ભક્તિ હરિની પદમણી પ્રેમદા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ,
રહે છે હરિ એની પાસ રે,
એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે,
જ્યારે થાવ સદગુરુના દાસ રે ... ભક્તિ હરિની

અભયભાવના લક્ષણ બતાવું તે,
સુણો તમે એકાગ્રચિત્ત રે,
એનાં રે લક્ષણ સાંભળતા પાનબાઈ,
અભયભાવ ચિત્તમાં પ્રગટાય રે ... ભક્તિ હરિની

સદગુરુ વચનમાં સુરતાને રાખો,
તો હું ને મારું મટી જાય રે,
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે,
ત્યારે અભયભાવ થયો કેવાય રે ... ભક્તિ હરિની

અભયભાવ વિના ભક્તિ ન આવે,
મરને કોટિ કરો ઉપાય રે,
ગંગાસતી એમ બોલિયા પાનબાઈ,
તે વિના જીવપણું ન જાય રે ... ભક્તિ હરિની