મન મરિયું તેને ત્યાગી કહીએ રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મન મરિયું તેને ત્યાગી કહીએ રે
ભજન
ગંગાસતી


મન મરિયું તેને ત્યાગી કહીએ રે, મરને વરતે વહેવાર માંય રે;
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને, તેને નહિ નડે માયાની છાંય રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના, આનંદ ઊપજ્યો અપાર રે;
વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે, જેને લાગ્યો વચનુંમાં તાર રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને, વરતી થઈ ગઈ સમાન રે;
ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને, મટી ગયું જાતિનુંમાન રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે, વાસનાની મટી ગઈ તાણાવાણ રે;
ગંગાસતી એમ બોલિયાં રે, જેને થઈ ગઈ સદ્દગુરુની ઓળખાણ રે.
મન મરિયું તેને ત્યાગી કહીએ રે...