બીરબલ વિનોદ/સ્વભાવનું ઓસડ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મીઠી મસ્ખરી બીરબલ વિનોદ
સ્વભાવનું ઓસડ
બદ્રનિઝામી–રાહતી
જેવી કરણી તેવી પાર
ઉતરણી
 →


વાર્તા ૮૯.

સ્વભાવનું ઓસડ.

એક પ્રસંગે બાદશાહ અને બીરબલ ઘોડે બેસીને જમના કિનારે ફરતા હતા. કેટલાક ગધેડાઓ પણ ત્યાં ચરતા હતા અને તેમનો ધણી, બીચારો કુંભાર થોડાક અંતરે, એક ઘટાદાર વૃક્ષની છાયા તળે સૂતો હતો.

કૂતરાની પૂંછડીને ગમે દસ વરસ સુધી સીધી બાંધી રાખો, પણ જ્યારે છૂટી થઈ એટલે વાંકીને વાંકી જ રહેવાની. ગધેડાઓ પણ એવાજ ખોડીલા હોય છે. તેમને ગમે તેટલા ન્હવરાવી ધોવરાવી સાફ કરવામાં આવે, પણ જ્યાં છૂટા થયા કે તરતજ ધૂળમાં આળોટયા વગર ચાલેજ નહીં. બીચારો કુંભાર થોડીજવાર પહેલાં પોતાના ગધેડાઓને મહામહેનતે ન્હવરાવી, ચરવા મૂકી, પોતે સૂઈ રહ્યો હતો. પણ ગધેડાઓ તો પોતાના સ્વભાવને આધીન થઈ તરતજ ભીને શરીરેજ ધૂળમાં આળોટવા લાગ્યા એટલે તેમને ધૂળ ચોંટેલી હતી, તે જોઈ બાદશાહે કહ્યું કે “બીરબલ ! આ ગધેડાઓ જેવું એકે ખરાબ પ્રાણી નહીં હોય, કેમકે તેમના માલિકે થોડીવાર પહેલાં જ ન્હવરાવી સાફ કર્યા હશે, પણ આટલી વારમાં તો તેઓએ આખે શરિરે પાછી ધૂળ ચોપડી લીધી છે.”

એના જવાબમાં બીરબલે કહ્યું “નામદાર ! એ તો એમનો મૂળ સ્વભાવ છે. બધાનું ઓસડ ઈશ્વરે પેદા કર્યું છે, પણ એક સ્વભાવ માત્રનું જ ઓસડ મળતું નથી. એક કવિએ લખ્યું છે કે:-

પાવકકો જલબિંદુ નિવારણ, સુર્ય તાપકો છત્ર ક્યિો હે,
વ્યાધિકો વૈદ, તુરંગકો ચાબુક, ચાપપગકો વૃક્ષદંડ દીયો હે;

હસ્તી મહાદેવકે શીર અંકુશ, ભૂત પિશાચ મંત્ર કીયો હે,
ઔષધ હે સબકો સુખદાયક, સ્વભાવકા ઔષધ નાહીંકીયોહે.

આ પ્રત્યુત્તરથી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.