મહાદેવભાઈનું પૂર્વચરિત/બાપુજીએ મહાદેવને માગી લીધા

વિકિસ્રોતમાંથી
← હું આશ્રમમાં જોડાયો મહાદેવભાઈનું પૂર્વચરિત
બાપુજીએ મહાદેવને માગી લીધા
નરહરિ પરીખ
બાપુજી સાથે ચંપારણ ગયા →




૧૮
બાપુજીએ મહાદેવને માગી લીધા

ઑગસ્ટ મહિનામાં ભાઈ મહાદેવે બૅંકના ઈન્સ્પેક્ટરની નોકરી છોડી દીધી. ત્યાર પછી એમનાં ઘણાં માગાં આવ્યાં એ ઉપર કહેવાઈ ગયું છે. તે અરસામાં એ મુંબઈમાં બાપુજીને પણ મળેલા. બાપુજીએ એમને જે વાત કરી તે નીચેના મારી ઉપરના પત્રમાં તેમણે આપી છે. એ પત્ર સઘળી સ્થિતિ સમજાવતો હોઈ આખો જ અહીં ઉતારું છું :

મુંબઈ.
તા. ૨ જી સપ્ટેંબર, ૧૯૧૭
 

ભાઈ નરહરિ,

આ પત્ર તદ્દન ખાનગી લખું છું. એમાંની વાત તમારા સિવાય બીજું કોઈ ન જાણે એવું તમને અગાઉથી કહીને જ આ પત્ર તમને લખું છું. મારી નિયમિત હાજરી ગાંધીજીને મુકામે થતી હતી એ તમને મેં કહ્યું છે. તા. ૩૧મી ઑગસ્ટને દિને સવારે બાપુજીએ કેટલાંક વચનોથી મને પ્રેમ, આશ્ચર્ય અને આનંદમાં ગરક કર્યો. તે દિવસની ટૂંકી પણ પત્ર ઉપર ન મુકાય એવી વાતચીત પત્ર ઉપર મૂકવાનો પ્રયત્ન કરું છું. “તમોને દરરોજ હાજરી ભરવાનું કહું છું, તેનું કારણ છે. તમારે તો મારી પાસે આવી રહેવાનું છે. આ છેલ્લા ત્રણ દિવસોમાં તમારું ઝવેર મેં જોઈ લીધું છે. આ બે વર્ષ થયાં હું જેવા જુવાનની શોધમાં ફરતો હતો તે મને મળી રહ્યો છે. તમે માનશો ? જેને મારું કામકાજ કોઈ દહાડો સોંપી દઈ હું નિરાંતે બેસું, જેને હું સુખે લટકી પડી શકું એવો માણસ મારે જોઈતો હતો અને તે તમે મને મળી ગયા છો. હોમરૂલ લીગ, જમનાદાસ, વગેરે બધું મૂકી દઈને મારી પાસે જ આવવાની તમારે તૈયારી કરવાની છે. આ જિંદગીમાં આવા શબ્દો બહુ ઓછા જણોને મેં કહ્યા છે. માત્ર ત્રણ જ જણને—પોલાક, મિસ શ્લેશિન અને ભાઈ મગનલાલ. આજે તમને તે શબ્દો કહેવા પડે છે અને આનંદથી કહું છું. કારણ તમારામાં ત્રણ ગુણો હું ખાસ જોઈ શક્યો છું. પ્રામાણિકતા, વફાદારી અને સાથે હોશિયારી. મગનલાલને મેં એક દિવસ ઉપાડી લીધો ત્યારે બહારથી જોઈએ તો મગનલાલમાં કાંઈ ન હતું. પણ આજે તો તમે મગનલાલને જોઈને ચકિત થાઓ છો ને ? એ કંઈ શીખેલો ન હતો. મેં પ્રેસને માટે પહેલો એને તૈયાર કર્યો. પહેલાં ગુજરાતી બીબાં ગોઠવતાં શીખ્યો, પછી અંગ્રેજી, પછી હિંદી, તામિલ વગેરે સઘળાં બીબાં હોશિયારીથી ગોઠવતાં શીખી ગયો. અને એ બધું એણે એટલા ઓછા વખતમાં આટોપ્યું કે હું જોઈ રહું. ત્યાર પછી તો એણે કંઈ કંઈ કામ કરી બતાવ્યાં છે. પણ મગનલાલની વાત તો કોરે રહી. તમારામાં જે હોશિયારી મેં જોઈ છે તે મગનલાલમાં નથી જોઈ. તમારા ગુણોને લીધે તમે મને અનેક કામોમાં ઉપયોગી થઈ પડશો એવી મારી ખાતરી છે.” [ આ બધું હું કંઈક આશ્ચર્ય, કંઈક શરમ અને સંપૂર્ણ મૌનથી સાંભળી રહ્યો હતો. મારાથી વચ્ચે બોલાઈ ગયું કે ‘મેં કંઈ મારું કરેલું કામ બતાવ્યું નથી.’ તેના ઉત્તરમાં હવે પછીનુ બોલાયું.] “તમને શું ખબર પડે ? હું તો બહુ ઓછા વખતમાં માણસને જોઈ શકું છું. પોલાકને પાંચ કલાકમાં પારખી લીધેલા. મારો છાપામાં એક પત્ર વાંચી પોલાકે મને એક પત્ર લખ્યો અને મળવા આવ્યો ત્યારે જ મેં એને જોઈ લીધો અને પછી તો એ મારો થઈ ગયો. એ પરણ્યા અને વકીલ થયા તે પણ મારે ત્યાંથી. પરણતા પહેલાં મને કહે કે મારે થોડું કમાઈ લેવું જોઈએ, બચ્ચાં છોકરાં સારું. મેં તેને સ્પષ્ટ કહ્યું કે તું હવે મારો છે. તારી ચિંતા અને તારાં બચ્ચાં છોકરાંની ચિંતા મને છે. હું તને પરણાવું છું અને તું પરણે એમાં કંઈ વાંધો નથી. અને પછી મારા ઘરમાં જ એનાં લગ્ન થયેલાં. વારુ, એ વાત તો થઈ રહી, પણ હવે તમને કહું છું કે તમે હોમરૂલ તથા જમનાદાસની વાત છોડી દો. હૈદરાબાદ જાઓ. એકાદ વર્ષ ખેલી ખાઓ. જગતની મઝા ભોગવો અને ધરાઈ લો. હૈદરાબાદમાં ગયા પછી જે દિવસે અને જે ઘડીએ તમને ત્યાં તમારાપણું જતું લાગે તે જ ઘડીએ રાજીનામું આપી ચાલતા થવું અને મારી પાસે આવીને બેસવું.” [એટલે મેં કહ્યું કે ‘હું તો આજ પણ આવવા તૈયાર છું.’] “તમે તૈયાર છો એ હું જાણું છું, પણ તમે હજી જરાક જિંદગી જુઓ અને ખેલ ખેલી લો એવો મારો તમને આગ્રહ છે. તમારા કો-ઑપરેશનના જ્ઞાનની પણ મને જરૂર પડશે. આપણે તો એ ખાતાનો ખોડો કાઢવો છે. બિલકુલ નિશ્ચિંત રહો અને થોડો વખત ખેલી લઈ મારી પાસે જ આવી રહો. શાળાને માટે કે બીજા કામને માટે નહીં પણ મારે પોતાને માટે મને તમારી જરૂર છે. તમે એક વર્ષ, છ માસ ખેલી લો તેટલો વખત હું ચલાવી લઈશ.”

લગભગ અડધો પોણો કલાક આ અમૃત હું પીધાં કરતો હતો એટલામાં લોકોની મેદની થવા લાગી અને અમારી ખાનગી વાત બંધ થઈ ગઈ. હાજરી તો હું ભરું છું અને આજે રાત્રે પાલગઢ સુધી તેમની સાથે પાછા જવાનો વિચાર છે. શંકરભાઈને* [૧]માટે ફળ—એમણે આટલી મમતા બતાવ્યા પછી એમની સાથે મોકલવામાં મને કંઈ ખોટું લાગતું નથી. આજે સવારે મેં એમને કહ્યું કે બૅંકર મારી સાથે ખૂબ ખિજાયા છે. એટલે પૂછ્યું : કેમ ભલા ? મેં જવાબ આપ્યો : મેં પરમ દિવસનો નિશ્ચય કર્યો તેથી. બાપુએ કહ્યું : ત્યારે એમનો ખિજવાટ ખમી લો. ખમી લીધે જ છૂટકો છે. એટલે મેં કહ્યું : એમનું કહેવું એવું છે કે તમે હૈદરાબાદ ન જતા હો અને અહીં જ રહેવાના હો તો તો બૅન્કના કરતાં હોમરૂલ લીગમાં તમને આવવા દેવામાં ગાંધીજીને શો વાંધો હોય ? એટલે મેં કહ્યું કે મારે બદલે ‘ઑરગેનાઈઝિંગ વર્ક’ કરનારો બીજો તમને મળી રહેશે. ત્યારે મને કહે કે “ના, બીજો તમારા જેવો ન મળે.” મારી સ્થિતિ કંઈક કફોડી છે. એ લોકો હું મારી જેટલી કિંમત કરું છું તેના કરતાં વિશેષ કિંમત કરે છે. એટલે બાપુજીએ ટૂંકમાં પતાવ્યું, “લોકો આપણી કિંમત કરે તે આપણે સ્વીકારી લઈએ તો તો મરવાનો જ વારો આવે. ભલે તેઓ તેમ કહેતા. તેની સાથે તમારે લેવાદેવા નથી. તમે મુંબઈ રહો તે દરમ્યાન સાંજે બે કલાક એમ ને એમ લીગને સેવા આપી છે એટલું બસ છે.”

આવી સ્થિતિ છે. પત્ર લાંબો થઈ જાય છે પણ આ વાતો તમને નહીં કહું તો કોને કહું. પત્ર વાંચીને મને પાછો મોકલી આપજો. કારણ જે શબ્દો પત્રમાં મેં બાપુજીના લખ્યા છે તે લગભગ જેમના તેમ છે. કાળ જતાં તે ભુલાઈ જાય કદાચ. મારા પિતાને કે બીજા કોઈને મારા હોમરૂલમાં જોડાવાનો નિશ્ચય બદલવાનાં કંઈ કારણ જણાવ્યાં નથી. આ વાતો એવી છે કે પત્રોએ જણાવીએ તો બેવકૂફી કહેવાય. કોઈ દિવસ એ પત્ર પિતાને અને ગિન્ની* [૨]ને વંચાવું ખરો.

હૈદરાબાદ મેં ત્રણસો રૂપિયા આપો તો આવું એવો તાર કરેલો તેનો જવાબ આવ્યો નથી. હૈદરાબાદ ન જાઉં તો બાપુજી કહે ત્યાં સુધી અહીં બૅંકમાં જ રહીશ અને થોડા વખતમાં મુંબઈમાં ઘર લઈશ. બાપુજી બોલાવે ત્યારે જવાને અત્યારથી તૈયારી કરવા માંડવાની છે. તૈયારી મોટી સાધનસંપત્તિની. હરિ મને સામર્થ્ય આપો. ગોખલેજીનું ભાષાંતર×[૩] કાલથી શરૂ કરીશ. માત્ર સવારે જ થોડું થોડું થશે. કારણ સાંજના બે કલાક તો હોમરૂલના છે. ગિન્નાં હવે સારાં થયાં હશે.

લિ○
તમારો મહાદેવ
 

તા. ક. જે જિંદગીને નકામી માની કેટલીક વાર કંટાળતો તેને હવે worth living (જીવવા જેવી) માનવા જેટલી શ્રદ્ધા મનમાં આવી છે. જોકે બાપુજીએ જે મને આટલું બધું કહી શરમમાં દબાવ્યો છે તે તો હું મારે વિષે માનવાને હજી અશક્ત છું. માત્ર એટલું જ કે એવું સર્ટિફિકેટ મને જિંદગીમાં કદી મળ્યું નથી, કદી મળનાર નથી. ભવિષ્યમાં કંઈ કામનો હું નિમિત્ત થાઉં અને જગત મને પ્રશંસે તોપણ આ અંતરના ઉદ્‌ગારો મારા અંતરનો અને જિંદગીભરનો ખજાનો છે.

  1. * મારા મોટાભાઈ જેઓ તે વખતે બીમાર હતા.
  2. *ગૃહિણીનું બંગાળી રૂપ.
  3. ×૧૯૧૭ના ફેબ્રુઆરીની ૧૯મી તારીખે ગોખલેજીની બીજી સંવત્સરીની સભા અમદાવાદમાં થઈ તે વખતે પોતાના ભાષણમાં બાપુજીએ જણાવ્યું કે આપણે ખાલી ખાલી ગોખલેજીની સંવંત્સરી દર વર્ષે ઊજવીએ તેનો કોઈ અર્થ નથી. ગોખલેજીનાં બધાં ભાષાણોનો ગુજરાતીમાં અનુવાદ કરી આપવા કોઈ તૈયાર થાય તો હું છપાવવાની ગોઠવણ કરીશ. આ ઉપરથી એમને આશ્રમમાં મળીને એ કામ કરવાની મેં તૈયારી બતાવી અને તેમાં મહાદેવની મદદ પણ હું મેળવીશ એમ જણાવ્યું. થોડાં પાનાંના અનુવાદ કરી પોતાને બતાવવા મને કહ્યું. એ અનુવાદ તેમણે આનંદશંકરભાઈને જોવા આપ્યો અને તેમણે પાસ કર્યો એટલે કામ મને સોંપ્યું. બધાં ભાષણોમાંથી ચરિત્રકીર્તનનાં ભાષણોનો મહાદેવે કરેલો અનુવાદ અને દક્ષિણ આફ્રિકા વગેરે વસાહતી પ્રશ્નો ઉપરનાં ભાષણોનો મારો અનુવાદ એમ બે ચોપડીઓ બહાર પડી છે.