બીરબલ વિનોદ/૫ંડિતના પ્રશ્નો
← બાદશાહનો પોપટ | બીરબલ વિનોદ ૫ંડિતના પ્રશ્નો બદ્રનિઝામી–રાહતી |
નહીંતડકામાં નહીંછાયામાં → |
એક દિવસે બાગમાં દરબાર ભરાયો હતો, ગાનતાન ચાલી રહ્યુ હતું. તે વખતે એક પરદેશી પંડિત, જે કેટલાક દિવસથી દિલ્હીમાં આવ્યો હતો તે રજા મેળવીને દરબારમાં દાખલ થયો. થોડીવાર સુધી તેણે ત્યાં ચાલતા ગાનતાન અને ટોળટપ્પા સાંભળ્યા પછી બાદશાહને અરઝ કરી “હુઝૂર ! મ્હારે આપના દરઆરીયોને કેટલાક સવાલો પૂછવાની ઈચ્છા છે. જે આપ આજ્ઞા આપો તો પૂછું.”
બાદશાહે કહ્યું “ખુશીથી પૂછો. એમાં મ્હને કોઈ પણ રીતે વાંધો નથી.” પંડિતે હાથ જોડી કહ્યું “જહાંપનાહ ! આપના દરબારીયોમાંથી અકેક જણે જવાબ આપવો. એક પણ સવાલનો જવાબ આપી ન શકે તો તેણે બીજા સવાલનો જવાબ આપવો નહીં.”
બાદશાહે કહ્યું “હા ભલે, તમે જેમ કહો તેમ દરબારીયોએ જવાબ આપશે.”
પંડિતે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરતાં કહ્યું “માણસે યુવાનીમાં શું કરવું ?” એક દરબારીચે ઉભા થઈ જવાબ આપ્યો કે “ સદાચારી રહેવું.”
પંડિતે કહ્યું “ ના, એ જવાબ નથી. સદાચારી તો દરેક અવસ્થામાં રહેવુંજ જોઈએ.”
બીજો દરબારી બોલ્યો “ઈશ્વરના આજ્ઞાધીન રહેવું.”
પંડિત એ જવાબ પણ ખોટો કહ્યો એટલે બીજા દરબારીયોએ જવાબ ખોટો પડતાં કૃત્રિમ પાંડિત્ય જાણાઈ આવવાની બ્હીકે મુંગા બેસી રહેવામાંજ શોભા ગણી તેમણે મનમાં વિચાર કર્યો કે “ બીરબલ અથવા જગન્નાથ પંડિત એના સવાલોના જવાબ આપી શકશે, માટે જોઈયે તેઓ શું કહે છે.”
જગન્નાથ પંડિત તે દિવસે દરમ્બરમાં આવેલા ન હોવાથી બીરબલે જવાબ આપવાનું પોતાનું ફર્ઝ ગણ્યું. તેણે તરતજ ઉભા થઇ કહ્યું “પંડિતજી ! વૃદ્ધાવસ્થામાં સુખે રહેવાનો ઉપાય મનુષ્યે જુવાનીમાં યોજવો જોઈએ.”
પંડિતે બીરબલનો જવાબ માન્ય રાખ્યો અને ત્યારબાદ નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી થઈ:--
સવાલ– “એવું શું છે જે, પાછળથી આવે છે અને આગળથી જાય છે ?
જવાબ–“દાંત. એ માણસના જમ્યા પછી આવે છે, મરણ અગાઉ ચાલ્યા જાય છે.”
સ– “ નાશ ન પામે એવું શું ?
જ– "કીર્તિ.”
સ–“એવી કઈ બે ચીઝો છે કે, જે એક બીજાની પાસે છે, છતાં મળી શકતી નથી?" જ- આંખો. બેઉ એકમેકની પાસે છે, છતાં વચ્ચે નાક નડેલું છે, જેથી તેમનો મેળાપ થતો નથી.”
સ--“ સુખી રહેવાનો માર્ગ કયો ?”
જ—“ સંતોષી રહેવું તે."
સ-“કઈ વસ્તુ બહુમૂલ્ય અને વખાણવા લાયક છે?"
જ-—“ કારીગરીથી બનાવેલી.”
સ–“સૌથી ઉત્તમ ધંધો કયો ?”
જ- "ખેતીનો.”
સ—-“મુર્ખ કોણ કહેવાય?”
જ—“જે પોતાનો સ્વાર્થ નથી સમજતો તે.”
સ– “કજીયાનું મૂળ શું ?”
જ--“હાંસી.”
સ--“એવું શું છે કે, જે પોતાના પડોસીયોને પણ પોતાના જેવા જ બનાવી દે?"
જ--“ સુખડ.”
સ-“ સંતોષકારક કામ ક્યારે થાય ?”
જ—-“ જ્યારે પોતાને હાથે કર્યું હોય ત્યારે."
બીરબલે પોતાના ઉપરાચાપરી સવાલના જરા પણ વિચાર કર્યા શિવાય સચોટ ઉત્તરો આપેલા જોઈ પંડિત ઘણોજ પ્રસન્ન થયો. બાદશાહ પણ બીરબલની જીત થયેલી હોવાથી બહુજ ખુશ થયો અને પંડિતને તથા બીરબલને ભારે ઇનામ આપ્યું.