મહાદેવભાઈનું પૂર્વચરિત/બાપુજી સાથેનો પહેલો પ્રસંગ

વિકિસ્રોતમાંથી
← સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર મહાદેવભાઈનું પૂર્વચરિત
બાપુજી સાથેનો પહેલો પ્રસંગ
નરહરિ પરીખ
ગિરમીટ પ્રથા રદ કરાવવાનું આંદોલન →




૧૫
બાપુજી સાથેનો પહેલો પ્રસંગ

બાપુના પ્રસંગમાં કેવી રીતે આવ્યા તે મુદ્દા પર હવે જઈએ. ૧૯૧૫ના એપ્રિલમાં બાપુજીએ અમદાવાદ આવી કોચરબ પાસે ભાડાના બંગલામાં આશ્રમની શરૂઆત કરી. થોડા વખત પછી આશ્રમના ઉદ્દેશ તથા નિયમાવલિનો એક મુસદ્દો તેમણે બહાર પાડ્યો અને આશ્રમના નામ વિષે તથા તેની નિયમાવલિ વિષે આખા દેશમાંથી મિત્રોના અભિપ્રાય તેમ જ ટીકા માગ્યાં. એ મુસદ્દાની થોડી નકલો ગુજરાત ક્લબના ટેબલ ઉપર પણ આવી હતી. તેમાંથી એક લઈ અમે વાંચી અને તેના ઉપર ટીકા લખી મોકલવાનો અમે વિચાર કર્યો. પહેલાં તો અમે બંનેએ સ્વતંત્ર રીતે લખ્યું અને પછી અમારા બંનેના લખાણમાંથી એક સંયુક્ત કાગળ તૈયાર કર્યો અને તે બાપુજીને મોકલી આપ્યો. તેનો લેખી જવાબ આપવાની તસદી ન લેતાં યોગ્ય લાગે તો અમને રૂબરું બોલાવવાની વિનંતી અમે કરી હતી. એ કાગળની નકલ તો અત્યારે મારી પાસે નથી પણ ફરજિયાત બ્રહ્મચર્યમાંથી અનેક દોષ પેદા થવા સંભવ છે તથા હાથઉદ્યોગનો જ આગ્રહ રાખવાથી દેશની આર્થિક પ્રગતિ રોકાઈ જવાને ભય છે એવી એવી ટીકાઓ લખી અમારું પુસ્તક પાંડિત્ય અને ઠાલવ્યું હતું. પાંચ છ દિવસ જવાબ ન આવ્યો એટલે અમે માન્યું કે ગાંધીજીને અમારો કાગળ મહત્ત્વનો નહીં લાગ્યો હોય.

એ અરસામાં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં એક જાહેર સભામાં બાપુજી ભાષણ કરવા આવેલા. ત્યાંથી બાપુજી આશ્રમમાં પાછા જતા હતા તેમની પાછળ પાછળ અમે ગયા. તેમની તેજ ચાલ એટલે લગભગ દોડીને અમે તેમને એલિસબ્રિજ ઉપર પકડી પાડ્યા અને અમારા કાગળની વાત કરી. તેમણે કહ્યું કે, “હા, બે જણની સહીવાળો એક કાગળ આવ્યો છે ખરો; એ બે તમે જ કે ? હું તમને બોલાવવાનો જ હતો. બીજા પ્રાંતોમાંથી તો ઘણા અને સારા સારા કાગળ આવ્યા છે. સર ગુરુદાસ બૅનરજીનો કાગળ તો ઘણો સારો છે. ગુજરાતમાંથી તો થોડા જ કાગળ આવ્યા છે. તેમાં તમારા મને ઠીક લાગ્યા છે, તમને હું જરૂર વખત આપીશ. અત્યારે જ જો તમને વખત હોય તો ચાલો મારી સાથે આશ્રમમાં, આપણે વાત કરીશું.”

પ્રથમ દીક્ષા

અમે તો રાજી થઈને તેમની સાથે ચાલવા માંડ્યું. બાપુજીએ અમને પૂછ્યું, “શું કરો છો ?” “વકીલાત,” એ જવાબ આપ્યો. એટલે પૂછ્યું, “તમારી પાસે છેલ્લી ‘ઇંડિયન ઈયર બુક’ છે ? મારે તેમાંથી થોડું જોઈ લેવું છે.” મેં કહ્યું, “મારી પાસે ગયા વરસની છે. પરંતુ છેલ્લી મેળવીને આપને મોકલી આપીશ.” એટલે કહે, “એવા કેવા વકીલ છો ? હું જ્યારે હજામત કરતો ત્યારે બધો સાજ છેલ્લામાં છેલ્લી ઢબનો રાખતો.”

આશ્રમમાં પહોંચ્યા પછી અમારો કાગળ કાઢ્યો. તેમાંથી વાંચતા ગયા અને વિવેચન કરતા ગયા. લગભગ દોઢ કલાક સુધી પોતાના આદર્શો અને વિચારસરણી સમજાવી. અમે વચમાં ક્યાંક ક્યાંક દલીલ કરતા પણ અમારે વિશેષે તો સાંભળવાનું જ હતું. આ દોઢ કલાકની વાગ્ધારાની અમારા બંનેના ચિત્ત ઉપર ઊંડી છાપ પડી. લગભગ દસેક વાગ્યાને સુમારે અમે આશ્રમમાંથી નીકળ્યા, મેઘલી રાત હતી. ઝરમર ઝરમર છાંટા પડતા હતા. અમે બંને એક બીજા સાથે કશું બોલ્યા વગર ચાલતા હતા. જોકે અમારા બંનેના દિલમાં વિચાર તો એક જ ચાલી રહ્યો હતો. એલિસબ્રિજ પર આવતાં મહાદેવ બોલ્યા, “નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.” મેં જવાબ આપ્યો, “એમ કરી શકીએ તો આપણાં ધન્યભાગ્ય, પણ અત્યારે તો કશે નિર્ણય થઈ શકતો નથી."પાછા અમે શાંત થઈ ગયા અને કહ્યું બાલ્યા વિના જ પોતપોતાને ઘેર પહોંચ્યા. આ અમારી પહેલી દીક્ષા, આશ્રમમાં જોડાવાના સંકલ્પનો પ્રથમ ઉદય.

સને ૧૯૧૬માં લૉર્ડ મોરલેના ‘ઑન કૉમ્પ્રોમાઈઝ’નો અનુવાદ મહાદેવે લગભગ પૂરો કરી નાખ્યો હતો. તે છપાવતાં પહેલાં લૉર્ડ મોરલેની પરવાનગી મેળવવી જોઈએ. પરવાનગી મેળવવાના કાગળનો મુસદ્દો મહાદેવે તૈયાર કર્યો અને મને કહે કે, “લૉર્ડ મોરલે જેવાને કાગળ લખવાને, માટે આપણે ઇંગ્લંડની રીતભાત અને શિષ્ટાચારના જાણકાર એવા કોઈ તાજા ઇંગ્લંડ જઈ આવેલાને આ કાગળ બતાવીએ તો ઠીક.” મેં કહ્યું, “બીજા કોઈને બતાવવા કરતાં ગાંધી સાહેબ ( અમે તે વખતે એમને ગાંધી સાહેબ કહેતા )ની પાસે જ શું કામ ન જઈએ?” અમે તો કાગળ લઈને આશ્રમમાં ગયા. મહાદેવે ‘કૉમ્પ્રોમાઈઝ’ના અનુવાદને લગતી બધી હકીકત કહીને પેલો કાગળ બાપુજીને બતાવ્યો. કાગળ વાંચીને કંઈક દુઃખ સાથે એ બોલ્યા : “અંગ્રેજો આપણને ખુશામતખોર અને સ્વરાજ્યને માટે નાલાયક કહે છે તે કંઈ અમસ્તા કહે છે ? આવા કાગળમાં તમે મોરલેની વિદ્વત્તાનાં અને તત્ત્વવેત્તાપણાનાં આટલાં ગુણગાન કરો એ અપ્રસ્તુત છે. વળી એમને કાગળ લખતાં તમારી કલમ અને હાથ ધ્રૂજે શું કરવા ? તમારે તો એક કામકાજી (બીઝનેસ) કાગળ લખવાનો છે. તેમાં ફૉર્બ્સ સભાએ આ કામ માટે તમારી કેવી રીતે પસંદગી કરી એ ટૂંકમાં આવે અને તમે બહુ કાળજીપૂર્વક અનુવાદ કર્યો છે તે આવે. આવો કાગળ તો બાર પંદર લીટીનો હોય. તેથી લાંબા કાગળ લખો તો લોર્ડ મોરલે તે વાંચે પણ નહીં. તમારે જોઈતો હોય તો તમને કાગળ લખાવું. લખો.”

સ્વભાષાની ઉપાસનાની દીક્ષા

તે દિવસે ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા વિષયો પર અમારે ઠીક ઠીક વાતો થઈ. આ વાતોમાં કોઈ કોઈ વાર જુસ્સામાં આવી જઈ મહાદેવ ઠીક ઠીક અંગ્રેજી શબ્દો અને વાક્યો પણ બોલી જતા. બધું સાંભળી લીધા પછી કંઈક ઉપહાસયુકત સ્મિત કરતાં બાપુજીએ મહાદેવને કહ્યું, “તમારી મા આગળ આવું બધું બોલો તો મા જાણે કે દીકરો બહુ ભણ્યો છે પણ બિચારી કશું સમજે નહીં.” ત્યાર પછી આપણા ભણેલા લોકો ગુજરાતી ભાષા પ્રત્યે બેદરકાર રહી કેટલા અપરાધી બન્યા છે તેના પર વિવેચન ચાલ્યું. ગુજરાતી ભાષાની ઉપાસના કરવાની આ બીજી દીક્ષા અમને મળી. અને અમે બાપુજીના પ્રશંસક બન્યા. પણ સ્વ○ મોહનલાલ પંડ્યા અને સ્વ○ દયાળજીભાઈ તો ગાંધીઘેલા હતા એમ કહીએ તો ચાલે. પંડ્યાજી મારા અને દયાળજીભાઈ મહાદેવના અમુક રીતે મુરબ્બી હતા. અમને બંનેને બાપુજી પ્રત્યે વધારે ખેંચવામાં એ બે મુરબ્બીઓનો પણ ફાળો હતો એ મારે કબૂલ કરવું જોઈએ.

પછી તો મહાદેવભાઈ સેન્ટ્રલ કોઓપરેટિવ બૅન્ક તરફથી સહકારી મંડળીઓના ઈન્સપેક્ટર બન્યા. એમના પિતાશ્રી નિવૃત્ત થયા એટલે મહાદેવનું અમદાવાદ આવવાનું ઓછું થવા માંડ્યું. જોકે હું ઘણી વાર આશ્રમમાં જતો, અને મહાદેવ જ્યારે અમદાવાદ આવતો ત્યારે અમે બન્ને જતા. તે અરસામાં મહાદેવભાઈના એક નાનો ભાઈ ઠાકોર ગુજરી ગયો. તેના સ્મરણમાં પોતાની નવી નોકરીમાંથી બચાવેલા રૂા. ૫૦૦ મહાદેવે બાપુજીને અર્પણ કર્યા.