મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુલ વફા અલ બુઝજાની

વિકિસ્રોતમાંથી
← અબુલ બકા કમાલુદ્દીન અલ દમીરી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબુલ વફા અલ બુઝજાની
સઈદ શેખ
અબૂ રેહાન અલ બિરૂની  →



અબૂલ વફા અલ બુઝજાની, મુહમ્મદ બિન મુહમ્મદ બિન યાહયા
બિન ઈસ્માઈલ બિન અલ અબ્બાસ
ભૂમિતિમાં Regular Heptagon નો સરળ ઉકેલ શોધનાર, સૂર્યના પ્રભાવથી ચંદ્રની વધઘટ સૌ પ્રથમ બતાવનાર અબૂલ વફા અલ બુઝજાનીનો જન્મ બુઝજાન - કોહિસ્તાનમાં ૧ રમઝાન ઈસ. ૯૪૦ના દિવસે થયો હત. પ્રારંભિક શિક્ષણ મામા અબૂલ અમ્ર અલ મુગાઝિલી તથા અબ્દુલ્લાહ મુહમ્મદ બિન અનબસ પાસેથી મેળવ્યું. ઈસ. ૯૫૯માં બગદાદ (ઈરાક) પહોંચ્યા અને વધુ શિક્ષણ મેળવ્યું. ખગોળશાસ્ત્ર અને ગણિતમાં મહારત પ્રાપ્ત કરી. ઈ.સ. ૯૯૮માં અવસાન થયું. (ઇબ્ને અસીર અને ઇબ્ને ખલ્લીકાન મુજબ)

અલ બુઝજાનીનું સૌથી મહત્વનું કાર્ય વર્તુળમાં Regular Polygons બનાવવા વિશે છે.

અલ બુઝજાનીએ ખગોળશાસ્ત્રમાં સૌથી મહત્વની શોધ કરી એ હતી સૂર્યના પ્રભાવથી ચંદ્રની, પૃથ્વીની આસપાસ પરિભ્રમણ સમય ગાળામાં ફેરફાર થાય છે, જે ૧°૧૬ અને ૩૧.૮૧ દિવસનો થઈ જાય છે. જેને Evection કહે છે. આ જ વાત છેક સોળમી સદીમાં પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ટાયકો બ્રાહે એ કહી અને આખા વિશ્વએ એનો શોધક ટાયકો બ્રાહેને માની લીધું !.

ત્રિકોણમિતિ ક્ષેત્રે પણ અલ બુઝજાનીએ મહત્વનું પ્રદાન કર્યું, એણે વર્તુળાકાર ત્રિકોણમિતિમાં સૌ પ્રથમ ૧° થી ૯૦° સુધી sine નું મૂલ્ય આઠ દશાંસ સ્થળ સુધી શોધ્યું, જે એની પહેલાં કોઈએ શોધ્યું ન હતું.

એમણે કરેલી રચનાઓ નીચે મુજબ છે.

(૧) અંકગણિતમાં 'ફી મા યહતજ ઈલૈહ અલ કુત્તબ વલ ઉમ્માલ મિન ઇલ્મ અલ હિસાબ'

(૨) 'અલ કામિલ' લગભગ 'અલ માજેસ્ત’ જેવી કૃતિ છે

(૩) 'અલ હન્દસા'

(૪) યુકલિડ, ડાયૉફેન્ટસ અને અલ ખ્વારિઝમીના ગ્રંથોના વિવેચનો કર્યા જે દુર્ભાગ્યે હાલ ઉપલબ્ધ નથી.

(પ) ખગોળીય કોષ્ટકો 'અલ વાહિદ' પણ ઉપલબ્ધ નથી.