ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે
ભજન
ગંગાસતીભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે,માયા રૂપી વનનો ભે મટી જાય,
જોગ રૂપી દીપક કહીએ ઈ તો, જેનાથી વિષય વાસના બુઝાય રે.
ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે...

ભગતિ રૂપી મણિ જેના રે હાથમાં ને, તેને નડે નહીં વિષયના વાય રે
અખંડ પ્રકાશ કોઈ દિ’ ઓલાય નૈં ને, ભગતિ હરિની પરગટ થાય રે.
ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે...

હઠ વશ થઈને શઠ કરે સાધના પણ, ભગતિ વિના હરિ નો ભજાય,
પુરણ પુરષોત્તમને ભગતિ છે વાલી રે, ભગત વશ વૈકુંઠરાય રે.
ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે...

ભગતિયે વ્રજના વનમાં ઓછવ કીધાં ને, અજિતને જીત્યા એના દાસ
ગંગાસતી એમ બોલિયાં પછે રે, વૃથા નો જાય એની સુવાસ રે.
ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે...