લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/બેટા રોતા થા

વિકિસ્રોતમાંથી
← કોને કોને ધિક્કાર છે ! બીરબલ વિનોદ
બેટા રોતા થા
બદ્રનિઝામી–રાહતી
તે તે પાંવ પસારીયે જેતી લાંબી સોડ →


વાર્તા ૧૪૬.

બેટા રોતા થા.

એક દિવસ બીરબલ દરબારમાં હાઝર ન થઈ શક્યો, એટલે બાદશાહે તેને બેલાવી લાવવા સીપાહી મોકલ્યો. સીપાહીએ બીરબલ પાસે જઈ કહ્યું બાદશાહ સલામત આપને યાદ ફરમાવે છે, માટે તાકીદે ચાલો” પણ બી- રબલે તેને માત્ર “હમણાં જ હાઝર થાઉં છું, તમે જાવ.” એમ કહી વિદાય કર્યો. સીપાહીએ બીરબલે આપેલો જવાબ બાદશાહને કહી સંભળાવ્યો. બાદશાહે વળી પાછી અડધી કલાક સુધી વાટ જોઈ, પણ બીરબલનો પત્તો જ નહીં, એટલે પાછો સીપાહીને તેડવા મોકલ્યો. બીજી વખત પણ બીરબલે ઉપલોજ જવાબ આપી તેને પાછો કાઢ્યો. ફરી પાછો અડધો કલાક વીતી જતાં ત્રીજીવાર સીપાહીને રવાના કરવામાં આવ્યો, પરંતુ બીરબલે ઉપલો ઉત્તર આપી તેને પાછો કાઢ્યો. હવે તો બાદશાહથી ન રહેવાયું, તેણે એક અમલદારને હુકમ કર્યો કે “જાવ, જલ્દીથી તેને બોલાવી લાવ, અને જો ન આવે તો પકડીને હાઝર  કરો.”

પેલો અમલદાર બીરબલને ઘેર ગયો અને બાદશાહનો હુકમ કહી સંભળાવ્યો. બીરબલે વિચાર કર્યો કે 'હવે જો આનાકાની કરી તો માઠું પરિણામ ઉદ્દભવવાનો સંભવ છે.' એટલે તે ઝટ તૈયાર થયો અને બાદશાહ સામે હાઝર થઈ ગયો. તેણે સલામ કરી, પણ બાદશાહે ગુસ્સાને કારણે તેનો જવાબ ન આપ્યો અને ઉલ્ટો ક્રોધમાંજ સવાલ કર્યો “કેમ બીરબલ ! આજે તને બોલાવવા માટે ત્રણ વાર સીપાહીને મોકલવો પડ્યો, છતાં તારું “આવું છું.” વાકય પુરૂં ન થયું ? આટલી બધી વાર તેં શા કારણે લગાડી ?”

હાઝર જવાબ બીરબલે તરતજ હાથ જોડી અરઝ કરી “ હુઝુર ! દીકરો રડતો હતો, તેને સમજાવતાં આટલો બધો વખત ગાળવો પડ્યો.”

બાદશાહે વધુ ગુસ્સામાં કહ્યું “તું આવા રોકડીયા ઉત્તર આપી મ્હને પણ બનાવવા ચાહે છે? બાળકને તે સમજાવતાં શી વાર લાગે ? તેને મનગમતી ચીજ આપી કે તરત છાનું થઈ જાય.

બીરબલે કહ્યું “જહાંપનાહ! બાળકને કેવી રીતે સમજાવવો એનો અનુભવ હજુ આપને થયો નથી, એટલે બાળહઠ વિષે આપ શું જાણો?”

હવે બાદશાહને ગુસ્સો સહેજ નરમ પડયો હતો. તેણે કહ્યું બીરબલ! તારા જેવો ચતુર પુરૂષ બાળકને ન સમજાવી શકે એ તો આશ્ચર્યની વાત !! જો તારી જગ્યાએ હું હોત તો તરત સમજાવી દેત.”

બીરબલે કર સંપુટ કરી અરજ કરી “નામદાર! રાજા માબાપ તરીકે ગણાય છે અને રૈયત તેના બાળક છે. માટે હું બાળક બનું અને આપ મને સમજાવો અને પછી જુઓ કે બાળહઠ કેવા પ્રકારની હોય છે.”

બાદશાહે તે વાત કબુલ કરી એટલે બીરબલે ન્હાના બાળકની પેઠે ઝમીન પર બેસીને હળવે હળવે રડવા માંડયું. બાદશાહ તખ્ત ઉપરથી હેઠે ઉતરીને તેને સમજાવવા લાગ્યો અને શરિર પર હાથ ફેરવી કહ્યું “બેટા ! તું કેમ રડે છે ?” ત્યારે બાળ બીરબલે વધુ જોરથી રડવા માંડયું. બાદશાહે તેને પોતાના ખેળામાં લઈ મમતાથી પૂછયું “ બેટા ! તું કેમ રડે છે? તને શું જોઈએ? ચાલ જલ્દીથી કહે, હું હમણા જ તને અપાવું.” તોપણ તેણે કાંઈ જવાબ ન આપતાં ઉં ઉં ઉં કરીને રડવાનું ચાલુ રાખ્યું. થોડીવાર સુધી એવી રીતે રડયા પછી તે બોલ્યો “મને શેરડી જોઈયે છે, તે મંગાવી આપ.” બાદશાહે તરતજ શેરડીનો એક ભારો મંગાવ્યો અને તેમાંથી પસંદ પડે તે કાઢી લેવા કહ્યું. બીરબલે તો પાછું રડવાનું શરૂ કરી કહ્યું “તું કાઢી આપ,"

બાદશાહે ભારામાંથી એક સારી શેરડીને કકડો કાઢી આપ્યો તો તે “આ નહી ” કહી ફેંકી દીધી. “આ નહીં, પેલો એમ કરતાં કરતાં છેવટે એક કકડો પસંદ કર્યો, અને તે હાથમાં લઈ પાછું રડવા માંડયું. ત્યારે બાદશાહે પૂછ્યું "બેટા! હવે શામાટે રડે છે? પાછું વળી શું જોઈએ છે?”

થોડી પળ ૨ડ્યા પછી તેણે જવાબ આપ્યો “ આને છોલી આપ.” બાદશાહે શેરડી છોલીને તેના હાથમાં આપી. તે લઈને પાછો રડવા લાગ્યો. બાદશાહે પૂછ્યું “ હવે શા માટે રડે છે?” તેણે કહ્યું “એના કકડા કરી આપ.”

બાદશાહે કકડા કરી આપ્યા એટલે બીરબલે રડતાં રડતાં કહ્યું “મ્હારી ટોપીમાં નાંખ.” બાદશાહે તેમ કર્યું. એટલે તેણે ટોપી શેરડીના કકડા સુદ્ધાં ફેંકી દીધી. બાદશાહ ઉઠીને તે વીણવા લાગ્યો અને બીરબલ આગળ ભેગા કરી પૂછ્યું “ બેટા ! છાનો રહે. જો તેં કહ્યું તેમ મ્હેં કર્યું ને?” બીરબલે તો રડવાનું બંધ કર્યું જ નહીં અને પગ ઘસવા લાગ્યા. બાદશાહે આ પ્રકાર જોઈ પૂછયું “ બેટા ! આમ શા માટે કરે છે ?”

બીરબલે કહ્યું “આને કાપી કેમ નાંખ્યો? પાછો આખો કરી આપ.”

બાદશાહે કહ્યું “બેટા ! આને આખો કેવી રીતે કરી શકાય ?”

બીરબલે હાથ જોડી આરઝ કરી “ત્યારે પછી હું રડવાનું કેમ બંધ કરૂં?”

બાદશાહે કહ્યું “ બીરબલ ! ધન્ય છે તને ! તું જે બોલ્યો તે ખરૂં જ છે. ખરેખર બાળહઠ તે બાળહઠજ છે.”

બાદશાહનો ગુસ્સો તદ્દન ઉતરી ગયો હતો એટલે તે તખ્ત ઉપર જઈ બેઠો. બીરબલ પણ પોષાક બદલી પોતાની જગ્યાએ જઈ બેઠો. બધા દરબારીયોએ બીરબલનાં ઘણાં જ વખાણ કર્યા અને બાદશાહે પણ ભારે ઈનામ આપ્યું.