લખાણ પર જાઓ

ભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૨ જો

વિકિસ્રોતમાંથી
←  અંક ૧: પ્રવેશ ૧ ભટનું ભોપાળું
પ્રકરણનું નામ
નવલરામ પંડ્યા
અંક ૧: પ્રવેશ ૩ →


પ્રવેશ ૨ જો.

(સ્થળ – શેઠ નથ્થુકાકાનો ઉતારો.)

કમા૦ - સાલે હજામ, મીઝે તો તેરી માયા બોત આગઈ.

હજામ - અરે શેઠતો ઘુઘરો બન્યાછ.

કમા૦ - જબ બજાનેકી બોત મઝા.

હજામ - બચ્ચા, આજે તું પણ જરા શેઠને બનાવવા લાગજે હો.

કમા૦ - પણ સાલા, બનાનેમે તું બડા હોંશિયાર હૈ.

હજામ -અરે આજે તો જો ક્યા મઝા થાય છે.

કમા૦ - મેરીબી જીભપર બોલતો આકર ખડા રહેતા હે, મગર અદબસેં બોલા નહિ જાતા હૈ.

હજામ - પણ આજે તું ડરતો નહિ. મ્હેં અગાઉથી જ કહ્યું છે કની, કે કાકા અમને ભાંગ પાસો તો હમે હાથથીજ ગયા જો.

કમા૦ - તું તો બડા પક્કા હૈ, તેરી એકબડી ખુબી એ હૈ કે અદબમેં રહેતાહૈ ઔર મર્જી માફક કહેતા હૈ, તેરેપર શેઠ કોઈ દિનબી કફાતો હોતાહી નહિ. હજામ - એ તો બોલીને વાળતાં આવડવું જોઈએ. (નથ્થુકાકા ઘણાં ઘરેણાં અને ન્હાની પોતડી પ્હેરી આવે છે.)

કમા૦ - (ઉભો થઈ ઘણીજ અદબથી) નીધા રખીએ, મ્હેરબાન.

નથ્થુ૦ - (હજામ તરફ જોઈને) એને તો ખુબ ચઢી જો.

હજામ - મને પણ આજે તો સાળી ખુબ ચઢી છે. તમને કાંઈ જણાયછે?

નથ્થુ૦ - જરા નહિ.

હજામ - શેઠ, તમો તો ઉનાળામાં લીલાં પાણીનું રોજ સેવન કરતાં હશો તો.

નથ્થુ૦ - નારે બચ્ચા, મારે તો લગનને ડારે પીવી. આજે ચોથી વાર પરણુછ ને ચોથી વાર ભાંગ પીધી.

કમા૦ - સચ !! સચ !! અક્ક્લ હોંશીઆરીમેં હેંસી વરસે કોન શાદી કરે?

હજામ - શેઠ, આજે તો અમને તમે બનાવ્યા છે માટે હમે તમને બનાવીએ તેનો ગુસ્સો નહિ લગાડવો.

નથ્થુ૦ - આજે બચ્ચા સદર પરવાનગી. હોળીના ને લગનના ડારા બરાબર છે.

કમા૦ - અચ્છા સાબ, ખુદા તુમેરી સફેદી સલામત રખે.

હજામ - એટલું જ જોઈતું હતું. હવે જુઓ શેઠ, ક્યા મઝા ઉડાઉ છઊં.

નથ્થુ૦ - (પોતાના શરીર તરફ જોઈ) સાલા હજામડા, તને પીઠી મેળવતાં કંઈ આવડતી નથી. બરાબર રંગ જ કહાં ચઢ્યો છે?

હજામ - કાકા, તમારી તો અક્કલ ગઈછ. નવી પાઘડીપર કસુંબો જેવો ચઢે, તેવો જુના ચીંથરાપર ચઢે કે?

નથ્થુ૦ - કેમ કેમ? સાલ્લા બહેક્યો કે?

હજામ - બહેકી તો તમે રહ્યાછો આ અત્તરની સુગંધથી.

નથ્થુ૦ - ના, ના ! ખરે ? અત્તરની સુગંધ લાગે એવી છે કે? જુઠું કહે તો મ્હારા સમ.

હજામ - સુગંધતો એટલી આવેછે કે, તેતો શું પણ તમે બહાર નીકળો તો, તમારા શરીરની આસપાસ હજારો ભમરા ગુંજાર કરી મુકે.

નથ્થુ૦ - (ચમકીને) હજર ભમરા ! તે તો સાલ્લા મ્હારો કરડીને કુચો કરી નાંખે. એક ભમરાએ બેઠકમાં મને એક દહાડો દોડાવીને મારી નાખ્યોતો.

હજામ - વાણિયા કાકા, એટલામાં પોતિયાં કેમ કાઢવા માંડોછ ? ડરો નહિ, શેઠ ! હું મ્હારી મસાલ તમારા મ્હોડા પર ધરીશ કે ભમરા તાપથી નાસી જશે.

નથ્થુ૦ - તારે મારાથી ચલાય કેમ ? પાસે દીવો હોય છે તોજ આંખે ઝાંખપ વળેછને.

હજામ - બીજી તદબીર શોધી કહાડીસું. શેઠ તમારે ગભરાવું નહિ, તમારું કોઈ કામ અડ્યું રહેવાનું નથી.

નથ્થુ૦ - વારૂ, આરસી લાવ તો બચ્ચા.

હજામ - લ્યો શેઠ આજે તમને એવા બનાવ્યાછ કે બે ઘડી સૌ તમારી તરફ જોઈ રહેસે.

નથ્થુ૦ -બચ્ચા, આ પળિયાં તો ટુંપી નાંખ્યા હત, તોજ ઠીક થાત. એતો નઠારૂં દેખાય છે.

હજામ - કાકા, સો બસેં હોય તો ટુંપતા પાર પણ આવે. પણ આ તો ખેતરનાં ખેતર છે.

નથ્થુ૦ - સાલા, તારા હાડકાં જ આખાંછે તો.

હજામ - કાકા, ઘઉંમાંથી વીણામણ નીકળે, પણ વીણામણમાંથીજ ઘઊં કહાડવા તે કેમ થાય?

નથ્થુ૦ - અરે તેમ પણ મ્હારી પહેલી વારની કરતીતી જો.

હજામ - ત્યારે આવો, આ ચીપિયો, મ્હારે કહાં ના છે? પણ તમરાથી ખમાસે ? કોઈ દહાડો ટુંપાવ્યુંછ?

નથ્થુ૦ - બાપ જનમમાં કદી નહિ, પણ લગનનો ડારો ફડી ફડીને આવવાનોછ - (હજામ ટુંપે છે) અરર! ઊંઊં લગાર સમાલીને ટુંપ.

હજામ -આટલામાં ઊંઊં કરોછ તો આગળ ટટ્ટુ કેમ ચાલશે ? કહો તો નહિ ટુંપું.

નથ્થુ૦ - ટુંપ ટુંપ. (દાંત પીસી સેઠ બોલતા નથી, પણ બે ચાર નીમાળા લીધા એટલામાં બંને આંખમાંથી પાણી વહેવા માંડ્યાં)

હજામ - સેઠ, મમતે મુસલમાન ન થાઓ. આંખે ઝાંપ તો વળેછ ને પુરું ધબાયનમ: કરવા બેઠાછ ? તમારી નજરમાં એમ હોય, કે જુવાન બૈરીના હેંસી વરસના ઘરડા ધણિયે આંધળા થવું, એમાંજ સુખ છે, તો હું પણ હા કહું છું.

નથ્થુ૦ - સાલ્લા, હું તો પક્કા જુવાનને હઠાવું એવોછું. વારું, રાખ. નથી ટુંપવું (આંસુ લુછી નાખે છે.)

હજામ - સેઠ, કુલફ લગાવો.

નથ્થુ૦ - હા યાર, શાબાસ !ત્હેં અક્કલ ઠીક બતાવી. કમાલખાં ! કમાલખાં ! (કોઈ જવાબ દેતું નથી)

હજામ - કમાલખાં !! કમાલખાં !!

કમા૦ - મ્હેં આતા હું. હાથમે ચલમ હૈ.

નથ્થુ૦ - ચલમકુ જલા દે ! જલદીથી આઓ.

કમા૦ - સેઠ, ઈતહીની ડેર હૈ. ચલમકું જલાકર દેખો મ્હે અબી આયા.

નથ્થુ૦ - હમણા કે હમણા તુમ આઓ. બહુ જરૂરકા કામ હૈ. યાદ રખો જો વાર લગીતો. (કમાલખાં આવે છે.)

કમા૦ - સેઠ, તુમારી નોકરી તો બોત સકત ! ક્યાં હુકમ?

નથ્થુ૦ - કમાલ , તેરી પાસ-પેલું-પેલું હજામ સ્હુંતો?

હજામ -કુલફ, બાલ રંગનેકા.

કમા૦ - મેરી પાસ કુલફ કૈસા ? ઓતો કબરસ્સ્તાન કે મુસાફીરકી પાસ હોવે. નથ્થુ૦ – હેં ! અલ્યા, કબરસ્તાનના મુસાફર તે ક્યા?

કમા૦ – જેસા હિંદુસ્તાન, આરબસ્તાન, તુર્કસ્તાન ; તેસા કબરસ્તાનબી બડા મુલુક હૈ. હુંવા તુમેરે જેસે બડે બડે લોક જાતે હૈ.

નથ્થુ૦ – વાવા ! ત્યારેતો તું કોઈ ઐસા મુસાફીરકી પાસ આણદે.

કમા૦ – ક્યા સાબ, આપને કુલફ લગાને કી મરજી હૈ.

નથ્થુ૦ – હાંહાં, મીયાં સાહેબ તું બડા અચ્છા નોકર હૈ. તુમ બોત સમજુ માણસ.

કમા૦ – મ્હેં સમજા. કુલફકી જરૂરતો તુમકુ સહી.

નથ્થુ૦ – અરે ભાઈ, બડી જરૂર. એતની મહેરબાની તો કરવી પડેગી.

કમા૦ – શહેરમેં જો કહ્યા હોત, તો મ્હેં ક્યાંસે બી લા દેતાથા.

નથ્થુ૦ – વારૂ, તને કરનેકી રીત માલમ હેં ?

કમા૦ – અમકું ક્યા માલમ ?

હજામ- નથી માલુમતો ચાલ્યું. કાકા, વાળ કાળા કરવા સાથે જ તમારે કામ છેકની?

નથ્થુ૦ – હાજતો આપણે ગોળ ખાધા સાથે કામ. હજામતો કોઈ કોઈ બડા હોંશિયાર હોયછે. તને કાંઈ માલમ હોયતો કહેની ભાઈ.

હજામ- સેઠ, તમારાથી થાય નહિતો.

નથ્થુ૦ – નહિ કેમ થાય ? વા ! કામ મારેછે કે તારે?

હજામ- ઉંહ ! ઉંહ ! કહેવાય એવું નથીતો.

નથ્થુ૦ – કહે, કહે – મને રીસ નથી મારા સમ કહે.

હજામ- લો સમ નહીં ખાઓ. મ્હેં એક વાર બકાલચંદ સેઠ પાસે કરાવ્યુંતું તો ખરૂં, કોઈએ જાણ્યું નહિ કે શો ખેલ કીધો છે.

નથ્થુ૦ – ત્યારે કહેની, કહેની, કહેની.

હજામ- સેઠ, જવાદો કોઈ જાણશે તો ગાંડામાં ખપીશું.

નથ્થુ૦ – જા, જા. કોણ જાણવા બેઠુંછ.

હજામ- પણ સેઠ આપણે એ વગર શું બેસી રહ્યાછ.

નથ્થુ૦ – વા, મારા સમને પણ નથી ગાંઠતો કે?

હજામ- લો ત્યારે કહુંછું. શાહી ચોપડી કે કામ સટલ, હીંમતછે?

કમા૦ – (ખડ ખડ હસી પડેછે.)

હજામ- ગધેડાની પેઠે દાંત સું કહાડેછે ? કહેવત છે કે – દેખાડિયે, પણ દાંત ન દેખાડિયે. તારા કુલફાથી તે શું વધારે થવાનું હતું ? જહાંત્હાં વાળ કાળા કરવા.

નથ્થુ૦ – પણ શાહીથી કુલફાના જેવા ચળકતા નહિ થાય તો.

હજામ- તેના ઉપાય બતાવુંછની. માંહે જરા દીવેલ નાંખવું. પછી જુઓ તમાસો; તમારા કુલફને ટક્કકર મારે. (કમાલખાં તરફ આંખ કરછે.) કમા૦ – નહિ સાહેબ, ઓબી અચ્છી કહેતા હૈ.

નથ્થુ૦ – ત્યારે લાવતો પેલી દવાત ને પેલું કોડિયું.

કમા૦ –હાંજી શેઠસાહેબ, મેં લાતાહું. (લાવે છે.) (નથ્થુ કાકા શાહી ચોપડવા માંડે છે)

હજામ- શેઠ, તમારા સ્હસ્હરા આવે છે. આપણી કન્યા પણ જોડે છે.

નથ્થુ૦ – આં સાલી શાહીતો સુકાઈ નહિ ને હું સ્હું કરું?

કમા૦ – અબી તો ચ્હેરા શામ કર કર ફિરનેકાહી વખત હાથસેં આપ લાયાહો.

નથ્થુ૦ – સાલ્લા બાંડિયા, તું મજાક કરતાહે તે હું સમજતાહું. પણ પનવામાં સાલ્લા લાજ છે કે? કુચ કસબણ, બસબણતો મ્હેં નહીં રાખી હૈ.

કમા૦ – રાખો તો આપકા ઉર્દુ ઓર જુવાંમરદીસે ઓ ગુલતાનહી હોજાવે.

હજામ- કાકા, તમારા સ્હસ્હરા ઓટલે ચઢ્યા હો!

નથ્થુ૦ – અલ્યા હવે સ્હું કરીએ? આપણો કિસબ પકડાઈ જસે તો ફજેતી થસે!

હજામ- જાઓ, જાઓ. ઘરમાં જઈએ મ્હોં ધઈ આવો કાકા (નથ્થુકાકા જાય છે.) ખરેખરો અનાડી છે!

(ઝુમખાશાહ અને ચંદા આવે છે.)

કમા૦ – આઓ, સેઠજી, બૈઠો.

હજામ- કેમ ઝુમખશાહ સારા તો છો ? તમને આવતાં વારા લાગી તેથી બહુ ફકર થતી હતી.

ઝુમ0 – ભાઈ સાહેબ, વાટમાં શોડીનું શરીર ભરૂચ આગળ બગડી આવ્યું તેથી થોડાશેક દહાડા ભાંજવા પડ્યા.

હજામ- તમારે ભરોંસે બે દહાડા થયા અમારા સેઠ હિંયા આવીને પડ્યા છે.

ઝુમ0 – કોઈને આ વ્હેવાની જાણબાણતો નથી કીધીને?

હજામ- જાણ કરવી હોય ત્યારે સુરત મહેલીને આ જંગલ સરખા ગામડાંમાં આવીએ સું કામ?

ઝુમ0 –બેશ બેશ. તમે શુરતી કોંય કાચા નહિતો.

હજામ- સુરતમાં હોત તો તમારી છોકરી લ્હાવો લેત. સેઠ શું મઝેનો વરઘોડો કહાડત જો.

ઝુમ0 – એવા ઢોંગ શા? શુરતમાં ઢોંગ ભારે તો, મારા સાહેબ. આવા મોટા બીજ વરને શોભે પણ ખરો ?

હજામ- અમારા શેઠ તો બીજવર નથી, પણ ચોથ વર છે. પણ તેની કંઈ ફકર નહિતો. અમારે હિંયા તો મોટા ઘરડા ઘરડા બની ઠનીને આમ આંખ અંજાવીને ધામધુમથી પણવા જાય.

ઝુમ0 – હોય, દેશાચાલ છે.

હજામ- એ ઉપર મ્હારું એક ગીત સાંભળો.

ધન ધનરે દાદાજીનો ઘોડલો. ટેક
ચાર લાખ ચરૂ જળ ઉકળે, અલબેલો કરે અંગોળ;
મોગરેલ માણી મૂળશેંહ ને, આની કસ્તુરિ કળશી સોળ;
અંગે અંબર અતિશય ઓપતાં, જાણે ઉગિ રહ્યો ઉદ્યોત;
પ્હેર્યો લપ્પો સુનેરી સાત લાખનો, સેઠના પટકાના પચીશક્રોડ;
રે ચીરા વગર કેમ ચાલશે, જીયાવરને ઉર આનંદ;
કાને કડક મોતી મહા મૂલનાં, જાણે મોરા ઈંડાં પરચંડ;
કડાં સાંકળાં કર મણ સાતનાં, વેડ દશ દશ આંગળિ માંય;
કોટે કંઠી તણા તો ઝુંસરા, બાપડે બુઢે કેમ ઉચલાય;
પાકાં પાંસઠ પાનાનાં બીડલાં, બબ્બે ગાલ નિચે દાબી દીધ;
પછે નજર લાગે કો નારની, માટે મેંસનાં ટપકાં કીધ;
નથી જાંનરાણીનિ કંઈ ન્યૂનતા, નહિ જોઈયે કોઈનો પાડ;
પુત્રી પૌત્રીને પરા પૌત્રિયો, મળિ ગાડી ભરાઈ સાઠ;
હોય આનંદ ઘરનાંને ઘણો આતો દાદાજીનો વિવાહ;
ઉમંગનું શું પછિ પૂછવું, ગીત ઉપરા ગીત ગવાય;
પાકી વયના જીયાવર શોભતા, પાકી વયનો ઘોડો પણ ઠીક;
બંને પ્હોંચે સલામતા માંડવે, તરૂણ શાજનને મન બ્હીક;
કોઈ મૂરખ તો નથિ માનતા, કહેછે એ વરઘોડો ન્હોય;
એ તો વાજતે ગાજતે જાયછે, સામે પગલે જ્ઞાની કોય.