મંગળપ્રભાત/૧૨. નમ્રતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૧. સર્વધર્મ સમભાવ - ૨ મંગળપ્રભાત
૧૨. નમ્રતા
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૩. સ્વદેશી →


તા.૯-૧૦-'૩૦
મંગળપ્રભાત

આને વ્રતોમાં નોખું સ્થાન નથી અને ન હોઈ શકે. અહિંસાનો એ એક અર્થ છે, અથવા કહો કે એના પેટમાં છે. પણ નમ્રતા કેળવવાથી આવતી નથી. તે સ્વભાવમાં આવી જવી જોઈએ. જ્યારે નિયમાવલિ પહેલી ઘડાઈ ત્યારે મિત્રવર્ગમાં તેનો મુસદ્દો મોકલ્યો હતો. સર ગુરુદાસ બૅનરજીએ નમ્રતાને વ્રતોમાં સ્થાન આપવાની સૂચના કરી હતી, ને ત્યારે પણ એ દાખલ ન કરવાનું એ જ કારણ બતાવ્યું હતું જે અહીં લખું છું. પણ જોકે તેને વ્રતમાં સ્થાન નથી છતાં તે વ્રતોના કરતાં કદાચ વધારે આવશ્યક છે; આવશ્યક તો છે જ. પણ નમ્રતા કોઈને અભ્યાસથી આવી જાણી નથી. સત્ય કેળવાય, દયા કેળવાય, નમ્રતા કેળવવી એટલે દંભ કેળવવો એમ કહેવાય. અહીં નમ્રતા એ વસ્તુ નથી કે જે મોટા માણસોમાં એકબીજાના માનાર્થે શીખવવા કેળવવામાં આવે છે. કોઈ બીજાને સાષ્ટાંગ નમસ્કાર કરતો હોય છતાં મનમાં તો તેને વિષે તિરસ્કાર ભર્યો હોય. આ નમ્રતા નથી, લુચ્ચાઈ છે. કોઈ રામનામ જપ્યાં કરે, માળા ફેરવે, મુનિ જેવો થઈ સમાજમાં બેસે, પણ માંહે સ્વાર્થ ભર્યો હોય તો તે નમ્ર નથી પણ પાખંડી છે. નમ્ર મનુષ્ય પોતે જાણતો નથી કે ક્યારે તે નમ્ર છે. સત્યાદિનું માપ આપણે પોતાની પાસે રાખી શકીએ, પણ નમ્રતાનું માપ નથી હોતું. સ્વાભાવિક નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્ર મનુષ્ય પોતે તે દેખી શક્તો નથી. વસિષ્ઠવિશ્વામિત્રનો દાખલો તો આપણે ઘણીવાર આશ્રમમાં સમજી ગયા છીએ. આપણી નમ્રતા શૂન્યતા લગી જવી જોઈએ. આપણે કઈંક છીએ એમ મનમાં ભૂત ભરાયું એટલે નમ્રતા ઊડી ગઈ ને આપણાં બધાં વ્રતો રોળાઈ ગયાં. વ્રતપાલન કરનાર જો મનમાં પોતાના પાલનનો ગર્વ રાખે તો વ્રતોની કિંમત ખોઈ બેસે ને સમાજમાં વિષરૂપ થઈ પડે. તેન્બા વ્રતની કિંમત ન સમાજ કરે, ન પોતે તેનું ફળ ભોગવી શકે. નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય. વિચાર કરતાં માલૂમ પડી જાય એવું છે કે આ જગતમાં જીવમાત્ર એક રજકણ કરતાં પણ કંઈ નથી. શરીર રૂપે ક્ષણજીવી છીએ. કાળના અનંતચક્રમાં સો વર્ષનું પ્રમાણ કાઢી જ ન શકાય. પણ જો એ ચકરાવામાંથી નીકળી જઈએ - એટલે કઈં નથી થઈ જઈએ તો બધું થઈ જઈએ. કંઈ થયું એટલે ઈશ્વરથી - પરમાત્માથી, સત્યથી વિખૂટા થવું, કંઈ ટળી જવું એટલે પરમાત્મામાં ભળી જવું. સમુદ્રમં રહેલું બિંદુ સમુદ્રની મહત્તા ભોગવે છે, પસ્ણ તેનું તેને જ્ઞાન નથી. સમુદ્રથી વેગળું થયું ને પોતાપણાનો દાવો કરવા બેઠું એટલે તે તે જ ક્ષણે સુકાયું. આ જીવનને પાણીના પરપોટાની ઉપમા આપી છે એમાં હું મુદ્દલ અતિશયોક્તિ નથી જોતો. આવી નમ્રતા શૂન્યતા કેળવવાથી કેમ આવી શકે? પણ વ્રતોને ખરી રીતે સમજવાથી નમ્રતા પોતાની મેળે આવતી જાય છે. સત્યનું પાલન કરવા ઇચ્છનાર અહંકારી કેમ થઈ શકે ? બીજાને સારુ પ્રાણ પાથરનાર પોતાની જગા ક્યાં રોકવા જાય? તેણે તો પ્રાણ પાથરવાનો નિશ્વય કર્યો ત્યારે જ પોતાના દેહને ફેંકી દીધો. આ નમ્રતા એટલે પુરુષાર્થ રહિતતા ન હોય ? એવો અર્થ હિંદુ ધર્મમાં કરી નખાયો છે ખરો. અને તેથી આળસને, પાખંડને ઘણી જગાએ સ્થાન મળી ગયું છે. ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષાર્થ. પણ તે બધો પરમાર્થને કારણે હોય. ઈશ્વર પોતે ચોવીસે કલાકે એક શ્વાસે કામ કર્યા કરે છે, આળસ મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેના આપણે થઈ જઈએ, તેનામાં ભળી જઈએ, એટલે આપણો ઉદ્યમ તેના જેવો જ અતંદ્રિત થયો - થવો જોઈએ. સમુદ્રથી છુટેલા બિંદુને સારુ આરામની કલ્પના આપણે કરી શકીએ છીએ; પણ સમુદ્રમાં રહેલા બિંદુને આરામ ક્યાંથી ? સમુદ્રને એક ક્ષણનો પણ આરામ છે જ ક્યાં? બરાબર એ જ પ્રમાણે આપણું છે. ઈશ્વરરૂપી સમુદ્રમાં આપણે મળી જઈએ એટલે આપણો આરામ ગયો, આરામની જરૂર પણ ગઈ. એ જ ખરો આરામ; એ મહાશાંતિમાં શાંતિ. તેથી ખરી નમ્રતા આપણી પાસે જીવમાત્રની સેવાઅર્થે સર્વાર્પણની આશા રાખે છે. બધું પરવાર્યા પછી આપણી પાસે નથી રહેતો રવિવાર કે શુક્રવાર કે સોમવાર. આ સ્થિતિનું વર્ણન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે. જેણે સર્વાર્પણ કર્યું છે તેણે તે અનુભવી છે. આપણે બધાં અનુભવી શકીએ છીએ. એ અનુભવવાના ઇરદાથી આશ્રમાં ભેળાં થયાં છીએ. બધાં વ્રતો, બધી પ્રવૃત્તિ તે અનુભવવા સારુ છે. બીજુંત્રીજું કરતાં એ કોઈક દિવસ આપણે હાથ આવી જશે. એને જ શોધવા જતાં એ પ્રાપ્ય નથી.

-૦-