બીરબલ વિનોદ/નહીંતડકામાં નહીંછાયામાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૫ંડિતના પ્રશ્નો બીરબલ વિનોદ
નહીંતડકામાં નહીંછાયામાં
બદ્રનિઝામી–રાહતી
ન્હાની લીટી કોની →


વાર્તા ૧૬૨.
જુઠી માયા.

એક દિવસ બાદશાહ અને બીરબલ બીજા કેટલાક દરબારીયો સાથે મહેલના બગીચામાં બેઠા બેઠા ટોળ ટપ્પા મારતા હતા. જુદીજુદી વાતો થયા પછી કુદરત અને ત્યાર પછી માણસના મોત વિષે વાત નીકળી. એક દરબારીયે કહ્યું “માણસ પોતાની આખી ઝિંદગી સુધી તરેહવાર મુસીબતો ઉઠાવી, મજુરી કરી, જુઠું સાચું બોલી પોતાની સંતતિ માટે દોલત એકઠી કરી જાય છે પણ પોતાની સાથે કાંઈ લઈ જઈ શકતો નથી. જેવી રીતે જન્મતી વેળા તે ખાલી હાથે આવ્યો હતો, તેવીજ રીતે મરતી વખતે પણ ખાલી હાથે દુનિયાથી જાય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે, જન્મ વખતે મૂઠી બંધ હોય છે અને મરણ વખતે મુઠી ખુલ્લી હોય છે.”

આ સાંભળી બીરબલે કહ્યું “હુઝૂર! અત્યારે મ્હને એક આગલા બાદશાહની વાત યાદ આવી છે. જો આજ્ઞા હોય તો સંભળાવું.”

બાદશાહે હુકમ આપતાં, સૌ કોઈ એક ચિત્તે સાંભળવા તૈયાર થયા. બીરબલે કહ્યું “આગલા ઝમાનામાં એક મ્હોટો બાદશાહ હતો. તેની પાસે અઢળક દોલત હતી, અસંખ્ય હાથી, ઘોડા, ઉંટ, ગાય વગેરે પશુઓ હતા. તે એક વિશાળ દેશ ઉપર રાજ્ય ચલાવતો હતો. લાખો નહીં બલકે કરોડો હીંદુ, મુસલમાનો તેની પ્રજા તરીકે તેને માન આપતા. તેનું લશ્કર પણ અજીત કહેવાતું અને તેના નામ માત્રથી શત્રુઓ ધ્રુજી ઉઠતા હતા.

વૃદ્ધાવસ્થાને કારણે બાદશાહ જ્યારે માંદો પડ્યો અને તેનું મોત પાસે દેખાવા લાગ્યું, ત્યારે તેણે પોતાના એકના એક શાહઝાદાને બોલાવી કહ્યું “પ્યારા બેટા ! મ્હારૂં મોત નઝદીક છે. હું મરી જાઉં એટલે મ્હારી કબ્ર સુધી લઈ જતી વખતે મ્હારા હાથ જનાઝામાંથી બ્હાર રાખજો અને આખા શહેરમાં મ્હારો જનાઝો ફેરવ્યા બાદ દફનાવજો.”

થોડા વખત પછી તે મરી ગયો, ત્યારે તેના પુત્રે પોતાના બાપની મરઝી પ્રમાણે તેના હાથ જનાઝામાંથી બ્હાર રાખ્યા અને જનાઝો આખા શહેરમાં ફેરવ્યો.

શહેરના લોકો મરહુમ બાદશાહના હાથ જનાઝા બ્હાર ખુલ્લા જોઈ આશ્ચર્ય પામતા, માંહોમાંહે પૂરપરછ કરવા લાગ્યા. એવામાં એક કવિ ત્યાં ઉભો હતો તેણે કહ્યું “ભાઈયો ! આનું કારણ બહુજ ચમત્કારી છે. સાંભળો:—

સવૈયા.

રાજ કીયો બહુ દેશનકો,
સબ રાજનમેં હકુમત છાંઈ;
દેશ, કિલ્લે, ગઢ, કોટ રચે,
સંગે નારીનકે અતિ એશ ઉડાઈ:
હીરા, લા'લ જવાહિર, મણિ,
મુકતન કે ભંડાર ભરાઈ;
રંગી કહે સબ ઠાઠકો છોડદે,
હાથ પસારકે જાત હો ભાઈ.*[૧]

  1. *એવીજ મતલબનો એક ઉર્દુ શએર પણ છે કે:— ક્યા લાયાથા, સિકંદર, દુનિયાસે લે ચલા ક્યા ? યે હાથ દોનોં ખાલી બાહિર કફનસે નિકલે.