મંગળમૂળ મહારાજનાં ચરણ
Appearance
મંગળમૂળ મહારાજનાં ચરણ પ્રેમાનંદ સ્વામી |
મંગળમૂળ મહારાજનાં ચરણ
મંગળમૂળ મહારાજનાં ચરણ છે,
ચિંતવતા ચિત્તમાં શાંતિ થાયે;
કામ ને ક્રોધ મદ લોભ વ્યાપે નહિ,
ઉર થકી સરવ અજ્ઞાન જાયે... ૧
જુગલ પદતળ વિષે ષોડશ ચિહ્ન છે,
નામ તેના હવે કહું વિચારી;
સ્વસ્તિ જવ જંબુ ધ્વજ અંકુશ અંબુજ,
અષ્ટકુણ વજ્ર ઊર્ધ્વરેખ પ્યારી... ૨
નવ ચિહ્ન ધારવાં જમણા તે ચરણમાં,
વામ પદમાં બીજાં સાત શોભે;
મીન ત્રિકોણને વ્યોમ ગોપદ કળશ,
અર્ધચંદ્ર ધનુષ ચિત્ત લોભે... ૩
જમણા તે ચરણની આંગળી છેલીએ,
તિલ એક અનુપમ આનંદકારી;
પાનિયું સુંદર ઘૂંટી પિંડી પર,
પ્રેમાનંદ તન મન જાય વારી... ૪