ભજ્યો નહીં ભગવાન મૂરખ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભજ્યો નહીં ભગવાન મૂરખ
દેવાનંદ સ્વામી


ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતાં મર્યો... ꠶ટેક

પેટને અરથે પાપ કરંતા દિલમાં ના ડર્યો;
પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો... ભજ્યો꠶ ૧

દુઃખ વેઠીને દામ કીધો, ખજાનો ભર્યો;
જમ જોરાવર લઈને ચાલ્યા, વાવરવા ન રહ્યો... ભજ્યો꠶ ૨

કુડની માળા કોટમાં પહેરી, કુડ ગુરુ કર્યો;
આહાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના તર્યો... ભજ્યો꠶ ૩

સહજાનંદજી ઓળખ્યા વિના, અંતર ના ઠર્યો;
‘દેવાનંદ’ કહે દિલમાં વસ્યા, કારજ શું સર્યો... ભજ્યો꠶ ૪