બીરબલ વિનોદ/પાંચ પ્રશ્નો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આકાશને માર્ગે બીરબલ વિનોદ
પાંચ પ્રશ્નો
બદ્રનિઝામી–રાહતી
રજપૂતાણીનું પતિવ્રત →


વાર્તા ૧૫૮.
પાંચ પ્રશ્નો.

એક દિવસ બાદશાહ સૌ કરતાં વ્હેલો આવી દરબારમાં બેઠો. તેણે પોતાના મનમાં પાંચ પ્રશ્નો ગોઠવી રાખ્યા હતા, તેનો ખુલાસો દરબારીયો પાસેથી મેળવવાનો સંકલ્પ કર્યો. થોડી વારમાં દરબારીયો એક પછી એક આવવા લાગ્યા. પહેલાં જ અનવરખાન નામનો સરદાર આવી પહોંચ્યો એટલે બાદશાહે તેને પૂછ્યું “ અનવરખાન ! મ્હારા પાંચ સવાલોનો જવાબ આપશો ?”

અનવરખાને કહ્યું “હુઝૂર ! મ્હારાથી બની શકશે તો આપીશ.”

બાદશાહે પ્રશ્નો રજુ કરતાં કહ્યું “ફુલ, દાંત, પુત્ર, બધા રાજાઓમાં મ્હોટો રાજા અને બધા ગુણોમાં મ્હોટો ગુણ કયો ? તે કહો.”

અનવરખાને વિચાર્યું કે સવાલો તો ભારે છે અને આપણી અક્કલ તેના યોગ્ય ઉત્તરો આપી શકે તેમ નથી એમ વિચારી તેણે બાદશાહને કહ્યું “જહાંપનાહ ! હું એકલો જવાબ આપું અને તે ખોટો હોય એ ઠીક નહીં માટે બીજા દરબારીયો આવી જતાં તેમની સાથે મસહલત કરીને જવાબ આપું તો વિશેષ યોગ્ય ગણાશે.”

બાદશાહે તેની વાત કબુલ રાખી. થોડીવારમાં તો બધા દરબારી આવી લાગ્યા. બીરબલ એક અગત્યના કેસમાં રોકાયેલો હોવાથી આવી શક્યો ન હતો. દરબારીયોએ આપસમાં મસલહત ચલાવી લીધા પછી અનવરખાને ઉભા થઈ અરઝ કરી કહ્યું “ હુઝૂર ! એ પાંચે પ્રશ્નોના જવાબ અમે શોધી કાઢ્યા છે, જો આજ્ઞા હોય તો કહી સંભળાવું.”

બાદશાહે તેમ કરવાની આજ્ઞા આપતાં અનવરખાને કહ્યું “જહાંપનાહ ફૂલ મ્હોટું જાઈનું, દાંત મ્હોટા હાથીના, પુત્ર રાજાનો મ્હોટો, રાજાઓમાં મ્હોટો ચકવતી રાજા અને મ્હોટામાં મ્હોટો ગુણ વિદ્યા.”

દરબારીયોના મનથી એ જવાબો ખરા જ હતા પણ બાદશાહે ના કબુલ કર્યા એટલે સૌ વિચારમાં પડી ગયા. એવામાં બીરબલ આવી પહોંચ્યો, બાદશાહે તેને પણ એ પાંચ પ્રશ્નો પૂછ્યા. બીરબલે તરતજ ઉત્તર આપ્યો “જહાંપનાહ ! ફુલ કપાસનું મ્હોટું જે આખી માનવ જાતિને ઢાંકે છે. દાંત હળના મ્હોટા જેના ઉપયોગથી બધી જાતનું ધાન્ય પાકે છે. પુત્ર ગાયનો મ્હોટો જે જમીન ખેડે છે. બધા રાજાઓમાં મેઘરાજ મ્હોટો જેના વરસવાથી જગત સારાનું પોષણ થાય છે, અને બધા ગુણોમાં મ્હોટો ગુણ હીંમત, કેમકે એક કહેવત પણ છે કે ‘હીંમતે મર્દા તો મદદે ખુદા.’

આ પાંચે જવાબ સાંભળી બાદશાહ તેમ જ દરબારીયોએ તે કબૂલ રાખ્યા અને તેની અક્કલની બધા પ્રશંસા કરવા લાગ્યા.