બીરબલ વિનોદ/ચાતુર્યની પરિસીમા

વિકિસ્રોતમાંથી
← હથેલીમાં વાળ બીરબલ વિનોદ
ચાતુર્યની પરિસીમા
બદ્રનિઝામી–રાહતી
બળદનું દૂધ →


વાર્તા ૨૩.

ચાતુર્યની પરિસીમા.

બીરબલ માંદો પડી જવાથી બેચાર દિવસ સુધી કચેરીમાં ન જઈ શક્યો એટલે શાહ તેને જોવા સારૂ તેને ઘેર ગયો અને બીરબલના પલંગ પાસેજ એક કુરસી ઉપર બેઠો, અને તબીઅત પૂછી જોઈ. એવામાં બીરબલને હાજત થઈ એટલે તે ત્યાંથી ઉઠી જાજરૂમાં ગયો.

એ વખતે બાદશાહે વિચાર્યું કે “માંદગીને કારણે બીરબલના ચાતુર્યમાં કાંઈ મંદતા આવી છે કે કેમ એ તપાસવું જોઈએ.” એ વિચાર આવતાં જ તેણે બીરબલના પલંગના ચારે પાયા હેઠળ એકેક ચીઠી મૂકાવી દીધી અને બીરબલની રાહ જોતો બેઠો. એટલામાં તો બીરબલ પાછો આવીને પલંગ પર સૂતો, અને થોડીવાર પછી ઉપરની છત સ્હામું જોવા લાગ્યો અને પછી પાછો નીચે જોવા લાગ્યો. આ જોઈ બાદશાહે કહ્યું “બીરબલ આ શું કરી રહ્યા છો?”

બીરબલ બોલ્યો “જહાંપનાહ! હું જાજરૂમાં જઈને આવ્યો એટલી વારમાં કોણ જાણે મારો પલંગ એક કાગળ જેટલો ઉંચો થયો અથવા ઉપરની છત નીચે આવી.”

બાદશાહ તેમજ તેની સાથે આવેલા અમલદારની અજાયબીનો પાર ન રહ્યો. બાદશાહ બોલી ઉકયો “ખરે. ખર આવું ચાતુર્ય અન્યમાં નહીં જ હોય. બીરબલ ! મેં તારા અસીમ ચાતુર્યની પરિક્ષા કરવા તારા પલંગના પાયા નીચે અકેક ચીઠી મૂકી હતી, અને તું તે પરિક્ષામાં ફતેહમંદ થયો.” એમ કહી તેણે બીરબલને ઘણીજ શાબાશી આપી.