મહાદેવભાઈનું પૂર્વચરિત/સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર

વિકિસ્રોતમાંથી
← અમદાવાદમાં વકીલાત મહાદેવભાઈનું પૂર્વચરિત
સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર
નરહરિ પરીખ
બાપુજી સાથેનો પહેલો પ્રસંગ →




૧૪
સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર

એટલામાં પિતાશ્રીને નિવૃત્ત થવાની તારીખ નજીક આવવા લાગી. પિતાશ્રીના નિવૃત્ત થયા પછી પોતાની વકીલાત ઉપર અમદાવાદનું ઘર ચલાવવાનું ભારે પડે એટલે શું કરવું એના વિચારમાં પડ્યા. વૈકુંઠભાઈ મહેતા મુંબઈની સેન્ટ્રલ કોઑપરેટિવ બૅન્કમાં કામ કરતા હતા. સહકારી પ્રવૃત્તિનો એ આરંભ કાળ હતો. એ બૅન્કને ગામડાંની સહકારી મંડળીઓને નાણાં ધીરવાનાં હોય એટલે એ મંડળીઓનો વહીવટ બરાબર ચાલે છે કે કેમ તે જોવા માટે બૅન્કને પોતાના એક ઇન્સ્પેક્ટર રાખવાની જરૂર હતી. એટલે એમણે મહાદેવને એ કામ સૂચવ્યું. મહાદેવે એ કામ સ્વીકાર્યું અને ગુજરાત તથા મહારાષ્ટ્રની સહકારી મંડળીઓના નિરીક્ષણનું કામ તેમને સોંપાયું. એમના કામ વિષે વૈકુંઠભાઈ લખે છે : “જેમ બીજાં કામો તે દીપાવતા તેમ આ કામ પણ એમણે દીપાવ્યું હતું. જે મંડળીઓની મુલાકાત તેઓ લેતા—પછી તે ગુજરાતમાં હો કે મહારાષ્ટ્રમાં હો — તે મંડળીના કાર્યકર્તાઓ તથા સભાસદો સાથે બહુ મીઠા સંબંધ તેઓ બાંધી આવતા. મંડળીઓની પરિસ્થિતિ તથા તેના સભાસદોની જરૂરિયાત વગેરે બાબતનાં તેમનાં નિવેદનો માહિતીથી તથા કીમતી સૂચનાઓથી ભરેલાં હતાં એટલું જ નહીં પણ શૈલી અને ભાષાની દૃષ્ટિએ મનન કરવા લાયક થઈ પડતાં.

“તેમની કારકિર્દી દરમ્યાન એક બનાવ બન્યો તેની નોંધ લેવા લાયક છે. ખેડા જિલ્લામાં એક સહકારી મંડળીની મુલાકાત લીધા પછી ભાઈ મહાદેવે અમુક ભલામણ કરી હતી અને તેને અમલ કરવા માટે સીધી બૅન્ક ઉપર મોકલી આપી હતી. સીધી મોકલી આપવાનું કારણ એ હતું કે સરકારના સહકારી ખાતા તરફથી તે વિભાગમાં ઑનરરી ઑર્ગેનાઈઝર (માનદ પ્રચારક) તરીકે જે ભાઈ કામ કરતા તેમણે મંડળીની લોન માટેની અરજી પૂરતાં કારણ વિના અટકાવી રાખી હતી. પણ મહાદેવે બધી હકીકત સીધી બૅન્કને મોકલી આપી એટલે પેલા ભાઇને લાગ્યું કે પોતાની અવગણના થઈ. ચાલુ રૂઢિ મુજબ આ ભલામણ તેમની મારફત થવી જોઈતી હતી એવી તેમણે સહકારી ખાતાના વડા અધિકારી (રજિસ્ટ્રાર)ને ફરિયાદ કરી અને જણાવ્યું કે આ પ્રમાણે કામકાજ ચાલે તો તંત્રમાં બિન–જવાબદાર તત્ત્વ દાખલ થાય. વસ્તુતઃ એ પ્રચારકને નાણાં ધીરવાનાં નહોતાં ને કાયદેસર તેમની કશી જવાબદારી આવતી નહોતી. છતાં સહકારી ખાતાના વડાએ બૅન્કને સૂચના કરી કે ભાઈ મહાદેવને તાકીદ આપે કે ચાલતી રૂઢિને અવલંબીને કામ કરે અને જે ભલામણ ભાઈ મહાદેવે કરી હતી તે તપાસ માટે માનદ પ્રચારકને મોકલી આપે. ખુલાસો પૂછતાં ભાઈ મહાદેવે એવો મુદ્દાસર સચોટ ઉત્તર આપ્યો કે તે વાંચ્યા પછી પોતાની સૂચના બાબત સરકારી રજિસ્ટ્રાર કાંઈ આગ્રહ રાખી શક્યા નહીં. ઊલટું એમને કબૂલ કરવું પડ્યું કે સીધો પત્રવ્યવહાર કરીને ભાઈ મહાદેવે મંડળીની અગવડ દૂર કરી તેની સેવા કરી હતી.

“નવી સંસ્થામાં નિખાલસપણાની, નીડરપણાની અને સેવાભાવની આ છાપ ભાઈ મહાદેવે પાડી તે માટે બૅન્કના તે વખતના સંચાલક તરીકે હું તેમનો કાયમનો ઋણી છું.

“બૅન્ક સાથેના આ સંબંધને લીધે ગામડાના સામાજિક તથા આર્થિક પ્રશ્નોનો પહેલી જ વાર ભાઈ મહાદેવને પરિચય થયો.

સુંદર અક્ષર, સુંદર ભાષા અને મોહક શૈલી

“બીજી એક વાતની છાપ મારી સ્મૃતિ ઉપર રહી ગઈ છે તે એ છે કે તેમનાં ઑફિશ્યલ નિવેદનમાં પણ સાહિત્યિક શૈલીની છાપ ઊઠી આવતી હતી, અને એમના સુંદર અક્ષર *[૧] અમારી ઑફિસમાં સૌનું મન હરી લેતા. તેમને મુસાફરીમાં ઘણી અગવડો વેઠવી પડતી છતાં તેમના અંગત કાગળોમાં ખેડૂતને માટે ઊંડી લાગણી અને ગ્રામજીવન પ્રત્યે સાહજિક પ્રેમ દેખાઈ આવતો. ભાઈ મહાદેવ વધારે કવિ હતા કે ફિલસૂફ તે હું કહી શકતો નથી, પણ તેમના કાગળોમાં આવતાં વર્ણનોમાં અત્યાર સુધી સુપ્ત રહેલો કવિ ચોક્કસ દેખાતો હતો. કૉલેજમાં હું તેમને સારા અભ્યાસી અને પુષ્કળ વાચનના રસવાળા તરીકે ઓળખતો પણ આ વખતના મારા પરિચયમાં તેમનામાં સાહિત્યિક કળા પ્રથમ પંક્તિની છે તે હું જોઈ શકતો. ગુજરાતી તેમ જ અંગ્રેજી બંને ભાષાઓ પર તેમનું સરખું જ પ્રભુત્વ હતું.”

એક વખત કાકાસાહેબે પૂછેલું કે તમને મરાઠી આટલું સરસ ક્યાંથી આવડે છે ? ત્યારે મહાદેવે કહેલું કે સહકારી મંડળીઓના ઈન્સ્પેક્ટર તરીકે બળદગાડામાં બેસીને મહારષ્ટ્રમાં મેં ખૂબ મુસાફરી કરેલી છે. સાથેના મહારાષ્ટ્રીઓનાં ચમચીનાં પાન ખાતાં ખાતાં હું મરાઠી શીખી ગયો છું. મેં મહારાષ્ટ્રી ગ્રામવાસીઓ જોડે ખૂબ વાતો કરી છે.

અર્જુન ભગતનાં ભજનોનું સંપાદન

એક વાર અંકલેશ્વર તાલુકાના ઘડખોલ ગામે ગયેલા. એ ગામમાં એક અર્જુન ભગત થઈ ગયો. તેનાં ભજનો લોકો પાસેથી સાંભળ્યાં. મહાદેવને એ ભજનો બહુ ભક્તિભાવવાળાં લાગ્યાં. ભગતના છોકરાઓ પાસેથી હાથે લખેલાં ભજનની ચોપડી મેળવી લીધી. છોકરાઓએ કહ્યું કે અમારી પાસે સાધન નહીં તેથી છપાવ્યાં નથી. મહાદેવે એ ભજનો સંપાદિત કરીને નવજીવન તરફથી ‘અર્જુનવાણી’ એ નામે સને ૧૯૨૫માં છપાવ્યાં છે.

તે વખતની સહકારી મંડળીઓની નબળાઈઓ પણ મહાદેવે બૅન્ક આગળ સારી રીતે ઉઘાડી પાડેલી. ઘણા શાહુકારો સહકારી મંડળીના સભ્ય થતા અને દેવું પાછું ન ભરી શકે એવા પોતાના દેણદારોને મંડળી પાસે નાણાં ધીરાવી પોતાનું લેણું વસૂલ કરી લેતા. એક સોસાયટીના સેક્રેટરીએ તો સોસાયટીના પૈસા ઉચાપત પણ કરેલા. મહાદેવે ધમકાવીને એની પાસે પૈસા ભરાવી દીધા. મહાદેવને ઈન્સ્પેક્ટર તરીકે જુદાં જુદાં ગામે ફરવાનું થતું તે માટે તેઓ સાથે એક માણસ રાખતા અને પોતાની રસોઈ કરી લેવાનાં બધાં સાધન રાખતા. કોઈ જગ્યાએ ધર્મશાળામાં કે એવા જાહેર સ્થળમાં ઊતરવાનું ન મળે ત્યારે જ સોસાયટીના સેક્રેટરીને ત્યાં તેઓ રહેતા. તે પ્રમાણે એક સેક્રેટરીને ત્યાં મહાદેવ રાત્રે સૂઈ રહેલા. તેનું હૃદયદ્રાવક વર્ણન એક દિવસ મારી આગળ કરેલું. પેલો સેક્રેટરી દારૂથી ચકચૂર થઈ ઘેર આવ્યો અને આખી રાત સ્ત્રીને હેરાન કરી. ઘરમાં જ એક અજાણ્યા માણસ સૂતેલા એટલે પેલી સ્ત્રીએ પોતાનાં ડૂસકાં દબાવવા બહુ પ્રયત્ન કરેલોલા પણ મહાદેવ એ સાંભળી ગયા. મનમાં તો થયું કે ઊઠીને પેલાને સીધો કરું, પણ આટલી મોડી રાતે વરવહુની વઢવાડમાં વચ્ચે પડવાનું ઠીક ન લાગ્યું. એને વિષે પણ બહુ કડક રિપોર્ટો મહાદેવે કરેલો. મહાદેવના આવા રિપોર્ટો સરકારી રજિસ્ટ્રારને વધારે પડતા આકરા લાગતા. તેમને થતું કે સહકારી પ્રવૃત્તિ માંડ માંડ શરૂ થાય છે ત્યાં આવું કડકપણું રાખીશું તો મંડળીઓની સંખ્યા વધારી શકીશું નહીં. ભાઈ મહાદેવના દિલે આ વિચારસરણી સામે બળવો કર્યો. વળી સખત રખડપટ્ટીથી પણ એ કંટાળ્યા હતા, એટલે આ નોકરી છોડી દીધી.

હોમરૂલ લીગ સાથે સંબંધ

તે વખતે પહેલું વિશ્વયુદ્ધ પૂરજોશમાં ચાલતું હતું અને હિંદ પાસેથી વધારેમાં વધારે મદદ મેળવવાની ઇંગ્લંડને ગરજ હતી. તે વખતના ભારતમંત્રી મિ. મોન્ટેગ્યુએ એક ભાષણ કર્યું તેમાં જણાવ્યું કે યુદ્ધ બંધ થયા પછી હિંદુસ્તાનને પહેલી તકે આપણે સ્વરાજ્ય આપવું જોઈએ, હિંદુસ્તાનનું અત્યારનું રાજ્યતંત્ર જડ કાષ્ઠવત્ થઈ ગયેલું છે, વગેરે. આ ભાષણની હિંદી રાજદ્વારી પુરુષોના મન ઉપર બહુ ભારે અસર થયેલી. મુંબઈ હોમરૂલ લીગે શ્રી બ્રેલ્વી મારફત મહાદેવભાઈ પાસે આ ભાષણનો અનુવાદ કરાવીને છપાવ્યો. એ અનુવાદ એટલો સરસ થયેલો કે શ્રી શંકરલાલ બૅંંકરને એમ થયું કે મહાદેવને હોમરૂલ લીગમાં જ રાખી લઈએ. શ્રી જમનાદાસ દ્વારકાદાસ તે વખતે મુંબઈમાં એક આગેવાન નેતા ગણાતા હતા. તેમણે મહાદેવને પોતાના સેક્રેટરી તરીકે રહેવાનો આગ્રહ કરવા માંડ્યો. વૈકુંઠભાઈ તો એમને છોડવા તૈયાર જ નહોતા. એમણે કહ્યું કે, “તમે ભલે ઈન્સ્પેક્ટર તરીકે કામ ન કરો, પણ હું તમને અમારી બૅન્કની હૈદરાબાદ (દખ્ખણ) શાખાના મૅનેજરની જગ્યા અપાવવા તજવીશ કરીશ.” હમણાં જ આપણે જોઇશું કે આ એકેમાં મહાદેવનું ચિત્ત ચોંટતું નહોતું. એમનું ભાવિ એમને બાપુજી પાસે ખેંચી રહ્યું હતું. છતાં શ્રી જમનાદાસ દ્વારકાદાસના સેક્રેટરી તેઓ પંદર દિવસ થયા. શ્રી જમનાદાસ ભરૂચ જિલ્લા રાજકીય પરિષદના પ્રમુખ થયા હતા. તેનું ભાષણ મહાદેવે તૈયાર કરી આપ્યું, એ એક જ કામ તેમના સેક્રેટરી તરીકે તેમણે કરેલું.

  1. *ચંપારણના દિવસોમાં બિહારના લેફ્‌ટનન્ટ ગવર્નરે બાપુજીને કહેલું કે તમારી પાસે આવા સુંદર અને કળામય અક્ષર લખનાર માણસ છે એના ઉપર હું તો મુગ્ધ થઈ જાઉં છું. આ ઉપરથી બાપુજીએ કહેલું કે લેફ્‌ટનન્ટ ગવર્નર પાસે મારે તમને મોકલવા હશે ત્યારે તમારા અક્ષરનું જ ઓળખાણ આપીશ. વાઈસરોય લૉર્ડ ચેમ્સફર્ડનો પ્રાઈવેટ સેક્રેટરી સર જોન મેફી પણ મહાદેવના અક્ષર ઉપર ફિદા થઈ ગયેલો અને એની સાથે એમની ગાઢ મૈત્રી બંધાવવામાં શરૂઆતનું કારણ એમના અક્ષર જ હતા. એણે એક વખત મહાદેવને કહેલું કે, વાઈસરૉયના સ્ટાફમાં એક પણ માણસ આવા અક્ષર લખવાવાળો નથી. વાઈસરૉયને પણ તમારા અક્ષરની અદેખાઈ આવે છે.
    બાપુજીએ જ્યારે બિહારના લેફ્‌ટનન્ટ ગવર્નરની વાત કરી ત્યારે મહાદેવે કહ્યું, “એમ તો નરહરિના અક્ષર પણ સુંદર છે. સોશિયલ સર્વિસ કૉન્ફરન્સના પ્રમુખ તરીકેનું આપનું ભાષણ ટાઈપ કરાવી લાવવાનું મેં કહ્યું ત્યારે આપે જ કહેલું કે, ‘નરહરિએ આવા સારા અક્ષરે લખી આપ્યું છે એ મૂકીને હું ટાઈપ કરાવેલું શું કામ વાંચું ?’ ” બાપુજીએ કહ્યું કે, વાત ખરી છે. તેના અક્ષર સફાઈદાર છે અને મને ગમે છે પણ એનો મરોડ એવો કળાવાળો ન ગણાય. પછી મહાદેવે છગનલાલભાઈ ગાંધીના અક્ષર પણ સારા છે એમ કહ્યું ત્યારે બાપુજીએ જવાબ આપ્યો કે, “હા, છગનલાલના અક્ષર સારા ગણાય. પણ એ કૉપીબુક હૅન્ડરાઈટિંગ કહેવાય.”