મંગળપ્રભાત/૯. જાતમહેનત
← ૮. અસ્પૃષ્યતાનિવારણ | મંગળપ્રભાત ૯. જાતમહેનત મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૦. સર્વધર્મ સમભાવ - ૧ → |
૯. જાતમહેનત
મંગળપ્રભાત
જાતમહેનત મનુષ્યમાત્રને સારુ અનિવાર્ય છે એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલસ્ટૉયના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઈ ગયો હતો -- રસ્કિનનું 'અન્ટુ ધિસ લાસ્ટ' (સર્વોદય)વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ 'બ્રેડ લેબર'નો અનુવાદ છે. 'બ્રેડ લેબર'નો શબ્દશ: તરજૂમો રોટી (ને સારુ) મજૂરી. રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ. શરીર વાંકું વાળવું જોઈએ એ ઈશ્વરી નિયમ છે, એ મૂળ શોધ ટૉલસ્ટૉયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બુર્નૉહની છે. તેને ટૉલસ્ટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહીં યજ્ઞનો અર્થ જાતમહેનત અથવા રોટીમજૂરી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે. એ ગમે તેમ હો, એ આપણા આ વ્રતની ઉત્પત્તિ છે. બુદ્ધિ પણ એ વસ્તુભણી આપણને લઈ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ? બાઈબલ કહે છે : 'તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે.' કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળોટ્યા કરે ને તેના મોંમાં કોઈ ખાવાનું મૂકે ત્યારે તે ખાય તો તે લાંબો વખત ખાઈ નહિ શકે, તેને તેમાં રસ પણ ન રહે. તેથી તે વ્યાયામાદિ કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તો પોતાનાં જ હાથમોં હલાવીને. જો આમ કોઈક રીતે અંગકસરત રાયરંક બધાંને કરવી જ પડે છે તો રોટી પેદા કરવાની જ કસરત સહુ કાં ન કરે, એ પ્રશ્ન સહેજે પેદા થાય છે. ખેડૂતને હવા લેવાનું કે કસરત કરવાનું કોઈ કહેતું નથી. અને દિનિયાના નેવુ ટકા કરતાં પણ વધારે માણસનો નિર્વાહ ખેતીથી ચાલે છે. આનું અનુકરણ બાકીના દસ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય ! અને ખેતીની સાથે બુદ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી ઘણી હાડમારીઓ સહેજે દૂર થાય. વળી જાતમહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે તો ઊંચનીચનો ભેદ ટળી જાય. અત્યારે તો ઊંચનીચતાની ગંધ પણ નહોતી ત્યાં, એટલે વર્ણવ્યવસ્થામાંયે, તે પેસી ગઈ છે. માલેક મજૂરનો ભેદ સર્વવ્યાપક થઈ પડ્યો છે ને ગરીબ ધનિકની અદેખાઈ કરે છે. જો સહુ રોટીપૂરતી મજૂરી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય, ને પછી પણ ધનિકવર્ગ રહેશે તે પોતાને માલેક નહિ માને પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ કે ટ્ર્સ્ટી માનશે, ને તેનો મુખપણે ઉપયોગ કેવળ લોકસેવા અર્થે કરશે. જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઈ પડે છે. આ મહેનત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા એવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરે - એટલે કે કાંતાઅની, વણવાની, સુતારની, લુહારની ઇત્યાદિ, ઇત્યાદિ. સહુએ પોતપોતાના ભંગી તો થવું જ જોઈએ. ખાય છે તેને મળત્યાગ તો કરવાનો જ છે. મળત્યાગ કરે તે જ પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે. જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઈક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્યપોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઈએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો થશે. બાળક, બુઢ્ઢાં અને રોગથી અપંગ થયેલાં મજૂરી ન કરે એને કોઈ અપવાદ ન સમજે. બાળક માતામાં સમાય છે. જો કુદરતના કાયદાનો ભંગ ન થતો હોય તો બુઢ્ઢાં અપંગ ન થાય, ને રોગ તો હોય જ શાને ?