ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે
Appearance
ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે દેવાનંદ સ્વામી |
ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે
ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે,
તપ તીરથ વ્રત કરીએ કોટિ ઉપાય રે;
પુણ્ય કરી અમરાપુરનાં સુખ પામીએ રે,
અંતે પાછો ફોગટ ફેરો થાય રે... ૧
માયાની મોટપ તે મિથ્યા જાણજો રે,
નદીએ આવ્યું જેમ પાણીનું પૂર રે;
તેની પેઠે ધન જોબન ને જીવવું રે,
આક તણાં જેમ ઊડી જાશે તૂર રે... ૨
સગાં કુટુંબી મેલી મરવું એકલું રે,
લખ ચોરાશી ફરવું વારંવાર રે;
પાપતણાં ફળ આગળ તારે આવશે રે,
કરમ કરીને ભરિયા તેં કોઠાર રે... ૩
આજ અમૂલખ માણસનું તન આવિયું રે,
ભજવા સારુ ભાવ કરી ભગવાન રે;
દેવાનંદ કહે માન તજીને માનજે રે,
વાત વિચારી સારી ચતુર સુજાણ રે... ૪