ભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૩ જો

વિકિસ્રોતમાંથી
←  અંક ૧: પ્રવેશ ૨ ભટનું ભોપાળું
અંક ૧: પ્રવેશ ૩
નવલરામ પંડ્યા
અંક ૨: પ્રવેશ ૧  →


પ્રવેશ 3 જો

(સ્થળ – નથ્થુકાકાનો ઉતારો)

નથ્થુ0 – ઝુમખાશાહ, (ચંદા તરફ જોઈને) તમને જોઈને અમે ઘણા આણંદ પામ્યા.

ઝુમ0 – અમારા ધન ભાએગ કે તમ શરખા જમાઈ મળ્યા. સારા માણસની શગાઈ ક્યાં શે? ઝંઇ તો આજછે ને કાલ નથી. મ્હેં તો શાહેબ તમારું નોમ શોભળ્યું ત્યારનો શોડી આલવાનો વચાર કીધો.

નથ્થુ0 – (જરા નીચું જોઈને) લગાર, ઝુમખાશાહ, તમારી છોકરીનું મ્હોં બતાવો તો.

ઝુમ0 – વાવા, શેઠ, આટલો બધો અમ્હારો અણવિશ્વાસ ? લ્યો ! જુઓ ! બીન ઘુંઘટો કહાડી નાંખ્ય.

નથ્થુ0 – કમાલખાં, ગોખલેમેંસે ચસ્મા લાવ તો.

હજામ0 – કાકાસાહેબ, હુંજ લાવુંછું. મોતી પરખવાંછ કે ?

(હજામ અને કમાલખાં આવે છે.)

નથ્થુ0 – લાવ બચ્ચા, લાવ. (ચસ્મામા ઘાલે છે અને ચંદા તરફ વાંકા વળી વળીને જુએ છે.) વા ! શું રૂપાળી કણ્યા છે!

હજામ0 – પેલે જનમ પુન કર્યા હશે ત્યારે આવું રૂપ અને તમારા સરખો સ્વામી પામી છે.

નથ્થુ0 – વા ! અલ્યા જોતો ખરો ! જોતો ખરો ?

હજામ0 –એમાં મને કહેવુંજ નહિ પડે, શેઠ.

નથ્થુ0 – એનું કપાળ તો જાણે પુનેમનો ચંદરમા.

કમા૦ – શેઠ, બનિયે લોકમેં ઓરતકું મા કહેનેકા દસ્તૂર હૈ?

હજામ0 – ચંદરમા તો એવા કે આખા જગતને શીતળ કરી ચોખૂંટ ધરતીમાં તમારા નામનો ચાંદરવો બાંધશે.

નથ્થુ0 – મ્હેંતો તો એસા કહેતાહું કે ચાંદ જેવી છે, બાંડિયા.

કમા૦ – સચ, સચ, સેઠ રાહુ સામનેહી ખડાહૈ.

નથ્થુ0 – સાલ્લા, રાહુ કોને કહેછ?

હજામ0 – ધગડા, રાહુની શી ચંતા છે?

નથ્થુ0 – (ચંદા તરફ જોઈને) એની આંખ કેવી મરઘાં જેવીછે ! વા ! વા!

હજામ0 – મરઘાં જેવી ! મરઘાં જેવી હોય, તો તો નઠારી.

ઝુમ0 – હા બચ્ચા, હા મરઘાં જેવી, તમે નીચ વરણ શું સમજો ? આંખ તે મરઘાં જેવીજ કહેવાય. ત્હેં કોઈ દહાડો ભજનમાં મરઘાનેણી એવું નથી સાંભળ્યું?

હજામ0 – અરે, કાક્કા, આ ! તેતો મરૂગાનેણી ! – એટલે હરણીના જેવી.

નથ્થુ0 –હરણી તો કંઈ સારી નહિ. શીંગડાં મારે ત્યારે?

હજામ0 – હરણીને વળી શીંગડાં હોય એવું તમને ક્યા કવિયે શીખવ્યું?

નથ્થુ0 – નહિ હોય ત્યારે તો સારું. પણ વાત ન કરાવ, મારી આંખને સ્વર્ગનું સુખ આપવાદે

હજામ0 – સ્વરાગના સીપાઈઓ રોજ દરવાજા તો તમારા ઠોકી ભાંગે છે, જાઓની તેની સાથે.

નથ્થુ0 – એનો ચોટલો તો જાણે કાળી નાગની ફેણ.

કમા૦- સમાલીઓ સેઠ, નાગ રખનેકા કામકુચ તુમ બનિયે લોક્કા નહિ હૈ.

હજામ0 – જા સાલ્લા, મંતર મને આવડેછ તો.

નથ્થુ0 – એના ગાલ પર લાલી કેટલી છે? ચોંહટી ખાણી હોય તો લોહી નીકળે.

હજામ0 – જુઓ જાઓ, કાકા, અમે એવા અનાડી છઈએ? “મુળામાં તે મીઠું ને કેળામાં તે ખાંડ”

નથ્થુ0 – ખરે, ગાલ તો જાણે ગાજરજ તો.

હજામ0 – એ તે બરાબર. ગાજર ગળ્યાં, ને સોંઘા।

નથ્થુ0 – એની ગર્દન તો તાબુતમાં પરી હોયછ તેવી જ છે.

કમા૦- ઉસકી માફક થોડે દીનમેં ચોતરફ ફિરને લગેગી. નથ્થુ0 – હોઠ તો જાણે હારમાનદુલાની આચકા ચોપડી હોયની તેવાછે.

હજામ0 – હરમાનના મ્હોંમાં લાડૂ, ને છોકરાં આપે ગાડૂં.

કમા૦- કુંઆરા કડક દેવકા ઈતબાર મત રખિયો.

હજામ0 – અસ્ત્રીના હોઠ તો આમૃતની કુપ્પી કહેવાય છે.

નથ્થુ0 – હેં ! હેં ! બચ્ચા, એમકે ! અમૃત હોય તો તો હું ગંગા નહાયો. પછી સાલા વૈડ લોકો દમને સારુ પૈસાના કાંકરા કરાવેછ તેમ નહિ કરવું પડે.

હજામ0 – વૈદ લોક દમ કહાડે એવા તો ખરા. (હાથ લાંબો કરતાં સેઠના ચસ્મા પડી જાય છે.)

નથ્થુ0 – કમબખત હજામડા, મારા ચસ્મા ભાંગ્યા. સાલાએ બે રૂપીયાનું જાન કરાવ્યું ને હું વિના અટકી બેઠો. હવે કરીશ શું? સાલ્લા, તારી હજામતમાંથી કાપી લઈશ એની કિંમત. યાદ રાખજે, હું છોડવાનો નથી.

હજામ0 – (ચસ્મા ઉપાડેછે) કાકા, તમારૂં ભાએગ જબરૂં છે તો, ભાંગ્યાં નથી, તમે ચસ્માને છોડો, પણ તે તમને છોડે એમ કહાંછે?

નથ્થુ0 – (પાછાં ઘાલે છે) આવ, મારા ચસ્મા, હું તો તને જીવની પઠે જાળવું છું.

હજામ0 – તમારો જીવ ને ચસ્મા બંને જાળવવા જેવાંજ છે. એક ટકોરો વાગે તો ફુટતાં વાર લાગે નહિ.

નથ્થુ0 – એના હાથ તો જાણે ગુલાબનાં પાંતરાં.

હજામ0 – એ પકડ્યાથી તમને કાંટા વાગવાના છે તેમાં કે ?

નથ્થુ0 – એનું નાક તો તેલની ધારજ છે.

હજામ0 – થોડે દહાડે તરવારની ધાર જેવું થશે. તારે વેગળા રહેજો. તમારૂં નાક જો ડકશે, તો ચપ ચીભાડા પઠે કપાઈ જશે.

નથ્થુ0 – હું તો હરખ ઘેલો થયો છું. મને તો આણંદથી નાચવાનું મન થાય છે.(નાચેછે.)

હજામ0 – ટબલા બાંધો, કાકા પરણ્યા પછી તો તેમ કરવું છે.

કમા૦- શેઠ, હુમેરી ક્યા તકશીર? તુમેરા પાઊ દુખેગા ઓર મેં એકિલા તે કિતની ચંપી કરુંગા ?

હજામ0 – સાળા, મુક્કિયો મારજેની. હું તો શરીર એમજ ચાંપું.

નથ્થુ0 – બાવાડી ચસકી, વચમાં બકબક ન કર. એનું શરીર તો ચાંપાના છોડ જેવું છે.

હજામ0 – બરાબર, કેમકે તેના પણ નશીબમાં ભમરનું સુખ નહિ લખેલું.

નથ્થુ0 – એનું મ્હોં તો ગોળ લાડવોજ.

હજામ0 – તારે બ્રાહ્મણને બહુ ભાવશે.

નથ્થુ0 – અરે ! જુવાની તો વાડીની પેઠે ખીલી રહી છે!

કમા૦- માલીકુ શિરપાવ દો. (ચંદા કહારની ગભરતી હતી તેની આંખમાં પાણી ભરાઈ આવે છે.) ઝુમ0 – બીન, બીન, ગાંડી ન થા . (ચ્હીડવાઈને) નથુશા, આ તમારા ઘરનો ઢંગ શો ? આ નીચ જાત તરકડાને અને ગાંયઝાને માથે શિદ ચ્હડાવી મ્હેલ્યાશે. હું કાંય મારી શોડીને ઠેકડી કરાવવા હિંયા નથી લાવ્યો.

હજામ0 – ઠેકડી નહિ ઠઠ્ઠો.

કમા૦- મ્હોં સમાલકર બોલ બે બકાલ ! અમકું નહિ પીછાનતા હૈ ? તેરા સીર તોડ ડાલુંગા.

નથ્થુ0 – કમાલિયા ! કમાલિયા ! મત બોલ.

ઝુમ0 – પીંજરડાને મીજાજ કેટલો છ !

કમા૦- તેરા બાવા પીંજારા.

નથ્થુ0 – અરે ! હં ! હં !

ઝુમ0 – પીંજારડા, મને શુરતી દીઠો કે ? રોંડના તારૂં માથું જ ભાંજી નાખ્યો જો. ઓળખે છે મને.

કમા૦- જા. જા. સાલ્લે , હીંગ તોલ, હીંગ તોલ.

નથ્થુ૦ – (ચ્હીડીને) કમાલિયા ? મડવાનો થયોછ કે ?

હજામ0 – કાકા , તમે પાછું તમારૂં કામ ચલાવો એટલે બધા ચૂપ રહેશે.

નથ્થુ0 – રંગમાં ભંગ કરી નાંખ્યો. (પાછો ચંદા સામું જોવા લાગે છે.)ઝુમખશાહ, એના રૂપમાં તો કંઈ કસર નથી.

કમા૦- (મનમાં) સાલે હીંગ તોલું અમ સિપાઈ બચ્ચેકું ગાલી બોલતા હૈ, જનમમેં કિસીકી ગાલી નહિ સુની હૈ.

ઝુમ૦-મારે મ્હોડે શેઠ, વખાણ કરું તે શોભે નહિ, બાકી એવી ફુટડી શોડી અમારા આખા ગોમમાં કોય નથી.

હજામ- ખરી કહોછો. અમારા આવા સુરતમાં કોઈ રામજણી પણ એવું રૂપ મ્હેં દીઠું નથી તો.

નથ્થુ૦- ઝુમખશા, રૂપમાં કંઈ કસર નથી. લખ્યા કરતાં બેચંદા સરસ છે. એની કોટ કેવી છે ! પાની પીએ તો પણ દેખાય.

ઝુમ૦- એતો શેઠ તમે ભૂલ્યા. તમારા શુરતી જેવા અમારા છોરૂ પોંગળાં નહિતો. એતો ધાબડધીંગા.

નથ્થુ૦- અરે ઝુમખાંશાહ, હુંતો વખાણ કરૂં છું. અમારે ત્યાં કોઈ બૈરી ઘણી રૂપાળી હોય, ત્હારે તેને એમ કહેછે.

કમા૦- સેઠ, એક મ્હેરી બાત સુન લો.

ઝુમ૦- હુંઅ! વખાણ કરોછો ત્યારે તો ઠીક. પાણી પીએ ત્યારે પણ દેખાય છે, એ વાતતો ખરીછે.

કમા૦- સેઠ, તુમ મેરી એક બાત સુનો. ક્યા દીવાના હોકર ઓ રંડીકી તારીફ.-

નથ્થુ૦- કમ્બખત ! એને કંઈ કહેશે, તો તો હું કહાડીજ મુકીશ ને ચઢેલો પગારે નહિ આપું. કમા૦- સુનોતોસહી મેરી બાત. ઓ ગૂજરાતી બડા ચોર હૈં. તુમકું એ કમજાત ફિરેબ દેકર ફુસલાતા હૈં, એ લડકી તો મુંગી હૈં.

નથ્થુ૦- હૈં !!

હજામ-- અરેરે ! કહી દીધું કે!

કમા૦- મ્હેં ઓ કમબખત કાફર કે મકાન પર ગયા થા, ઓ વખત ઈસકી સાથ ગાડીવાળા આયાથા ઈને અમકું કહ્યા, કે ઓ લડકી બોલ નહિ સકતી હૈ. મ્હેંને તઝવીઝ બોત કી આખર માલુમ પડા કે ઓ બાત સચહૈં. ફિર સાલેકી પાસ મ્હેં ગયા, ઓર પીછું બોલા કે તુમ ઐસેં દગા કરતેહો. ઓ બખત એ કમજાત બોલા કે "મિયાં શાહેબ, બોલશોમાં, બોલશોમાં, તમારો ગણ અમે નહિ વેસરિયે."

એસા બોલકર અમકુ પચીસ રૂપે દીએ.

હજામ- કેમરે ભાયા ! આ વાત ખરી કે ?

નથ્થુ૦- હેં ! આ સું ? એ બોલશે તોજ એની સાથે હું પહણીસ; નિકર એને નાંખો ઝાનમમાં!

ઝુમ૦-ભાઈ સાહેબ, હું જૂઠું નથી બોલતો. એ શોડી જનમની તો મૂંગી નથી જો. મ્હારી આંખ્યોના સમ ! અંબાજીના સમ ! જો હું અશત બોલતો હોઊંતો.

નથ્થુ૦- જોઊં કહાં બોલછ ? બોલાવોની.

ઝુમ૦- શેઠ, જરા શોંસતા પડે, હું શુ કહુંશું તે તો કોંય શાંભલો, જનમને મુંગી નથી. હું ગોમ મ્હેલીને નેશર્યો, ત્યરની શોડી કુણ જાણે શું થયું બોલતી નથી. શેઠ, હું શોડી લઈને પાછો જાયો તેમાં તમારીને મારી બેઊની હોંશી થાશે. શોંસતા પડો. ધંતર મંતર કોંય કરીશું એટલે પરણ્યા પછે બે દનમાં શાજી થશે.

........***........