બુદ્ધનું ગૃહાગમન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
બુદ્ધનું ગૃહાગમન
દામોદર બોટાદકરશિખરિણી

કૃપાપીયૂષેથી નિજ ઉરમહાસાગર ભરી,
સહુ સંકષ્ટોનું સરલ સહજે ઔષધ ગ્રહી;
નવા જ્ઞાનાદિત્યે જડ જગત કેરું તમ હરી,
સુબોધે સૃષ્ટિના રુદિત ઉરનું સાંત્વન કરી.

પ્રયત્નોનું પ્રાઢું મુદિત મનથી સત્કલ લઈ,
મુમુક્ષુનું સંગે અમરગણ શું મંડળ લઈ;
અહો! જો! એ આવે યતિકુલમણિ બુદ્ધ અહીંયાં,
પિતાની આજ્ઞાથી નિજ પુર વિષે પાય ધરવા.

મંદાક્રાન્તા

પાસે પાસે નગર ક્રમથી આવતું જેમ લાગે,
ધીમે ધીમે પ્રણય વધતો અંતરે એમ લાગે;
વાધી વાધી વિવિધ ભરતી કૈંક ભાવે ભરેલી,
ને ઓચિંતી ઊછળી ઊછળી રેલતી ચિત્ત ચાલી.

એ એ વહાલું ગૃહ જનકનું! તાત ને માત વહાલાં!
એ વહાલી કૈં હ્રદય રડતી! પુત્ર ને મિત્ર પેલા!
આવી ઊભો સ્મૃતિપટ પરે પૂર્વનો એ પ્રસંગ,
ને છોડેલો રજની સમયે વહાલીનો શીઘ્ર સંગ.

આંસું આવ્યાં નયન મહીં ને કંઠ રૂંધાઈ જાતો,
હા! દુભાવ્યાં પ્રણયીજનનાં નિર્મળાં રંક ચિત્તો!
કેવાં કષ્ટો પ્રિયવિરહનાં વહાલીએ હાય વેઠ્યાં!
શા આલંબે યુગસમ વડાં એ હશે વર્ષ કાઢ્યાં?

[શિખરિણી]

વિચારો કૈં એવા ઉર પર અરે! ઉદ્ભવી રહ્યા,
ગતિને, વૃત્તિને, વિમળ મતિને મૂંઝવી રહ્યા,
અનેરા એ ધ્યાને સમય પણ લાંબો વહી ગયો,
અને જોતાં જોતાં પથ સકળ પૂરો થઈ ગયો.

અનુષ્ટુપ

ગંભીર શોર ઓચિંતો, પૌરોના કર્ણમાં પડ્યો!
સહસા ઝબકી જાગ્યું, ચિત્ત ધ્યાન તજી અહો!

હજારો આશિષો લેતો, પ્રણામો કોટિ ઝીલતો,
પ્રવેશ્યો સંઘ શાંતિથી, પૂરે સિન્ધુપ્રવાહ શો.

અજાણે અગ્રગામી એ, વહાલીનો વાસ લક્ષતો,
વિશ્વને ભૂલતો ચાલ્યો, અંતરે કૈંક કંપતો.

શાર્દૂલવિક્રીડિત

ઊભી બહાર યશોધરા કર વિષે માળા ગ્રહી પુષ્પની,
ઓચિન્તાં જલબિન્દુઓ નયનમાં આવી જતાં રોકતી;
શા સંબોધનથી સમાદર કરું? એ અંતરે શોધતી,
જોતી નાથ ભણી, ઘડી શરમથી ને નેત્ર મીંચી જતી.

[અનુષ્ટુપ]

દૂરથી દોડતો આવી, પતિ પાયે પડી ગયો,
"હાં હાં વ્હાલા!" તણો મીઠો શબ્દસત્કાર સેવતો.

જાગતી મૂર્ચ્છના જોતી, સ્તબ્ધ શી સુંદરી કને,
દબાતા કંઠથી અંતે, ધ્રૂજતી રસના વદે.

[શિખરિણી]

"ક્ષમા દેજે દેવિ! કંઈક અપરાધ તુજ કર્યા,
"વડા વજ્રે વીંધ્યું, ઉરસુકુમ આ કોમળ અહા!
"ત્યજીને સૂતેલી કઠિન બની દૂરે વહી ગયો,
"દયાળુ આત્મા એ તુજ પર ખરે નિર્દય થયો!

"હજારો સંતાપો સુદૃઢ હ્રદયે તું સહી શકી,
"અને જોતી મારો પથ, ધૃતિ અનેરી ધરી શકી;
"અમૂલો એ તારો સરલહ્રદયે! સંયમ ખરો,
"મહા યત્ને યોગી થકી ન પણ જે સાધિત થયો.

[શાર્દૂલવિક્રીડિત]

"યોગી હું વનમાં બન્યો, ગૃહ વિષે તું હા! બની યોગિની,
"ઊંડા સંકટ સિન્ધુને તરી તરી તું પાર પામી ખરી;
"વ્હાલી તું હતી પૂર્વમાં, હ્રદયથી વ્હાલી વિશેષે હજી,
"હા! જુદી રહી તોય સંગ ચડતાં ઊભી સમીપે રહી!

"વ્હાલું વિશ્વ સમગ્ર આ હ્રદયને, વ્હાલાં પશુપંખીઓ,
"વ્હાલાં બાળક વૃદ્ધ, ને તરુણ સૌ સૃષ્ટિતણાં માનવો;
"તો વ્હાલી નહિ કેમ તું સખિ! મને સાધુત્વથી શોભતી,
"વ્હાલીના જ વિશેષણે ઉર ચહે સંબોધવા સ્નેહથી.

[અનુષ્ટુપ]

"અમોલી ભેટ લાવ્યો હું, તે તારે ચરણે ધરું,
"ક્ષમાની ભાવતી ભિક્ષા, યાચતો ઉર પાથરું,

"દયાનાં દિવ્ય કૈં સૂત્રો, ધ્યાનથી મેં અનુભવ્યાં,
"સાક્ષાત્કાર ખરો તારે, અંતરે જોઉં છું અહા!

[શિખરિણી]

"ભલે હું સંસારી મટી પ્રબળ ત્યાગી બની ગયો,
"પરન્તુ એ ઊંચા પ્રણયપથથી ના ખસી ગયો;
"ચળું જો એથી તો ઘટિત નહિ બુદ્ધત્ત્વ મુજને,
"દયાથી પૂરેલું, નહિ પ્રણયહીણું ઉર રહે!

[અનુષ્ટુપ]

"દયા ને પ્રેમને વ્હાલી! ના વિશ્લેષ બની શકે,
"પ્રેમહીણી દયા ક્યારે ના અસ્તિત્વ ધરી શકે.

"પ્રેમની વૃદ્ધિમાં નિત્યે, દયાની વૃદ્ધિ સંભવે,
"પ્રેમ જો નાશ પામે તો, દયા ના જીવતી રહે.

"સ્વીકાર્યો ત્યાગ મેં વ્હાલી! સ્વાર્થ ને મમતા તણો,
"વિશ્વબંધુત્વનો ક્યારે, ત્યાગ ના સુગતે કર્યો.

"સદા સંસારનો સ્નેહી, દુઃખી દુઃખ વિષે થતો,
"કાપવા સંકટો એનાં અધિકારી બની રહ્યો.

[શાર્દૂલવિક્રીડિત]

"મેં કીધો તપ નિષ્કારણ વડો તેં ના નિષેધ્યો જરી,
"સિદ્ધિ સદ્ય મળે મને ઉર થકી એ એક ઇચ્છા કરી;
"ને આંદોલન એ ઉદાર ઉરનાં, એ ભવ્ય સદ્ભાવથી,
"સિદ્ધિ સાધી શક્યો અવશ્ય સખિ! હું તે ના શકું વીસરી.

વસંતતિલકા

"જેણે જગજ્જન તણાં સહુ કષ્ટ કાપ્યાં,
"સંતાપના અવનવા ઉપચાર આપ્યા;
"તેણે તને અહહ! દૂર પડી દુભાવી,
"તે પૂર્ણ આ ઉરતણો અપરાધ વ્હાલી!

[મંદાક્રાન્તા]

"કિન્તુ તારું અનુકૂળ અહો! જોઉં છું ચિત્ત જ્યારે
"શાંતિ મારા વ્યથિત ઉરમાં થાય છે શીઘ્ર ત્યારે;
"તું છે દેવી અધમ ઉરને નિત્ય ઉદ્ધારનારી,
"શું બોધે એ સુપથ તુજને બુદ્ધનો બુદ્ધિ મારી!

[અનુષ્ટુપ]

"ન ક્યારે હું મટ્યો તારો, તું મારી ન મટી જરી,
"અને મારું તથા તારું વિશ્વ આ ન મટો કદી!

"સર્વથા સર્વથા રે'જે, બુદ્ધની ધર્મભાગિની,
"વિશ્વના તાતની વ્હાલી, વિશ્વની જનની બની!

[વસંતતિલકા]

"પ્રીતિપ્રવાહ તુજ આ જગ માંહી રેડી,
"દે સૃષ્ટિનાં વિષમ સંકટ સર્વ ફેડી!
"જે દિવ્ય દ્રવ્ય કંઈ યત્નથી હું કમાયો,
"તેમાં સદૈવ ગણજે સખિ! ભાગ તારો.

[અનુષ્ટુપ]

"વિત્ત એ વિશ્વને દેવા, સર્વદા શ્રમ સેવશું,
"દયા ને સ્નેહનાં સૂત્રો, સૃષ્ટિને સમજાવશું:
"અને એ બાલ જીવોનાં, બંધનો કૈંક કાપશું,
"ઔષધિ ઉચ્ચ આપીને, મહારોગ મટાડશું.

"સાંકડી વૃત્તિને છોડી, સ્વીકારી લે ઉદારતા!
"પ્રસારી પાંખ દે તારી, આકાશે સંગ ઊડવા!

"સીમાબદ્ધ નથી શાણી! આટલું રાજ્ય આપણું,
"કુટુંબ વિશ્વમાં વ્યાપ્યું, આપણું કોટિ જન્મનું.

"મીંચી લે ચર્મચક્ષુ આ! દિવ્ય દૃષ્ટિ દઉં તને!
"સગાં ને સ્નેહી સંબંધી, જોઈ લે જગદાયલે!

"આપણાં અર્ભકો કેરા, આર્ત્તનાદો ઉરે ધરી,
"કાપવા કષ્ટ એ સૌનાં ઊઠ! દેવિ! દયાભરી"