મંગળપ્રભાત/૭. અભય

વિકિસ્રોતમાંથી
← ૬. અપરિગ્રહ મંગળપ્રભાત
૭. અભય
મોહનદાસ કરમચંદ ગાંધી
૮. અસ્પૃષ્યતાનિવારણ →



૭. અભય

૨-૯-’૩૦
મંગળપ્રભાત
 

આની ગણના સોળમા અધ્યાયમાં દૈવી સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. એ શ્ર્લોક બેસાડવાની સગવડ ખાતર હો કે અભયને પ્રથમ સ્થાન હોવું જોઈએ તેથી, એ વિવાદમાં હું ન ઊતરું; એવો નિર્ણય કરવાની મારામાં યોગ્યતા પણ નથી. મારી મતિ પ્રમાણે અભયને અનાયાસે પ્રથમ સ્થાન મળ્યું હોય તોયે તેને તે યોગ્ય જ છે. અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અભય વિના સત્યની શોધ કેમ થાય ? અભય વિના અહિંસાનું પાલન કેમ થાય ? ‘હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને.’ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ. કાયર એટલે ભયભીત બીકણો; શૂરો એટલે ભયમુક્ત, તલવારાદિ કસેલો નહીં. તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.

અભય એટલે બાહ્ય ભય માત્રથી મુક્તિ. મોતનો ભય, ધનમાલ લૂંટાવાનો ભય, કુટુંબ પરિવાર વિષેનો ભય, રોગનો ભય, શસ્ત્રપ્રહારનો ભય, આબરૂનો ભય, કોઈને ખોટું લગાડવાનો ભય, એમ ભયની વંશાવળી જેટલી લંબાવીએ તેટલી લંબાવી શકાય. એક માત્ર મોતનો ભય જીત્યો એટલે બધા ભયો જીત્યા એમ સામાન્ય રીતે કહેવાય છે; પણ એ બરોબર નથી લાગતું. ઘણા મોતનો ભય છોડે છે, છતાં નાના પ્રકારનાં દુઃખોથી નાસે છે. કોઈ પોતે મરવા તૈયાર હોય છે, પણ સગાંવહાલાંનો વિયોગ સહન નથી કરતા. કોઇ કૃપણ આ બધું જતું કરશે, દેહ જતો કરશે, પણ એકઠું કરેલું ધન છોડતાં હેતબાઈ જશે. કોઈ પોતે માનેલી આબરૂ, પ્રતિષ્ઠા સાચવવા અનેક કાળાંધોળાં કરવા તૈયાર થશે ને કરશે. જગતની નિંદા ભયથી કોઈ સીધો માર્ગ જણતા છતાં લેતાં અચકાશે. સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલી દીધે જ છૂટકો. હરિશ્ચંદ્રની જેમ પાયમાલ થવાની તેનામાં તૈયારી હોવી જોઈએ. હરિશ્ચંદ્રની કથા ભલે કાલ્પનિક હોય, પણ આત્માર્થીમાત્રનો એ અનુભવ છે; એટલે એ કથાની કિંમત કોઈ ઐતિહાસિક કથા કરતાં અનંતગણી વધારે છે, ને આપણે સહુને સંઘરવા, મનન કરવાયોગ્ય છે.

અભયવ્રતનું સર્વથા પાલન લગભગ અશક્ય છે. ભયમાત્રથી મુક્તિ તો જેને આત્મસાક્ષાત્કાર થયો હોય તે જ પામી શકે. અભય અમૂર્છ સ્થિતિની પરાકાષ્ઠા છે. નિશ્ચય કરવાથી, સતત પ્રયત્ન કરવાથી અને આત્મા ઉપરની શ્રદ્ધા વધવાથી અભયની માત્રા વધી શકે છે. મેં આરમ્ભમાં જ ક્હ્યું કે આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જે શત્રુ રહ્યા છે તેમનાથી તો ડરીને જ ચાલવાનું છે. કામક્રોધાદિનો ભય ખરો ભય છે. એને જીતી લઈએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મેળે મટે. ભય માત્ર દેહને લઈને છે. દેહ ઉપરનો રાગ ટળે તો સહેજે અભય પ્રાપ્ત થાય. આમ વિચાર કરતાં આપણે જોઈ શકીએ છીએ કે ભયમાત્ર આપણી કલ્પના સૃષ્ટિ છે. પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી, 'મારા'પણું કાઢી નાંખીએ એટલે ભય ક્યાં છે ? तेन त्यक्तेन भुंजीथाः । એ રામબાણ વચન છે. કુટુમ્બ, પૈસો, દેહ જેવાં ને તેવાં રહે. તેમને વિષેની આપણી કલ્પના બદલવી રહી. એ 'આપણાં' નથી, એ 'મારાં' નથી; એ ઈશ્વરના છે, 'હું પણ તેનો છું', 'મારું' એવું આ જગતમાં કંઈ જ નથી. પછી મને ભય શાને વિષે હોઈ શકે? તેથી ઉપનિષદકારે કહ્યું 'તેનો ત્યાગ કરીને તે ભોગવ.' એટલે આપણે તેના રખેવાળ રહીએ તે તેની રક્ષા કરવા પૂરતી શક્તિ અને સામગ્રી આપી દેશે. આમ સ્વામી મટીને સેવક થઈએ, શૂન્યવત્ થઈ રહીએ તો સહેજે ભયમાત્ર જીતીએ, સહેજે શાન્તિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ.