મહાદેવભાઈનું પૂર્વચરિત/યુક્ત પ્રાંતની જેલમાં
← સારવાર કરનાર અને દરદી તરીકે | મહાદેવભાઈનું પૂર્વચરિત યુક્ત પ્રાંતની જેલમાં નરહરિ પરીખ |
પિતાશ્રીનું અવસાન → |
૨૧
યુક્ત પ્રાંતની જેલમાં
૧૯૨૧ના જૂન કે જુલાઈમાં મહાદેવને ‘અિન્ડિપેન્ડન્ટ’ પેપર ચલાવવા માટે પંડિત મોતીલાલજીના કહેવાથી બાપુએ અલ્લાહાબાદ મોકલેલા. થોડા વખત પછી મોતીલાલજી અને જવાહરને સરકારે પકડ્યા અને ત્યાર પછી સરકારથી એ પેપરના લેખોનો તાપ જીરવાયો નહીં એટલે તેના બીજા તંત્રી જ્યૉર્જ જોસેફને પણ પકડ્યા અને જેમાં પેપર છપાતું હતું તે પ્રેસ જપ્ત કર્યું. મહાદેવે I shall not die (હું મરું એમ નથી) એ નામનો લેખ લખી સાઈક્લોસ્ટાઈલના હાથ–મશીન ઉપર પેપર કાઢવા માંડ્યું. એટલે એમને પણ પકડીને તા. ૨૪મી ડિસેમ્બરે એક વરસની સજા કરી. દુર્ગાબહેન તે વખતે અલ્લાહાબાદમાં હતાં અને મહાદેવને સજા થયા પછી તે ત્રણેક મહિના ત્યાં રહેલાં. મહાદેવ પેપર દેવદાસ ગાંધીને સોંપતા ગયેલા. દુર્ગાબહેન હાથ–મશીન ફેરવવામાં તથા પેપરનાં રેપર્સ ચોંટાડવામાં તેમ સરનામાં કરવામાં મદદ કરતાં. તે વખતે બહેનો – ખાસ કરીને ઉત્તર હિંદુસ્તાનમાં, આવાં કામમાં ભાગ્યે જ ભાગ લેતી એટલે દુર્ગાબહેનને કામ કરતાં જોઈ માલવીયજી ખુશ ખુશ થઈ જતા અને એમને બહુ અભિનંદન આપતા.
એ વખતે યુ. પીની જેલોમાં રાજકીય કેદીઓ ઉપર બહુ ત્રાસ ગુજારવામાં આવતો, તેની અલ્લાહાબાદથી આવેલા આગ્રા જેલમાં, ૧૯૨૨
ડાબી બાજુથી : ૧. બૅરિસ્ટર ખ્વાજા સાહેબ, (અલીગઢ નેશનલ મુસ્લિમ યુનિવર્સિટી),
૨. રાજબહાદુર સાહેબ, એટા ૩. મહાદેવભાઈ ૪. શ્રી જ્યૉર્જ જોસેફ.
બારડોલી જમીનમહેસૂલ તપાસ વખતે, ૧૯૨૮
ડાબી બાજુથી બેઠેલા : ૧. સરદાર સાહેબ ૨. ભૂલાભાઈ સાહેબ ૩. મહાદેવભાઈ
ડાબી બાજુથી ઊભેલા : ૧. નરહરિભાઈ ૨. ગુલાબભાઈ જોશી, ઍડવોકેટ ૩. રામનારાણ વિ. પાઠક
“ગઈ કાલે અમે જેલ ઉપર ગયેલા પણ એમને મળવાની રજા ન મળી. ખાવાનું, ઓઢવાનું અને ચોપડીઓ પણ લઈ ગયેલા પણ તે જેલરે પાછાં વાળ્યાં. આજે સવારે અમે મહાદેવભાઈને મળી શક્યા.
“એમને સામાન્ય ગુનેગારની પંક્તિમાં રાખવામાં આવ્યા છે અને જેલના બધા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. કપડાં જેલનાં પહેરાવ્યાં છે. એક કોણી સુધીની બાંયનું કાળું પહેરણ અને ચડ્ડી. આ કપડાં અતિશય મેલાં વાસ મારતાં અને જૂઓથી ભરેલાં છે. બે કામળો આપવામાં આવી છે, જેને મહિનાઓ સુધી પાણીનો સ્પર્શ પણ નહીં લાગ્યો હોય. તે પણ જૂઓથી ભરપૂર.
“પાણી માટે એક કટાઈ ગયેલું લોઢાનું વાસણ આપવામાં આવ્યું છે. દરેક વખત અંદરથી કાટ ઊતરીને થોડી જ વારમાં પાણીને ઝેરી કરી મૂકે છે. રાત્રે પીવા માટે તે પાત્રમાં પાણી રાખી શકાય જ નહીં. સવારે તે પીળું થઈ ગયેલું હોય છે.
“નાહવાને એક મેલો કુંડ છે. તેનું જ પાણી પીવામાં પણ વપરાય છે. નાહતી વખતને માટે એક લંગોટ હોય છે, પણ શરીર લૂછવાને માટે કાંઈ નહીં. તડકામાં શરીર સુકાયા પછી એનાં એ જ ઉતારેલાં કપડાં પાછાં પહેરવાનાં. અહીંની ટાઢમાં મહાદેવભાઇ જેવી તબિયતવાળા ભીને બદને કપડાં ધૂએ અને તે સુકાય ત્યાં સુધી કેવળ લંગોટ પહેરી રાખે, એ તો અશક્ય જ છે.
“ખાવાનું જેલનું જ. ગઈ કાલે ઘેરથી ખાઈને ગયેલા અને સાંજે ત્યાં કંઈ પણ ખાધું ન હતું. આજે સવારે કંઈક રાબ જેવો પદાર્થ આપવામાં આવેલો તે લીધેલો, તેમાંના કાંકરા અને કચરાની તો વાત શી ?
“પાયખાને દિવસના બહાર ખુલ્લામાં જવાય છે. પાણી લેવા માટે વાસણ પેલું (પીવાના) પાણીનું જ વાપરવા મળે છે. રાત્રે પેશાબ માટે એક કૂંડું કોટડીમાં રખાય છે. (પીવાના) પાણીની જેમ એ ખુલ્લું જ રહે છે. હજી બેડીઓ નાખવાની બાકી છે.”
આ વાંચીને મહાદેવના પિતાશ્રી ખૂબ રડી પડેલા અને બોલેલા, “જિંદગીમાં કોઈ દિવસ દુઃખ વેઠ્યું નથી. કઠણાઈ જોયેલી જ નથી. આવી જેલ એક વરસ શી રીતે કાઢશે ?”
બાપુજીએ એમને આશ્વાસનનો કાગળ લખ્યો; તેમાં જણાવ્યું કે મહાદેવને સજા થઈ તે સારું જ થયું છે. એને આરામ મળશે. નહીં તો ત્યાં કામનો બોજો એવો હતો કે એ માંદા પડી જાત. જેલમાં હમણાં કષ્ટ છે પણ મારી ખાતરી છે કે થોડા વખતમાં એ બધું સુધરી જશે. મહાદેવ તો જ્યાં જાય ત્યાં માણસને પોતાના કરી લે એવા છે. મીઠાશથી અને વિનયશીલ વર્તનથી જેલનાં અયોગ્ય દુઃખોનું એ નિવારણ કરી જ શકશે એની મને ખાતરી છે. એટલે ધીરજ ખોશો નહીં અને કશી ચિંતા કરશો નહીં.
મહાદેવ પ્રત્યેના આ વર્તન વિષે યુ. પી. માં ખૂબ ઊહાપોહ થયો. સર લલ્લુભાઈ એ વાઈસરૉયને કાગળ લખ્યો તેને પરિણામે તાબડતોબ એમને ખાસ કેદી ગણી બધી સગવડો આપવામાં આવી. કુલ દસેક દિવસ મહાદેવને પેલી અમાનુષી હાડમારી વેઠવી પડેલી.
બહેનનાં લગ્ન
મહાદેવ આગ્રા જેલમાં હતા ત્યારે એમની બહેનનાં લગ્ન કરવાં પડેલાં. દીકરીના લગ્નમાં અનાવિલ જ્ઞાતિમાં ખર્ચ ભારે થાય છે અને પિતાશ્રી તેનું શું કરશે એની મહાદેવને ચિંતા થઈ. પિતાશ્રીને લખ્યું : “મારી પાસે બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં ર૬૦૦ રૂપિયા છે. તેમાંથી અત્યારે ઉપાડાય તેમ તો નથી. પણ તમને જેટલાની જરૂર હોય તેટલાનું મને લખશો તો હું મથુરાદાસ ત્રિકમજી યા તો વૈકુંઠભાઈ યા તો બીજા ગમે તે મિત્ર પાસેથી લઈને મોકલી આપીશ. ભીડ ન ભોગવશો. હું જેલની બહાર હોત તો કાંઈકે ઉપયોગી થાત. હવે તો તમારે ભાર વહેવાનો રહેવાનો.” છોટુભાઈ આ જ અરસામાં જેલમાં મળવા ગયેલા. તેમની સાથે પણ આજ વાત કહેવડાવી. મને કાગળ લખ્યો તેમાં જણાવ્યું કે તમે લગ્ન વખતે દિહેણ જવાનું ચૂકશો નહીં અને મારા બાપુજીને કહેશો કે જરાયે ભીડ ન વેઠે. મહાદેવના બાપુજીએ પણ મને લખ્યું કે, “મહાદેવ જેલમાં છે તે વખતે લગ્ન કરવાં પડે છે તેનું મને બહુ દુઃખ થાય છે પણ છૂટકો નથી. તમે આવશો તો મને એટલો સંતોષ થશે.” હું દિહેણ ગયો અને પૈસાની વાત કરી પણ તેમણે કહ્યું કે “ખરચની બધી જોગવાઈ મેં કરી રાખી છે.”