મંગળપ્રભાત/૧૧. સર્વધર્મ સમભાવ - ૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૦. સર્વધર્મ સમભાવ - ૧ મંગળપ્રભાત
૧૧. સર્વધર્મ સમભાવ - ૨
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૨. નમ્રતા →


તા. ૩૦-૯-'૩૦
મંગળપ્રભાત

આ વિષય એવો અગત્યનો છે કે એને જરા અહીં લંબાવું છું. મારો કેટલોક અનુભવ આપું તો સમભાવનો અર્થ કદાચ વધારે સ્પષ્ટ થશે. જેમ અહીં તેમ ફિનિક્સમાં પણ પ્રાર્થના રોજ થતી. તેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ હતા. સદ્ગત રુસ્તમજી શેઠ અથવા તેમના ફરજંદ ઘણી વાર હાજર હોય જ. રૂસ્તમજી શેઠને 'મને વહાલું વહાલું દાદા રામજીનું નામ' બહુ ગમતું. મને સ્મરણ છે તે પ્રમાણે એક વેળા મગનલાલ કે કાશી એ અમને બધાંને ગવરાવતાં હતાં. રુસ્તમજી શેઠ ઉલ્લાસમાં બોલી ઊઠ્યા : 'દાદા રામજી'ને બદલે 'દાદા હોરમઝદ ગાઓની.' ગવરાવનારે ને ગાનેરે આ વિચાર સાવ સ્વાભાવિક હોય તેમ ઝીલી લીધો. ને ત્યાર પછી રુસ્તમજી શેઠ હાજર હોય ત્યારે તો અચૂક અને તે ન હોય ત્યારે કોઈ કોઈ વાર અમે એ ભજન 'દાદા હોરમઝદ' ને નામે ગાતા. સદ્ગત દાઉદ શેઠનો દીકરો સદ્ગત હુસેન તો આશ્રમમાં ઘણીવાર રહેતો. તે પ્રાર્થનામાં ઉત્સાહપૂર્વક ભળતો. તે પોતે બહુ મીઠા સૂરમાં 'ઑર્ગન' સાથે' યે બસારે બાગ દુનિયા ચંદ રોજ' ગાતો, અને તે ભજન અમને બધાંને એણે શીખવી દીધું હતું ને પ્રાર્થનામાં ઘણી વાર ગવાતું. આપણી અહીંની પ્રાર્થનામાળામાં તેને સ્થાન છે તે સત્ય પ્રિય હુસેનનું સ્મરણ છે. એના કરતાં વધારે ચુસ્તપણે સત્ય આચરનારા નવજુવાન મેં જોયા નથી. જૉસેફ રૉપપૅન આશ્રમમાં ઘણી વાર આવે જાય. તે ખ્રિસ્તી; તેમને 'વૈષ્ણવજન' બહુ ગમતું. તે સંગીત સરસ જાણે. તેમણે 'વૈષ્ણવજન'ને ઠેકાણે 'ક્રિશ્ચિયન જન તો તેને કહીએ' એમ લલકાર્યું. બધાંએ તરત ઝીલ્યું. જૉસેફના હર્ષનો પાર ન રહ્યો એમ મેં જોયું.

આત્મસંતોષને સારુ જયરે હું જુદાંજુદાં ધર્મ પુસ્તકો ઉથલાવી રહ્યો હતો ત્યારે ખ્રિસ્તીધર્મ, ઇસ્લામ, જરથુસ્તી, યહૂદી અને હિંદુ એટલાનાં પુસ્તકોનો મારા સંતોષપૂરતો પરિચય કર્યો. તેમ કરતાં મને આ બધા ધર્મો પ્રત્યે સમભાવ હતો એમ કહી શકું છું. તે વખતે મને એ જ્ઞાન હતું એમ નથી કહેતો. સમભાવ શબ્દનો પણ પૂરો પરિચય એ વેળા નહિ હોય. પણ એ વખતનાં મારાં સ્મરણ તાજાં કરું છું તો મને તે તે ધર્મોની ટીકા કરવાની ઇચ્છા સરખીયે થઈ યાદ નથી. પણ એમનાં પુસ્તકો ધર્મનાં પુસ્તકો સમજી આદરપૂર્વક વાંચતો અને બધામાં મૂળ નૈતિક સિદ્ધાન્તો એકસરખા જોતો. કેટાલીક વસ્તુઓ હું ન સમજી શકતો. તેમજ હિંદુ ધર્મ પુસ્તકોનું હતું. આજ પણ કેટલુંયે નથી સમજતો. પણ અનુભવે જોઉં છું કે જે આપણે ન સમજી શકીએ તે ખોટું જ છે એમ માનવાની ઉતાવાળ કરવી એ ભૂલ છે. જે કેટલુંક પૂર્વે ન સમજાતું એ આજે દીવા જેવું લાગે છે. સમભાવ કેળવવાથી અનેક ગૂંચો પોતાની મેળે જ ઊકલી જાય છે; અને જ્યાં આપણને દોષ જ જોવામાં આવે ત્યાં તે દર્શાવવામાં પણ જે નમ્રતા અને વિવેક હોય છે તેથી કોઈને દુઃખ નથી થતું.

એક મૂંઝવણ કદાચ રહે છે. ગયે વખતે મેં જણાવ્યું કે ધર્મઅધર્મનો ભેદ રહે છે, અને અધર્મ પ્રત્યે અમભાવ કેળવવાનો અહીં ઉદ્દેશ નથી. આમ જ હોય તો ધર્માધર્મનો નિર્ણય કરવામાં જ સમભાવની સાંકળ તૂટી નથી જતી? આવો પ્રશ્ન થાય. અને એવો નિર્ણય કરનાર ભૂલ કરે એમ પણ સંભવે. પન આપણામાં ખરે અહિંસા વર્તતી હોય તો આપણે વેરભાવમાંથી બચી જઈએ છીએ. કેમકે અધર્મ જોતાં છતાં તે અધર્મને આચરનાર પ્રત્યે તો પ્રેમભાવ જ હશે. અને તેથી કાંતો તે આપણી દૃષ્ટિનો સ્વીકાર કરશે, અથવા આપણી ભૂલ આપણને બતાવશે. અથવા બન્ને એકબીજાના મતભેદને સહન કરશે. છેવટે, સામેનો અહિંસક નહિ હોય તો એ કઠોરતા વાપરશે; તોયે આપણે જો અહિંસાના ખરા પૂજારી હોઈશું તો આપણી મૃદુતા તેની કઠોરતાને નિવારશે જ એમાં શંકા નથી. પારકાની ભૂલને સારુ પણ આપણે તેને પીડવા નથી, આપણે પીડાવું છે, એ સુવર્ણનિયમને જે પાળે છે તે બધાં સંકટોમાંથી ઊગરી જાય છે.

-૦-