લખાણ પર જાઓ

મંગળપ્રભાત/૪. અસ્વાદ

વિકિસ્રોતમાંથી
← ૩. બ્રહ્મચર્ય મંગળપ્રભાત
૪. અસ્વાદ
મોહનદાસ કરમચંદ ગાંધી
૫. અસ્તેય →



૪. અસ્વાદ

૧૨-૮-’૩૦
મંગળપ્રભાત
 


બ્રહ્મચર્યની સાથે બહુ નિકટ સંબંધ ધરાવતું આ વ્રત છે. મારો અનુભવ એવો છે કે આ વ્રતને પહોંચી વળાય તો બ્રહ્મચર્ય એટલે જનનેન્દ્રિય સંયમ સાવ સહેલો થઈ પડે. પણ આને વ્રતમાં નોખું સ્થાન સામાન્ય રીતે નથી અપાતું. સ્વાદને મોટા મોટા મુનિવરો પણ જીતી નથી શક્યા, એટલે તે વ્રતને નોખું સ્થાન નથી મળ્યું. આ તો માત્ર મારું અનુમાન છે. એમ હો યા ન હો, આપણે આ વ્રતને નોખું સ્થાન આપ્યું છે તેથી તેનો વિચાર સ્વતંત્રપણે કરી લેવો ઘટે છે.

અસ્વાદ એટલે સ્વાદ ન લેવો. સ્વાદ એટલે રસ. જેમ ઔષધિ ખાતાં આપણે તે સ્વાદીલી છે કે કેવી તેનો વિચાર ન કરતાં શરીરને તેની જરૂર છે એમ સમજી તેની માત્રામાં જ ખાઈએ છીએ, તેમ જ અન્નનું સમજવું. અન્ન એટલે ખાદ્ય પદાર્થમાત્ર. તેથી દૂધ ફળનો પણ અહીં સમાવેશ છે. જેમ ઔષધ ઓછી માત્રામાં લીધું હોય તો અસર નથી કરતું અથવા થોડી કરે છે ને વધારે લીધું હોય તો હાનિ કરે છે, તેમ જ અન્નનું છે. તેથી કંઈ પણ વતુ સ્વાદ લેવાને અર્થે ચાખવી એ વ્રતનો ભંગ છે. સ્વાદીલી લાગતી વસ્તુ વધારે લેવી એ તો ભંગ સહેજે થયો. આ ઉપરથી સમજી શકાય કે વસ્તુનો સ્વાદ વધારવા કે બદલવા સારુ કે અસ્વાદ મટાડવા સારુ મીઠું ભેળવવું એ વ્રતભંગ છે. પણ અમુક પ્રમાણમાં મીઠાની આવશ્યકતા અન્નમાં છે એમ આપણેજાણતા હોઈએ ને તેથી તેમાં મીઠું નાખવું એમાં વ્રતભંગ નથી. શરીર પોષણને સારુ આવશ્યકતા ન હોય છતાં મનને છેતરવા સારુ આવશ્યકતાનું આરોપણ કરીને કંઈ વસ્તુ ઉમેરવી એ તો મિથ્યાચાર થયો ગણાય.

આ પ્રમાણે વિચારતાં આપણે જોઈશું કે અનેક વસ્તુઓ આપણે લઈએ છીએ તે શરીરરક્ષાને સારુ આવશ્યક ન હોઈ ત્યાજ્ય થઈ જાય છે. અને એમ અસંખ્ય વસ્તુનો ત્યાગ સહજ થઈ જાય તેના વિકારમાત્ર શમી જાય. 'એક તોલડી તેર વાનાં માંગે છે', 'પેટ કરાવે વેઠ, પેટ વાજાં વગડાવે' આ બધાં વચનોમાં બહુ સાર સમાયેલો છે. આ વિષય ઉપર એટલું બધું ઓછું ધ્યાન દેવાયું છે કે વ્રતની દ્રષ્ટિએ ખોરાકની પસંદગી લગભગ અશક્ય થઈ પડી છે. વળી બચપણથી જ માબાપ ખોટું હેત કરીને અનેક પ્રકારના સ્વાદો કરાવી શરીરને બગાડી મૂકે છે ને જીભને કૂતરી કરી મૂકે છે, જેથી સમજણો થતો સંસાર શરીરે રોગી ને સ્વાદદૃષ્ટિએ મહાવિકારી જોવામાં આવે છે. આનાં કડાવાં પરિણામ આપણે ડગલે ને પગલે અનુભવીએ છીએ: અનેક ખર્ચમાં પડીએ છીએ, વૈદ્યદાકતરોને સેવીએ છીએ, ને શરીર થયા ઇન્દ્રિયોને વશમાં રાખવાને બદલે તેમના ગુલામ થઈ અપંગ જેવા થઈ રહીએ છીએ. એક અનુભવી વૈદ્યનું વચન છે કે જગતમાં તેણે એક પણ નીરોગી મનુષ્યને જોયો નહોતો. જરા પણ સ્વાદ થયો ત્યારે જ શરીર ભ્રષ્ટ થયું ને ત્યારથી જ ઉપવાસની આવશ્યકતા તે શરીરને સારુ પેદા થઈ. આ વિચાર શ્રેણીથી કોઈએ ગભરાવાની જરૂર નથી. અસ્વાદવ્રતની ભયંકરતા કોઈએ તે છોડવાની પણ જરૂર નથી. આપણે કોઈ વ્રત લઈએ છીએ ત્યારથી તે સંપૂર્ણતાએ પાળતા થઈ ગયા એવો અર્થ નથી. વ્રત લેવું એટલે તેનું સંપૂર્ણ પાલન કરવાનો પ્રામાણિક, દૃઢ પ્રયત્ન મન, વચન, કર્મથી મરણ લગી કરવો. અમુક વ્રત મુશ્કેલ છે તેથી તેની વ્યાખ્યા મોળી કરી મનને છેતરીએ નહિ. આપણી સગવડને સારુ આદર્શને ઉતારવામાં અસત્ય છે, આપણું પતન છે. આદર્શને સ્વતંત્રપણે જાણી તે ગમે તેટલો કઠિન હોય છતાં તેને પહોંચવાનો માથાતૂટ પ્રયત્ન કરવો એ પરમ અર્થ છે - પુરુષાર્થ છે. ( પુરુષ શબ્દનો અર્થ કેવળ નર ન કરતાં મૂળ અર્થ કરવો પુરમાં એટલે શરીરમાં રહે છે તે પુરુષ. આમ અર્થ કરતાં પુરુષાર્થ શબ્દનો ઉપયોગ નરનારી બન્નેને સારુ થઈ શકે.) મહાવ્રતોને સંપૂર્ણતાએ ત્રણે કાળ પાળવા જે સમર્થ છે તેને આ જગતમાં કંઈ કરવાપણું નથી; તે ભગવાન છે, તે મુક્ત છે. આપણે તો અલ્પ મુમુક્ષુ , જિજ્ઞાસુ, સત્યનો આગ્રહ રાખનારાં, તેની શોધ કરતાં પ્રાણી છીએ. એટલે ગીતાની ભાષામાં ધીરેધીરે પણ અતંદ્રિત રહી પ્રયત્ન કર્યા કરીએ. આમ કરશું તો કોક દિવસ પ્રભુપ્રસાદીને સારુ લાયક થઈશું ને ત્યારે આપણા રસમાત્ર બળી જશે.

અસ્વાદવ્રતનું મહત્ત્વ જો સમજ્યા હોઇએ તો આપણે તેના પાલનને સારુ નવો પ્રયત્ન કરીએ. તેને સારુ ચોવીસે કલાક ખાવાના જ વિચારો કરવાની આવશ્યકતા નથી રહેતી; માત્ર સાવધાનીની, જાગૃતિની અતિ આવશ્યકતા રહે છે. આમ કરવાથી થોડા જ સમયમાં આપણે ક્યાં સ્વાદ કરીએ છીએ ને ક્યાં શરીરને પોષવા ખાઈએ છીએ એની ખબર પડી રહેશે.

આ ખબર પડ્યા પછી આપણે દૃઢતા પૂર્વક સ્વાદો ઓછા કરતા જ જઈએ. આ દૃષ્ટિએ વિચાર કરતાં સંયુક્ત પાક જે આસ્વાદવૃત્તિથી થતો હોય તે બહુ મદદગાર છે. ત્યાં આપણે રોજ શું ખાઈશું કે રાંધશું તેનો વિચાર નથી કરવો પડતો; પણ જે તૈયાર થયું હોય ને જે આપણે સારુ ત્યાજ્ય ન હોય તે ઈશ્વરનો અનુગ્રહ માની, મનમાં પણ ટીકા કર્યા વિના, સંતોષપૂર્વક, શરીરને આવશ્યક હોય તેટલું ખાઈ ઊઠીએ. આમ કરનાર સહેજે અસ્વાદવ્રતનું પાલન કરે છે. સંયુક્ત પાક તૈયાર કરનારાં આપણો બોજો હળવો કરે છે, આપણાં વ્રતનાં તે રક્ષક બને છે. સ્વાદ કરાવવાની દૃષ્ઠિથી તે કંઈ તૈયાર નહિ કરે, કેવળ સમાજના શરીરના પોષણને સારુ જ પાક તૈયાર કરશે. ખરું જોતા આદર્શ સ્થિતિમાં અગ્નિનો ખપ ઓછામાં ઓછો અથવા મુદ્દલ નથી. સૂર્યરૂપી મહાગ્નિ જે વસ્તુઓ પકવે છે તેમાંથી જ આપણું ખાધ્ય શોધાવું જોઈએ અને આમ વિચાર કરતાં મનુષ્યપ્રાણી કેવળ ફળાહારી છે એમ સિદ્ધ થાય છે. પણ એટલે ઊંડે અહીં ઊતરવાની આવશ્યકતા નથી. અહીં તો અસ્વાદવ્રત શું છે, તેમાં શી મુશ્કેલીઓ છે ને નથી, તથા તેનો બ્રહ્મચર્યપાલન સાથે કેટલો બધો નિકટ સંબંધ છે તે જ વિચારવાનું હતું. આટલું મનમાં ઠસ્યા પછી સહુ યથાશક્તિ એ વ્રતને પહોંચી વળવાનો શુભ પ્રયત્ન કરે.