મહાન સાધ્વીઓ/સાધ્વી કૉબ
← સાધ્વી મેરી કાર્પેન્ટર | મહાન સાધ્વીઓ સાધ્વી કૉબ શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર ૧૯૨૯ |
સાધ્વી ક્લેરા → |
साध्वी कॉब
૧ – બાલ્યાવસ્થા, માતૃભક્તિ અને ગૃહકાર્ય
કુમારી ફ્રાંસિસ કૉબ બુદ્ધિશાળી હોઈ તત્ત્વજ્ઞાન ઉપર તેમનો આશ્ચર્યકારક કાબુ હતો. એ સારાં લેખક તથા ગ્રંથકાર હતાં. તરુણ વયમાંજ તેમનું હૃદય ધર્મજિજ્ઞાસાથી વ્યાકુળ થયું હતું. ઇંગ્લઁડ અને અમેરિકાના અનેક ધાર્મિક તથા વિદ્વાન પુરુષો એમના પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરતા. આપણા દેશની બ્રાહ્મસમાજની સાથે પણ તેમને ઘણો ગાઢ સંબંધ હતો.
કુમારી કૉબઓ જન્મ ઈ. સ. ૧૮રર ની ૪ થી ડિસેમ્બરે ડબ્લિન શહેરમાં થયો હતો. એમના પિતા ચાર્લ્સ કૉબ એક સારા કુટુંબના માણસ હતા. ભારતવર્ષ જોવાને મદ્રાસ આવ્યા હતા. ત્યાં સૈન્યવિભાગમાં એમને એક નોકરી મળી હતી. ત્યાં કેટલોક સમય સેવા કર્યા પછી એમણે વિલાયત જઈને લગ્ન કર્યું હતું. કુમારી કૉબની માતાનું નામ ફ્રાન્સિસ કૉન્વે હતું. તેમનું મુખ ખીલેલા પુષ્પસમાન સુંદર હતું. કુમારી કૉબનો જે પ્રેમ આ માતા ઉપર હતો તેટલો સંસારમાં બીજા કોઈના પણ ઉપર નહોતો. એ આત્મચરિત્રમાં લખે છે કે :–
“મારાં માતુશ્રીનો નમ્ર સ્વભાવ, કોમળ પ્રકૃતિ તથા તેમની વર્તણુંક અને વાતચીત ઘણાં સ્વાભાવિક હતાં; જનનીના અનેક સદ્ગુણોને લીધે જ તેમની શક્તિ મારા જીવન ઉપર પોતાની સત્તા ચલાવી રહી હતી. માતાનું લાવણ્યમય નિર્મળ મુખ મને કેટલું બધું સુંદર લાગતું હતું ! હું કહી શકું છું કે, એ નિરૂપમ માતૃમૂર્તિના દર્શનથી જ મને સૌથી પ્રથમ સૌંદર્યનો અનુભવ થયો હતો. એટલા માટે હું વારે ઘડીએ માતાના મુખ સામું જોઇને બોલી ઉઠતી કે “મા ! તમે કેવાં સુંદર છો.”
“મા એ સાંભળીને હસતાં, સ્નેહના આવેશમાં આવી જઇને મારા મુખનું ચુંબન કરતાં અને કહેતાં ‘વહાલી કન્યા ! તું મને અત્યંત ચાહે છે. તારો પ્રેમ જોઇને હું ઘણીજ સુખી થાઉં છું.’ હું એક સ્થળે ઉભી રહીને અનિમેષ નેત્રે માતૃમૂર્તિનાં દર્શન કરતી. એ મૂર્તિ નીહાળતાં અસીમ સુંદર પરમાત્માના અનુપમ માધુર્યની કથા મારા મનમાં જાગી ઉઠતી. ઈશ્વર સુંદર છે, એ વાત જનનીનું રમણીય મુખ જોઈનેજ હું સમજી શકી હતી.”
જે કન્યાને માતા ઉપર આટલો બધો મધુર પ્રેમ હોય, તેનું જીવન સૌંદર્ય, માધુર્ય, પવિત્રતા અને સદ્ગુણોથી વિભૂષિત થવું સ્વાભાવિક છે. માતાના સહવાસથી કુમારી કૉબના જીવનમાં દયા, પ્રીતિ, સરળતા અને ધર્મના સુકોમળ ભાવ ખીલવા માંડ્યા. માતાપિતાના સારા શિક્ષણને લીધે તેમની દૃષ્ટિ ઘણી નિર્મળ થઈ ગઈ. કોઈ પણ ખરાબ વસ્તુ ઉપર તેમની દૃષ્ટિ પડતી નહિ. સંસારમાં જે કાંઈ સુંદર, પવિત્ર અને મહાન છે તેના ઉપરજ કુમારી કૉબની દૃષ્ટિ પડતી.
બાલ્યાવસ્થામાં કુમારી કૉબ ઘણો વખત એકાંતમાં ગાળતાં. તેમના ઘરની પાસે એક મનોહર બગીચો હતો. બાલિકા કૉબ એ બગીચા પાસેના એક મકાનમાં એકલાં રહેતાં. નિર્જન સ્થાનમાં એકલાં રહેવું તેમને ઘણું જ પસંદ હતું. બાલ્યાવસ્થાથીજ એ શરીરના આરોગ્ય તથા સુનીતિ તરફ પુષ્કળ ધ્યાન આપતાં હતાં. તેમનાં માતાપિતા તેમને ખરાબ ખોરાકને સ્પર્શ પણ કરવા દેતાં નહિ. દૂષિત નૈતિક વાતાવરણમાં પણ એ કદી રહ્યાં નહોતાં. એમના પિતા પાસે પુષ્કળ ધન હતું, છતાં કન્યાને વિલાસિતા જરા પણ રુચતી ન હતી. કુમારી કૉબને જ્યારે પાંચ વર્ષ પૂરાં થયાં, ત્યારે તેમની વર્ષગાંઠની ખુશાલીમાં તેમના પિતાએ તેમને એક બાઈબલ ભેટ આપ્યું હતું તથા પોતાની સાથે દેવળમાં લઈ ગયા હતા. એમનું શરીર એ વખતે સુંદર પોશાકથી વિભૂષિત હતું. એક ગરીબની છોકરીએ તેમનો એવો સુંદર પોશાક જોઈને રોવા માંડ્યું તથા પોતાની માતા આગળ હઠ લીધી કે “મા ! મને પણ આવા પોશાક કરાવી આપોને.”
કરુણાહૃદયા કૉબના ઉપર એ બનાવથી એટલી બધી અસર થઇ, કે ત્યાર પછી કોઈ પણ દિવસ એ કિંમતી અને આકર્ષક પોશાક પહેરીને ઉપાસના મંદિરમાં ગયાં નહિ.
કુમારી કૉબ પેાતાની બાલ્યાવસ્થાસંબંધી આત્મચરિત્રમાં લખે છે કે :– “નાની વયમાંથીજ હું ભણવાગણવામાં, ઘરના કામકાજમાં તથા નાના ભાઈની દેખરેખમાં ગુંથાઇ હતી. પૈસાટકાની ચિંતા મારે કદી કરવી પડી નહોતી. મેં બાલ્યાવસ્થાથીજ ઇસુની પ્રાર્થનાનું અનુસરણ કર્યું છે. ધનસંપત્તિને સારૂ મારૂં ચિત્ત કદી વળખાં મારતું નથી. ઈશ્વરની જે ઇચ્છા હોય તેનાથીજ મારૂં જીવન પૂર્ણ થાઓ.”
કુમારી કૉબની ઉમર જરા વધી, એટલે એમને નિશાળે બેસાડવામાં આવ્યાં. એમને બોર્ડિંગ હાઉસમાં રહેવું પડતું. એ સમયમાં એમના દેશમાં પણ છોકરીઓની નિશાળો તથા બોર્ડિંગ હાઉસની અવસ્થા બહુ સારી ન હતી. એટલે બોર્ડિંગનો નિવાસ એમને રૂચ્યો નહિ. એ વિષે એક બનાવનો અમે ઉલ્લેખ કરીશું. કુમારી કૉબ જે બોર્ડીંગમાં રહેતાં હતાં ત્યાં ધર્મના શિક્ષણની કોઈ સારી વ્યવસ્થા ન હતી. એ એકલાં એક ઓરડામાં બેસીને ભક્તિપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરતાં. એ એક દિવસ એવી રીતે પ્રાર્થના કરી રહ્યાં હતાં, એવામાં બોર્ડિંગની એક કન્યા આવીને તેમને કહેવા લાગી ‘‘અલી કપટી ! ઉઠ, રહેવા દે તારી પ્રાર્થના. ચાલ, હમણાં ને હમણાં ઉઠ, જો ફરીથી કદી પ્રાર્થના કરી છે તો તને મારીશ.” એ છોકરીની વાત સાંભળીને કુમારી કૉબ તો અવાકજ થઈ ગયાં. એમણે મનમાં નિશ્ચય કર્યો કે, હવે ગમે તે થશે તોપણ હું આ બોર્ડિંગ હાઉસમાં નિવાસ નહિ કરું અને આ નિશાળમાં અભ્યાસ પણ નહિ કરું. ઇ. સ. ૧૮૩૮માં છાત્રનિવાસનો ત્યાગ કરીને એ ઘેર પાછાં ગયાં. એ વખતે એમની અવસ્થા સોળ વર્ષની હતી. એમણે ઘર આગળજ ગ્રીક ભાષાનો અભ્યાસ કરવા માંડ્યો. ઇતિહાસ તથા પ્લેટોનું દર્શનશાસ્ત્ર શીખવાને પણ તેમનું ચિત્ત આકુળવ્યાકુળ થઈ ગયું. એ વખતે ઘરકામનો બધો બોજો તેમને માથે નાખવામાં આવ્યો હતો અને એ બોજો તેમણે આનંદથી ઉઠાવ્યેા હતો.
કુમારી કૉબે લખ્યું છે કે :– “મને ધર્મનું શિક્ષણ સૌથી પહેલું માતપિતા પાસેથી મળ્યું છે. મને બરાબર યાદ છે કે, હું માતાની સાથે બેસીને પ્રાર્થના કરતી. પિતાની આગળ ધર્મસંગીત ગાતી. રવિવારને દિવસે અમારા ઘરમાં કોઈને પણ ધર્ર્ર્ર્ર્મપુસ્તક સિવાય બીજી કોઈ ચોપડી વાંચવા દેવામાં આવતી નહિ. દરરોજ પ્રાતઃકાળે અમારા ઘરમાં પુસ્તકાલયવાળા ઓરડામાં ઉપાસના થતી. ઉપાસના થઈ રહ્યા પછી ધર્મગ્રંથનો પાઠ થતો. ત્યારપછી ધર્મસંબંધી વાતચીત થતી. ધર્મચર્ચા મને બહુજ ગમતી હતી. નાની વયથી હું તેમાંથી આનંદ મેળવતી હતી. ઈશ્વરના પવિત્ર ભાવ મારા ચિત્તને પોતાની તરફ ખેંચતો. મને યાદ છે કે, એક દિવસ એ ભાવની એક કવિતા વાંચીને હું આનંદમાં ઘેલી થઈ ગઈ હતી.”
કુમારી કૉબનાં જે સ્નેહમયી માતાએ પોતાના ચારિત્રના સૌંદર્ય તથા હૃદયના માધુર્યવડે ઘરને મધુમય કરી દીધું હતું, તેમને કરુણામય પ્રભુએ હવે પોતાની પાસે બોલાવી લીધાં. એ સંબંધી કુમારી કૉબે પેતાના આત્મચરિત્રમાં લખ્યું છે કે :– “એ સમયમાં મારાં માતુશ્રીનું મૃત્યુ થયું. હું માતાને જેટલું ચાહતી તેટલું બીજા કોઈને ચાહતી નહોતી. માતા પણ બીજા કોઈ સંતાનને મારા જેટલું ચાહતાં નહોતાં. માતાના મૃત્યુ પછી મને એવું લાગતું કે તેમનું જીવન હવે કોઈ પણ સ્થાને નહિં હોય. એ વખતે મારી માન્યતા એવી હતી કે મૃત્યુ પછી કંઇજ રહેતું નથી. હાય ! આ સંસારમાં જે મને સૌના કરતાં વધારે વહાલી હતી,તેનો તદ્દનજ અંત આવી ગયો ! હું એ માટે બહુ શોક કરવા લાગી, પણ પછી ઈશ્વરનો મંગળભાવ ઝળકવા લાગ્યો. મને વિચાર આવ્યો કે મારી સન્મુખ અનેક કર્તવ્યો છે. જો બીજાઓની ખાતર હું કાંઇ પણ કરી શકું તો મારા જીવનનાં સઘળાં દુઃખ અને ક્લેશ ચાલ્યાં જશે, હવેથી ઘરના બધાજ વહિવટ મેં હાથમાં લીધા. પિતાજીની પણ મારેજ સેવાચાકરી કરવી પડતી. મારા ગામમાં એક નિશાળ હતી. એ નિશાળ મારા ઘરથી એક માઇલ છેટે હતી. હું એ નિશાળમાં અઠવાડીઆમાં ત્રણ દિવસ ભણાવવા જતી. અમારી પડોશનાં બે ગામડાંઓનાં માંદાં લોકોની સેવા કરતી અને ભૂખ્યાને અન્નની મદદ આપતી.”
દર્શનશાસ્ત્રનું અવલોકન કરવાથી કુમારી કૉબને પરકાળસંબંધી સંશય ઉત્પન્ન થયો હતો; પણ મહાત્મા થિયોડર પાર્કરે તેમને એક પત્ર લખ્યો. એ વખતે એ મહાત્માનો એક ઉત્તમ ઉપદેશ પણ તેમના હાથમાં પહોંચ્યો. એ ઉપદેશ વાંચવાથી એ ધર્મશીલા સાધ્વીને પરકાલના વિષયમાં કાંઈ પણ સંશય રહ્યો નહિ. પોતાની એ સમયની અવસ્થા વિષે એ લખે છે કે :– “જે વખતે આત્માના અમરત્વ ઉપર વિશ્વાસ ઉપજ્યો, તે વખતે મને કેટલો બધો આનંદ થયો હતો ! કેટલી બધી શાંતિ વળી હતી ! - હું વિચારવા લાગી કે, મૃત્યુથી માતુશ્રીનું જીવન કંઇ સમાપ્ત નથી થઇ ગયું. એ તો હજુ પણ હયાત છે, અને મને ચાહે છે. મારી અવસ્થા ચાલીસ વર્ષની થઇ ત્યાંસુધી મારા જીવનની એક મુખ્ય આકાંક્ષા એ હતી કે મૃત્યુ પછી માતાની સાથે ફરીથી મેળાપ થાય.”
૨ – જ્ઞાનની ઉન્નતિ અને સાહિત્યચર્ચા
કુમારી કૉબે આખું જીવન જ્ઞાનના અભ્યાસમાં ગાળ્યું હતું. સાહિત્ય, ઇતિહાસ અને દર્શનશાસ્ત્રનું ખાસ કરીને તત્ત્વવિદ્યાનું એમને ગાઢ જ્ઞાન હતું. તેમણે ઉત્તમ ગ્રંથો રચ્યા છે.
કુમારી કૉબના પિતાજીના ઘરમાં એક મોટું પુસ્તકાલય હતું. એમાંના સર્વોત્તમ ગ્રંથોએ તેમના મન ઉપર પોતાનો પ્રભાવ સારી પેઠે જમાવ્યો હતો. બાલ્યાવસ્થાથીજ પુસ્તકાલયમાંનાં પુસ્તકો ફેંદતાં ફેંદતાં અભ્યાસની ઇચ્છા તેમનામાં પ્રબળ થઈ પડી હતી.
કુમારી કૉબે નિશાળ છોડ્યા પછી ગ્રીક ભાષા શીખવાના અને ઇતિહાસના ગ્રંથો વાંચવાનો આરંભ કર્યો હતો. પૂરૂં ચિત્ત દઇને ચાર વર્ષ સુધી એમણે ઇતિહાસનો અસ્યાસ કર્યો હતો. ત્યાર પછી પૃથ્વીના મોટા મોટા લેખકોમાંથી જેટલાંનાં ઉત્તમ પુસ્તકો એકઠાં કરવાનું તેમનાથી બની શક્યું, તે બધાં વાંચી નાખ્યાં હતાં. એ ઉપરચોટીઉં વાંચનારાં ન હતાં; પણ ગંભીર ભાવપૂર્વક સારવાળા ગ્રંથો એકે એકે વાંચતાં, વાંચ્યા પછી એ વિષય ઉપર વિચાર કરતાં અને તેના ભાવસમુદ્રમાં ડૂબકી લગાવીને પ્રવીણ તારાની પેઠે એ રત્નોને શોધતાં; અને ખરેખર, તેમને રત્ન મળી આવતાં. પોતાની મનન શક્તિ દ્વારા પ્રત્યેક ગ્રંથમાંથી સત્યનો ઉદ્ધાર કરીને એ પેાતાની નોંધપોથીમાં લખી રાખતાં. કોઇ પંડિત કદાપિ કોઈ મોટા ગ્રંથવિષે પ્રશ્ન પૂછતો કે “ફલાણો ઉત્તમ વિષય કયા અધ્યાયમાં લખેલો છે ?” તો કુમારી કૉબ પાતાની નોંધપોથીમાં જોઈને એ પ્રશ્નનો ઉત્તર આપતાં.
કુમારી કૉબે જ્યારથી ઇંગ્લઁડમાં જઈને વાસ કર્યો ત્યારથીજ વિશેષ પ્રકારે તેમની સાહિત્યચર્ચાનો આરંભ થયો. એ વખતમાં એ મોટી મોટી સભાઓમાં સામેલ થતાં. મોટા મોટા પંડિતો અને ધાર્મિક પુરુષો સાથે એમનો વાર્તાલાપ થતો. ઇંગ્લઁડ અને અમેરિકાનાં પ્રસિદ્ધ દૈનિક અને સાપ્તાહિક પત્રમાં એમના લેખો પ્રગટ થતા. એથી એમને પૈસા પણ પુષ્કળ મળતા હતા. એ ‘એકો’ અને ‘સ્ટેન્ડર્ડ’ પત્રનાં સંપાદિકા પણ નીમાયાં હતાં. કુમારી કૉબ ઇંગ્લઁડમાં નિવાસ કરતાં હતાં એ સમયમાં મહાત્મા થિયોડર પાર્કરની ગ્રંથાવલિ પ્રગટ થઈ. એનું સંપાદનકાર્ય એમણે ઘણી ઉત્તમ રીતે કર્યું હતું. એ ઉપરાંત એમણે પોતે રચેલા કેટલાક ગ્રંથો પણ છપાવ્યા હતા. એ વિદુષી સાધ્વી આત્મચરિતમાં લખે છે :– “મારા સાહિત્યજીવનનું અવલોકન કરી જોઉં છું, તો જણાય છે કે, હું એક પ્રબંધલેખિકા છું. દૈનિક, સાપ્તાહિક અને માસિકપત્રોમાં મેં જે કાંઈ લખ્યું છે, તેનો ઉદ્દેશ હતો સત્યનો પ્રચાર અને તેનું લક્ષ્ય હતું ધર્મભાવથી લોકોના મનને ઉંચે લાવવું.”
૩ – ધર્મજીવન
કુમારી કૉબના હૃદયમાં ધાર્મિક પિતામાતાના સુશિક્ષણને લીધે બાલ્યાવસ્થામાંથીજ ધર્મભાવ ખીલવા માંડ્યો હતો. આથી ઈશ્વરનું ચિંતન કરીને નિર્મળ આનંદનો અનુભવ કરતાં. સંસારનાં તિરસ્કાર કરવા યોગ્ય પાપો અને હલકા પ્રકારના ભાવો કોઈ દિવસ તેમના હૃદયનો સ્પર્શ કરી શક્યા નથી. કુમારી કૉબનું જીવન ગુલાબના પુષ્પ જેવું હતું. એમણે છેવટ સુધી કુમારીજીવન ગાળ્યું હતું. કર્મક્ષેત્રમાં પુષ્કળ લોકોના સમાગમમાં આવ્યાં હતાં, અને પોતાના ધર્મજીવનથી અનેક લોકોનાં મન ઉપર ઉત્તમ અસર કરી હતી.
કુમારી કૉબે તેમના પ્રારંભિક ધર્મજીવન વિષે આત્મચરિતમાં લખ્યું છે કે :– ઈશ્વર સર્વદર્શી અને વિચારક છે. એ વાતનો સર્વદા મારા મનમાં અનુભવ થતો. ઈશ્વર આપણા ગુપ્તમાં ગુપ્ત વિચાર અને કામકાજ જુએ છે એવી દૃઢ સમજણપૂર્વક હું ચાલતી હતી અને બધાં કામકાજ કરતી હતી. ઈશ્વરની આગળ કૃતજ્ઞતાથી મસ્તક નમાવવું એ મારા સ્વભાવનો એક વિશેષ ભાવ હતો. ઈશ્વર મારા ઉપર અગાધ દયા કરી રહ્યો છે, એજ વિચાર મારા મનમાં આવ્યા કરતો અને અંતરની કૃતજ્ઞતા ઈશ્વર તરફજ દોડતી. હું પોકારી પોકારીને કહી શકું છું કે, હું જ્યારથી નાની છોકરી હતી, ત્યારથીજ ઈશ્વરને ઘણું ચાહતી હતી. * * અંતરમાં આનંદ અનુભવવા માટે હું ઇશ્વરને પુકારતી ત્યારે મારા મનમાં અપાર આનંદ ઉછાળા મારતો અને મને એવું લાગતું કે જાણે એક રહસ્યપૂર્ણ નૂતન જીવન મારા અંતરમાં રહેલું છે. મારા મનના ભાવ મારાં માતા ઘણી સારી રીતે સમજી શક્યાં હતાં. * * ઉંડા આધ્યાત્મિક ભાવથી ભરેલા ગ્રંથો વાંચતી. મને ઠીક યાદ છે કે, એક દિવસ પિતાજી મને એક દાખલો ગણવાનો આપીને, મારા ભાઇઓને એક ઉત્કૃષ્ટ ધર્મગ્રંથ ગ્રંથ વાંચી સંભળાવતા હતા. હવે મારું મન દાખલામાં ચોંટ્યું રહે કે ? હું તો એ ગ્રંથની વાતો સાંભળવા લાગી. x x હું ઘણી વખત છાનીમાની બાઇબલ અને એક બીજી સારી ચોપડી વાંચતી. બાઇબલ હું ઉત્તમરૂપે સમજી શકતી, એવું નહોતું; પણ મને એમ લાગતું કે એને વાંચ્યાથી હું ઈશ્વરની તરફ આગળ વધી રહી છું. અનેક રાત્રિએ જાગીને હું ઇશ્વરની પ્રાર્થના કરતી; ઇસુખ્રિસ્તની દશ આજ્ઞાઓ અને ઉપદેશ વાંચતી. મેં મારી મેળે પોતાની જાત સારૂ કેટલાક કઠોર નિયમ ઘડી રાખ્યા હતા અને તેનું પાલન કરવાને યત્ન કરતી. નિયમ ભંગ થવાથી મારે પોતાના ન્યાયાધીશ થવું પડતું અને એના ફેંસલામાં જે સજા ભોગવવી ઠરતી, તે ઘણી ગંભીર હતી.”
કુમારી કૉબને સૌથી પ્રથમ જે ઈશ્વરાનુભૂતિ થઈ હતી તે વિષયમાં એ પોતે લખે છે કે :– “માતાના જન્મદિવસે હું ઉદ્યાનમાં પુષ્પ વીણવા ગઈ હતી. એ વખતે ચારે તરફે ચમત્કારી દૃશ્ય હતું.એવું જણાતું કે જાણે પ્રત્યેક પદાર્થ ઈશ્વરના આવિર્ભાવથી પરિપૂર્ણ છે, અને મારા હૃદયમાં આનંદજ આનંદ છવાઇ રહ્યો છે ! એ અનુભવ, એ સાક્ષાત્કારને સારૂ મેં ઈશ્વરને કેટલોએ ધન્યવાદ આપ્યો હતો; પરંતુ ઘણી વાર ધન્યવાદ આપ્યા છતાં પણ મને તૃપ્તિ મળી શકી નહિ.”
“કુમારી કૉબના પિતા જૂના વિચારના ખ્રિસ્તી હતા. પહેલીવયમાં કુમારીને પણ એ ધર્મ ઉપર પ્રગાઢ વિશ્વાસ હતો, પરંતુ સત્તર વર્ષની વયે એ વિદુષી નારીનો ધર્મ ઉપર પૂર્ણ વિશ્વાસ રહી શક્યો નહિ. દર્શનશાસ્ત્ર, વિજ્ઞાન અને ધર્મનાં ઉડાં તત્ત્વોની આલોચના કરતાં કરતાં તેમનું મન નિરાકાર, અનંતસ્વરૂપ પ્રેમમય અને મુક્તિદાતા ઇશ્વરની તરફ ઝુકવા લાગ્યું; પ્રચલિત ખ્રિસ્તી ધર્મના અનેક મત બાબત તેમના મનમાં શંકાઓ ઉત્પન્ન થઈ. એ વિષયમાં તેમણે આત્મચરિતમાં લખ્યું છે :–
“હું સોળ વર્ષની વયે છાત્રનિવાસનો ત્યાગ કરીને ઘેર આવી. સત્તર વર્ષની વયે જીવનમાં પરિવર્તન શરૂ થયું. એ વખતે મારા જીવનનું મુખ્ય લક્ષ્યજ ધર્મ હતું. બાઈબલનો પાઠ કરીને હું પુષ્કળ આનંદ અનુભવતી. ઉનાળામાં એક એક દિવસમાં આખું બાઇબલ વાંચી નાખતી. મને સારી પેઠે યાદ છે કે,બાઈબલની કોઈ પણ કથા જ્યાંસુધી મારા હૃદયને સ્પર્શ કરી શકતી નહિ અને અંતરમાં ભાવોચ્છ્વાસ જગાડતી નહિ ત્યાંસુધી પોશાક બદલવા સારૂ હું ઘરમાં જતી નહિ. x x ઈસુ ખ્રિસ્ત ઇશ્વર છે. આપણી મુક્તિને સારૂ એમણે અવતાર લીધો છે, ખ્રિસ્તના રક્તથી આપણી મુક્તિ છે” એવા પ્રકારનો વિશ્વાસ મારા અંતરમાં ઠસી ગયો હતો.”
“પરંતુ એ સમયમાં મારા મનમાં એક ઉંડો વિચાર ઉપન્ન થયો, એ વિચારે મારા આખા સ્વભાવને ઉલટ પાલટ કરી નાખ્યો. મનમાં પ્રશ્ન ઉભો થયો કે, ઈસુ ખ્રિસ્તની અલૌકિક લીલાઓની વાતો શું સાચી છે ? શું એવું બનવું સંભવિત છે ?”
એક રવિવારનો દિવસ હતો. રાત્રિનો કાળ હતો, ટાઢ ખૂબ પડતી હતી; તે સમયે કુમારી કૉબ, તેમનાં માતા અને એક દાસી સઘડીની પાસે બેસી રહ્યાં હતાં. કુમારી કૉબના પિતાજી એક ઉપદેશ વાંચી રહ્યા હતા. ઉપદેશ ઈસુ ખ્રિસ્તની રોટલીના ચમત્કારસંબંધી હતો. સુશિક્ષિત કુમારી કૉબ બાઈબલમાં લખેલા એ બનાવને કદી પણ સાચો ગણી શક્યાં નહિ. એવી રીતે ધીમે ધીમે બાઈબલની બધી ચમત્કારી ઘટનાઓ બાબત એમને સંદેહ ઉપજ્યો. એ ધર્મશાસ્ત્રને લગતા પુષ્કળ ગ્રંથો વાંચતાં; દર્શનવિજ્ઞાનની આલોચન કરતાં, પરંતુ એથી શું ? એથી તો સંશય દૂર થવાને બદલે ઉલટો વધવા લાગ્યો. ઈસુ ખ્રિસ્ત મનુષ્યોનો પાપમાંથી ઉદ્ધાર કરી શકે એ વિશ્વાસ પણ એમના હૃદયમાં જામી શક્યો નહિ. નદીનો કાંઠો જ્યારે તૂટવા માંડે છે ત્યારે પછી એનો પાર રહેતો નથી, એકે એક ભેખડો તૂટતી જાય છે. તે જ પ્રમાણે મનુષ્યનો વિશ્વાસ પણ જ્યારે તૂટવા માંડે છે, ત્યારે એ ક્યાં જઈને અટકશે એ કાંઈ કહી શકાતું નથી. કુમારી કૉબનો ધર્મવિશ્વાસ તૂટવા માંડ્યો. તૂટતાં તૂટતાં એવી સ્થિતિ આવી પંહોચી, કે પરકાળ વિશે તેમને સંશય ઉપજ્યો; ઈશ્વરની વાણી સાંભળી શકાય છે, ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે, એ બધી બાબતો ઉપર પણ તેમના મનમાં સંશય ઉત્પન્ન થયો. એ અજ્ઞેયવાદી થઈ ગયાં.
કુમારી કૉબની તરુણવયમાં જો ભક્તિનો એક સરળ અને સ્વાભાવિક ભાવ એમના મનમાં વિકસિત ન થયો હોત, જો એમણે ઈશ્વરના સૌંદર્ય અને માધુર્યનો તથા ઉપાસનાની મધુરતાનો સ્વાદ ન ચાખ્યો હોત, તો એ પણ પૃથ્વીના હજારો નાસ્તિકોની પેઠે પાંડિત્યના નશામાં છકી જઈને પોતાનો કાળ નિર્ગમન કરી શકત; પરંતુ એથી અંતરમાં સાચો આનંદ ક્યાંથી આવે ? શાંતિ ક્યાંથી મળે ? આગળ જીવનની સુમધુર સ્મૃતિ એજ તેમને સ્થિર રહેવા દીધાં નહિ. આ વિશાળ વિશ્વમાં અપાર જ્ઞાન, પ્રેમ અને શક્તિસંપન્ન પરમાત્મા સર્વત્ર વિરાજી રહ્યા છે; આપણા પિતા, પ્રભુ, રાજા અને બંધુતરીકે તે વિરાજે છે; તેના મંગળમય હસ્તમાંજ આપણે આપણા સમગ્ર યોગક્ષેમનો ભાર સોંપ્યો છે; એ આપણને ચાહે છે અને આપણા કલ્યાણની કાળજી રાખે છે; આપણી ચઢતી અને પડતી દ્વારા એ આપણને અનંત ઉન્નતિનેજ માર્ગે લઈ જાય છે; એ વિશ્વાસ મનુષ્યના મનમાં ઉત્પન્ન થવાથી તેને કેટલો બધો આનંદ થાય છે ! કેટલી બધી શાંતિ વળે છે ! આ સંસારમાં જે લોકો એ વિશ્વાસથી વંચિત છે તેઓ કેટલા હતભાગી છે ? આ બધા વિષયોનો વિચાર કરીને કુમારી કોબ પોતાના મનમાં અત્યંત કલેશ અનુભવવા લાગ્યાં. તેમના અંતરમાં ઘોર સંગ્રામનો આરંભ થયો. નિરાશ થઈને એ પોતાને દુઃખી ગણવા લાગ્યાં. આખરે તેમની વીસમી જન્મગાંઠને દિવસે એ સંગ્રામનો અંત આવ્યો. ઈશ્વરે પોતે કુમારી કૉબની સરળતા, વ્યાકુળતા અને સત્યાનુરાગ જોઇને તેમના અંત:કરણમાં દિવ્ય પ્રકાશ પ્રગટ કર્યો. ધર્મશીલા નારીના હૃદયમાં વિશ્વાસ અને ભક્તિ વિકસિત થયાં. એ હવે ઈસુ ખ્રિસ્તને મનુષ્યોનો મુક્તિદાતા અને બાઈબલને અભ્રાન્ત–કદી પણ ભૂલ ન ખાય-એવું ધર્મપુસ્તક માની શક્યાં નહિ. અનંત નરક તથા ખ્રિસ્તે બતાવેલા ચમત્કારો બાબત તેમને જે સંશય ઉત્પન્ન થયેા હતો તેનો ખુલાસો તો એમને કદી મળી શક્યો નહિ, પણ હવે એ બ્રહ્મવાદિની થયાં; પોતાને એકેશ્વરવાદીઓના દળમાંનાં એકતરીકે આગ્રહપૂર્વક ઓળખાવવા લાગ્યાં. એમના આત્મચરિતમાં એ વિષયનું વિસ્તારપૂર્વક વર્ણન છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે :–
“મારી અવસ્થા વર્તમાન સમયના અજ્ઞેયવાદીઓના જેવીજ થઈ હતી. મનની જ્યારે એવી સ્થિતિ હતી, એવામાં એક દિવસ હું ઉદ્યાનમાં એક જગ્યાએ ફરતી હતી. એ સ્થાન ઘણું નિર્જન હતું. ત્યાં એક કૃત્રિમ પહાડ હતો. હું એની પડખે બેઠી હતી. એ વખતે મે મહિનો હતો. ગ્રીષ્મઋતુનો સમય હતો, કેવો ચમત્કારી દિવસ ! સૂર્યના સુવર્ણ પ્રકાશથી ચારે દિશાઓમાં વિચિત્ર સૌંદર્ય છવાઈ રહ્યું હતું. વૃક્ષો ઉપર ખીલેલાં પુષ્પો શોભા આપી રહ્યાં હતાં. કુસુમોની સુગંધથી અંતર પ્રફુલ્લિત થતું હતું. એ વખતે મેં મારા પ્રિય કવિ શેલીની કવિતા વાંચીને ઉદ્યાનમાં પ્રવેશ કર્યો હતો. મારું મન જાણે કેાઈ ઉંડા ભાવથી છવાઈ ગયું. હું વિચારવા લાગી:- ‘મારું જીવન શૂન્ય અને અસાર થઈ ગયું છે. ઉપાસનામાં ચિત્ત ચોંટતું નથી. ઈશ્વરની કથા રૂચતી નથી, હું શું કરીશ ? મારે માટે હવે શો ઉપાય ?"
આ પ્રમાણે વિચાર કરતાં કરતાં જ્યારે દિગ્મૂઢ થઈ જતી હતી, ત્યારે હું મારી જાતને પ્રશ્ન પૂછતી કે, શું હું જાગ્રત ન થઈ શકુ ? ન્યાય અને સત્ય ગણીને જે વાત હું માનું છું, તેને અનુસરીને હું મારું જીવન ન ગાળી શકું ? મૃત્યુની પછી પણ જીવન છે, એ વાત ઉપર વિશ્વાસ નથી રાખતી એ ખરું, પણ વર્તમાન જીવનનું બંધારણ શું હું ઉત્તમ પ્રકારે ન રચી શકું ? જો ઈશ્વર હશે તો એ મારા સારા પ્રકારે રચેલા જીવનને ગ્રહણ કરશે-અવશ્ય ગ્રહણ કરશે. હું એવો સંક૯પ કરીને ઘેર પાછી ગઈ. કેવું આશ્ચર્ય ! થોડાજ દિવસ પછી મારા હૃદયમાંથી પ્રાર્થના નીકળવા લાગી. હું ઈશ્વરને મારા વિવેકનો પ્રભુ ગણીને બોલાવવા લાગી અને તેની આગળ મારી પ્રાર્થના કરવાનો આરંભ કર્યોઃ-હે પ્રભુ ! તું મારા અપરાધોની ક્ષમા આપ, મને શક્તિ પ્રદાન કર. મારા સંક૯પ પાર પાડવામાં સહાયભૂત થા ! તું મારા જીવનને અસત્યમાંથી મુક્ત કરીને એવે સ્થાને લઈ જા કે જ્યાંથી કર્તવ્યના માર્ગમાં આગળ વધી શકુ'.”
“ ઈશ્વરની કરુણા આશ્ચર્યજનક છે ! હું જીવનના ઝંઝાવાતોમાંથી પાર ઉતરી, ધીમે ધીમે એકેશ્વરવાદની તરફ આગળ વધવા લાગી. મારા જીવનપથમાં ઘણી વાર નૈતિક સંગ્રામ ઉભો થયો છે, પરંતુ ધર્મવિદ્રોહ તો ત્યારપછી કદી ઉઠ્યોજ નથી. કોઈ દિવસ સંશય મારા હદયને ઘેરી શક્યો નથી.”
“ મેં સૌથી પ્રથમ તો ઈશ્વરને મંગળસ્વરૂપ તરીકે માનવા માંડ્યા. પછી એ પણ સમજી કે, એ પ્રેમસ્વરૂપ છે. દિવસે દિવસે મને એવુ થવા લાગ્યું કે જ્ઞાન કરતાં પ્રેમ શ્રેષ્ઠ છે. એ વિચાર કરતાં કરતાં પ્રભુપ્રેમથી મારું અંતર ઉભરાઈ જતુ, હૃદયના પ્રેમપ્રભાવને લીધે હું આખી રાત ક્રંદન કરતી. એ વખતે મનમાં એવું થતુ કે અંતરના આ પ્રેમને બહાર કેવી રીતે પ્રગટ કરવો ? એક દિવસ સવારના પહોરમાં એક માણસે આવીને મને જણાવ્યુ કે, મારો ધોબી મરવા પડ્યો છે. હું એજ ક્ષણે ધોબીના ઘર તરફ જવા નીકળી. તેની સેવા કરીને હૃદયના પ્રેમને સફળ કરીશ, એજ મારો ઉદ્દેશ હતો. એ માણસે પોતાના જીવનની છેલ્લી ઘડીએ મને એક પ્રાર્થના કરવાનો આગ્રહ કર્યો. મેં તે પ્રમાણે પ્રાર્થના કરી.”
“જે ધર્મવિશ્વાસથી મારું હૃદય ઉજજવળ થઈ ગયું', તે ધર્મ. સંબંધી હવે પુષ્કળ ગ્રંથ વાંચવાના મેં આરંભ કર્યો. મેં જેટલાં પુસ્તકો વાંચ્યાં તેમાં થિયોડર પાર્કરનું લખેલું ‘ધર્મ વિષે વિવેચન' પુસ્તક સર્વથી શ્રેષ્ઠ હતું. એ ગ્રંથ મારા જીવનમાં પરિવર્તન કરવામાં પરમ સહાયભૂત બન્યો હતો. એ ગ્રંથ વાંચ્યાથી મને કેટલો બધો આનંદ પ્રાપ્ત થયેા હતો, તેનું વર્ણન કેવી રીતે કરું ? પાર્કરનો ગ્રંથ વાંચીને હું ઉત્તમરૂપે સમજી શકી કે, ઈશ્વર મંગલમય છે, ઈશ્વરની આજ્ઞા એ સ્વાભાવિક છે અને એમાં અલૌકિક બનાવ કાંઈ પણ નથી. એ વખતથી હું ખુલ્લી રીતે પ્રચાર કરવા લાગી કે, હું એકેશ્વરવાદી છું."
ગ્રીષ્મના પ્રચંડ તાપથી પર્વતની નદીઓની ધારા સૂકાઇ જાય છે અને વિશાળ પટ રેતીથી ભરાઈ જાય છે; પરંતુ જ્યારે પર્વતપરથી વૃષ્ટિનો જલપ્રવાહ નીચે આવે છે, ત્યારે એ જ નદીઓ પુષ્કળ પાણીથી ભરાઈ જાય છે, તેમનું સૌંદર્ય પાછું આવે છે, તેમના વિશાળ પટ ઉપર તરંગો ઉછળી રહે છે, તેમના પ્રવાહ ઉપર થઈને હોડીઓ ચાલી જાય છે. અવિશ્વાસના પ્રખર તાપથી કુમારી કૉબની જીવનનદી એકદમ સૂકાઈ ગઈ હતી, તેમાં અશાંતિરૂપી રેતીની ઝાળો ઉઠી રહી હતી, પરંતુ હવે તે જીવનતરંગિણીમાં સ્વર્ગમાંથી વિશ્વાસનો પ્રવાહ આવીને મળી ગયો. હવે એમાં ભાવનો તરંગ ઉઠ્યો. કુમારી કૉબ અનેક સંગ્રામ પછી ઈશ્વરની પાસેથી સાક્ષાત્ ભાવે સત્ય પ્રાપ્ત કરીને પરિતૃપ્ત થયાં, વિશ્વાસ પ્રાપ્ત કરીને કૃતાર્થ થયાં. હવે એમને અશાંતિ ક્યાંથી હોય ?
ધર્મશીલા સાધ્વીનો આંતરિક સંગ્રામ શમી ગયો અને ઉકળેલું હ્રદય ઠંડું થયું, એ વાત ખરી; પણ હવે એમના બહારના સંગ્રામ શરૂ થયા. તેમના પિતાને ખબર પડી કે, છોકરીને હવે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નથી, એ બ્રહ્મવાદિની થઈ છે. એકમાત્ર જ્ઞાનમય, પ્રેમમય, અનંતસ્વરૂપ ઈશ્વરજ તેનો ઉપાસ્ય દેવતા છે; એ વખતે એમના પિતાને જે કલેશ ઉત્પન્ન થયો હશે તેનું વર્ણન કોણ કરી શકે ? તેમણે કન્યાનો ધર્મ મત બદલાવવા ઘણોએ પ્રયત્ન કર્યો, પરંતુ તે વ્યર્થ ગયો. હવે એમણે પુત્રીને સ્પષ્ટ કહી દીધું કે, તું પિતાના ધર્મ ઉપર વિશ્વાસ રાખતી નથી, એટલા સારૂ પિતાના ઘરમાં તારે માટે સ્થાન નથી, તું મારા ઘરમાંથી ચાલી જા.”
કુમારી કૉબે તરતજ પિતૃગૃહનો ત્યાગ કર્યો. હાય ! એ પિતૃગૃહની સાથે તેમનાં કેટલાં સુખોની યાદગીરીઓ જોડાયલી હતી ! એ ઘરમાં એ સુખમાં ઉછર્યાં હતાં તથા ઉંચા પ્રકારનું શિક્ષણ પામ્યાં હતાં. એ ઘરમાંજ એમણે પિતાનો વિમળ સ્નેહ અને જનનીનો અનુપમ પ્રેમ ભોગવ્યો હતો ! આજ પિતાના હૃદયમાં બાણ મારીને તેમને એજ ઘરનો ત્યાગ કરવો પડ્યો. પરંતુ ઉપાય શો ? ઘણું અધ્યયન કરીને, ઘણા દુઃખ વેઠીને, આંખમાંથી અનેક આંસુ પાડીને, ઈશ્વર પાસેથી તેમણે જે ઉજ્જ્વળ સત્ય અને જીવતોજાગતો ધર્મ પ્રાપ્ત કર્યો હતો, તેનો શું એ ત્યાગ કરી શકે ? એમ કર્યાથી એમનો જન્મારો વ્યર્થ ન જાય ! કુમારી કૉબ પિતૃગૃહમાંથી કાઢી મૂકાયા પછી, પેાતાના એક મોટા ભાઇના આશ્રયમાં જઈ રહ્યાં. ત્યારપછી એમણે અમેરિકાના ધાર્મિક મહાત્મા થિયોડર પાર્કરને એક પત્ર લખ્યો. પાર્કરે એ પત્રના ઉત્તરમાં જે કાંઇ લખી મોકલ્યું; તે અતિ ચમત્કારી, હૃદયસ્પર્શી અને ઉંડા ધર્મભાવથી ભરપૂર હતું. એ પત્રની સાથે પાર્કરને એક ઉંડા તત્ત્વચિંતન અને દલીલોવાળો ઉપદેશ કૉબના હાથમાં આવ્યો. એ પત્ર તથા ઉપદેશ વાંચીને એ વિદુષી સાધ્વીએ ધર્મજીવનના એક ઉંચા પગથીઆ ઉપર પગ મૂક્યો. પૂર્વાકાશના રાતા રંગના અરુણની છટાની પેઠે, એક પ્રકાશ એકદમ તેમની આગળ પ્રકાશિત થયો. તેમણે એ દિવ્ય પ્રકાશમાં સત્યનું દર્શન કર્યું. એ સ્પષ્ટ સમજી શક્યાં કે, મૃત્યુથી દેહનો નાશ થાય છે, આત્માનો નાશ થતો નથી. આત્મા અમર છે, આત્માની ઉન્નતિ થયાજ કરવાની છે. એ ધર્મપરાયણ સાધ્વીને જ્યારે આત્માના અમરપણામાં અને પરકાળમાં જરા પણ સંશય રહ્યો નહિ, ત્યારે તેમના હૃદયસાગરમાં આનંદ ઉછાળા મારવા લાગ્યો. સંસારમાં એ પોતાને ઘણાં ભાગ્યશાળી ગણવા લાગ્યાં.
કુમારી કૉબ નવ કે દશ મહિના ભાઈના ઘરમાં રહ્યાં. એમના ગયા પછી પુત્રીવિયોગથી એમના પિતાનું હૃદય આકુળવ્યાકુળ થઈ ગયું. એમણે પુત્રીને પોતાને ઘેર પાછી આવવાને આમંત્રણ મોકલ્યું. કુમારી કૉબ પાછાં પિતાને ઘેર ગયાં. એ વખતે પણ ઘરમાં કર્તાહર્તા થવાનો ભાર એમના ઉપર આવી પડ્યો. રાતદિવસ પિતૃસેવા કરીને તેમની મનોવેદના દૂર કરવાનો તેમણે યત્ન કર્યો, પણ પોતાનો ધર્મમત કોઈ પણ પ્રકારે છોડ્યો નહિ. તેમની સત્યનિષ્ઠા અટળ હતી. તેમની ઇચ્છા સંપૂર્ણરૂપે વિવેકને અનુસરતી હતી. જે કાંઇ મિથ્યા, વિવેકવિરુદ્ધ અને ઈશ્વરની ઈચ્છાનું વિરોધી હોય તે કરવાને એ કદી પણ ચાહતાં નહિ. એવા એ સન્નારીનો દુર્જય સંકલ્પ હતો. એ સંકલ્પને લીધેજ એ કોઈ દિવસ સત્ય થકી ભ્રષ્ટ થયાં નહિ, નૈતિક આદર્શથીસ્ખલિત થયાં નહિ, અન્યાય અને અસત્યની સાથે સંધિ કરી નહિ અને લોકોને રાજી રાખવા ખાતર પેાતાની વિવેકબુદ્ધિને શિથિલ થવા દીધી નહિ. એને લીધેજ આ વખતે પણ પિતાના મનને સંતુષ્ટ કરવા ખાતર એ એક ક્ષણ પણ પોતાના વિશ્વાસની વિરુદ્ધ વર્ત્યા નહિ; વિવેકની વિરુદ્ધ એક પણ કાર્ય કર્યું નહિ. એ ખ્રિસ્તી દેવળમાં જતાં નહિ. ખ્રિસ્તીઓની સાથે ઉપાસનામાં સામેલ થતાં નહિ. એથી કરીને એમના પિતાને દુઃખ થતું. પરંતુ ઉપાય શો ? એ સમયમાં કુમારી કૉબ એક નાના સરખા બગીચામાં જતાં, ત્યાં ગયાથી એમનું ચિત્ત ઈશ્વરચિંતનમાં ડૂબી જતું. રવિવારે સર્વ લોકો દેવળમાં જતાં ત્યારે અનંત ભૂરા આકાશ તળેના એ ઉદ્યાનને એ ઈશ્વરનું મંદિર ગણતાં. એ મંદિરમાં પોતાના પ્રિયતમ દેવતાના આવિર્ભાવ અનુભવીને ઉપાસનામાં મગ્ન થતાં. એમને મનથી ઈશ્વર અનંતસ્વરૂપ હતો અને આત્મા અમર હતો. આત્મા ઉપર ઈશ્વરનો જે પ્રેમ છે તે પણ અનંત છે. એ વિશ્વાસથી એમના મનમાં સુખ ઉભરાઈ જતું. જીવનની છેલ્લી ઘડીસુધી એમનો એ વિશ્વાસ દૃઢ રહ્યો હતો. એને લીધેજ એમણે આખું જીવન આનંદપૂર્વક કુમારીતરીકે વ્યતીત કર્યું હતું.
કુમારી કૉબે દીર્ઘકાળપર્યંત ધર્મના ઐશ્વર્યપૂર્ણ સુદૃઢ મહેલમાં નિર્વિઘ્ને વાસ કરીને, ગંભીર ઈશ્વરાનુભૂતિદ્વારા જે સત્યો પ્રાપ્ત કર્યાં હતાં, તે ધર્મપિપાસુ મનુષ્યોને માટે અમૂલ્ય છે. એ બધાં સત્યોનો સંગ્રહ અહીં કરવામાં આવે તો તે ચિત્તાકર્ષક થઈ પડે એમાં સંદેહ નથી, પરંતુ સ્થળસંકોચને લીધે અમે તેમ કરી શકતા નથી. અહીં એમના ઉપદેશમાંથી બે ચારનો સારાંશ આપીએ છીએ. એ કહી ગયાં છે કે :–
“વિજ્ઞાન આ પૃથ્વીને ભલે ગમે તેટલું છિન્નવિચ્છિન્ન કરીને જુએ, પણ તે આપણને એવી કોઈ શક્તિ આપી શકનાર નથી, કે જે શક્તિદ્વારા ઈશ્વરને ખોળી શકાય. આપણે જો ઈશ્વરના અનંત પ્રેમ અને પવિત્રતાનો ઉપભોગ કરવા માગતા હોઈએ, તો આપણે ઈશ્વરની સાથે આપણા આત્માનો સંબંધ જોડવો જોઇએ. એવી રીતે ઈશ્વરની સાથે યોગ સાધીશું ત્યારેજ આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશું.”
‘‘આપણે જડવાદ અને અજ્ઞેયવાદની વચમાં થઈને જતાં જતાં જ્યારે એક વાર વિશ્વાસનો પ્રકાશ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારેજ જાણીએ છીએ કે, ધર્મવિશ્વાસ એ કેવી મૂલ્યવાન વસ્તુ છે. એ અવસ્થામાં થઈને વિશ્વાસ પ્રાપ્ત થઈ શકતો નથી, ત્યાંસુધી આપણે સમજી શકતાં નથી કે, એનું–પ્રભુ ઉપરના વિશ્વાસનું-મૂલ્ય કેટલું બધું વધારે છે. મનુષ્યના અંતઃકરણમાં વિશ્વાસ જરૂર આવશે, પછી તે આજે આવો કે થોડા દિવસ પછી આવો. ઈશ્વરનું અસ્તિત્વ છે એ સિદ્ધાંત જેટલો સાચો છે, તેટલુંજ એ પણ સત્ય છે કે, એના ઉપર આપણો વિશ્વાસ કેાઈ ને કોઈ દિવસ બેસશે. મારી એ વાત પણ સાચી છે કે, જે ઈશ્વર માનવાત્માને હજારો વર્ષો થયાં ઉન્નતિને માગે લઈ જઈ રહ્યો છે તે ઈશ્વર શું મનુષ્યને સંશય, નાસ્તિકતા અને ઈદ્રિયાસક્તિમાં પડી રહેવા દઈ શકે ? કદી પણ નહિ. જ્યારે વખત આવશે, ત્યારે એ પોતાના નિયમ અનુસાર મનુષ્યના આત્માની આગળ નવા નવા ભાવ પ્રગટ કરશે. એ કેવા પ્રકારે પ્રગટ કરશે ? ઈશ્વરે પાછલા યુગોમાં જે પ્રમાણે મહાપુરુષો દ્વારા પોતાને પ્રગટ કર્યો છે, તે પ્રમાણે તે હવે પછી પણ પોતાને પ્રગટ કરી શકે, અથવા તો કોઈ અન્ય પ્રકારે પણ તે પોતાનો પ્રકાશ પ્રગટ કરી શકે, કે જે પ્રકાશનો અનુભવ અત્યારે કોઈ કરી શકતું નથી. ઈશ્વરજ આપણા ઉપર રહ્યો છે અને સ્વર્ગમાં આપણે સારૂ રાહ જુએ છે. યુરોપના વિજ્ઞાનવેત્તાઓ જોરપૂર્વક બોલે છે કે, પૃથ્વી કેવળ જડ પદાર્થથી પરિપૂર્ણ છે, પરંતુ હું તો મોટે સાદે કહી શકું છું કે, ઈશ્વર છે અને સ્વર્ગ પણ છે. નાસ્તિકતા ફ્કત એકાદ રાતસુધી આપણા મન ઉપર માયાજાળ ફેલાવી શકે; પણ ત્યાર પછી બીજે દિવસે હૃદય ઉપર ધર્મનું રાજ્ય સ્થપાઈ જશે, એકેશ્વરવાદનો જય થશે. આપણે જે પ્રકારે એકેશ્વરવાદનો પ્રચાર કરી રહ્યા છીએ, તેજ પ્રકારનો સર્વ કાળમાં જય થશે, એવું હું કહી શકતી નથી, પરંતુ ઈશ્વર એક છે, તે પ્રેમસ્વરૂપ છે, ન્યાયવાન છે, મૃત્યુ પછી પણ જીવન છે; એ સત્યના પાયા ઉપર બધા ધર્મનો આધાર છે, એ સત્ય હમેશાં કાયમ રહેશે.”
કુમારી કૉબ દેશવિદેશમાં ભ્રમણ કરીને તંદુરસ્ત થઈને ઘેર પાછાં આવ્યાં. એ વખતે એમની ઉમર ૩૬ વર્ષની હતી. પિતાએ તેમને સારૂ વાર્ષિક બસો પાઉંડ(લગભગ ત્રણ હજાર રૂપિયા )ની આવકની વ્યવસ્થા કરી હતી. એટલા રૂપિયાથી એ ધર્મશીલા નારીનું જીવન સુખમાં વ્યતીત થતું હતું. હવે એમને સંસારમાં કોઈનું બંધન રહ્યું નહોતું. એમની માતાનું તો આગળથીજ મૃત્યુ નીપજ્યું હતું. થોડા દિવસ પહેલાં પિતા પણ સ્વર્ગમાં સીધાવ્યા હતા. એટલે કુમારી કૉબનો બધો વખત ઈશ્વરચિંતન, ધર્મવિચાર અને સાહિત્યચર્ચામાં વ્યતીત થતો હતો. પરંતુ શું એટલાથી કોઈ સન્નારી, પોતાના જીવનનું સાર્થક થયું ગણે ? ના, કદી નહિ. કુમારી કૉબના હૃદયમાં રહેલા પ્રેમે તેમને જનસેવા કરવાને સારુ આકુળવ્યાકુળ કરી નાખ્યાં. એ વિચારવા લાગ્યાં કે, મારે જરૂર આ પૃથ્વીમાં કોઈ અગત્યનું કાર્ય કરવું જોઈએ. પરંતુ ધર્મસંબધી મારી સમજણ, પ્રચલિત લેાકમતથી જૂદા પ્રકારની હોવાથી ઘણા લોકો મારી સેવાને પસંદ કરશે નહિ; હું ક્યાં જાઉ અને કેવા કામમાં હાથ ઘાલું ?
એ સમયમાં પરોપકારી કુમારી કાપેર્ન્ટરે દરિદ્ર લેાકોને સારૂ એક નિશાળ ઉઘાડી હતી. એ નિશાળને માટે એક મહેતીજીની જરૂર હતી. કુમારી કૉબે એ નિશાળની શિક્ષિકાનું પદ સ્વીકાર્યું. એ નિશાળની બોર્ડિંગમાં વાસ કરવા માટે તેમને દર અઠવાડીએ પોતાની ગાંઠના ત્રીસ શિલિંગ ખર્ચવા પડતા; પરંતુ આ કાર્યને હાથ માં લીધાથી પોતે ગરીબોની ખાતર કાંઇ ને કાંઈ કરી શકશે, એ વિચારથી એમને ઘણો આનંદ થતો હતો.
ત્યારપછી કુમારી કૉબ ઈગ્લઁડમાં વાસ કરવા લાગ્યાં. એ સારા કુટુંબની કન્યા હતાં, કેળવાયેલાં હતાં, સારાં લેખક હતાં અને પરસેવાનેજ પોતાનું વ્રત બનાવ્યું હતું, એટલે વિલાયતના અનેક વિદ્વાન અને તત્ત્વવેત્તાઓ સાથે તેમને સારો સંબંધ બંધાયો. પ્રખ્યાત વર્તમાનપત્રો અને માસિકમાં એમના ઉંડા વિચારપૂર્ણ અને ચિત્તાકર્ષક લેખ છપાવા લાગ્યા. એ વખતમાં વિલાયતમાં મજુરોની અવસ્થા ઘણી ખરાબ હતી. એ લોકો તનતોડ મહેનત કરતા, છતાં પણ એમનું દારિદ્ર્ય દૂર થતુ નહિ. એ બિચારા હતભાગીઓનું આરોગ્ય સારૂં નહોતુ, એમની ચાલચલણ સારી નહોતી, બધી બાબતમાં તેમને ક્લેશ અને વેદના ભોગવવાં પડતાં. અનેક સ્થળે પેટની ઝાળ હોલવવા ખાતર નાની નાની છોકરીઓ મહેનતમજુરી કરતી, પણ એથી એમને જે પૈસા મળતા તેથી એમનું પેટ ભરાતું નહિ. બાલિકાઓ ભૂખમરો નહિ વેઠી શકાયાથી ચોરી કરતી. એ બધાં દુઃખી અને દરિદ્ર મનુષ્યોને માટે કુમારી કૉબનું હૃદય પીગળી ગયું. એમની અવસ્થા સુધારવા સારૂ એ તન-મન-ધનથી પ્રયત્ન કરવા લાગ્યાં. તેમના પરિશ્રમનું પરિણામ એ આવ્યું કે, પાર્લામેન્ટે ઇ. સ. ૧૮૬૮ ની ૩૧ મી જુલાઈએ મજુરોને માટે એક કાયદો પસાર કર્યો. એ કાયદાથી તે વર્ગને ઘણો લાભ પહોંચ્ચેા હતો.
કુમારી કૉબ બાલ્યાવસ્થામાંથીજ બીજા પ્રાણીઓને ઘણું ચાહતાં હતાં. એમના ઉપર થતી નિર્દયતા તેમનાથી સહન થઈ શકતી નહિ. એ વિષયમાં એમના બાળપણના એક બનાવનો ઉલ્લેખ કરીશુ. કુમારી કૉબ જ્યારે બાળક હતાં, ત્યારે તળાવમાંથી માછલાં પકડતાં. એક દિવસ તેમણે જોયુ, કે પાણીમાં કેટલાંક સુંદર માછલાં રમી રહ્યાં છે. એ દશ્ય જોતાંવારજ તેમના મનમાં વિચાર ઉપજયો કે ઈશ્વરે જેમને આટલા બધા સુખમાં રાખ્યાં છે તેમનો સંહાર કરવો, એ શું વ્યાજબી છે? એ દિવસથી એમણે માછલાં પકડવાનું બિલકુલ છોડી દીધું. ત્યારપછી મોટી ઉંમરે પશુઓના કલેશ અને વેદના જોઈને તેમના હૃદયને ઘણો ઉંડો ઘા લાગ્યો હતો. મનુષ્ય પ્રતિદિન સ્વાર્થની ખાતર, આમોદપ્રમોદની ખાતર અને આહારની ખાતર તો પશુઓને કષ્ટ આપેજ છે. તેમાં વળી વૈજ્ઞાનિક પંડિતો પશુઓ પ્રત્યે કેવો નિર્દય વ્યવહાર કરે છે; એનું સ્મરણ કર્યાથી તે શરીર રોમાંચિત થાય છે. વૈજ્ઞાનિકોનો ઉપાય કરવા સારૂ અથવા અમુક દવાની શેાધ સારૂ, જીવતાં પશુઓના શરીરમાં ઝેરી જતુઓ દાખલ કરતાં, અને તેમનાં અંગનો છેદ કરતાં પણ સંકેચાતા નથી. એને લીધે એ બધાં નિરાધાર પશુઓને કેટલી ભીષણ વેદના વેઠવી પડે છે, તે નજરે દીઠા વગર સમજી શકાય એમ નથી. કુમારી કૉબ વૈજ્ઞાનિકોની પ્રયોગશાળાઓ જોઈને સ્થિર બેસી શકયાં નહિ. તેમણે પશુઓ ઉપર ગુજરતા ત્રાસનું નિવારણ કરવા ખાતર એક સભા ઇંગ્લઁડમાં સ્થાપી. એ સભાને પશુક્લેશનિવારિણી સભા કહે છે. વૈજ્ઞાનિકોના ઘાતકી આચરણનો વિરોધ કરવો એજ એ સભાનો ઉદ્દેશ્ય હતો. એ ઉપરાંત પશુઓના બીજા પણ કલેશ ટાળવાનો યત્ન એ સભા તરફથી થવા માંડયો. અનેક પ્રતિષ્ઠિત માણસો એ સભાના સભાસદ થયા. એ સભાની ખાતર કુમારી કૉબને પુષ્કળ મનુષ્યો સાથે વાદવિવાદ કરવો પડ્યો. જ્યારે એમણે જોયું કે, આ સભા દ્વારા પશુઓનાં દુઃખ દૂર થવાનો સંભવ છે, ત્યારે એમણે એજ કાર્યમાં પોતાનું મન વિશેષ પરોવ્યું. એમણે એ વિષયમાં કરેલા પરિશ્રમનું સ્મરણ કરતાં એમજ લાગે છે કે, એ કુમારીના હૃદયનો સમસ્ત પ્રેમ એ કાર્યમાંજ અર્પણ થયો હતો. એમણે આત્મચરિતમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, પશુકલેશનિવારિણી સભાને સારૂ રાતદિવસ કામ કર્યાથી, તેમનું શરીર લથડી ગયું હતું. જગતવિખ્યાત નેપોલિયન બોનાપાર્ટના ભત્રીજા પ્રિન્સ લુસિયન બોનાપાર્ટે એ વિષયમાં કુમારી કૉબને જે પત્ર લખ્યો હતો, તેનો સારાંશ નીચે મુજબ છે :–
આપે મને ‘પશુકલેશ નિવારિણી સભા’નો સહકારી પ્રમુખ નીમ્યો છે, તેને માટે હું આપની કમિટિના સભાસદોનો આભાર માનુ છું. હું આવા પ્રકારની સભાઓનો ઘણોજ પક્ષપાતી છું; કારણ કે મારૂં એવું માનવું છે, કે બીજાં પ્રાણીઓ ઉપર ગમે તે પ્રકારનો અત્યાચાર ભલે ચાલતો હોય, પણ વૈજ્ઞાનિક જગતમાં એવા અત્યાચાર ચાલે તો એ એમને માટે ઘણું લજ્જાજનક છે. વર્તમાન સભ્યતાને માટે પણ એ ગૌરવની વાત નથી. તે ઉપરાંત સૌથી મોટી વાત મારે એ કહેવાની છે કે, આવું નિષ્ઠુરાચરણ ઈશ્વરના કાયદા વિરુદ્ધ અને પાપકર્મ સિવાય બીજું કાંઈજ નથી.
કુમારી કૉબને ઇ. સ. ૧૮૮૪ની સાલમાં વૃદ્ધાવસ્થાને લીધે એ સભાના સેક્રેટરીના પદનું રાજીનામું આપવું પડ્યું. એ વખતે એ સભાના સભાસદોએ તેમને એક માનપત્ર આપ્યું હતું, એનો સંક્ષિપ્ત સાર નીચે પ્રમાણે છે :–
“અમે વિક્ટોરિયા સ્ટ્રીટ સોસાઈટીના અનુરાગી સભાસદો આજ આપને અભિનંદન આપવા સારૂ આવ્યા છીએ. આ સોસાઇટીના કામને ખાતર આપે કેટલો પરિશ્રમ કર્યો છે, કેટલું કષ્ટ વેઠ્યું છે, કેટલો ક્લેશ સહન કર્યો છે તે જાણવું બહારના લોકોને માટે અસંભવિત છે, આપ સર્વદા કેટલા ઉત્સાહપૂર્વક સભાનું કામ કરતાં તથા એ કામને ખાતર કેટલી વક્તૃત્વ શક્તિનો ઉપયોગ કરતાં, એ અમે ધ્યાનપૂર્વક જોયું છે. લોકોએ આપની કેટલીએ નિંદા કરી છે; પણ અમે ભાર દઈને કહી શકીએ છીએ કે, એ લોકોની એક પણ વાત પાયાદાર નહોતી.”
એ સભાના સભાસદોએ કેવળ મોંનાં વખાણ કરીને પોતાનું કર્તવ્ય સમાપ્ત કર્યું નહિ. તેમણે કુમારી કૉબને દરવર્ષે એકસો પાઉંડ (પંદરસો રૂપિયા) આપવાનો બંદોબસ્ત કર્યો.
કુમારી કૉબનું એક બીજું કામ, દરેક વર્ગની સ્ત્રીઓની ઉન્નતિનો પ્રયાસ કરવાનું હતું. એ જે સમયમાં તરુણ વયનાં હતાં તે સમયમાં ઇંગ્લઁડની દરેક વર્ગની સ્ત્રીઓની દુર્ગતિ દૂર થઈ નહોતી. કેટલીએ સ્ત્રીઓ આખી જીંદગી નિર્દય અને સ્વાથી પુરુષોનો જુલમ સહન કરીને, આંખમાંથી આંસુ ઢાળતી ઢાળતી આ પૃથ્વીમાંથી વિદાય થતી; પરંતુ કુમારી કૉબ આ દૃશ્યને સહન કરી શક્યાં નહિ. તેમનું હૃદય પીગળી ગયું અને સઘળા વર્ગોની સ્ત્રીઓનાં દુઃખ દૂર થાય, તેમને સ્વતંત્રતા અને ઉંચા અધિકાર મળે એટલા માટે અત્યંત ઉત્સાહ અને પરિશ્રમપૂર્વક પ્રયત્ન કરવા લાગ્યાં. કેટલીકએક બાબતમાં એ સન્નારીનો પરિશ્રમ સફળ નીવડ્યો તથા એમની સાથી બહેનોના પ્રયત્નથી પાર્લામેન્ટે એક કાયદો પસાર કર્યો, તેને લીધે દુઃખી નારીઓનાં દુઃખ કેટલેક અંશે દૂર થયાં. અર્ધશિક્ષિત અને અશિક્ષિત અથવા સગૃહસ્થમાં ખપતા શિથિલ પ્રકૃતિના સુરાપાનમત્ત પુરુષો પોતાની પત્નીઓને માર મારતા અથવા તો એમના પ્રત્યે બીજી રીતે ઘોર અત્યાચાર કરતા. તે માર્ગ ઘણો ખરો બંધ થઈ ગયો :–
એ સમયમાં કન્યાઓ વિશ્વવિદ્યાલયની ઉંચામાં ઉંચી પરીક્ષા પસાર કરી શકતી, પરંતુ તેમ છતાં પણ એમને ઉપાધિ મળી શકતી નહોતી. એ અન્યાયી કાયદો દૂર કરાવવા ખાતર કુમારી કૉબે ઘણો પ્રયત્ન કર્યો હતો. એ સમયના લંડન યુનિવર્સિટીના પ્રમુખ લૉર્ડ ગ્રેન્ડવિલે એમના પક્ષનું સમર્થન કરવાની આશા પણ આપી હતી. કુમારી કૉબે ૭૦ વર્ષની વયપર્યંત પોતાના રક્તનું બિંદુએ બિંદુ લોકહિતના કાર્યમાં વાપર્યું હતું.
કુમારી કૉબની સેવા સંક્ષેપમાં ઉપર કહેવામાં આવી. હવે એમના પરિચયમાં આવેલા બે ચાર માણસોની બાબતમાં કાંઇક કહીશું.
અમેરિકાના મહાત્મા થિયોડર પાર્કર પ્રત્યે કુમારી કૉબને અગાધ ભક્તિ હતી. એક તો એ સાધુ પુરુષ હતા, અને બીજું તેમનાં પુસ્તકો વાંચીને કુમારી કૉબે યથેષ્ટ પ્રકાશ પ્રાપ્ત કર્યો હતો. ઈ. સ. ૧૮૬૦ માં એ સાધુપુરુષ ઇટાલિના ફ્લોરેન્સ નગરમાં બિમાર હતા ત્યારે કુમારી કૉબ એ શહેરમાં જઈ પહોંચ્યાં; એમનો ઘણા દિવસનો મનોભિલાષ પૂર્ણ થયો. પાર્કરના દર્શનથી એ પોતાના જીવનનું નું સાર્થક થયું ગણતાં. એ વિષયમાં પોતે નોંધપોથીમાં લખે છે કે :–
‘જીવનમાં પાર્કરની સાથે આજે મારી પ્રથમ મુલાકાત થઈ. એ બિછાનામાં સૂઈ રહ્યા હતા. મિસિસ પાર્કર મને એમની પાસે લઈ ગયાં, પાર્કરની પાસે જતાં એમણે આગ્રહપૂર્વક મારો એક હાથ પકડ્યો. તેમણે કોમળ સ્વરે કહ્યું કે “મિસ કૉબ ! કેટલા બધા દિવસ પછી આજ આશ્ચર્યકારક રીતે તમારી સાથે મારી મુલાકાત થઇ !” પાર્કરના મુખ ઉપર હાસ્ય છવાઇ રહ્યું. તેમણે ફરીથી કહ્યું :– “શરીર છૂટશે તેનો મને ભય નથી, પરંતુ આગળ પુષ્કળ કામ પડ્યું છે, તે પડતું મૂકીને જવું પડે છે, તેના ક્લેશ થાય છે.” મેં કહ્યું “પ્રાચીન કાળના સાધુઓ જેવી રીતે ઈશ્વરના કાર્યમાં જીવન અર્પણ કરતા હતા, તેવીજ રીતે આપે પણ ઈશ્વરની સેવા અને સત્યના પ્રચાર માટે શરીરનો ક્ષય કર્યો છે.”
પાર્કરે તેમની પત્નીને કહ્યું હતું કે, હું મિસ કૉબને ફરી મળીશ નહિ. એમને જોતાંજ મારા અંતરમાં ધાર્મિક ભાવ ઉછળવા માંડે છે; તમે તેમને મળતાં રહેજો.
ધર્મ, કર્મ અને જ્ઞાનમાં આ સાધ્વીનું જીવન ધન્ય થયું હતું.
કુમારી કૉબે ઈ. સ. ૧૯૦૪ની ૫ મી એપ્રિલે પરલોકયાત્રા કરી. તેમનો આત્મા પ્રેમમય પ્રભુ પાસે ગયો.