બીરબલ વિનોદ/બાદશાહનો પોપટ

વિકિસ્રોતમાંથી
← રજપૂતાણીનું પતિવ્રત બીરબલ વિનોદ
બાદશાહનો પોપટ
બદ્રનિઝામી–રાહતી
૫ંડિતના પ્રશ્નો →


વાર્તા ૧૬૦.
બાદશાહનો પોપટ.

એક દિવસે તહેવાર પ્રસંગે એક ફકીર બાદશાહને એક પોપટ ભેટ આપી ગયો. તેણે તેને કેટલુંક બોલતાં શીખવ્યું હતું, જેથી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો અને એક ચાકરને બોલાવી તે પોપટની દેખરેખનો સર્વ ભાર તેને સોંપ્યો. અને સાથે સાથે સખત હુકમ પણ કર્યો કે “એની બરાબર માવજત રાખવી અને લગાર પણ તબીયત અસ્વસ્થ જણાય તો તરત જ મ્હને ખબર કરવી, અને ‘પોપટ મરી ગયો’ એમ જો કોઈ આવીને મ્હને કહેશે તો તેનું માથું ધડથી ઉડાવી દઈશ.”

બીચારા ચાકરે પોપટની બરાબર દેખરેખ રાખવા માંડી અને પોતાના પ્રાણ કરતાં પણ, બાદશાહની બ્હીકને લીધે પોપટના પ્રાણને બહુમૂલ્ય ગણવા લાગ્યો. પરંતુ એક દિવસ પોપટ એકાએક મરી ગયો. હવે બીચારા નોકરને ધાસ્તી લાગવા માંડી, કેમકે જો બાદશાહને જઈને તે પોપટના મરી જવાના સમાચાર સંભળાવે તો માથું કપાઈ જાય. તે બીચારો ભારે ચીંતામાં પડ્યો, એવામાં બીરબલ કોઈ, અગત્યના કામ પ્રસંગે મહેલમાં આવ્યો એટલે નોકરે તેની સ્હામે ગુઠણમંડીએ પડી અત્યંત કાલાવાલા કરી પોતાનો જીવ બચાવવાની વિનંતિ કરી.

બીરબલે તેને આશ્વાસન આપી શાંત કર્યો અને પછી બાદશાહ પાસે જઈ કહ્યું “ ખુદાવિદ ! આપ પો....આપણો પોપ....ટ....”

બાદશાહે ગભરાઈ જઈ પૂછયું “શું મરી ગયો ?”

બીરબલે કહ્યું “ના, જહાંપનાહ' એમ તે બને !? એતો મહાતપસ્વી છે, અત્યારે તેણે સમાધિ ચઢાવી છે. આકાશ તરફ મોઢું કરી પગ કે પાંખો હલાવ્યા વગર ચાંચ અને આંખો બંધ કરી બેઠો છે."

બાદશાહ બોલ્યો “ ત્યારે એમજ કહોને કે તે મરી ગયો ?!

બીરબલે કહ્યું “જહાંપનાહ ! આપ ગમે તેમ કહો, પણ મ્હને તો લાગે છે કે તે તપશ્ચર્યા કરે છે. આપ એકવાર ત્યાં પધારીને જુઓ તો ખરા ?"

બાદશાહ તેની સાથે પાંજરા પાસે આવ્યો અને પોપટને મરેલો જોઈ કહેવા લાગ્યો “અરે, બીરબલ ! ત્હારા જેવો મ્હોટો વિદ્વાન માણસ એટલું પણ ન સમજી શકે કે પોપટ મરી ગયો છે કે સમાધિ ચઢાવી બેઠો છે, તો એ દુનિયામાં એક અજાયબી રૂપ અને ત્હારી સખ્યાતિને હાનિકારક નથી ?! ત્હે મ્હને ત્યાંજ કહી દીધું હતું કે 'પોપટ મરી ગયો' તો મ્હને આટલે સુધી ફેરો તો ન પડત!?"

બીરબલે હાથ જોડી કહ્યું “હુઝૂર! શું કરું? તે વખતે હું લાચાર હતો. જો મ્હેં એવા સમાચાર સંભળાવ્યા હોત તો મ્હારું માથું ઉડી ન જાત!?”

હવેજ બાદશાહને પોતે આપેલી આજ્ઞા યાદ આવી અને તેણે બીરબલને તેની બુદ્ધિમત્તાથી પ્રસન્ન થઈ ભારે ઈનામ આપ્યું.