લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/વ્હાલામાં વ્હાલી વસ્તુ

વિકિસ્રોતમાંથી
← બળદનું દૂધ બીરબલ વિનોદ
વ્હાલામાં વ્હાલી વસ્તુ
બદ્રનિઝામી–રાહતી
અક્કલ અને મૂર્ખતાની પરિક્ષા →


વાર્તા ૨૫.

વ્હાલામાં વ્હાલી વસ્તુ.

એક દિવસ બાદશાહે પોતાની માનીતી રાણી ઉપર ગુસ્સે થતાં તેણીને એ હુકમ કર્યો કે “આજેને આજે જ તું મારા મહેલમાંથી નીકળી જા.”

રાણી આવો નાદિરી હુકમ સાંભળી બહુ જ દિલગીર થઈ, તેણે અત્યંત કાલાવાલા કર્યા, પણ ‘રાજહઠ’ ઉપર તે વિજય ન મેળવી શકી. આખરે હતાશ બની તેણે બીરબલની સલાહ લેવાનો સંકલ્પ કર્યો. બીરબલને પોતાના મહેલમાં બોલાવી તેણે બધી વાત કહી સંભળાવી. બીરબલે થોડીવાર વિચાર કરી એક યુક્તિ રાણીને બતાવી અને ત્યાંથી રવાના થઈ ગયો. રાણીએ પોતાના માણસોને બોલાવી પોતાનો થોડોક સરસામાન બંધાવ્યા બાદ બાદશાહને તેડું મોકલ્યું. બાદશાહ આવી પહોંચે તે પહેલાં શરબતનો એક પ્યાલો તેણે તૈયાર કરી તેમાં કેફી ઔષધ મેળવી દીધું. બાદશાહ આવી લાગતાં રાણીએ પાછા કાલાવાલા કરવા માંડ્યા, પણ બાદશાહે તેથી સ્હેજ પણ ન પીગળતાં કહ્યું “મારી આજ્ઞા હું કોઈ કાળે પણ બદલવાનો નથી. પરંતુ સાથે જ એટલી છુટ રાખું છું કે મારા મહેલમાંથી તને જે વ્હાલામાં વ્હાલી વસ્તુ જણાય તે લઈ જવાનો તને ઈખતિચાર છે.”

આ સાંભળતાં રાણી જાણે અત્યંત દિલગીર થઈ હોય એવો દેખાવ કરી કહેવા લાગી “ખુદાવિંદ ! જ્યારે આપની એવી જ દૃઢ ઈચ્છા છે તો પછી મારા હાથે આપ છેવટનો શરબતનો પ્યાલો પીઓ એવું આપની પાસે હું માગી લઉં છું. કેમકે, હવે પછી આપની સેવાનો પ્રસંગ મને ઈશ્વર બતાવશે કે કેમ એ નક્કી નથી. હા, કૃપાનાથ ! મુજ કિંકરી પર છેવટની આટલી કૃપા નહીં બતાવો?”

બાદશાહે સ્ત્રી ચારિત્ર્યથી ભોળવાઈ શરબત પીવા માટે 'હા' પાડી એટલે રાણીએ તરતજ ગ્લાસ ભરી આપ્યો. બાદશાહે લગારે સંકોચ વગર તે પી લીધો, થોડીવારમાં જ તેને કેફ ચઢયો અને ઘોર ઉંઘમાં પડ્યો. રાણીએ પોતાના માણસો તૈયાર રાખ્યા હતા, તેઓ બાદશાહને પાલખીમાં સૂવાડી રાણીને બીજી પાલખીમાં બેસાડી મહેલમાંથી બહાર નીકળી ગયા અને રાતો રાત મુસાફરી કરી સ્હવારના પહોરમાં રાણીના પિતાને ઘેર પહોંચી ગયા. બાદશાહને એક પલંગ ઉપર સૂવાડી રાણી પોતે તેની પાસે બેઠી. કેફ ઉતરતાં બાદશાહ જાગી ઉઠયો અને ચારે તરફ જોઈ આશ્ચર્યથી મનોગત્ કહેવા લાગ્યો “હું સ્વપ્ન જોઉં છું કે ખરેખર કોઈ અન્ય સ્થળે આવી પડ્યો છું?” એટલામાં તેણે રાણીને શૌચક્રિયાનો સામાન લાવતી જોઈ પૂછયું “હું જાગ્રતાવસ્થામાં છું કે સ્વપ્ન જોઈ રહ્યો છું.”

રાણીએ કહ્યું “દિલદાર! આપ જાગ્રત છે. ચાલો ઉઠો, દાતણ પાણી કરી નમાઝ પઢી લો.”

બાદશાહ આશ્ચર્ય પામી કહેવા લાગ્યો “પણ આ કાંઈ આ૫ણા મહેલનો ઓરડો નથી. તો પછી આપણે કયે સ્થળે છીયે એતો પ્રથમ મને બતાવ ?”

રાણીએ હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું “કૃપાસિંધુ ! આ મારા પિતાશ્રીનો મહેલ છે. ગઈ કાલેજ આપે મને મારા બાપને ઘેર જઈ રહેવાની આજ્ઞા આપી હોવાથી હું અત્રે આવી છું.”

બાદશાહ વધુ આશ્ચર્યમાં ગરકાવ થતો કહેવા લાગ્યો “પણ હું અહીં કેવી રીતે આવ્યો?”

રાણી બેલી “ખુદાવિંદ ! આપે મને 'તને જે વ્હાલામાં વ્હાલી વસ્તુ જણાય તે લઈ જવાનો તને ઈખતિયાર છે' એવી આજ્ઞા આપેલી હોવાથી હું આપને અત્રે લઈ આવી છું, કેમકે મારે મન આપ શિવાય અન્ય કઈ વસ્તુ વ્હાલામાં વ્હાલી હોઈ શકે જે હું ત્યાંથી લઈ આવું?”

રાણીની આ યુક્તિ જોઈ, તેમજ તે પોતાને એટલી બધી ચાહે છે એ જાણીને બાદશાહને આનંદ થયો અને તેજ દિવસે રાણીને પોતા સાથે લઈ શહેર તરફ પાછો ફર્યો. થોડા દિવસ પછી રાણીએ બાદશાહને ખુશ મીઝાજમાં જોઈ પોતે કરેલી યુક્તિ બીરબલે શીખવી હતી એમ કહી દીધું. બાદશાહે એવી ઉત્તમ યુક્તિ માટે બીરબલને ઘણોજ ધન્યવાદ આપ્યો.