મંગળપ્રભાત/૮. અસ્પૃષ્યતાનિવારણ

વિકિસ્રોતમાંથી
← ૭. અભય મંગળપ્રભાત
૮. અસ્પૃષ્યતાનિવારણ
મોહનદાસ કરમચંદ ગાંધી
૯. જાતમહેનત →


૮. અસ્પૃષ્યતાનિવારણ

૯-૯-’૩૦
મંગળપ્રભાત
 


આ વ્રત પણ અસ્વાદવ્રતની જેમ નવું છે અને કંઈક વિચિત્ર પણ લાગે. જેટલું વિચિત્ર છે તેના કરતાં વધારે આવશ્યક છે. અસ્પૃશ્યતા એટલે આભડછેટ; અને અખા ભગતે ઠીક ગાયું છે કે 'આભડછેટ અદકેરું અંગ'. એ જ્યાં ત્યાં ધર્મેને નામે કે બહાને વિદ્ન નાંખ્યા જ કરેછે અને ધર્મને કલુષિત કરે છે. જો આત્મા એક જ છે, ઈશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઈ નથી. જે રીતે ઢેડભંગીને અસ્પૃશ્ય ગણવામાં આવે છે પણ સ્પૃશ્ય નથી, તે રીતે મૃત દેહ પણ અસ્પૃશ્ય નથી, એ માન ને કરુણાને પાત્ર છે. મૃત દેહનો સ્પર્શ

કરી કે તેલ ચોળી અથવા હજામત કરી કરાવી નાહીએ છીએ તો તે કેવળ આરોગ્યની દૃષ્ટિએ. મૃતદેહનો સ્પર્શ કરે કે તેલ ચોળી ચોળાવી ન નહાય તે ભલે ગંદો કહેવાય; તે પાતકી નથી, પાપી નથી. એમ તો ભલે માતા બચ્ચાનું મેલું ઉપાડ્યા પછી સ્નાન ન કરે અથવા હાથપગ ન ધૂએ ત્યાં લગી અસ્પૃશ્ય હોય. પણ બચ્ચું ગેલ કરતું તેને અડશે તો તે નથી અભડવાનું કે નથી તેનો આત્મા મલિન થવાનો. પણ જે તિરસ્કારરૂપે ભંગી, ઢેડ, ચમાર ઇત્યાદિ નામે ઓળખાય છે એ તો જન્મે અસ્પૃશ્ય ગણાય છે. ભલે તેણે સેંકડો સાબુથી વર્ષો લગી શરીર ચોળ્યું હોય, ભલે તે વૈષ્ણવનો પોશાક પહેરે, માળાકંઠી રાખે, ભલે તે ગીતાપાઠ રોજ કરે ને ધંધો લેખકનો કરે તોયે તે અસ્પૃશ્ય છે. આમ જે ધર્મ મનાય કે અચરાય તે ધર્મ નથી, અધર્મ છે ને નાશને યોગ્ય છે. આપણે અસ્પૃશ્યતાનિવારણને વ્રતનું સ્થાન આપીને એમ માનીએ છી કે અસ્પૃશ્યતા હિંદુધર્મનું અંગ નથી, એટલું જ નહિ પણ એ હિંદુધર્મમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, ને તેનું નિવારણ કરવું પ્રત્યેક હિંદુનો ધર્મ છે, તેનું પરમ કર્તવ્ય છે. તેથી જે તેને પાપ માને છે તે તેનું પ્રાયશ્ચિત કરે, અને કંઈ નહિ તો પ્રાયશ્ચિતરૂપે પણ ધર્મ સમજીને સમજદાર હિંદુ પ્રત્યેક અસ્પૃશ્ય ગણાતા ભાઈબહેનને અપનાવે. તેનો હેતે સેવાભાવે સ્પર્શ કરે, સ્પર્શ કરી પોતાને પાવન થયેલ માને, 'અસ્પૃશ્ય'નાં દુઃખો દૂર કરે, વર્ષો થયાં તેમને કચડી નાખવામાં આવેલ છે તેથી તેમનામાં ને અજ્ઞાનાદિ દોષો પેસી ગયા છે તે ધીરજપૂર્વક દૂર કરવામાં તેમને મદદ કરે, અને આમ બીજા હિંદુને કરવા મનાવે, પ્રેરે. આ દ્રષ્ટિએ અસ્પૃશ્યતાને નિહાળતાં તેને દૂર કરવામાં જે ઐહિક કે રાજનૈતિક પરિણામો કહ્યાં છે તેને વ્રતધારી તુચ્છ ગણશે. તે કે તેવું પરિણામ આવો અથવા ન આવો, છતાં અસ્પૃશ્યતાનિવારણને વ્રતરૂપે આચરનાર ધર્મ સમજી અસ્પૃશ્ય ગણાતાંને અપનાવશે. સત્યાદિ આચરતાં આપણે ઐહિક પરિણામનો વિચાર ન કરીએ. સત્યાચરણ તે વ્રતધારી સારું એક યુક્તિ નથી, એ તો તેના દેહની સાથે જોડાયેલી વસ્તુ છે, તેનો સ્વભાવ છે; તેમાં અસ્પૃશ્યતાનિવારણ તે વ્રતધારીને છે. આ અસ્પૃશ્યતાનું મહત્ત્વ સમજાયા પછી આપણને માલૂમ પડશે કે એ સડો કેવળ ઢેડભંગી ગણાતાં વિષે જ દાખલા થઈ ગયો છે એમ નથી. સડાનો સ્વાભાવા છે કે પ્રથમ રાઈના દાણા જેટલો લાગે છે, પછી પહાડનું સ્વરૂપ પકડે છે, ને છેવટે જેમાં પ્રવેશ કરે છે તેનો નાશ કરતો રહે છે; તેમ અસ્પૃશ્યતાનું છે. આ આભડછેટ વિધર્મી પ્રત્યે આવી છે, અન્ય સંપ્રદાયો પ્રત્યે આવી છે, એક જ સંપ્રદાયની વચ્ચે પણ પેસી ગઈ છે, તે એટલે સુધી કે કેટલાક તો અસ્પૃશ્યતાને પાળતાપાળતા પૃથ્વી ઉપર ભારરૂપ થઈ પડ્યા છે. પોતાનું જ સાંભળતા, પોતાને પંપાળતા, નહાતાંધોતાં, ખાતાંપીતાં નવરા જ થતા નથી, ઈશ્વરને નીં ઈશ્વરને ભૂલી પોતાને પૂજાતા થઈ ગયા છે. એટલે અસ્પૃશ્યતાનિવારણ કરનાર ઢેડભંગીને અપનાવીને સંતોષ નહિ માને: તે જીવમાત્રને પોતામાં નહિ જુએ ને પોતાને જીવમાત્રમાં નહિ હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહિ. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું. આમ જોતાં અસ્પૃશ્યતાનિવારણ અહિંસાની જોડી બની જાય છે ને વસ્તુતઃ છે જ. અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ. અસ્પૃશ્યતાનિવારણનો પણ એ જ અર્થ છે. જીવમાત્રની સાથેનો ભેદ મટાડવો તે અસ્પૃશ્યતા નિવારણ. આમાં અસ્પૃશ્યતાને જોતાં તે દોષ થોડેઘણે અંશે જગતમાં વ્યાપક છે ખરો. અહીં આપણે તેને હિંદુધર્મના સડારૂપે વિચાર્યો છે, કેમકે તેણે હિંદુધર્મમાં ધર્મનું સ્થાન ઝડપ્યું છે, ને ધર્મને બહાને લાખો કે કરોડની સ્થિતિ ગુલામના જેવી કરી મૂકી છે.