મહાન સાધ્વીઓ/કરોલીન હર્શેલ
← સાધ્વી એનિટા | મહાન સાધ્વીઓ કરોલીન હર્શેલ શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર ૧૯૨૯ |
સાધ્વી બહેન દોરા → |
परिशिष्ट
१ – केरोलीन हर्शेल
સ્ત્રીઓના શિક્ષણ સંબંધી આજ જે સ્થિતિ આપણા દેશમાં છે તેવી અથવા તેથી પણ જરા વધારે ખરાબ સ્થિતિ શુમારે સો દોઢસો વર્ષ પહેલાં યુરોપમાં –તેમાં વિશેષે કરીને જર્મનીમાં હતી. લખતાં વાંચતાં આવડવું એ પુરુષોને માટે ઠીક છે, પરંતુ સ્ત્રીઓને તેની જરાએ જરૂર નથી, એવું સાધારણ રીતે તે સમયે ત્યાં મનાતું હતું. તેથી આવા સમયમાં થઈ ગયેલી એકાદી સ્ત્રી અનેક અડચણો અને સંકટો સહન કરીને વિદ્વત્તા મેળવે અને પોતાનું નામ ખગેાળશાસ્ત્રના જ્ઞાનસંબધી ઇતિહાસમાં અજરામર કરે એના જેવી પ્રશંસનીય બીના બીજી કયી હોઈ શકે ? કેરોલીન હર્શેલ એક આવી સ્ત્રી હતી તેથી તેનું ચરિત્ર પણ વાંચનારાંઓને આનંદ અને બોધદાયક થાય એવા હેતુથી અહીં આપીએ છીએ.
જર્મનીના હેનોવર ગામમાં કેરોલીન હર્શેલ સન ૧૭૫૦ ના માર્ચમાં જન્મી હતી. એનો બાપ તે ગામમાં ગવૈયાનો અને વાદ્ય બનાવવાનો ધંધો કરતો હતો. એ ધંધામાં એણે સારૂ નામ કાઢ્યું હતું. એને બે છોકરીઓ અને બે છોકરાઓ હતા. સૌમાં મોટો છોકરો જેકબ ગમે તેમ દહાડા કાઢતો હતો. એનાથી નાની દીકરી હતી તેનું લગ્ન થયું હતું અને તેથી તે પોતાના પતિને ઘેર રહેતી હતી. એનાથી નાનો છોકરો વિલિયમ, એજ આગળ જતાં સ૨ વિલિયમ હર્શેલને નામે જગપ્રસિદ્ધ થયો. એનાથી નાની આ ચરિત્રની નાયિકા કેરોલીન હર્શેલ હતી. મોટી બહેનનું લગ્ન થયા પછી ઘરમાં છોકરીમાં ફક્ત કેરોલીનજ રહી, તેથી માતાને ઘરનાં બધાં કામકાજમાં મદદ કરનારી એ એકલીજ હતી. બાપ થોડો ઘણો સુધરેલા વિચારનો હતો તેથી તેને એમ લાગતું કે, કેરોલીનને થોડું ઘણું લખતાંવાંચતાં શીખવવું, અને પોતાની ગાવા વગાડવાની કળા પણ થોડી ઘણી શીખવવી; પરંતુ તેની મા ઘણી તામસી સ્વભાવની હતી. તે કહે કે “છોકરીની જાતને લખતાંવાંચતાં શીખીને શું કરવું છે ? એને તો ઘરમાં વાસીદું વાળવું, પાણી ભરવું, કપડાં ધોવાં, શીવવું, સાંધવું અને રસોઈ કરવી, આટલી બાબતો આવડે એટલે બહુ છે. એને ગાતાંએ શીખવવું નથી અને વગાડતાંએ શીખવવું નથી. તમારા એવા ગાંડા વિચાર મારા ઘરમાં નહિ જોઈએ.” આવુ આવું એ બોલે ત્યાં પછી બીજાનું શું ચાલે ? બાપ બિચારો ગરીબ સ્વભાવનો હોઈ પત્નીની વિરુદ્ધ જતો નહોતો, તો પણ પોતાની પુત્રીને પોતાની કળા થોડી પણ શીખવવાનો તેનો ઘણો વિચાર હતો. આથી અને કેરોલીનનું પણ ચિત્ત વિદ્યા તરફ હતું તેથી તેની મા ઘરમાં ન હોય ત્યારે અથવા તો તેનું મન જરા આનંદમાં હોય ત્યારે – તેટલાજ વખતનો લાભ લઈને – તેનો બાપ તેને સંગીત શીખવતો હતો. પોતાની ઉંમરના ૮૮ મા વર્ષે લખેલા એક પત્રમાં કેરોલીન પોતાના પૂર્વ કાળના સંબંધમાં લખે છે કે “મારૂં તે વખતનું ઘરનું કામ એટલે શીવવું, તૂનવું, ભરત ભરવું વગેરે ઘરનું કામ બધું મારેજ કરવું પડતું હતું. તેથી મને જે વિષયો ગમતા હતા, અને જેને લીધે મારા મનને સારા સંસ્કાર મળશે એમ મને લાગતું હતું, તેને માટે મને વખત પણ મળતો નહોતો અને પરવાનગી પણ નહોતી. ઘરમાં જે જે કામ હું શીખી હતી, તેમાંના એકનો પણ આગળ જતાં મને ઉપયોગ થયો નહિ.કોઈ વખત મારી મા જરા બહાર ગઈ હોય ત્યારે ચોરી છુપીથી મારા બાપે મને જે કાંઇ સંગીતનું જ્ઞાન આપ્યુ હતું તેટલું જ આગળ જતાં ઉપયોગમાં આવ્યું.”
વિલિયમનો નાનપણથી કેરોલીન ઉપર અત્યંત પ્રેમ હતો. મોટો ભાઈ જેકબ હમેશાં ‘તને પીરસતાં નથી આવડતું, વાળતાંજ નથી આવડતું” વગેરે કહી તેને વખતો વખત મારતો પણ ખરો. પરંતુ વિલિયમ ઘણો માયાળુ હતો. ઉપર કહ્યા પ્રમાણે એક વખત જેકબે તેને બહુ સંતાપી તેથી તે એક બાજુએ જઈને બેઠી હતી. આ વિષે એક પત્રમાં કેરોલીને પોતેજ એવું લખ્યું છે કે “વિલિયમ જમતાં જમતાં ઉઠીને એકદમ મારી પાસે આવ્યો અને મને આશ્વાસન આપવા લાગ્યો, અને તેથી તરત જ હું મારું સર્વ દુઃખ એક ક્ષણમાં ભૂલી ગઈ.” આ ઉપરથી ભાઈબહેનનું હેત એકબીજા ઉપર કેટલું હતું એ સારી રીતે ધ્યાનમાં આવશે.
બાપની પાસેથી સંગીત અને વગાડવાની વિદ્યા થોડી ઘણી શીખ્યા પછી વિલિયમ જે જન્મથીજ ઉદ્યોગી હતો તેને એમ લાગવા માંડ્યું કે, માખી મારતા ઘેર બેસી રહેવામાં કાંઈ ફળ નથી. તેથી વિના વિલંબે તે જર્મની છોડીને ઈંગ્લઁડમાં બાથ નામના શહેરમાં ગવૈયાનો અને વગાડવાનો ધંધો કરવાને ગયો.
બાથ શહેરમાં આવ્યા પછી પેટપૂરતું મળવા માંડ્યાથી વિલિયમ હર્શેલને તારા જોવાનો અને તારાઓ બરાબર દેખાય તે માટે દૂરબીન તૈયાર કરવાનો નાદ લાગ્યો. પેટ ભરવા માટે સવારથી સાંજ સુધી ઘેરે ઘેર જઈને ગાવા વગાડવાનું શીખવવું અને સાંજે ઘેર આવીને થોડા વખત દૂરબીન બનાવવામાં અને થોડો વખત આકાશ તરફ જોઈને જૂદા જૂદા તારાવિષે જ્ઞાન મેળવવામાં કાઢવો, એવો એનો નિત્યક્રમ હતો. અહી ઘેર કેરોલીન બિચારી પોતાના મોટા ભાઇને ખુશ કરવા માટે અને માતાનો રોષ ન થાય તેટલા માટે સવારથી સાંજ સુધી જેટલું એનાથી બને તેટલું કરવાને મથતી હતી. જેકબ હજી સુધી તો કાંઈજ મેળવતો નહોતો. આવી સ્થિતિમાં બાપના ગુજરી જવાથી કુટુંબના ઘણાજ હાલહવાલ થયા.
કેરોલીનને અને તેની માને ઘણોજ શ્રમ કરવો પડતો હતો; કારણ કે જેકબને પોતાના ઘરને શોભે એવો ધંધો જડતો નહોતો. આવી સ્થિતિમાં શુમારે ચાર પાંચ વર્ષ ગયાં. વિલિયમને ઘરનાં માણસોને મળવાની ઇચ્છા થઈ તેથી તે થોડા દિવસ ઘેર આવ્યો. એને જોઈને કેરોલીનને ઘણોજ આનંદ થયો અને વિલિયમ જ્યારે પાછો જાય ત્યારે તેની સાથે કેરોલીને જવું એવું ભાઇબહેન વચ્ચે ઠર્યું. જવાના દિવસ સુધી એમનો આ વિચાર જેકબને જાણવા દીધો નહિ. છેલ્લે તેમણે જે વિચાર કર્યો હતો તે પાર પડ્યો. કેરોલીન પોતાના ભાઈ સાથે ઇંગ્લઁડ ગઈ.
ઈંગ્લઁડ જઈને ભાઈને ઘેર રહ્યા પછીના કેરોલીનના ચરિત્રમાં આસમાન જમીનનો ફરક પડી ગયો. જર્મનીના એક નાના ગામમાં પોતાની માતાના હાથ નીચે સવારથી સાંજ સુધી કેરોલીન કામ કર્યા કરતી પણ હવે પોતાના ભાઈ સાથે ઇંગ્લઁડ આવ્યા પછી તેની સ્થિતિ બદલાઈ ગઈ આગળ જતાં તે એક પ્રખ્યાત ગાનારી થઈ, ખગોળશાસ્ત્રમાં તેણે નામ મેળવ્યું અને મોટાં મોટાં દૂરબીનો તૈયાર કરવામાં તેણે પોતાના ભાઈને ઘણી મદદ કરી. આ બંને ભાઈબહેને બાથ શહેરમાં રહી વખતનો જે ઉપયોગ કર્યો તેના કરતાં વધારે આશ્ચર્યજનક બીના ઘણી થોડીજ હોય. વિલિયમ આખા દિવસમાં પાંચ છ ઠેકાણે શીખવતો. આ સિવાય સંગીતસભાનો તે વ્યવસ્થાપક હોવાથી તે કામ પણ તેને કરવું પડતું હતું. આ કામ કરીને જે પૈસો તેને મળતો તેથી બે વખત ખાવાની બંનેને જોકે હરકત પડતી નહોતી તોપણ વિલિયમનો દિવસનનો બધો વખત એ કામમાંજ જતો હતો એ ખુલ્લું છે. રાત્રિનો વખત તે ‘આકાશ અવલોકવામાં’ અથવા ‘આકાશ તરફ બારીક રીતે નિરીક્ષા કરવાનાં સાધનો (દૂરબીનો) તૈયાર કરવામાં કાઢતો હતો. ઘરમાં જ્યાં જોઈએ ત્યાં લાકડાના તથા કાચના કકડા પડેલા હોયજ. આ કામમાં મન લાગેલું હોવાથી વિલિયમને ઉંઘવાનું તો સૂઝતું જ નહોતું, પણ ખાવાપીવાનું સુદ્ધાં ભાન રહેતું નહોતુ. કોઈ કોઈ વખત એવું બનતું કે, તે પોતે પોતાનું કામ કરતો હોય અને તેની બહેન તેના મોંમાં કોળિયા મૂકીને જમાડે. એક વખત તો એકે રજાના દહાડે એક દૂરબીન માટે સાત કુટનો કાચ તે તૈયાર કરતો હતો ત્યારે તેણે બરાબર સોળ કલાકસુધી લાગલગટ કામ કર્યું. એક ક્ષણનો પણ આરામ લીધો નહિ. બાથ શહેરમાં હતા ત્યારેજ વિલિયમ હર્શેલે પોતાનું ચાલીસ ફુટનું દૂરબીન તૈયાર કર્યું. ત્યાંજ તેણે કેટલાએક નવા તારાની શોધ કરી, અને ઇંગ્લઁડમાં ઘણાજ ઉત્તમ ખગોળવેત્તાનું નામ મેળવ્યું.
આ બધા કામમાં કેરોલીન પોતાના ભાઈને મદદ કરતી અને સાથે સાથે પોતાનો ગાવાનો અભ્યાસ પણ ચાલુ રાખતી. પાંચ વર્ષ સુધી સતત અભ્યાસ કરીને છેવટે એક દહાડો મેળાવડો કરીને તેણે પોતાની ગાવાની કળા બધાને સંભળાવી. તે વખતની તેની કુશળતા જોઈને અને અવાજ સાંભળીને મિત્રમંડળીને ઘણો આનંદ થયો; અને પૈસા મેળવવાને કેરોલીનને આ ઘણું ઉત્તમ સાધન થયું એમ તેઓ કહેવા લાગ્યાં. સંગીતનો એટલે ગાવાનો અને કોઈપણ જાતનું વાદ્ય વગાડવાનો ધંધો ખરું જોતાં સર્વોત્તમ છે છતાં પણ આપણામાં તેને હલકો ગણ્યો છે. જેમ આપણા જનસમાજમાં અત્યંત નીચ ધંધો કરનારી સ્ત્રીઓનાજ હાથમાં તેની બધી કુંચીઓ છે, તેમ યુરોપ અને અમેરિકાખંડમાં નથી. ગાવા – વગાડવાનો અથવા નાટકોમાં વેશ લેવાનો ધંધો એ લાકોમાં હલકો ગણાતો નથી. પુષ્કળ સભ્ય કુલીન સ્ત્રીઓ એ ધંધામાં છે અને તેમને સમાજમાં ઘણું માન મળે છે. તેથી કેરોલીન એક કુલીન સ્ત્રી તે વિદ્યા સંપાદન કરે અથવા તે ઉત્તમ રીતે સંપાદન કર્યા પછી તેના મિત્રો તેને મુબારકબાદી આપે એમાં કાંઈ ગેરવ્યાજબી નહોતું. સંગીતવિદ્યામાં મેળવેલી કુશળતા માટે કેરોલિનનાં સૌ કોઈ વખાણ કરવા લાગ્યાં, તોપણ તેના અને તેના ભાઈના વિચારોનું એટલું વિલક્ષણ ઐક્ય થયું હતું કે, આપણો આ ગાવાનો ધંધો તે ફક્ત ભાઈને તેમાંથી મુક્ત કરવા માટેજ ચલાવવો એમ તેને લાગતું હતું. બન્નેના પેટપૂરતું ભાઈને મેળવવું પડતું, પણ તેમ ન થતાં પોતેજ બન્નેના પૂરતું મેળવે અને તેથી ભાઈને ખગોળવિદ્યાના અભ્યાસમાં પૂરેપૂરો વખત મળે એવો તેનો વિચાર હતો. ઉત્તમ દૂરબીનો બનાવનારતરીકે વિલિયમ હર્શેલની કીર્તિ દિવસે દિવસે પ્રસરવા માંડી અને હવે તો મોટા મોટા ખગોળવેત્તાઓ તરફથી, રાજારજવાડા તરફથી અગર શાસ્ત્રશોધક મંડળીઓ તરફથી દૂરબીનો તૈયાર કરવાનું કામ તેની પાસે આવવા માંડ્યું. આ દૂરબીનો તૈયાર કરવાથી તેને પુષ્કળ નફો થતો, પરંતુ પોતાનો ભાઈ આકાશના અવલોકનનું વધારે મહત્ત્વનું કામ બાજાુએ મૂકીને દૂરબીનો તૈયાર કરવામાં પોતાનો વખત ગાળે એ બહેનને જરાએ પસંદ નહોતું. તેની ઇચ્છા કાંઈ પોતે અથવા પોતાનો ભાઇ શ્રીમંત થાય અથવા તો ખાઈ–પીને સુખી રહે એવીજ નહોતી, પણ તેણે ખગોળવિદ્યાની શોધમાં જેટલી વધારે પ્રવીણતા મેળવાય તેટલી મેળવવી, એ હતી. આ ઈચ્છા સફળ કરવા માટે એક કકડો રોટલો ખાઈને અથવા પેટે પાટો બાંધી રહેવું પડે તો પણ તેવી રીતે દહાડા કાઢીને રહેવું એમ તેને લાગતું. ભાઈ જે કાંઇ પૈસા મેળવતો તે બધા કેરોલીનને સ્વાધીન કરતો અને કહેતો કે, તારે જોઈએ તેટલો તું તારે પેાતાને માટે ખર્ચ કર; પણ તે એટલી કરકસરથી રહેતી અને એવી સ્વાર્થત્યાગી હતી કે વર્ષમાં તેને પોતાને માટે બધા મળીને ૫૦–૬૦ રૂપિયા સુદ્ધાં કદી લાગતા નહિ.
વિલિયમની કીર્તિ દિવસે દિવસે વધીને રાજાના કાનસુધી ગઈ અને ઈ. સ. ૧૭૮૨ માં દર વર્ષે ૨૦૦ પૌંડના સાલિયાણાથી તેને રાજ્યજોતિષીની જગ્યા મળી. આ જગ્યા એણે સ્વીકારી; પરંતુ આથી ખરેખરૂં જોતાં પૈસાનું નુકસાન થયું. તોપણ જે વિષય ઉપર તેની આટલી બધી પ્રીતિ હતી તે વિષયનો અભ્યાસ કરવાને તેને હવે કુરસદ મળી, તેથી તેને અપૂર્વ આનંદ થયો. બંને ભાઈબહેને કહ્યું કે, કાંઈ હરકત નહિ. આપણે હવે ફક્ત બટાટા વગેરે ઉપર રહીશું, પણ આપણું આકાશના અવલોકનનું કામ ચલાવીશું અને તેથી બંને બહુ ઉલટમાં આવ્યાં.
કેરોલીન તો હવે બીજી રાજ્યજ્યોતિષી થઈ, એમ કહીએ તેપણ ચાલે. તેને વિલિયમે એક સાત ફૂટનું દૂરબીન આપ્યું હતું. જ્યારે ભાઈને મદદ કરવાની ન હોય ત્યારે તે પોતે એકલીજ આકાશના અવલોકનનું કામ ચલાવતી. પરંતુ હમણાં તેનું મુખ્ય કામ એ હતું કે જ્યારે વિલિયમ દૂરબીનમાંથી અવલોકન કરતો અને તેમ કરતાં જે બાબતનું ટિપ્પણ કરવું જોઈએ એમ તેને લાગતું ત્યારે તે કેરોલીન ઉતારી લેતી. આ વખતે બંને ભાઇબહેન એટલો શ્રમ કરતાં કે ન પૂછો વાત. અતિશય ઠંડી હોય તોપણ ખુલ્લી જગામાં બંને જણાં આકાશના અવલોકનનું કામ કરતાં. વિલિયમ દૂરબીનમાંથી જોતો અને કેરોલીન તેની નોંધ લેતી. કોઈ કોઈ વખત તો ખડિયામાંની શાહી ઠરી જઈને જામી જતી, તોયે પણ આ બંનેનુ પેાતાનું કામ તો ચાલુ જ રહેતું. આ બંને ભાઈબહેનના એક મિત્રે એવું કહ્યું છે કે, આકાશમાં ઘણાં વાદળાં થવાથી તેમાં અવલોકન કરવાનું કામ અશક્ય થઈ પડે એવી રાત્રિઓ વચમાં વચમાં આવતી, તેથી જ આ બંને જણાં બચવા પામ્યાં; નહિ તો તેમના તે દિવસોના અથાગ શ્રમથી તેમનાં મૃત્યુ જલદીજ થયાં હોત. ગ્રહનક્ષત્રોનું અવલોકન કરવામાં રાત્રિઓ ગાળવી અને તે વખતે લીધેલી નોંધોસંબંધી વિચાર કરવામાં અને લખવામાં દિવસો ગાળવા. આવી રીતે તેમણે એકસરખો અવિશ્રાંત પરિ શ્રમ ચલાવ્યો હતો. આ સિવાય દૂરબીન તૈયાર કરવાનો શારીરિક શ્રમ દિવસે કરવો પડતો તે તો જાૂદોજ. બંને ભાઈબહેને આજ વખતે એક પ્રચંડ દૂરબીન તૈયાર કર્યું. તે ઉભું કરવા માટે અને તેનાં યંત્રો વગેરે બરોબર કરવા માટે જે કાંઈ ખર્ચ થયો તે સરકારે આપ્ચો.
આજસુધી કેરોલીન પોતાના ભાઈને મદદ કરતી તે ફક્ત પોતાની હોંશને ખાતરજ કરતી હતી. તેને કાંઈ તે કામ માટે પગાર નહેાતો મળતો; પરંતુ થોડા જ વખતમાં સરકારે તેને પણ વર્ષ ૫૦ પૌંડનું સાલિયાણું બાંધી આપીને વિલિયમની મદદગાર નીમી. આ વખતે તેને ઘણો જ આનંદ થયો; કારણકે હવે પછી પોતાના પેટ માટે પોતાના ભાઈ ઉપર આધાર રાખવાની તેને જરૂર રહી નહિ. પરંતુ તે વખતે ઇંગ્લઁડના રાજાઓમાં પણ આપણા દેશના રજવાડા પ્રમાણે વિદ્યાની આસ્થા ઓછી હોવાથી, તેનો પગાર તેને વખતસર મળવાની મારામારજ હતી. વિદ્યાવૃદ્ધિ માટે સરકારમાંથી રાજાને ૮૦,૦૦૦ પૌંડ મળતા; તેમાંથી રાજ્યખગોળશાસ્ત્રીનો પગાર માત્ર ૨૦૦ પૌડનો હતો, પણ ખૂણેખાંચરેના એક દેવળમાં સિંહાસન બાંધવામાં ૩૦,૦૦૦ પૌંડનો ખર્ચ થયો હતો.
એક વખત કેરોલીનનો પગાર મળવામાં ઘણા જ દિવસની ઢીલ થઇ; તેથી તેના ભાઈ પાસે પૈસા માગવા પડયા તે તેના જીવ ઉપર આવ્યું. એટલી તે સ્વતંત્ર સ્વભાવની સંકોચવાળી હતી.
ઈ. સ. ૧૭૮૮ ની સાલમાં વિલિયમે લગ્ન કર્યું. તે પછી કેરોલીન પોતે સ્વતંત્રપણેજ ખગોળવિદ્યાની શોધ કરવા લાગી. તેણે બધા મળીને આઠ પૂછડિયા તારાઓની શોધ કરી. પહેલો ધૂમકેતુ તેણે શોધી કાઢયો તે ઇ. સ. ૧૭૮૬ ની સાલમાં અને છેલ્લે ૧૭૯૦ ની સાલમાં. તેની આ શોધથી યુરોપખંડના બધા પ્રખ્યાત ખગોળવેત્તાઓ તેને પોતાની કાર્યભગિનીતરીકે માન આપવા લાગ્યા અને તેની અપૂર્વ શેાધ માટે કેટલાએ આવકારદાયક પત્રો તેને આવ્યા. દલાલાંદ નામના ફેંચ ખગોળવેત્તાએ તેને "પંડિતા કેરોલીન” એવું નામ આપ્યું. રે. ડા. માસ્કેલ નામના બીજા નામાંકિત ખગોળવેત્તાએ ‘મારી અત્યંત સન્માનનીય ખગોળવિદ્યાની બહેન” એવું લખ્યું. રાજ્યકુળનાં અને સરદારકુળનાં સ્ત્રીપુરુષો તેને ઘેર આવીને તેનુ દૂરબીન જોતાં અને તેની પાસેથી ખગોળવિદ્યાની માહિતી મેળવતાં. ખગોળવિદ્યાના અભ્યાસ ઉપર તેનો અત્યંત પ્રેમ ચોંટ્યો હતો; આ વિદ્યા આગળ તેને બીજી કોઈ પણ વિદ્યાનું મહત્ત્વ દેખાતું નહોતું.
ઈ. સ. ૧૮૨૨ ની સાલમાં તેનો ભાઈ ગુજરી ગયો તેથી તેને અત્યંત દુઃખ થયું અને તે ઇંગ્લઁડ છોડીને પાછી જર્મની ગઈ. તે વખતે તે બોંતેર વર્ષની હતી. ભાઈના ગુજરી જવાથી તેને ઈગ્લઁડમાં રહેવું એ હવે અશક્ય લાગવા માંડયું. પેતાના જે ભાઈની સાથે અહોરાત્ર સહવાસમાં લગભગ પચાસ વર્ષ ગાળ્યાં તે ભાઈ ગુજરી જતાંની સાથે તે ગાંડા જેવી થાય એ સ્વાભાવિક હતું. “હવે આપણે તો આ દુનિયામાં કેટલા દિવસ કાઢવાના છે?” અને ‘‘હું પણ મારા ભાઈની પછવાડે જ જઈશ” એમ તેને લાગવા માંડ્યું; પણ હજી બીજા છવીસ વર્ષ તેને જીવવાનું હતું. ઇંગ્લઁડથી ગયા પછી તે ફરીને કદી ત્યાં પાછી આવી નહિ. પેાતાની ભોજાઈ અને ભત્રીજાને માત્ર કાગળો લખતી. તે કાગળો બધા ખગોળવિદ્યા સંબંધી હતા. વિલિયમ હર્શેલનો છોકરો સર જોન હર્શેલ, બાપ અને ફોઈની પેઠે જ અત્યંત અથવા તેમના કરતાં કાંઈક અંશે વધારે બુદ્ધિમાન નીકળ્યો હતો. ૧૮૩ર ની સાલમાં એટલે તેના ૭૨ મા વર્ષે પોતાના ભત્રીજો કેપ ઑફ ગુડ હોપમાં અવલોકન કરવા ગચો, એમ તેણે સાંભળ્યું તે સાથેજ તેને પરમાનંદ થયો; અને પોતે પણ ગઈ હોત તો સારું એમ તેને લાગવા માંડ્યું.
ભાઈ ગુજરી ગયા પછીજ કેરોલીન હર્શેલનો સૌથી વધારે શ્રમવાળો અને અત્યંત ઉપચાગી એવો એક ગ્રંથ બહાર પડ્યો. "હર્શેલે અવલોકન કરેલાં સર્વ નક્ષત્રો અને ધૂમકેતુઓનું વર્ગી- કરણ” એ તે ગ્રંથનું નામ હતું. આ ગ્રંથને લીધે તેની કીર્તિ વધારે પ્રસરી, અને રાજ્યખગોળશાસ્ત્રીઓનાં મંડળે સન ૧૮૨૮ ની સાલમાં તેને સોનાનો ચાંદ આપીને તેને બહુ માન આપ્યું.
પેાતાના મૂળ ગામમાં પાછી આવ્યા પછી તે અતિશય કરકસરથી રહેતી હતી. વિલિયમે મરતી વખતે તેને દર સાલ ૧૦૦ પૌંડ મળે એવી વ્યવસ્થા કરી હતી, પરંતુ એક સાલ પણ તેણે તે પૈસા મંગાવ્યા નહોતા. તે ૯૮ વર્ષની થઈ ત્યાંસુધી પોતાની જાતકમાઈથીજ તેણે પોતાનો ઉદરનિર્વાહ કર્યો. તે કહેતી કે, મારા જેવીએ વર્ષે ૫૦ પૌંડ કરતાં વધારે ખર્ચ કરવો એ કેવળ મૂર્ખાઈ ભરેલું છે.
મરણ પછી પોતાની ઉત્તરક્રિયા માટે શું ખર્ચ કરવો અને શું વ્યવસ્થા કરવી તે વિષે પણ તેણે બધું લખી રાખ્યું હતું. તેની મતલબ એ હતી કે,પૈસો અને વખત એ બંનેનો ખર્ચ કરવા માટે પોતાના ભત્રીજા ઉપર જરાયે બોજો પડે નહિ. તેણે આવીને માત્ર ભૂમિદા દેવો અને તે કરવામાંજ જે વખત જાય તેજ. છેક છેલ્લી ઘડીએ મરતાં મરતાં પોતાની આખરની ઘડીની ઈચ્છા દર્શાવતાં તેણે કહ્યું કે "મારા ભાઈ વિલિયમના વાળની એક લટ મેં સંભાળીને રાખી છે તે મારા શબ ઉપર મૂકજો, અને પછી શબને પેટીમાં મૂકીને પૂરજો.” કેરોલીન હર્શેલમાં રહેલી બંધુપ્રીતિ અને વિદ્યાશક્તિ ઘણીજ થોડી જગ્યાએ માલમ પડે છે. એ જેટલી વિદ્યાસંપન્ન હતી તેટલીજ અથવા તેથી પણ વધારે વિનયવતી હતી. પોતાના હાથથી ખગોળવિદ્યાને લગતી શેાધો કરવાથી જે કાંઇ થોડીઘણી લોકસેવા થઈ, તે બધી પોતાના ભાઈને લીધેજ થઈ અને તે બધાનો યશ વિલિયમને હતો, એમ તે રોજ કહેતી. ભાઇનાં વખાણ ન કરતાં તેની એકલીનાંજ વખાણ કરેલાં જો તે સાંભળતી તો તેને ઘણો ગુસ્સો લાગતો. એ કહેતી કે, હું તો માત્ર મારા ભાઈના હાથમાં એક હથિયારરૂપ હતી, તેને ધાર કાઢવાનો શ્રમ તેણે લીધો તેથીજ મારાથી આટલું કામ થયું. તેણે એક ઠેકાણે લખ્યું છે કે “વિલિયમની ઈચ્છાથીજ હું આકાશનું અવલોકન કરતી. હું એટલે કાંઈ નહિ અને મેં કર્યું એમ પણ નહિ. જે કાંઈ હુ છુ, જે કાંઇ મને આવડે છે તે બધાનો યશ મારા ભાઈને ઘટે છે. હું એટલે માત્ર એક ઘાટઘટ વિનાનું હથિયાર. તેને આકાર આપીને તેણે તેનો ઉપચાગ કર્યો. એકાદા જાતવાન કુતરાને સારું શીખવ્યું હોત તો તેણે પણ મારા જેટલું કામ કર્યું હોત.”
પરંતુ શાસ્ત્રજ્ઞ લોકોએ અને શાસ્ત્રીય પરિષદોએ તેના આ અત્યંત વિનયપૂર્ણ લખાણમાં સત્યતા છે એમ માન્યું નહિ. ઈ. સ. ૧૮૨૮ ની સાલમાં રાજયખગોળશાસ્ત્રીઓના મંડળે તેને સોનાનો ચાંદ અને માનપત્ર આપ્યું. એ પરિષદના અધ્યક્ષ સાઉથ સાહેબે તે વખતે કહ્યું કે " પોતાના ભાઈની શેાધોને પ્રમાણથી સિદ્ધ કરનારી તે એજ, તે શેાધોનું પદ્ધતિવાર વર્ગીકરણ કરનારી પણ તેજ; અને સર વિલિયમ હર્શેલનું નામ અજરામર કરનાર પણ તેજ હતી; પરંતુ એટલાજ માટે આ પરિષદે તેને પેાતાની કૃતજ્ઞતા દેખાડી એમ નથી. એ કૃતજ્ઞતા દેખાડવાનાં બીજા’ પણ કારણો છે. તે જાતે સ્વતંત્ર મહાન શેાધક હતી. તેને માટે પણ આપણે બધાંએ ખુલ્લા દિલથી તેને અભિનંદન આપવું જોઈએ.” આટલું બોલીને તેણે સ્વતંત્રપણે કરેલી બધી શોધોનો ઉલ્લેખ કર્યો, અને છેલ્લે આ ભાઇબહેનસબંધી તે બોલ્યો કે “આ અલૌકિક ભાઈબહેનના એકંદર શ્રમ તરફ જોતાં ભાઈની વિશાળ બુદ્ધિ માટે આશ્ચર્ય પામવું કે બહેનના અથાગ ઉદ્યોગ માટે ચકિત થવું એ કાંઈ સૂઝતું નથી.”
હિંદુસ્તાનના પ્રસિદ્ધ હિતચિંતક હેન્રી ફૉસેટનાં વિદુષી પત્નીએ કેરોલીન હર્શેલ માટે લખેલા ઉદ્ગાર વાંચવાલાયક છે. મિસિસ ફૉસેટ કહે છે કે “અત્યંત તીક્ષ્ણ ધાર કાઢેલાં હથિયારનાં અથવા પુષ્કળ શીખવેલા જાતવાન કૂતરાનાં કદી પણ કોઈએ આવાં વખાણ કર્યાં હોત શું ? કેરોલીને અત્યંત વિનયને લીધે તથા પોતાના ભાઈની કીર્તિ વધારવાની સબળ ઇચ્છાને લીધે જે કાંઇ લખ્યું છે તે સર્વ અક્ષરશઃ ખરું માનવું જોઈતું નથી. પરંતુ એટલી વાત કબૂલ કરવી જ જોઈએ કે, ઘણે ભાગે તેના ભાઈએ આપેલા વલણને લીધે જ તેનું નામ પ્રખ્યાત થયું. જન્મથીજ તેની ગ્રાહકશક્તિ ઘણી વિશાળ હોવાથી ભાઈ શીખવે તે સમજી લેવાની તેની તૈયારીજ રહેતી. તે માત્ર એક હથિયારજ હતી એમ કાંઈ નહોતું. પરંતુ તેનું મન એકાદા ઉત્તમ વાદ્ય જેવું હતું. તે વાદ્યમાંથી એકાદો સાદો અથવા અતિશય કઠણ રાગ ઉત્પન્ન કરવો એ કેવળ વિલિયમની મરજી ઉપર હતું. એના કહેવાથી પ્રથમ તે સંગીતમાં અત્યંત કુશળ થઇ અને એનાજ શિક્ષણથી તે ખગોળવેત્તા પણ થઈ. તેની બુદ્ધિનું વિશાળપણું અને મનની હોંશ એટલાં વિલક્ષણ હતાં કે જો એણે કહ્યું હોત તો વળી કોઈ બીજા ગમે તે શાસ્ત્રમાં અથવા કળામાં મન પરોવીને તેણે નામ મેળવ્યું હોત.” કેરોલીન જેવાં ‘બુઠ્ઠાં પણ ધાર કાઢીને તીક્ષ્ણ કરવા યોગ્ય’ કેટલાંયે હથિયારો આપણા સમાજની સ્ત્રીઓમાં હશે, પણ તેમની ધાર કાઢવાનું ધૈર્ય તેમના ભાઈ–બાપમાં આવે ત્યારે ખરૂં !