બાળક રૂએ લવા મારે
Appearance
બાળક રૂએ લવા મારે દેવાનંદ સ્વામી |
બાળક રૂએ લવા મારે
બાળક રૂએ લવા મારે, માતા સમજે મર્મ જોને;
રાણીની એમ મરજી પરખે, ધરણીધરનો ધર્મ જોને... ૧
ચાંચ બનાવે તેને ચિંતા, કાયર મન શીદ કરીએ જોને;
પેટ પડ્યું તે પોષણ કરશે, ફિકર તજીને ફરીએ જોને... ૨
હીરા મોતી મોંઘાં કીધાં, ધનથી સોંઘાં ધાન જોને;
અમૃત જેવાં અમથાં પાણી, દીનબંધુનાં દાન જોને... ૩
સૂરજ સર્વને પ્રકાશ આપે, દમડી ન પડે દેવી જોને;
વગર બદામે વાય વાયરો, તે કેશવ કરુણા કેવી જોને... ૪
સુરપંખીને ટંકે સો મણ, ખાવા જોઈએ ખીર જોને;
દૂધલડાના દરિયા કાંઠે, સરજ્યાં તેનાં શરીર જોને... ૫
જન્મ્યું તેને જીવાડવાને, માવતરને મમતા જોને;
સૌના પિતા છે વિશ્વંભર, શાથી ન ભરો સમતા જોને... ૬
અજબ દયાળુ છે અલબેલો, હૈયું રાખો હાથ જોને;
દેવાનંદ કહે પ્રતીત રાખો, બેલી અક્ષરનાથ જોને... ૭