લખાણ પર જાઓ

મનડાને સ્થિર કરે જાગીને જાણે

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
મનડાને સ્થિર કરે જાગીને જાણે
ગંગાસતી



મનડાને સ્થિર કરે જાગીને જાણે

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે
ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે
માયા કરે નહીં કાંઈ રે ... મનડાને.

અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી
આનંદ ઉપજ્યો અપાર રે
આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે
સાધી સાહેબ સાથે તાર રે...

સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને
ચારે વાણીથી એ પાર જી
સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં
હરદમ ભજનમાં હોંશિયાર જી

વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને
મોહની મટી ગઈ તાણાવાણ જી
ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ
સાચા સાધુની ઓળખાણ જી .... મનડાને સ્થિર