રાસન ખળભળે
—બાવલીઆની૦

રિદ્ધિસિદ્ધિ બેઉ ઊભી રહી પણ જોગીડો નજરું ન કરે,
રંભા કેરાં નૂપુર ઠણક્યાં, તો ય સમાધિ ન ટળે
—બાવલીઆની૦

ઝેરના પ્યાલા દીધા જોગીને, હસી હસીને ગળે,
ઝેર જરી ગ્યાં કોઠે પડી ગ્યાં, કોઈ ન કારણ કળે
—બાવલીઆની૦

તેડવા જોગીડાને વેમાન આવ્યાં, દેવસભા સહુ મળે,
ઈંદ્રવેભવની લાલચ આપી, તો ય ન ચિતડું ચળે
—બાવલીઆની૦

લાખો લીટીમાં લખી દીધું કે, આમાંથી માગ્યું મળે,
એક [૧]ઉંઠાના [૨]આખર માગ્યા, દેવ ચડ્યા વમળે
—બાવલીઆની૦

જોગીડા કેરા મંત્ર ઝીલવા, અસંખ્ય માથાં મળે,
જોગંધરની શીંગી બજે ત્યાં, વૈયાંના ઘેરા વળે
—બાવલીઆની૦


  1. ૧. ઊંઠું એટલે સાડા ત્રણ અક્ષર ગાંધીજી માગે છે : 'સ્વરાજ'
  2. ૨. અક્ષર

[૧]અસહકાર એ પંચાક્ષરનો મંત્ર બાવલીઓ ભણે,
એ મંતરના અચકાથી બ્રહ્માંડ આખું ખળભળે
–બાવલીઆની૦

વજ્ર રંભા ને વૈભવ હાર્યા, સાધુડો ન સળવળે,
ઈંદ્રાસન પર ઈંદ્ર ન બેસે, તપ લાગ્યે એને તળે
–બાવલીઆની૦


  1. ૩.‘નમ:શિવાય-એ પંચાક્ષર મંત્ર છે, તેમ ગાંધીજીનો 'અસહકાર’ એ પંચાક્ષરનો છે.