બીરબલ વિનોદ/વીંછીનો મંત્ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એનું નામ તે મસ્ખરી!! બીરબલ વિનોદ
વીંછીનો મંત્ર
બદ્રનિઝામી–રાહતી
દિલ્હીમાં કાગડા કેટલા? →


વાર્તા ૬૪.

વીંછીનો મંત્ર.

એક દિવસે કેટલાક દરબારીયોએ બીરબલ સાથે એવી શરત લગાવી કે 'જો તે ભર દરબારમાં શાહઝાદીનું ચુંબન લે, તો દસ હઝાર રૂપિયા ઈનામ તરીકે આપવા'. બીરબલે એ શરત કબુલ કરી, બીજે દિવસે સ્હવારમાંજ તે રાજમહેલમાં ગયો. શાહી કુટુંબમાં બીરબલ એક અંગત્ પુરૂષ તરીકે લેખાતો હતો, તેનો પડદો રાખવામાં આવતો ન હતો. તેણે શાહઝાદીને પોતા પાસે બોલાવી, કે જેની ઉમ્મર લગભગ તેર ચૌદ વર્ષની હતી અને તેને સઘળી બીના કહી સંભળાવી. શાહઝાદીએ કહ્યું “કાકાજી ! ભર દરબારમાં આપ કેવી રીતે ચુંબન લઈ શકો? બીરબલે તેને તે વિષેનો પાઠ ભણાવી દીધો.

બપોરે દરબાર ભરાઈ, બધા સરદારો હાઝર હતા. એવામાં શાહઝાદી કૃત્રિમ, છતાં જણાઈ ન આવે એવું કલ્પાંત કરતી ત્યાં દોડી આવી અને બાદશાહને જણાવ્યું કે, તેણીના ગાલ ઉપર વીંછી ડંખ્યો છે.

બાદશાહે દરબારીયો તરફ જોઈ કહ્યું “કોઈને વીંછીનો મંત્ર આવડે છે?” બીરબલ ઝટ બોલી ઉઠ્યો “હઝૂર ! મંત્ર તો આવડે છે, પરંતુ તેમાં બાધા માત્ર એટલીજ છે કે જે જગ્યાએ વીંછી કરડ્યો હોય તે જગ્યા હોઠ વડે ચૂસવી જોઈએ, અને શાહઝાદીને તો ગાલ ઉપર વીંછિ ડંખ્યો છે?!!”

બાદશાહે કહ્યું “બીરબલ ! શાહઝાદી હમણાં બાળક છે અને વળી તારો સંબંધ કાકા જેવો છે, એટલે કાંઈ મરજાદ જેવું નથી. માટે જલદીથી વીંછી ઉતારવાની કોશિષ કર.”

બીરબલે તરતજ શાહઝાદીને ચુંબનો લેવા માંડ્યા અને જે દરબારીયોએ શરત લગાવી હતી તેમને ઇશારો કર્યો. થોડીવારે શાહઝાદીએ કહ્યું “હવે વેદના મટી ગઈ છે. એટલે બીરબલે ચુંબને લેવાનું બંધ કર્યું અને એ જાણે શરત જીત્યો.

પેલા દરબારીએ બાદશાહને કહ્યું “હુઝૂર ! એ મંત્ર તો અમને પણ આવડતો હતો, છતાં શાહી અદબને કારણે અમે તે ઝાહિર ન કરી શક્યા.” બાદશાહે કહ્યું “ખે૨, પણ તમે આ વાત મને અત્યારે પણ કહી એ ઠીક કર્યું, કેમકે કદાચ એવો પ્રસંગ આવી લાગે અને બીરબલ હાઝર ન હોય તે તમને એ કાર્ય સોંપી શકાય.”

બીરબલ જોડે લગાવેલી શરત પ્રમાણે દરબારીયોએ દસ હઝાર રૂપીયા આપવાનો ઈન્કાર કર્યો. બીરબલ તેનો બદલો વાળવાનો લાગ જોતો હતો. એક દિવસ બાદશાહ તેમના બધા દરબારીયો સાથે ઉજાણીએ ગયો. ચોમાસું મસ્તાન હતું, ચારે તરફ લીલું ઘાસ ઉગી નીકળ્યું હતું. બીરબલ લાગ જોઈ ઘાસ ઉગ્યું હતું ત્યાં પેશાબ કરવા ગયો અને ત્યાંથીજ “અરેરેરેરે ! ! વીંછી કરડ્યો !” એવી બૂમ પાડી ઉઠ્યો. બાદશાહે તરતજ પેલા દરબારીને વીંછી ઉતારવાની આજ્ઞા આપી. પેલાઓએ જોયું કે ‘હવે તો આપણે સપડાયા છીએ.’ એટલે બાદશાહને અરઝ કરી “જહાંપનાહ ! વીંછી એવી જગ્યાએ કરડ્યો છે કે એ મંત્ર મુજબ ઉતાર કરવો નીતિ વિરૂદ્ધ જાય છે.” બાદશાહ સમજી ગયો કે કોઈ વાતે દરબારીયોએ બીરબલને સતાવ્યો હોવો જોઈયે અને એથીજ બીરબલે આ લાગ સાધ્યો છે.” એમ વિચારી તેણે સ્હેજ કરડાકીથી કહ્યું “માણસનો જીવ નીકળતો હોય અને તેને ઉગારવાનું આપણા હાથમાં હોય, છતાં આપણે તેને મરવા દઈએ એ નીતિમય છે કે નીતિવિરૂદ્ધ બલ્કે પાપમય ? ! !”

દરબારીયો ચુપ થઈ ગયા, આ બધો વખત બીરબલ મોટે મોટેથી બૂમ પાડતો રહ્યો અને જાણે ખરેખર વીંછી કરડ્યોજ હોય તે પ્રમાણે ચાળા કરતો રહ્યો. દરબારીયોએ બીજો રસ્તો ન મળતાં અરઝ કરી “નેકનામ ! આ કામ નીતિવિરૂદ્ધનું–બેશર્મીનું હોવા છતાં, આપની આજ્ઞાથી તે બજાવી લાવવા અમો તૈયાર છીએ. અમારામાંથી એક માણસ એ કાર્ય બજાવશે, પરંતુ ચારે બાજુ પડદો કરી લેવો જોઈએ.”

બાદશાહે તે વાત કબુલ રાખી એટલે શરત લગાવતી વખતે જે માણસ આગેવાન બન્યો હતો, તેણે બીરબલ પાસે જઈ આજીઝી કરી અને દસ ને બદલે વીસ હઝાર રૂપીયા આપવાની સોગંદપૂર્વક કબુલાત આપી, અને એ પ્રમાણે છુટકારો મેળવ્યો.