બીરબલ વિનોદ/પૃથ્વીનું મધ્ય

વિકિસ્રોતમાંથી
← ન્હાની લીટી કોની બીરબલ વિનોદ
પૃથ્વીનું મધ્ય
બદ્રનિઝામી–રાહતી


વાર્તા ૧૬૫.
પૃથ્વીનું મધ્ય.

એક દિવસ એક બેગમે બાદશાહને કહ્યું કે " તમે બીરબલને આટલો બધો ચતુર બતાવો છો તો , હું એક સવાલ કહું તેનો એની પાસેથી જવાબ માગો અને તે બરાબર ઉત્તર આપી શકે તો ચતુર »

બાદશાહે પૂછયું “એ કયો સવાલ છે?”

બેગમે કહ્યું “ પૃથ્વિનું મધ્ય કયાં છે ? એ સવાલ તમારા બધા દરબારીયોને ચકરાવી મૂકશે.”

બાદશાહ તે સાંભળીને હસ્યો, કારણ કે તે સારી પેઠે જાણતો હતો કે ઝાહેર રીતે તો એ સવાલ ઘણોજ કઠિન છે; પરંતુ ચતુર પુરૂષ આગળ કશાય લેખાનો નથી. બાદશાહે કહ્યું “ ઠીક, અત્યારેજ હું બીરબલને અત્રે બોલાવી તેના ચાતુર્યની સાબિતી તને આપુ છું.” એમ કહી તેણે બીરબલને ત્યાં બોલાવી મંગાવ્યો." બીરબલ આવી પહોંચતાં બાદશાહે તેને કુરસી આપી બેસાડ્યો અને આમતેમની થોડીક વાત કર્યા પછી પુછયું "બીરબલ ! આ પૃથ્વિનું મધ્ય કયાં હશે વારૂ?”

બીરબલે તરતજ જવાબ આપ્યો “જહાંપનાહ ! આપના દરબારના બરાબર મધ્ય ભાગમાં પૃથ્વિનું પણ મધ્ય આવેલું છે.”

બાદશાહે કહ્યું “એની શી ખાત્રી?”

બીરબલ બોલ્યો “ હુઝુર ! જો ખાત્રી કરવી હોય તો આપ માપી જુઓ. આપ જેવા મહાન શહેનશાહનું આ પાટનગર છે, જ્યાં બધા દેશના વ્યાપારીયો વ્યાપારાર્થે સેંકડો નહીં, બલ્કે હઝારો ગાઉ દૂરથી આવે છે. એટલે પૃથ્વિનું આ મધ્ય નહીં તો બીજું કયું હોય ?”

બીરબલની ચતુરાઈ જોઈ બાદશાહ ઘણો જ આનંદ પામ્યો અને બેગમને પણ પોતાની ભૂલ જણાઈ આવી. તેણે બાદશાહને કહી બીરબલને ભારે ઈનામ અપાવ્યું.

સમાપ્ત