બીરબલ વિનોદ/એક ગુરૂના બે ચેલા

વિકિસ્રોતમાંથી
← કા કારણ ડોલેમેં હાલત પાની? બીરબલ વિનોદ
એક ગુરૂના બે ચેલા
બદ્રનિઝામી–રાહતી
ઇંદ્ર મોટો કે હું? →


વાર્તા ૧૭.

એક ગુરૂના બે ચેલા.

બીરબલ અને ગંગ એક ગુરૂને ત્યાં ભણ્યા હતા. ન્હાનપણમાંથી જ તેઓ એક બીજાના મિત્ર હતા, પરંતુ જ્યારે જુદા પડ્યા અને પોતપોતાનું પેટ પાળવાનો વખત આવ્યો ત્યારે એ બન્નેના મિલાપમાં વિક્ષેપ પડ્યો. પણ જ્યારે બીરબલ પ્રધાનપદ ઉપર નીમાયો ત્યારે કવિ ગંગ તેને આવી મળ્યા. પોતાની જુની મિત્રતા યાદ કરી ગંગે એક દોહરો બીરબલને મોકલ્યો અને સાથે પોતાના ઘર પાસે એક બોરડી હતી તેનાં થોડાંક બોર તોડીને મોકલ્યા. દોહરો નીચે મુજબ હતો:—

આગું સુદામા કૃષ્ણ તે, ગંગ બીરબલ ફેર,
તા દિનમેં તાંદુલ હતે, યા દીનનમેં બેર.

બીરબલ પણ પોતાની આગલી મિત્રતા સંભારી આનંદ પામ્યો. બે ત્રણ દિવસ પછી બન્ને સભામાં ભેગા થયા ત્યારે બીરબલે ગંગને કહ્યું “બારોટજી ! આપણા નામદાર બાદશાહ સલામતનો સમય તો વર્ણવો?”

ગંગે કહ્યું "ખમાં પૃથ્વિનાથ!!”

દુહો

તાનહદ્ મીયાં તાનસેન, હદ્દ બુદ્ધિ બલબીર;
શાહોંકા શાહ અકબરાં, ટોડરમલ્લ વઝીર,

આ સાંભળી બાદશાહ બહુજ ખુશ થયો અને ગંગને સરપાવ આપવા હુકસ કર્યો. બીરબલે કહ્યું “નામદાર ! આપણા આ ભારતવર્ષમાં ભાટ અને બારોટોએ પ્રથમથી જ ખ્યાતિ મેળવી છે. ગંગજી ! એકાદ ભાટની સ્તુતિનું કથિત કહેશો ?”

ગંગે નમન કરી કહ્યું “ખમા પૃશ્વિનાથ!!”

કવિત.

પવનકે તોલ કરે, ગગનકો મોલ કરે,
રવિસેં બાંધે હિંડોલ, એસે નર ભાટ હેં;
પત્થરસોં કાંતે સૂત, બાંઝનકો બઢાવે પૂત ,
મસાનમેં બસત હે ભૂત, તાકો ઘર ભાટ હેં;
બિજલીકો કરે લેવા, દવનીસું રાખે દેવા,
રાહુ કોં ખમાવે ગેવા, એસો સદ્ધર ભાટ હેં;

મેઘનકોં રાખે ઠેરા, તખ્તકા લુટાવે ડેરા,
મનકા સંભારે ફેરા, એસો નર ભાટ હેં.

બીરબલે કહ્યું “શાબાશ ! બારોટજી, શાબાશ ! ! ખૂબ કરી !?”

બાદશાહ પણ ઘણોજ ખુશ થયો અને બીજો સરપાવ આપવા હુકમ કર્યો.