બીરબલ વિનોદ/સાચા એહદી

વિકિસ્રોતમાંથી
← પ્રશ્નોત્તરી બીરબલ વિનોદ
સાચા એહદી
બદ્રનિઝામી–રાહતી
આ કઈ કોટડીની
કુંચીઓ છે?
 →


વાર્તા ૧૦૫.

સાચા એહદી (આળસુ).

એકવાર બાદશાહે નગરમાં બધા આળસુઓને ભેગા કરી તેમને માટે રાજ્ય તરફથી ખાવા પીવાનો અને કપડા લત્તાનો બંદોબસ્ત કરી આપ્યો. આ ઉપરથી લોભવશ હઝારો માણસો આળસુ બની બનીને આવવા લાગ્યા. જ્યારે બાદશાહે આ પ્રકાર જોયો ત્યારે તે મનમાં પસ્તાવા લાગ્યો, કેમકે જ્યારે માણસને બેઠા બેઠા ખાવા પીવાનું મળે તેમજ પહેવાને કપડાં મળે તો પછી કામ કરવાની તેને જરૂર ન જણાય, એ સ્વાભાવિક છે. એટલે લોકોને જાણી બુજીને આળસુ બનાવવાનો અપરાધ બાદશાહને માથે આવતો હતો. તેણે બીરબલને સાચા આળસુ શોધી કાઢવાની આજ્ઞા આપી. બીરબલે તેજ વખતે નોકરોને બોલાવી આજ્ઞા આપી કે “નદી કિનારે ઘાસની ઝુંપડીઓ તૈયાર કરાવી બધા આળસુઓને ત્યાં રાખો.”

જ્યારે તે પ્રમાણે પ્રબંધ કરી ચુકાયો અને બધા આળસુઓ નિરાંતે પગ લાંબા કરીને પડ્યા હતા, કેટલાક ટોળ ટપ્પે લાગ્યા હતા, એટલે બીરબલે લાગ જોઈ પોતાના નોકરોને પેલી ઝુંપડીઓ ચુપચાપ પાછળથી સળગાવી મૂકવાનો હુકમ આપ્યો. ઝુંપડીઓ સળગતાંજ જે બનાવટી આળસુ હતા તેઓ બ્હાર નીકળી ન્હાસવા લાગ્યા, ફક્ત બેજ સાચા આળસુ હતા, તેઓને આગમાંથી બચાવી બાદશાહ આગળ રજુ કર્યા. બાદશાહે બીરબલની બુદ્ધિમત્તા અને કાર્યદક્ષતા માટે ઘણાં જ વખાણ કર્યા.