મહાદેવભાઈનું પૂર્વચરિત/સારવાર કરનાર અને દરદી તરીકે

વિકિસ્રોતમાંથી
← બાપુજી સાથે ચંપારણ ગયા મહાદેવભાઈનું પૂર્વચરિત
સારવાર કરનાર અને દરદી તરીકે
નરહરિ પરીખ
યુક્ત પ્રાંતની જેલમાં →




૨૦
સારવાર કરનાર અને દરદી તરીકે

અમે આશ્રમમાં દાખલ થયા એને બીજે વર્ષે અમદાવાદમાં ભારે ઈન્ફ્‌લુએન્ઝા ચાલ્યો. શહેરમાં મારા ઘરનાં બધાં માણસો એમાં સપડાયેલાં હતાં. હું અને મારી પત્ની એમની સારવાર કરવા ઘેર ગયાં. ત્યાં પત્ની પણ પટકાઈ. એટલે હું એકલો રહ્યો. ઘરમાંથી જેમ જેમ સાજાં થાય તેમ તેમ એને હું આશ્રમમાં મોકલી આપતો અને આશ્રમમાં મહાદેવ તથા દુર્ગાબહેન એમને સંભાળતાં. મારા મોટાભાઈની એક દીકરી તો ગુજરી પણ ગઈ અને મોટાભાઈને ઈન્ફ્‌લુએન્ઝામાંથી ન્યૂમોનિયા થયો. બાપુજીએ કહેવડાવ્યું કે, તું હવે એમને લઈને આશ્રમમાં આવી જા. મારે કહેવું જોઈએ કે મોટાભાઈની શુશ્રૂષા મારા કરતાં પણ મહાદેવે વધારે સારી કરી. દરદીને રીઝવવાની અને આનંદમાં રાખવાની અલૌકિક કળા તેમનામાં હતી.

મહાદેવભાઈ પ્રેમપૂર્વક સારવાર કરવા હમેશાં તત્પર રહેતા. આશ્રમમાં તેમ જ બીજા મિત્રમંડળમાં તેમની પ્રેમમય શુશ્રૂષાનો અનુભવ ઘણાને થયો છે. મારી કે કિશોરલાલભાઈ જેવાની શુશ્રૂષા તેઓ બહુ પ્રેમથી કરે એમાં કંઈ નવાઈ ન કહેવાય. પણ તેમના શુશ્રૂષાના પ્રદેશને એવી કશી મર્યાદા નહોતી. એક વાર મહાદેવભાઈ અને રામદાસભાઈ ગાંધી નવજીવનમાંથી ઘોડાગાડીમાં આશ્રમમાં આવતા હતા. વાડજ આગળ કૂતરાંએ પીંખી નાખેલી એક વાંદરી મરણતોલ દશામાં પડી હતી. મહાદેવભાઈ એને ગાડીમાં નાખી આશ્રમમાં લઈ આવ્યા. વાંદરીના સદ્‌ભાગ્યે છગનલાલભાઈ ગાંધીવાળું મકાન ખાલી હતું. તેમાં એ વાંદરીને રાખી, એના બધા ઘા ધોયા તો માલૂમ પડ્યું કે એના કપાળમાં કૂતરાંના દાંત બેસવાથી લગભગ પોણો ઇંચ ઊંડો ઘા પડેલો હતો અને પગે કૂતરાં એટલાં કરડેલાં હતાં કે તેનાથી હલાયચલાય એમ નહોતું. તેના ઘા ઉપર માટીના પાટા બાંધવા માંડ્યા અને એને ખાવાનું મળ્યું એટલે થોડા દિવસમાં એ ઓરડામાં હરતી ફરતી થઈ ગઈ. એક દિવસ કોઈએ બારણું ઉઘાડું રાખ્યું એટલે ઝટ બહાર નીકળીને પાસેના ઝાડ પર ચઢી ગઈ. દુર્ગાબહેનને થયું કે વળી કોઈ કૂતરાના સપાટામાં આવી જશે એટલે તેની પાછળ પાછળ ગયાં પણ વાંદરી શેની હાથમાં આવે ? એ તો ઝાડ ઉપર કૂદતી કૂદતી વાડજ સુધી પહોંચી અને દુર્ગાબહેન થાકીને એને ભગવાનને ભરોસે છોડીને પાછાં આવ્યાં.

દુર્ગાબહેનના સ્વભાવમાં દયાવૃત્તિ સહજ જ છે. એક વખત એક કૂતરી મરવા જેવી સ્થિતિમાં એમના અને કિશોરલાલભાઈના ઘરની વચમાં આવીને પડી હતી. કિશોરલાલભાઈએ એને પાણી છાંટ્યું અને થોડું દૂધ પાયું. પછી દુર્ગાબહેને તો એને રીતસર પોતાના ઘરમાં જ રાખી એનું પાલણપોષણ કરવા માંડ્યું. કૂતરી સારી થઈ અને અમે બધાએ એનું નામ પ્રેમી પાડ્યું. પછી તો એને બચ્ચાં થયાં. અમારા બધાના ઘરના ઓટલા સળંગ હતા. એટલે એ બચ્ચાંએ અમારા બધાના ઓટલા બગાડવા માંડ્યા. કોઈ એને મારે તો દુર્ગાબહેન કહેતાં, હું બધાના ઓટલા ધોઈશ પણ કોઈ એ કુરકુરિયાંને મારશો નહીં. એક દિવસે કાકાસાહેબે મહાદેવભાઈને કહ્યું કે આ બધાં બચ્ચાં કાંઈ જીવવાનાં તો નથી જ, આપણને બધાંને હેરાન કરશે અને એ પણ દુઃખી થશે. માટે તમારે એકાદ પાળવું હોય તો પાળો. બીજાંને તમારો વાંધો ન હોય તે હું મારી નાખું. દુર્ગાબહેન આ વાત સાંભળતાં હતાં. એમણે કાકાસાહેબને કાંઈ કહ્યું તો નહીં પણ આંખમાં આંસુ સાથે બારણામાં ઊભાં રહ્યાં. કાકાસાહેબ એ જોઈ ગયા એટલે ચૂપચાપ ચાલ્યા ગયા અને કુરકુરિયાંને મારવાની વાત ફરી કદી કાઢી જ નહીં.

સામાન્ય રીતે એવું મનાય છે કે, સારવાર કરનારની દરદી ઉપર બહુ મમતા બંધાઈ જાય છે, પણ દરદી તો ઘરનાં બધાં માણસ ઉપર અને સારવાર કરનાર ઉપર જહાંગીરી જ ચલાવે છે. પણ મહાદેવ એ નિયમમાં અપવાદ હતા. દરદી તરીકે પણ તેઓ કેટલા મીઠા અને આનંદી રહી શકતા એનો અનુભવ ૧૯૨૦માં તેઓ છ અઠવાડિયાં ટાઇફૉઈડની બીમારીમાં રહ્યા તે વખતે મને થયેલો. પોતાને ગમે તેટલું કષ્ટ થતું હોય પણ એ કષ્ટમાંયે પોતાનો વિનોદ તેઓ ખોઈ બેસતા નહી અને આસપાસનાં બધાંને હમેશાં હસાવતા જ રહેતા. એક દિવસ વૈકુંઠભાઈ જોવા આવેલા તેમને કહે, “મોટા બાદશાહ કરતાં પણ મારી સારવાર ભારે થઈ રહી છે. કાકાસાહેબ બે વખત આવીને શરીર દાબી જાય છે, બરફના છૂંદાની પોટલી કરી તે પોતાના માથા ઉપર દબાવી તેની સુંદર પાઘડી બનાવી સતત મારે માથે રાખવાનો ઈજારો નરહરિએ લીધો છે, કાકાસાહેબ અને નરહરિ દરરોજ પથારીમાં જ મને ગરમ પાણીમાં બોળેલા ભીના ટુવાલથી સ્નાન કરાવે છે ત્યારે કાકાસાહેબ એમનાં આંગણામાં ઉગાડેલાં હૉલીહૉકનાં ટગર ટગર જોનારાં ફૂલની વાત કરી ત્યાં જવાની મારી ઉત્કંઠા વધારે છે, સંગીતશાસ્ત્રી પંડિત ખરે બે ત્રણ વાર આવીને પોતાનું મધુરૂં સંગીત સંભળાવી જાય છે, કિશોરલાલભાઈ કોઈ ને કોઈ વાતો કરી મને રીઝવી જાય છે, સ્વામી તથા જુગતરામભાઈ આખો દિવસ નવજીવનમાં કામ કરીને રાતે અહીં આવીને ખડા થઈ જાય છે. પિતાશ્રી અને આ દાક્તરકાકા તો અહીં બેઠા જ રહે છે. અને આ બધા ઉપરાંત બાપુ પંજાબમાં ગમે તેટલા કામમાં હોય છતાં રોજ તેમનો સુંદર કાગળ તો ટપાલમાં હોય છે જ. કહો, આવી સારવાર કોઈની થતી હશે ?” વૈકુંઠભાઈએ જવાબ આપ્યો : “તમે સાચે જ એ બધાના અધિકારી છો, એ બધું સુપાત્રે જ થાય છે.”