બીરબલ વિનોદ/ગંગનું ચાતુર્ય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બહાદુર છતાં બ્હીકણ બીરબલ વિનોદ
ગંગનું ચાતુર્ય
બદ્રનિઝામી–રાહતી
પાશેર ચુનો ને અડધો શેર ઘી →


વાર્તા ૭.

ગંગનું ચાતુર્ય.

એક વેળાયે બાદશાહ પોતાની રાણીયો સાથે અંતઃપુરમાં બેસી રંગરાગની મોજ ઉડાવતો હતો. ત્યાં કોઈ બીજો પુરૂષ ન હતો, કેમકે બધી રાણીયોએ સલાહ કરીનેજ આ ખાસ મિજલસ ભરી હતી, તેમણે એવું વિચાર્યું હતું કે બાદશાહને મોહી લઈ એવો તો લટ્ટુ બનાવી દેવો કે રંગમહેલની બ્હાર જાય જ નહીં. એ દિવસની મિજલસમાં તેમનો વિચાર કેટલેક અંશે ફળિભુત થતો દેખાયો, બાદશાહ ધીમે ધીમે તેમની મોહનીમાં લલચાયો એટલે એક રાણીએ પોતાના કોકિલાને પણ લજાવે એવા કોમલ સ્વરે વિયોગનું પદ ગાયું, જે સાંભળી બાદશાહે થોડીવાર વિચાર કરી પૂછ્યું “આ પદ શા ઉપર છે? એનો ભાવાર્થ શો ?”

લાગ બરાબર મળ્યો જોઈ એક નવોઢા રાણી બોલી “જહાંપનાહ ! આપ દરવખત યુદ્ધમાં રોકાઈ રહી અમને ભૂલી જાઓ એ શું અમારે માટે દુઃખ નથી ? શું એમાં અન્યાય રહેલો ન કહેવાય? વિયોગની ઘડીયો અમો કેવી દુઃખી અવસ્થામાં – કેવા કેવા વિચારો વચ્ચે ગાળીયે છીએ તે કાંતો અમે જાણીયે કાંતો પરમેશ્વર જાણે, અન્ય કોઈને તેનો શો ખ્યાલ આવે એમ છે ? કૃપાનાથ! આજે કેટલે મહીને આપ યુદ્ધમાંથી પાછા ફરી અમને દર્શન આપી શક્યા છો ? એ દરમિયાન કામદેવે અમને કેવા કેવા પ્રકારે પીડા પમાડી ? ! ! માટે હવે તો થોડાક મહીના આપ અમારી સાથેજ રહી રાત દિવસ આનંદ મોજ ઉડાવો એટલે અમને પણ સંતોષ મળે.

આ સાંભળી બાદશાહ બોલી ઉઠ્યા “પ્રિયે ! આ શું બોલો છો ? શું દર વખતે લડાઈમાં જ રોકાવું પડશે ? એતો કોઈ પ્રસંગે જવાનું પણ થાય. જો હું રાત્રિ દિવસ રંગ- મહેલમાંજ પડ્યો રહી આનંદમાં સમય ગાળું તો મારી રૈયતના શા હાલ થાય? રાજા ઉંઘણસી હોય તો રાજ્ય ક્યાંથી ચાલે? મેળવેલી બધી કીર્તિ અપકીર્તિમાં ફેરવાઈ જાય. એમાંયે વળી આઠ દસ દિવસની વાત હોય તો ચાલે પણ તમે તો મહીનાઓનોજ પ્રસ્તાવ આગળ ધરો એ કેમ ચાલે ? જે સમય શિકારમાં ગાળું છું તે હવે તમારી વચ્ચે વ્યતિત કરીશ.”

પટરાણી બોલી “આલમ પનાહ! એક દરબારી આપની પાસે કાંઈ નિર્જીવ માગણી કરે છે તો તે પણ આય માન્ય રાખો છો, એટલે અમો સૌની યાચનાને અફળ કરશો એવો અમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. પરંતુ આપ હવે ક્યાં છટકી શકો એમ છો ? અમે અહીંથી તમને જવા દેશું ત્યારે આપ જશોને ? ”

વળી બીજી એક બેગમે ટાપસી પૂરી “પણ હવે આટલો બધો આપણને બકબકારો શા માટે કરવો પડે? જહાંપનાહ આપણી વાતને ક્યાં અમાન્ય કરે એમ છે? શું એમના હોઠ ઉપર મંદમંદ હાસ્ય તમને વિલસતું નજરે નથી પડતું? એજ એમના ‘હકાર’ની નિશાની ! ! !”

બાદશાહ બીચારો એ મોહિનીયોના હાથમાં ખરેખરો સપડાયો. શું કહેવું અને શું ન કહેવું એનો તેને ભારે વિચાર થઈ પડ્યો. આખરે સંકડામણમાં આવી તેણે કહ્યું “ઠીક, જો એમજ છે તો હું થોડોક સમય તમારા કહેવા પ્રમાણે ગાળીશ.”

બાદશાહના મોઢામાંથી આટલા શબ્દો નીકળતાં તો રાણીયોના હર્ષનો અવધિ જ થઈ ગયો, તેમણે બાદશાહ ઉપર પોતાનો જાદુ બરાબર ચાલ્યો જાણી વધુ હાવભાવ અને નાજ નખરાંથી તેને આંજી નાંખ્યો. તેમણે બાદશાહને તરેહવાર મોજશોખમાં એવો તો તલ્લીન બનાવી દીધો કે તેને રાજ્યનું પણ ભાન ન રહ્યું, દરબાર ભરવાનું પણ પડતું મુકાયું. બેચાર માસ જેટલો લાંબો સમય એવી જ રીતે ગુજરી ગયો. એથી દરબારીયો મુંઝાવા લાગ્યા. બાદશાહ કયા મહેલમાં છે એ પણ ખબર ન પડી, બંડ જાગવાનો ભય લાગ્યો અને બાદશાહની ગેરહાજરી જોઈ કદાચ રૈયત પણ બળવો જગાડે ત્યારે શો ઉપાય ? ! !

દરબારી બીચારા એક ભારે ધર્મસંકટમાં ફસાયા, તેમને બાદશાહ ક્યાં છે એની પણ ખબર પડવા ન દેવી એવો રાણીયોએ દૃઢ સંકલ્પ કરેલો અને વળી બાદશાહને પણ એટલો બધો મોહિત બનાવી મૂક્યો કે દિવસ ક્યારે થાય છે અને સૂર્ય જ્યારે અસ્ત થાય છે તેની પણ એ ખબર ન હતી. એટલું છતાં રાણીયોને બે માણસોની બ્હીક હતી, એકતો દીવાન બીરબલ અને બીજો ગંગ કવિ. એઓ જાણતી હતી કે, એ બે જણને જો લગાર પણ ઈશારો મળ્યો તો પછી ભલે બાદશાહ આકાશમાં હોય કે પાતાળમાં હોય, તેઓ તેને શોધી કાઢશે; માટે ગમે તેમ કરીને પણ એ બે જણને તો ખબર પડવાજ ન દેવી. મહેલના અંદરના ભાગમાં દાસીઓ અને બ્હારના ભાગમાં ચોકીદારો ફરતા રાખ્યા હતા અને તેમને આજ્ઞા આપી હતી કે ‘જો કોઈપણ પારકો માણસ આવે તો તેને તરતજ ૫કડીને કેદ કરી દેવો.’

દરબારમાં બાદશાહના કેટલાક હુકમો વગર સહી થયે પડ્યા રહ્યા હતા. કેટલાંક કાર્યો બાદશાહની સલાહ વગર થાય તેમ ન હોવાથી રખડી પડ્યા. દેશપરદેશના એલચીઓ તખ્‌ત ખાલી જોઈ આશ્ચર્યચકિત્ થયા અને સાથેજ દિલ્હીમાં અંધેર કારભાર જોઈ રાજ ખટખટ ઉભી કરવાનો પણ તેમણે વિચાર કર્યો. આ ખબર દરબારીયોને થતાં તેમને ભારે ચિંતા થવા લાગી અને તે વિચાર અમલમાં પણ મૂકાતો જોઈ તેમને ભય ઉત્પન્ન થયો. એટલે હવે તો ગમે તે પ્રકારે બાદશાહને શોધી કાઢવાનો બીરબલે નિશ્ચય કર્યો. તેણે પોતાના ખાસ વિશ્વાસુ દરબારીયોની એક સભા બોલાવી કહ્યું “હવે રાજ્યનો નાશ થવામાં વિલંબ લાગવાનો નથી, બાદશાહના ગુમ થયાના સમાચાર થોડે ઘણે અંશે ફેલાવા પામ્યા છે. પરદેશી એલચીઓ રાજ્ય ખટપટ ઉભી કરવામાં રોકાયા છે એટલે જો શત્રુએ આક્રમણ કર્યું તો તેને મારી હટાવવો મહામહેનતનું કામ થઈ પડશે. તેમાંયે વળી એક શત્રુ હોય તો ઠીક, પરંતુ આતો ચારે બાજુએથી શત્રુઓ ફાટી નીકળશે, માટે હવે તો જહાંપનાહને ગમે તે ભોગે પણ શોધી કાઢવાજ જોઈયે.

ટોડરમલ બોલ્યો “પરન્તુ, દીવાનજી ! મહેલના ભાગ સુધી તો તમને જવાની સત્તા છે, માટે ત્યાં સૂધી જઈને તપાસ તો કરી જૂઓ?”

બીરબલે કહ્યું “આપના કહેવા પહેલાં જ મેં તે પ્રમાણે કરી જોયું છે, પણ દાસ દાસીઓ સુદ્ધાં પત્તો આપી શક્યા નથી.”

કવિ ગંગ બોલી ઉઠ્યા “દીવાનજી ! બાદશાહના દર્શન કરવા માટે મારૂં મન કેવું તલ્પે છે એતો આપ જાણો છોજ ? ચાર મહીનાથી બાદશાહની શોધમાંજ રાત દિવસ મેં ગાળ્યો છે, પણ ગઈ કાલે હું ફતેહ પામી શક્યો અને કાલેજ મને બાદશાહનાં દર્શન થયાં.”

આ સાંભળી બધા દરબારીઓ એકી અવાજે બોલી ઉઠ્યા “ ક્યાં દીઠા ?”

ગંગે કાંઈક મગરૂરીથી કહ્યું “કમલા રાણીના મહેલમાં.”

બીરબલ બોલ્યો “બરાબર છે. રાણીયોની મોહિનીમાં લપટાયલો બાદશાહ દરબારમાં ક્યાંથી જ આવે ?”

ગંગે કહ્યું “મેં જીવના જોખમે બાદશાહનું ઠેકાણું તો શોધી કાઢ્યું, પરંતુ ત્યાંથી બાદશાહ બ્હાર કેમ આવી શકે એજ એક ભારે સવાલ છે.” બીરબલે ગંગને પાણી ચઢાવવા કહ્યું “પરંતુ કવિરાજ ! એ કાર્ય તમથી ન બને એતો માની જ કેમ શકાય?”

ટોડરમલે પણ બીરબલની વાતમાં ઉમેર્યું “આતો અમર યશ ખાટવા જેવો પ્રસંગ છે, લાખો મનુષ્યો ઉપર મહા ઉપકાર કરવાનું કાર્ય છે. માટે કવિજી ! આપ એ કાર્યને જલ્દીથી ઉપાડી લ્યો.”

ગંગ બોલ્યા “શું, આવી રીતે પાણી ચઢાવી મારો જીવ ખોવરાવવાનો તમોએ વિચાર કર્યો છે ?”

ખાનખાનાન બોલ્યો “કવિશ્રી ! એમાં તે વળી જીવ ખોવાનું શું હતું? અને તે પણ વળી તમારા જેવા પુરૂષ માટે ? ના ના, એતો માની શકાય એમ નથી. જો બાદશાહ કદાચ ગુસ્સે થશે તો પણ તમને જોઈને માફી આપશે. આ કાર્ય ખરેખર અમરયશ મેળવવાનું છે, માટે તમે જરૂર તેને પૂર્ણ કરો.”

ગંગે છટકી જવા બારી શોધવા માંડી, તેણે કહ્યું “પણ રાણીનો કાંઈ વિચાર કર્યો ? તેઓ પોતાના નાજનખરાંથી બાદશાહને આંજી નાખે અને પોતાની મધુરી વાણીથી બાદશાહના કાન ભંભેરે એટલે મારો તો બેડો જ પાર અને બીચારા બાલબચ્ચાં રખડી મરે. એ સિંહની સાથે રમત કરવાની છે, કાંઈ સ્હેલ વાત નથી !”

બીરબલ બોલ્યો “જો એકવાર બાદશાહ બેગમોના પંજામાંથી છૂટો થયો તો પાછો ફસાવાનો નથી એ તમે નક્કી માનજો. એતો કોણ જાણે આ પ્રસંગે પણ કેમ ફસી ગયા?!”

રાજા માનસિંહ બોલ્યા “કવિશ્વર ! તમે આટલા બધા ના હીંમત કેમ થાઓ છો ? કવિઓનું તો કામ જ બીજાને શુરાતન ચઢાવવાનું છે. આગળના સમયમાં તો રાજાઓની સાથે રહી કવિઓએ શુરાતન ચઢાવતાં ચઢાવતાં લડાઈમાં પોતાના પ્રાણ સુદ્ધાં ખોયા છે, પણ આતો આખા રાજ્યને ભાવિ લડાઈમાંથી ઉગારી લેવાનું છે. માટે એવા પ્રસંગે તમે નાહીંમત થાઓ એ શું કહેવાય ?”

બીરબલ બોલ્યો “કવિશ્રી કાંઈ હંમેશથી નાહીંમત નથી, પરંતુ કોણ જાણે રાજ્યના નશીબજ વાંકા છે એટલે એ પણ હીંમત હારી ચૂક્યા છે ?!”

ગંગ બોલી ઉઠ્યો “દીવાનજી ! તમે બસ કરો. તમારાં વચનો સાંભળી મારા પેટમાં ફાળ પડે છે. કોણ જાણે તમારા વચનોમાં કેવી મોહિની રહેલી છે કે હું તેમાં ફસાઈ જાઉં છું?!!”

ટોડરમલે કટાક્ષના રૂપમાં કહ્યું “મોહિની બોહિની શું કરો છો? હોય હીંમત તો ઝડપો બીડું, નહીં તો ચોખ્ખી ના પાડો એટલે પત્યું.”

ગંગ બોલ્યા “તમે બધા મારી પાછળ લાગ્યા છો એતો બધું ઠીક, પણ જો મારો જીવ જવાનો વારો આવે ત્યારે કોઈ બચાવવા મેદાને પડશો ?”

બીરબલે ઈશારો કરવાથી બધા બોલી ઉઠ્યા “હા અમે સૌ તે માટે તૈયાર છીએ.”

બીરબલ બોલ્યો “કવિશ્રી ! જુઓ, આખો દરબાર તમ૫ર કેવું હેત રાખે છે ! ? શું આ બધા દરબારીઓનું કહેવું બાદશાહ અમાન્ય કરે એમ છે ?”

ટોડરમલે કહ્યું “કવિજી ! હવે તો ગમે તેમ કરીને બાદશાહને દરબારમાં લાવતા કરી દો.”

ગંગ આ સાંભળી બોલ્યો “કોણ જાણે આજે મારા મનમાં શું થાય છે ? મારે એટલું જ માત્ર કહેવાનું કે આ અમરયશ ખાટવાનું કામ બીજો કોઈ દરબારી કેમ નથી કરતો ? તમે આવા મોટા મોટા માણસો છો એટલે તમારામાંથી એકાદ જો આ કાર્ય ઉપાડી લે તો મારા કરતાં વધુ યોગ્ય થઈ પડે તેમ છે ?!”

ચઢેલી વાત પાછી ઉતરે તો બધી મહેનત ફોકટ જાય માટે તેને ઉતરવા ન દેવામાં જ સાર જોઈ માનસિંહે કહ્યું પરંતુ કવિરાજ ! આ કાર્ય તો કવિનું કહેવાય એટલે કવિ શિવાય બીજા કોનાથી એ મહાભારત કાર્ય થઈ શકે ?”

આ જવાબથી ગંગ ચુપ થઈ ગયો, તેનાથી ‘ના’ ન પડાઈ અને આખરે એ કાર્ય તેણે માથે લીધું. આખી સભાએ હર્ષના પોકારથી તેને વધાવી લીધો અને સભા બરખાસ્ત થઈ.

ગંગે વિચાર કર્યો કે “જો આ કાર્ય કરવાનું જ છે તો પછી આજેજ તેની શરૂઆત કરી સારી ! કાલ ઉપર ભરોસો રાખીએ તો વળી ક્યાંક આજની સભાની વાત રાણીઓને કાને પહોંચતાં મુશ્કેલ થઈ પડશે અને તેઓ બાદશાહને એવો સંતાડશે કે પત્તો જ મેળવવો અશક્ય થઈ પડશે. મધરાત પછી ગંગે તૈયારી કરવા માંડી, માથાથી પગ સુધીનો કાળા રંગનો એક મોટો ઝબ્ભો પહેરી માથા ઉપર બે હાથ લાંબી ટોપી મૂકી અને એક હાથમાં માળા અને બીજા હાથમાં એક મજબુત ડાંગ લઈ તે ઘરની બહાર નીકળ્યો. અંધારી સતમાં તે સાક્ષાત્ રાક્ષસ જેવો લાગતો હતો, રસ્તામાં જો કોઈ એકાદ છુટો છવાયો મનુષ્ય મળે તો બીચારો દૂરથી જ ભયભીત થઈ પડખે ખસી જતો. એવી રીતે ગંગ રાજમહેલના બાગ સૂધી પહોંચી ગયો. દરવાજા ઉપર સખત પહેરો ચોકી એટલે ત્યાંથી તો અંદર જવાયજ શેનું? એટલે તે આડે રસ્તેથી બાગમાં દાખલ થઈ ગયો. પરોઢીયાનો સમય પાસે આવી લાગ્યો હતો, તે ભરાતો સંતાતો મહેલના જે ભાગમાંથી પ્રકાશ આવતો હતો ત્યાં પહોંચ્યો. બાદશાહ એ પ્રસંગે દાતણ કરતો હતો અને આસપાસ અપ્સરાઓ સમાન બેગમો ફરી વળી હતી અને અનેક પ્રકારના હાવભાવથી બાદશાહને લલચાવતી હતી. કવિ ગંગ એ દૃશ્ય જોઈ મનમાં કહેવા લાગ્યો “હાય, આવા સ્વર્ગ જેવા સુખનો ત્યાગ કરી સંસારિક માથાફોડમાં કોનું મન લાગે? બાદશાહને એવા પરમસુખમાંથી કાઢવો એ મહાપાપ કહેવાય ! ! પણ ના, મારે તો મારી ફરઝ બજાવવાની જ રહી, એમાં જો હું પાછી પાની કરૂં તો રાજ્ય અને ધર્મ બન્નેનો દ્રોહી ઠરું. માટે જે બનવાનું હશે તે બનશે, મારે તો એને આ સ્વર્ગસદનમાંથી રાજ્યાસન ઉપર લઈ જવોજ જોઈયે.”

એવો વિચાર કરી તેણે બરાબર ઝરોખાની નીચે આવી મોટે સાદે બુમ મારી “હે બાદશાહ ! તું તો નરોનો નર દેખાય છે, છતાં કોઈ તને ઘોડો કહે છે અને કોઈ ગધેડો, તેનો તેં કાંઈ વિચાર કર્યો ?!”

આટલા શબ્દો બોલી તે એટલી બધી ઝડપે નાઠો કે પકડવો મુશ્કેલ થઈ પડે, પણ બાદશાહે તરત જ બૂમ પાડી કહ્યું છે “કોઈ હાઝર છે? જે કોઈ હોય તેને પકડી એકદમ ગરદન મારો.”

પરંતુ બાદશાહે ગંગના શબ્દો બરાબર સાંભળ્યા હતા, તેણે ગંગનો સ્વર ઓળખ્યો ન હતો, પણ એ શબ્દોનો અર્થ સારી પેઠે કળી ગયો હતો.

જ્યાં પશુ પંખી પહોંચવાની હીંમત ન કરે ત્યાં મનુષ્ય પહોંચી જાય એ શરમ ઉપજાવનારું હતું એટલે ગંગ જીવ લઈને નાઠો, છતાં આખરે ચોકીદારો એ તેને પકડી પાડ્યો. એવી ચોરી ચુપકીથી બાગમાં પ્રવેશ કરનાર કોઈ ચોર લુંટારો નહીં, પરંતુ કવિ ગંગ હોવાનું સાબિત થતાં ચોકીદારોએ તેને ગરદન મારવાનું યોગ્ય ન ગણતાં કેદ કર્યો.

ગંગનું ગમે તે થાય પણ દરઆરીયોની આશા ફળીભુત થઈ, ક્રોધિત થયેલો બાદશાહ મહેલથી બ્હાર આવ્યો. રાણીઓએ તેને મહેલમાં જ રાખવા ઘણી ઘણી યુક્તિઓ ચલાવી, પરંતુ તેણે તે પ્રત્યે ધ્યાન ન આપ્યું, ઘોડા અને ગધેડાની ઉપમા તે બરાબર સમજી ગયો હતો. રાણીઓએ દરબારીયોને લાખો ગાળો આપી, પણ એથી શું વળે? બાદશાહ તો છટક્યો તે છટક્યોજ.”

સ્હવાર પડતાંજ બાદશાહના નામને ઢંઢેરો ફર્યો, જે સાંભળી પ્રજામાં આનંદ ફેલાયો, હરામખોર અધિકારીયોના મનમાં ધાસ્તી પેઠી. વખત થતાંજ દરબાર ભરાયો અને ક્રોધાયમાન ચહેરે બાદશાહ આવી રાજ્યાસન ઉપર બેઠો. થોડીવારમાં કવિ ગંગને રાતના જ પોષાકમાં મુશ્કેટાટ ત્યાં લાવવામાં આવ્યો. બધા તેને જોઈ વિસ્મય પામ્યા, કોઇએ તેને ન ઓળખ્યો. બાદશાહનો અતિશય ક્રોધ જોઈ બધા દરઆરીયો ગુપચુપ બેઠા હતા. બાદશાહે પણ ગંગને ન ઓળખતાં કહ્યું “આ તે કોઈ ભૂત પ્રેત છે કે મનુષ્ય છે?”

કવિ ગંગે તરતજ નમન કર્યું, પણ એથી પેલી લાંબી ટોપી જમીન પર પડી ગઈ અને તેનો ચહેરો ખુલ્લો થતાં સૌ કોઈએ તેને ગંગ તરીકે ઓળખી લીધો. આ તમાશો જોઈ બાદશાહે કહ્યું “ગંગ ! મારા ઝનાનખાના સુધી પહોંચવાની તેં કેમ હીંમત કીધી ? તું ખરેખર મોતની શિક્ષાને પાત્ર છે.”

બાદશાહના આ વચન સાંભળી પ્રથમ તો ગંગ મુંગોજ ઉભો રહ્યો, પણ જ્યારે જલ્લાદે ચકચકતી તલવાર મ્યાનમાંથી કાઢી ત્યારે તેના હૃદય ઉપર જાણે વિદ્યુત્‌નો આઘાત્ થયો. તેણે ચારે તરફ દરબારીયો સ્હામે જોવા માંડ્યું, પણ બાદશાહના અતિશય ક્રોધને કારણે સૌ કોઈ ચુપચાપ માથું નમાવી બેઠા હતા, એક શબ્દ પણ બોલવાની કોઈએ હીંમત કરી નહીં. ગંગ આતુર નેત્રે પોતાને અપાયલા વચન મુજબ કોણ હામ ભીડે છે એ જોવા લાગ્યો. આ નવો તમાશો જોઈ બાદશાહ બોલી ઉઠ્યો:– “ગંગ ! આ વળી શો ઢોંગ ચલાવ્યો છે? આ દરબાર છે એનું તને કાંઈ ભાન છે?”

ગંગે જોયું કે મોટી મોટી વાત કરી તેને છાપરે બેસાડનારા સૌ, જાણે તેને ઓળખતા જ ન હોય તેમ ગુપચુપ બેઠા છે એટલે તેણે વિચાર્યું કે હવે મોત તો આવી જ લાગ્યું છે માટે, આ બધાને બતાવી આપવું જોઈએ કે મિત્રને ફસાવવામાં કેવો સાર નીકળે છે. તે બોલ્યો “જહાંપનાહ! આ ગંગ કદિ પણ એવી મૂર્ખાઈ ન કરે, પરંતુ આજે તો મૂર્ખનો સરદાર બની પરવચનમાં સપડાયો છે. આ બધા દરબારીયોને કારણે જ હું આ સ્થિતિએ પહોંચ્યો છું. એમનાજ આ બધાં કારસ્તાન છે.” એટલું કહી તેણે બધી હકીકત બાદશાહને કહી સંભળાવી. કવિનું વર્ણન અને તે પણ વળી તેને માથે મોત ઝઝુમતું હોય ત્યારે તેમાંથી બચવા કેવા પ્રકારનું હોય એ વાંચકો ઠીક વિચારી શકે એમ છે. ગંગે એ બીના એટલી બધી ચાતુર્યતાથી વર્ણવી બતાવી કે બાદશાહ પેટ પકડી હસવા લાગ્યો. તેણે ગંગને માફી બક્ષી કહ્યું “ કવિરાજ! પારકાના વચનમાં એકદમ શ્રદ્ધા આણવી તેનું પરિણામ આવુંજ હોય, માટે હવેથી પારકાના મનનો પૂરેપૂરો ભાવ જાણી લઈ આસપાસની બીજી બીનાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન આપ્યા પછી જ કોઈ પણ કાર્ય માથે લેવું.”

એ પછી બાદશાહે દરબારીયો તરફ વળી કહ્યું “શું, તમે બધાએ આ બીચારા વૃદ્ધ કવિને સ્વધામ પહોંચાડવાનો મનસૂબો કર્યો હતો? તમે ગોઠવણ સારી કરી હતી પણ બીચારાને ઉગારવાનો કોઈએ ઉપાય ન યોજ્યો એ શરમ ભરેલું કહેવાય.”

સૌ કોઈ ચુપ હતા, કોઈની પણ બાદશાહ સ્હામે બોલવાની હીંમત ન ચાલી, પરંતુ તે દિવસથી બાદશાહે દરબારમાં આવવાનું કદિ પણ મુકયું નહીં અને રાણી પોતાની આશા ઉપર પાણી ફરી વળેલું જોઈ બહુજ પસ્તાવો કરવા લાગી.