મંગળપ્રભાત/૧૦. સર્વધર્મ સમભાવ - ૧

વિકિસ્રોતમાંથી
← ૯. જાતમહેનત મંગળપ્રભાત
૧૦. સર્વધર્મ સમભાવ - ૧
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૧. સર્વધર્મ સમભાવ - ૨ →



૧૦. સર્વધર્મ સમભાવ - ૧

૨૩-૯-’૩૦
મંગળપ્રભાત
 


આપણા વ્રતોમાં જે વ્રતને સહિષ્ણુતાને નામે ઓળખીએ છીએ તેને આ નવું નામ આપ્યું છે. સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ 'ટૉલરેશન' નો અનુવાદ છે. એ મને ગમ્યો ન હતો, પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમને સર્વધર્મઆદર શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં તેની ઊણપ માની લેવામાં આવે છે. આદરમાં મહેરબાનીનો ભાવ આવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસાદૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જ જાય છે. અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોત તો પછી સત્યનો આગ્રહ શો? તો તો આપણે પરમેશ્વર થયા. કેમકે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી ભાવના છે. આપણે પૂર્ણ સત્યને ઓળખતા નથી તેથી તેનો આગ્રહ રાખીએ છીએ, તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. સ્વતંત્ર ધર્મ સંપૂર્ણ છે. તે આપણે જોયો નથી, જેમ ઈશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ અપૂર્ણ છે ને તેમાં નિત્ય ફેરફારો થયાં કરે છે, થયા કરવાના. આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ, સત્ય પ્રતિ, ઈશ્વરપ્રતિ રોજ ને રોજ આગળ જતા જઈએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઈને ઊંચનીચ માનવાપણું રહેતું નથી, બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવાં છતાં આપણે તેમાં દોષ જોઈ શકતા હોઈએ. પોતાનામાં પણ દોષ જોઈએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમાં જે કંઈ ગ્રાહ્યલાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં અસંકોચ ન થાય, એટલું જ નહિ પણ એમ કરવાનો ધર્મ પ્રપ્ત થાય.

બધા ધર્મો ઈશ્વરદત્ત છે, પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી તે અપૂર્ણ છે. ઈશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો? સહુ પોતપોતાની દૃષ્ટિએ જ્યાં લગી એ દૃષ્ટિ વર્તે ત્યાં લગી સાચા. પણ સહુ ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાના ધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે, તેથી વધારે સાત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્ય ચક્ષુ ખૂલે. ધર્માન્ધતા ને દિવ્યદર્શન વચ્ચે ઉત્તરદક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં અંતરાયો ઊડી જાય છે અને સમભવ પેદા થાય છે. આ સમભવ કેળવતાં આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના.

અહીં ધર્મઅધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેમની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઈ ગયાં છે, આજે પણ મોજૂદ છે. એટલે ધર્મો પ્રત્યેના સમભાવમાં ને ધર્મીઓ - મનુષ્યો - પ્રત્યેના સમભવમાં કંઈક ભેદ છે. મનુષ્યમાત્ર-દુષ્ટ અને શ્રેષ્ઠ પ્રત્યે, ધર્મી અને અધર્મી પ્રત્યે સમભવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહિ.

ત્યારે પ્રશ્ન એ થાય કે ધણા ધર્મો શાને સારુ જોઈએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક છે, પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહિ ટળે. છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક જ છે, જેમ વૃક્ષનું; પણ તેને પાતરાં અસંખ્ય છે.