બીરબલ વિનોદ/ન્હાની લીટી કોની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નહીંતડકામાં નહીંછાયામાં બીરબલ વિનોદ
ન્હાની લીટી કોની
બદ્રનિઝામી–રાહતી
પૃથ્વિનું મધ્ય →


વાર્તા ૧૬૪..
ન્હાની લીટી કોની ?

એક દિવસે બાદશાહ દરબારમાં બેઠો હતો. બીરબલની ગેરહાજરીનો લાભ લઈ, એક બીરબલના દ્વેષી દરબારીએ બાદશાહને અરઝ કરી “ હુઝૂર ! આપના દરબારમાં રાજા ટોડરમલ, રાજા ભગવતસિંહ, નવાબ અબુલ ફઝલ, નવાબ અબુલ ફૈઝી વિગેરે મહાન દરબારીયો છે, છતાં આપ બીરબલ ઉપર વધારે મહેરબાની રાખો છો, એની શી મતલબ ! એ અમારાથી નથી સમજાતું !!”

બાદશાહ તેની મતલબ સમજી ગયો હતો, તેણે કહ્યું આ બધા દરબારીયો મહાવિદ્વાન અને પંડિતો છે, છતાં બીરબલમાં હાજરજવાબી અને સમયસુચકતા વિશેષ છે. ” પછી બાદશાહે મનમાં વિચાર કર્યો કે “ આજે બીરબલની ચતુરાઈનો કોઈ અજબજ રીતે એમને સાક્ષાત્કાર કરાવું. ”

થોડીવારમાં બીરબલ તેમજ અન્ય મ્હોટા મ્હોટા દરબારીયો આવી પહોંચ્યા. થોડુંક સરકારી કામકાજ થયા પછી આમતેમની વાતો થવા લાગી. વાત પરથી વાત નીકળતાં બાદશાહે પોતાના હાથમાંની લાકડી વડે ઝમીન ઉપર એક લીટી દોરી અને બધા દરબારી તરફ ફરીને કહ્યું “આ લીટી છે એને હાથ લગાડયા વિનાજ એની મેળે ન્હાની થઈ જાય એવો કોઈ ઉપાય બતાવો.”

બધા વિચારમાં પડી ગયા કે હાથ લગાડ્યા વગર લીટી ન્હાની કેમ થાય !? થોડીવાર સુધી તેમને વિચાર કરી લેવા દઈ બાદશાહે પૂછયું “ કેમ, કોઈ ઉપાય સૂજે છે કે નહી ?"

બધાએ ના પાડી, એટલે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલે તરતજ તે લીટીની બાજુમાં તેનાથી મોટી લીટી દોરીને કહ્યું “ આ બેમાંથી ન્હાની લીટી કઈ?”

બધાએ કહ્યું “ બાદશાહ સલામતની લીટી ન્હાની થઈ ગઈ છે."

બાદશાહ બોલી ઉઠયો "જોયું ? એનું નામ તે સમયસૂચકતા ! મ્હારે મન તમે મ્હારા બધા દરબારીયો એક સરખા છો. હું કોઈને વધારે ઓછો ગણતો નથી. બાકી આટલી તેની ચતુરાઈ મ્હને વધારે પ્રેમ અર્પવા માટે ઉશ્કેરે છે. ”

ત્યારબાદ થોડીક ગપગોળા ચાલ્યા પછી દરબાર બરખાસ્ત કરવામાં આવ્યો.