મહાન સાધ્વીઓ/સાધ્વી ગેયાઁ
← સાધ્વી ટેરેસા | મહાન સાધ્વીઓ સાધ્વી ગેયાઁ શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા અને નારાયણ હેમચંદ્ર ૧૯૨૯ |
સાધ્વી મેરી કાર્પેન્ટર → |
साध्वी गेयाँ
૧–જન્મ અને લગ્ન
સાધ્વી ગેયાઁ એક મહાન નારી હતાં. એ ફ્રાંસ દેશમાં જન્મ્યાં હતાં. તેમના જીવનનો પ્રકાશ આખા યુરોપમાં ફેલાયો હતો. હજુ પણ પાશ્ચાત્ય દેશમાં કેટલાએ ધર્માપિપાસુ લોકો આ ભક્તિમતી નારીની પુણ્યકથા શ્રદ્ધાપૂર્વક વાંચે છે અને તેમના ઉપદેશદ્વારા પોતાના અંધકારમય હૃદયમાં પ્રકાશ મેળવે છે. શ્રદ્ધાભક્તિથી એમનું હૃદય ભરપૂર હતું.
સાધ્વી ગેયાઁ પેાતે લખી ગયાં છે કે:– “આ પૃથ્વીમાં અનુરક્ત પ્રેમી જેવી રીતે તેના પ્રેમપાત્રને ચાહે છે, તેના કરતાં ઘણું વધારે હું મારા ઈશ્વરને ચાહું છું.”
આ થોડાક શબ્દોથીજ આપણને એ ભક્તિમતી નારીના હૃદયપ્રેમનો અનુભવ થાય છે. આ લેખમાં અમે વિશેષ ભાગે એમના પ્રભુ પ્રેમનીજ કથા વર્ણવીશુ.
મેડમ ગેયાઁએ ફ્રાંસદેશના મોટારઝી નામના શહેરમાં ઈ. સ. ૧૬૪૮ ની ૧૩ મી એપ્રિલે જન્મ લીધો હતો. તેમનું મૂળ નામ જાઁ–મારિ બૂબિ-એ યાર–ડિ–લા–મોથ હતું. જાઁ–મારિના પિતા દેશમાં એક આબરૂદાર ગૃહસ્થ હતા. એમને પૈસાટકાનો પણ અભાવ નહોતો. એ વખતે ફ્રાંસદેશમાં તવંગર લોકોની આગળ સુખના હજાર દરવાજા ખુલ્લા હતા. એટલે જાઁ-મારિ બાલ્યાવસ્થામાં અત્યંત સુખ અને લાડમાં ઉછરવા લાગ્યાં. બાલ્યાવસ્થામાં જ તેમના કોમળ હૃદયમાં ધર્મના સરળ અને મધુર ભાવનો વિકાસ થયો હતો. આત્મચરિત્રમાં તેમણે લખ્યું છે કેઃ- “હું જો કે ઘણીજ નાની હતી, પણ ઇશ્વરની વાત મને ઘણી ગમતી. એ વખતે સંન્યાસિનીનો વેશ લેવાનું મને ઘણું ગમતું.”
જાઁ–મારિએ ચાર વર્ષની વયે એક કૉન્વેન્ટ-ખ્રિસ્તીઓના મઠ–માં દાખલ થઈને વાંચવા લખવાનું શીખવા માંડ્યું. તેમનામાં સ્વાભાવિક પ્રતિભા હતી, સ્મરણશક્તિ પણ ઘણી તીવ્ર હતી; એટલે બહુ થોડા સમયમાં એ ઝાઝું શીખી શક્યાં. બાર વર્ષની ઉમરે બાઇબલનું પુરતક એમના હાથમાં પડ્યું, એમના ધર્મમાં એજ સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. બાલિકાના હાથમાં એ ગ્રંથ આવ્યા પછી તેના હર્ષનો પાર રહ્યો નહિ. એ દિવસને એ પોતાના જીવનનો એક સ્મરણમાં રાખવા યોગ્ય દિવસ ગણતાં હતાં. કેમકે એ વખતમાં સાધારણ લોકો બાઈબલને દુર્લભ ગ્રંથ ગણતા હતા. પુરોહિતો સિવાય બીજા લોકોના હાથમાં એ ગ્રંથ બહું દીઠામાં આવતો નહિ. બાલિકાના હાથમાં દૈવસંયોગે એ ગ્રંથ આવ્યાથી એ સવારથી સાંજ સુધી તેને વાંચવા લાગી. ખ્રિસ્તના એક એક ચમત્કારી ઉપદેશથી તેના સરળ હૃદયમાં કલ્પનાના તરંગો ઉછળવા લાગ્યા. આવું સરસ પુસ્તક અત્યારસુધી એણે કદી વાંચ્યું નહોતું. મહાત્મા ઇસુની વાણીમાંથી એકે એકે પ્રકાશ રશ્મિ ઝળકવા લાગી. એ પ્રકાશથી તેના નાના હૃદયનાં નાનાં નાનાં ફૂલો ખીલવા લાગ્યાં. સ્મરણશક્તિની મદદથી તેણે બાઇબલના ચિત્તાકર્ષક અંશો કંઠસ્થ કરી નાખ્યા. બાળકોની મીઠી મીઠી વાતોની ચોપડીની પેઠે આ ધર્મ પુસ્તક તેમનો પ્રિય ગ્રંથ થઈ રહ્યો.
બાર વર્ષની વયે બાલિકાનું ચિત્ત ઈશ્વરને માટે આકુળવ્યાકુળ થઈ જતું, ઈશ્વર વગર કોઈ પણ વસ્તુથી તેને તૃપ્તિ વળતી નહિ. એટલે એણે પોતાનું સુપવિત્ર કુમાર હૃદય પરમેશ્વરના ચરણમાં અર્પણ કરવા ધાર્યું.
પરંતુ બાલિકાના હ્રુદયનો આ ધાર્મિક ઉભરો કેવળ થાડા સમયનો હતો. કેમકે હવે તરુણ વયની ચંચળતા તેમના ચિત્ત ઉપર અધિકાર જમાવી રહી હતી, એટલે લૌકિક સુખેચ્છા પ્રબળ થઈ અને આધ્યાત્મિક જ્યોતિ ઝાંખી પડી.
એ એક આબરૂદાર કુટુંબની કન્યા હતી. દેખાવમાં પરમ સુંદરી હતી. વય વધવાની સાથે સાથે તેની મૂર્તિ મનોહારી થઇ ગઇ. તેની માતા પણ પેાતાની કન્યાને વસ્ત્રાભૂષણથી સજાવેલી રાખવા માગતી હતી અને કન્યાનું મન પણ સુંદર કપડાંલત્તાં તરફ અને દેહની ટાપટીપ તરફ વળ્યું હતું. પોતાનું પુષ્પના જેવું સુંદર મુખડું, પ્રેમ વરસાવતાં બે નયનો અને નવનીત જેવા સુકુમાર અંગ-પ્રત્યંગને સ્વચ્છ દર્પણમાં જોઇને એ રૂપગર્વ થી ગર્વિતા બની ધીરે ધીરે સુખવૈભવની માયાજાળ તેના અંતરમાં રચવા લાગી. તેનું હૃદય પ્રભુ પ્રેમ કરતાં મનુષ્ય પ્રેમ મેળવવાને વધારે ચંચળ થઈ ગયું. આ પ્રમાણે તેના મનમાં અત્યંત ફેરફાર થયો; પણ એને લીધે તેનો આગલો ધર્મભાવ તથા આગલી ભક્તિ કેવળ કૃત્રિમ કે મનના તરંગરૂપ હતાં, એમ માનવાનું નથી.
જાઁ–મારિનું સૌંદર્યથી આખું અંગ પરિપૂર્ણ હતું, ત્યારે એક સુંદર તરુણ યુવક તેની મનોહર મુખછટા અને રમણીય અંગપ્રત્યંગ જોઈને મોહિત થઇ ગયો અને તેને પરણવાની ઈચ્છા પ્રગટ કરી. જાઁ–મારીનું ચિત્ત પણ એ યુવક તરફ કંઈક ઢળ્યું હતું. પરંતુ એના પિતાને એ યુવક પસંદ પડ્યો ન હતો, એટલે એ લગ્ન થયું નહિ. ત્યારપછી જાઁ–મારીના પિતા છોકરાંઓને લઈને પેરિસ નગરમાં રહેવા ગયા. પેરિસ સદાય સૌંદર્યની માયાપુરી છે. ત્યાંના ઠાઠથી માણસ આશ્ચર્યચકિત થઈ જતો. વિલાસિતાના માયામંત્રથી નરનારીના હૃદયમાં એક પ્રકારની જાળ પથરાતી. આ નગરના એક ધનવાનના પુત્ર એમ. જે. ગેયાઁની પ્રેમદૃષ્ટિ જાઁ–મારિના ઉપર પડી. તેણે એનું પાણિગ્રહણ કરવાની વિનંતિ તેના પિતા આગળ રજુ કરી. જેના ઘરમાં ધન હોય, બહાર માનમર્યાદા હોય તેને કન્યા આપતાં અચકાય એવા કેટલા પિતા હોય છે? અહીં પણ કન્યાના પિતાએ એ બાબતમાં વાંધો લીધો નહિ. વરની વય મોટી છે; ધર્મની બાબતમાં એ તદ્દન બેદરકાર છે; કન્યા કદાચ તેને પસંદજ કરશે નહિ; એ બધા ગંભીર પ્રશ્નોનો વિચાર પિતાએ સુધ્ધા કર્યો નહિ. પછી કન્યાએ જ્યારે વરને દીઠો અને તેની સાથે વાતચીત કરી ત્યારે તેને લાગ્યું કે, આ લગ્નથી હું કદી પણ સુખી થવાની નથી. પરંતુ આથી એના પિતાનો વિચાર જરા પણ બદલાયો નહિ. તેણે પુત્રીના વિચારની જરા પણ પરવા રાખ્યા વગર ઈ. સ. ૧૬૬૪ ની ૨૧મી માર્ચે એમ. જે. ગેયાઁની સાથેજ તેનું લગ્ન કરી દીધું. એ વખતે જાઁ–મારિનું વય ૧૬ વર્ષનું અને તેના સ્વામીનું વય અડત્રીસ વર્ષનું હતું. લગ્ન પછી જાઁ–મારિ મેડમ ગેયાઁ નામથી પ્રસિદ્ધ થયાં હતાં.
૨–પરીક્ષા અને ધર્મજાગૃતિ
મેડમ ગેયાઁનું લગ્ન તેમની પસંદગી વિરુદ્ધ થયું ખરૂં, તોપણ એમને એવી આશા હતી કે પ્રેમ અને મીઠી વર્તણુકવડે સ્વામીને સુખી કરીશ અને પોતે પણ સુખી થઈશ. પરંતુ સ્વામીને ઘેર થોડા દિવસ રહ્યા પછી તેમને જણાયું કે, એ આશા નિષ્ફળ નીવડવાની છે. એ માતપિતાની લાડવાઇ પુત્રી હતાં. સાસુની તરફથી કંઈક સ્નેહ અને સદ્વ્યવહાર મળવાની તેમને આશા હતી. પરંતુ તે પણ મીજાજી જણાઈ. જરા જરામાં તેનો મીજાજ જતો રહેતો અને વહુને ઠપકો દઈને બેસી નહિ રહેતાં છોકરાને પણ આડુંઅવળું ભંભેરીને વહુ ઉપરથી તેનું ચિત્ત ઉઠી જાય એવું કરતી. એ પણ સ્ત્રીની ઉપર નાખુશ થઈને તેમની આંખમાંથી આંસુ પડાવતો. સાસુને તો ભણવાગણવા અને ધર્મચર્ચા કરવા કરતાં પરનિંદા અને કજીયા કરવાનું જ ઘણું ગમતું હતું, ઉપાસના અને ધર્મગ્રંથનો પાઠ કરવામાં વહુનો જે સમય જતો તેને માટે પણ એ તેનો તિરસ્કાર કરતી.
મેડમ ગેયાઁના સ્વામીનો સ્વભાવ છેકજ ખરાબ હતો એવું નહોતું, પરંતુ એનામાં સહનશીલતા જરા પણ નહોતી. જરા જરામાં એ ઉશ્કેરાઈ જતો. એ વિષયમાં એ પોતાના જીવનચરિત્રમાં લખે છેઃ– “હું દુઃખનો કોળીઓ આંસુને ઘૂંટડે ઉતારવા લાગી. પતિનો ચઢાઉ સ્વભાવ હોવાથી એમનાં માતુશ્રીને મારી વિરુદ્ધ રાતદિવસ ઉશ્કેરવાનો લાગ મળતો.”
પરંતુ એ તરુણી સ્ત્રીનાં નયન આ દુઃખાશ્રુથીજ નિર્મળ થયાં. વિશ્વાસરૂપી નયનથી એ જોઈ શકી કે, તેના જીવનની પાછળ કરુણામય ઈશ્વરનો મંગળ હસ્ત રહેલો છે. સ્વયં ભગવાનજ તેના દોષ અને ત્રુટિઓનું સંશોધન કરવા સારૂ તેને ઘડતરના દુઃખમાં અને પક્વતાના અગ્નિમાં નાખી રહ્યા છે; એટલા માટે એ હવે દુ:ખ અને જુલ્મને ઈશ્વરનું દાન ગણીને સ્વીકારવા લાગ્યાં. આટલા દિવસ દુઃખની જે ઝાળ તેમના હૃદયને સળગાવ્યા કરતી હતી, તેજ ઝાળમાંથી હવે આધ્યાત્મિક જ્યોતિ જાગી ઉઠી. મેડમ ગેયાઁના અંતરમાંથી રૂપનો અહંકાર અને દુનિયાઈ સુખની આકાંક્ષા જતાં રહ્યાં. દુ:ખના કઠિન આઘાતથી તેમની પાર્થિવ વાસનાના ચૂરેચૂરા થઈ ગયા. બે હાથ પસારીને જીવંત ધર્મને અંતરમાં ધારણ કરવા સારૂ એ વ્યાકુળ થઈ ગયાં. હવે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે તેમના મર્મસ્થાનને ભેદીને કંદનધ્વનિ બહાર નીકળવા માંડ્યો.
હવે કોની પાસે ગયાથી, કોની સહાયતા મેળવ્યાથી ઈશ્વરના હાથમાં આત્મસમર્પણ કરી શકાશે? કેવી રીતે મારૂં ચિત્ત અંતરના સંગ્રામમાંથી છૂટકારો મેળવશે ? એજ વિચારેામાં મેડમ ગેયાઁ આકુળવ્યાકુળ થઈ ગયાં. એ વખતની એમની ધર્મતૃષ્ણાનું સ્મરણ કર્યાથી વિસ્મય ઉત્પન્ન થાચ છે. મહાત્મા ઇસુ કહી ગયા છે કે “ ધર્મને માટે તરસ્યા બનેલા મનુષ્યોને ધન્ય છે, કારણ કે તેઓની તૃષા અવશ્ય તૃપ્ત થશે.” સાધ્વી ગેયાઁ પણ છેવટે ખરેખર પરિતૃપ્ત થયાં. તેમના હૃદયની પિપાસા જોઈને ઈશ્વર તેમનાથી દૂર રહી શકે નહિ. તે પોતે તેમને ખેંચીને પિતૃગૃહે લઈ આવ્યો અને ત્યાં આગળ એક શુભ પળે સેઇન્ટ ફ્રાંસિસ સંપ્રદાયના એક સૌમ્યમૂર્તિ સાધુની સાથે તેમનો મેળાપ થયો.
આ સાધુ એક તપસ્વી પુરુષ હતા. એમણે પાંચ વર્ષસુધી એકાંતમાં તપસ્યા કરીને ઈશ્વરની સાથે અંતરનો યોગ સાધ્યો હતો. હવે નરનારીઓના આત્માનું કલ્યાણ સાધવું એજ તેમના જીવનનો ઉદ્દેશ હતો. મેડમ ગેયાઁ એ ઋષિતુલ્ય પુરુષની પાસે ગયાં. ભક્તિથી તેમનું મસ્તક નમ્યું. તેમણે એ તપસ્વીની આગળ પોતાના જીવનની બધી કથા કહી સંભળાવી અને જણાવ્યું કે, “ઈશ્વરને પ્રાપ્ત કરવા સારૂ મારો પ્રાણ આકુળવ્યાકુળ થઈ રહ્યો છે; પરંતુ રાતદિવસ પ્રયત્ન કર્યા છતાં હું એને પામી શકી નથી.”
સાધુ પુરુષે મેડમ ગેયાઁના જીવનની કથા સાંભળતાં જ તેમનું ચિત્ત ઈશ્વરચિંતનમાં ડૂબી ગયું. તેમણે એક નાનીશી પ્રાર્થના કરી, અને પછી એ બોલ્યા કે “બેટા ! તેં આટલા દિવસ સુધી ઈશ્વરને કેવળ બહાર જ શોધ્યા કર્યો છે, તેથી તારા પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા છે. એ તો તારા હૃદયમાંજ બિરાજેલા છે. તું એને ત્યાં શોધ, એટલે એ તને અવશ્ય પ્રાપ્ત થશે.”
સાધુ પુરુષ આટલી સાધારણ વાત કહીને ત્યાંથી ચાલ્યા ગયા; પરંતુ ઈશ્વર જ્યારે મનુષ્યના હૃદયમાં નવજીવનનો સંચાર કરે છે, ત્યારે એ સાધારણ વાત પણ તેને માટે અસાધારણ બની જાય છે. આજે પણ એવું જ બન્યું. સાધુ પુરુષના કંઠમાંથી નીકળેલી વાણીમાંથી મેડમ ગેયાઁના અંતઃકરણમાં જાણે વિજળીનો ચમકારો દાખલ થઈ ગયો. તેમના હૃદયમાં દૈવી શક્તિની ક્રિયા શરૂ થઈ; તેમણે હૃદયમાં ઈશ્વરકૃપાનો અનુભવ કર્યો. ઈશ્વરી પ્રકાશથી તેમના મનમાં ધર્મનું ઉંડું તત્ત્વ પ્રકટી નીકળ્યું. એ તત્ત્વ એમણે લખી રાખ્યું છે. એના ટુંક સાર નીચે પ્રમાણે છેઃ
“બહાર ગમે તેટલી શોધખોળ કરી તેથી ઈશ્વરને મેળવી શકાતો નથી. ખાલી બહારની દુનિયામાં ભમ્યાથી ઈશ્વરદર્શન થતું નથી. મનુષ્ય ચિંતન કરીને અને બાહ્યજગતની આલોચના કરીને એક સિદ્ધ પુરુષની યોગ્યતાએ પહોંચી શકે છે. એ સિદ્ધાંત અસત્ય છે એવું પણ નથી; પરંતુ આપણે ઈશ્વરનાં દર્શન આપણી પોતાની અંદરજ કરી ન શકીએ તો એ આપણો છે અને આપણે તેનાં છીએ, એ સત્યને અનુભવસિદ્ધ પણ કરી શકીશું નહિ. અને આપણા આત્મા સાથે તેનું મિલન પણ થશે નહિ.” ઇ. સ. ૧૬૬૮ ની ૨૨ મી જુલાઈએ મેડમ ગેયાઁના અંતરમાં આ આધ્યાત્મિક ભાવનો ઉદય થયો. એ વખતે એમનું વય વીસ વર્ષનું હતું. એ દિવસે આંતરિક આનંદ અને ભાવાવેશમાં એ આખી રાત સુધી ઉંઘ્યાં નહિ. એ દિવસ એમને માટે નવજીવન પ્રાપ્ત કરવાની સ્મરણીય તારીખ હતી. એ દિવસના બનાવના સંબંધમાં એ લખે છે કે:–
“એ સમયે મેં અનુભવ્યું કે, ઈશ્વરનો પ્રેમ જાણે તીરની પેઠે મારા હૃદયમાં પેસી ગયો. એ પ્રેમનો સ્પર્શ કેવો સુમધુર હતો ! એ પ્રેમરૂપ અસ્ત્રે મારા હૃદયમાં જે ઘા કર્યો છે, તે ઘાનાં ચિહ્ન હંમેશને માટે કાયમ રહો. હું જેને કેટલાં વર્ષો થયાં ખોળતી હતી, તેને એક સાચા સાધુના ઉપદેશે મારા હૃદયમાંજ લાવીને રજુ કર્યો; હું જેને દેખી શકતી નહોતી, તેને જોયો; જે સમજી શકતી નહોતી તે સમજી. હે મારા પ્રાણેશ્વર ! તમે તો મારા આ હૃદયમંદિરમાં બિરાજેલા હતા, છતાં પણ હું તમને કેમ દેખી શકી નહિ? × × × હે ચિરસુંદર ! તમને હું કેમ આટલા બધા દિવસ પછી ઓળખી શકી ? એનું કારણ એજ કે “ઈશ્વરનું રાજ્ય તમારામાંજ છે. ઈશ્વર તમારા હૃદયમાં નિવાસ કરે છે.” એ મહાવાણી હું સમજી શકી નહોતી. હવે સમજી શકું છું કે, તમેજ મારા હૃદયના રાજા છો. રહો રહો, હમેશાં તમેજ આ હૃદયના પ્રભુ થઈને રહો.”
મેડમ ગેયાઁ પોતાના ચિત્તને નિર્મળ આરસીની પેઠે પવિત્ર રાખવાને વ્યાકુળ થઈ ગયાં. મહાત્મા ઇસુ કહી ગયા છે કેઃ– ‘જે લોકોનાં ચિત્ત નિર્મળ છે તેઓને ધન્ય છે, કેમકે તેઓ જ ઈશ્વરનાં દર્શન કરવા પામશે.’ આ વચનમાં ઉંડુ સત્ય છુપાયેલું છે. સત્ય સુંદર ઈશ્વર અંતરમાંજ વાસ કરે છે, એ વાત યથાર્થ છે ખરી, પરંતુ અંતરને શુદ્ધ ન્ રાખ્યું હોય અને મન બુદ્ધિ નિર્મળ ન હોય તો શું કોઇ એ હૃદયમાં બિરાજેલા દેવતાનાં દર્શન કરી શકે ? અંતઃકરણને શુદ્ધ રાખવા સારૂ સંયમ જોઈએ, વૈરાગ્ય જોઈએ, એને માટે દુનિયાઈ સુખની લાલસાને નીર્મૂળ કરવી જોઈએ; એટલા માટે મેડમ ગેયાઁએ શૃંગારિક ખેલ તમાસામાં જવાનું બંધ કર્યું; એટલું જ નહિ પરંતુ જે માજશેખમાં પડેલી નારીઓ નૃત્ય, ગીત અને રમતગમતને સારૂ પૈસા ઉડાવતી, તંદુરસ્તી બગાડતી અને સમય ગુમાવતી તેમને જોતાંવારજ એમને વિચાર આવતો કે “હાય, હું પણ એક દિવસ આ સ્ત્રીઓની પેઠે ખેલ તમાસા માં જઈને માજશેખમાં છકી ગઈ હતી !”
હવે એ ધર્મ પરાયણ સાધ્વી આગળ ઈશ્વરનો પ્રેમ એજ કેવળ પ્રાર્થનાની સામગ્રી હતી. એટલે એ પોતાની અંદર વસેલા પરમ પુરુષને પ્રેમના દેવતા સ્વરૂપે વરવાને માટે અધીરા થઈ ગયાં અને ઉપાસના તથા પ્રાર્થનાને છાતીમાં ઠસાવી દીધાં. એમણે. પાતે લખ્યું છે કે:–
“આ પૃથ્વીમાંનો કોઈ અનુરક્ત પ્રેમી પોતાની પ્રેમાસ્પદને વહાલીને જે પ્રમાણે ચાહે છે, તેના કરતાં પણ ઘણા વધારે હું ઈશ્વરને ચાહું છું. અત્યારનો મારા મનનો સાચો ભાવ કોઈ પણ ઉપાયે પ્રગટ કરવો સહેલ નથી, એટલા માટેજ આ દૃષ્ટાંત આપ્યું છે. બાકી એ ઉપમા પણ મારા મનના સંપૂર્ણ ભાવને પ્રગટ કરી શકતી નથી. માત્ર ખ્યાલજ આપી શકે છે.”
વળી તેમણે કહ્યું છે કે “હવેથી ઉપાસના પણ મને સહજ સાધ્ય થઈ ગઈ. કલાકના કલાક એક ઘડીની પેઠે ચાલ્યા જતા. પ્રાર્થનાસિવાય બીજું કાંઈ હું કરતી નહિ. પ્રેમની અધિકતાને લીધે વખતની લંબાઈ મને જણાતી નહોતી.”
૩–ધર્મમાર્ગમં ખરડાયલે પગે પ્રયાણ
મેડમ ગેયાઁના શુષ્ક અને સંગ્રામપૂર્ણ હૃદયમાં હવે ઈશ્વરનો પ્રેમ ઉતરી આવ્યો છે, દૈવી સંપત્તિવડે તેમનું જીવન હવે પવિત્ર અને સુંદર બન્યું છે. એમના મનમાં હજુ પણ ક્યાંક કોઈ પ્રકારના સંશયવિકાર અથવા હુંપદનો ઉગ્ર ભાવ છુપાઈ રહ્યો છે એવો એમને વિચાર સરખો આવી શકે નહિ. તેમના મનમાં આવ્યું કે, પાછલા જીવનના બધા અપરાધોને ઈશ્વરે માફ કર્યા છે. તેમના પાપનો સંભવ સુદ્ધાં ટળી ગયો છે. હવે સંસારની કે આસક્તિ તેમના ચિત્તને ચંચળ બનાવી શકશે નહિ. એ સમયની અવસ્થા વિશે તેમણે લખ્યું છે કે:–
“હું ઈશ્વર સિવાય બીજા કોઇને મારી સન્મુખ દેખી શકતી નહોતી. અતિશય પવિત્ર ચિત્ત અને દૃઢતાની સાથે તેને ચાહવાનો વિચાર કર્યાથી મારી આગળથી બીજા બધા વિષયો અંતર્હિત્ત થઈ ગયા. ઈશ્વરને શા કારણથી હું આટલી બધી ચાહતી તેનું કારણ તો હું જાણતી નથી. × × એ સમયથી મારા એકાંત મર્મસ્થાનમાં એવી આકાંક્ષા ઉત્પન્ન થઈ કે, હું બધી બાબતમાં ઈશ્વરના ઉપરજ આધાર રાખીશ. મારા અંત:કરણમાંથી એવી પ્રાર્થના નીકળવા લાગી કે “હે પિતા ! મારે શુ એવી કોઈ પણ પ્રિય વસ્તુ છે, કે જેનું બલિદાન અથવા અર્પણ પિતાની મરજીથી તમારી આગળ ન કરી શકું ? જો એ પ્રમાણે ન કરી શકું તો મને ક્ષમા કરશો નહિ, અને મારો ત્યાગ પણ કરશે નહિ.”
મેડમ ગેયાઁ કેટલાક દિવસ સુધી વિશ્વાસ, ભક્તિ, પ્રેમ, પવિત્રતા, આનંદ અને ઉલટથી હૃદયને ભરચક બનાવીને ઉતાવળે પગે ધર્મર્માર્ગમાં આગળ વધવા લાગ્યાં. ઉપાસના અને પ્રાર્થનામાંજ એમનો ઘણો સમય જવા લાગ્યો, એમના પોતાના ખર્ચને સારૂ સ્વામીની પાસેથી પુષ્કળ ધન મળતું હતું. એ ધનનો ઉપયોગ દુઃખી અને નિરાધાર મનુષ્યની જરૂરીઆતો દૂર કરવાના કાર્યમાંજ થતો. જે અભાગી નારીઓ ધર્મમાર્ગથી ચળી જતી અને કાદવમાં હાથ નાખીને પવિત્ર જીવનને મલિન બનાવતી, તે નારીઓનું દુ:ખ મેડમ ગેયાઁથી સહન થતું નહિ. એ ખેદપૂર્વક આંખમાં આંસુ લાવીને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરતાં.
પરંતુ એમની સાસુના મનમાં એવું આવતું કે, વહુનું આ કામ ગેરવ્યાજબી છે. એટલા સારૂ એ પુત્રના કાન ભરીને કહેતી કે “આ તારી વહુ “ધર્મ ધર્મ” કહીને ગાંડી બની ગઈ છે. એને લીધે આપણી બધી દોલત ધૂળમાં મળી જાય છે. આટલા દિવસ સુધી જે કાંઈ બચ્યું છે તે મારે લીધે છે, એ તો વહુનાં લક્ષણ બારણામાં પેસતાંજ પારખ્યાં હતાં; અને પારખીને સાવચેત થઇ ગઇ હતી.”
મેડમ ગેયાઁનો સ્વામી વારે ઘડીએ આવી ને આવી ફરિયાદ સાંભળીને ઉશ્કેરાઈ જતો. એવે વખતે એ સ્ત્રીની પ્રત્યે કઠોર વ્યવહાર કરતો. વળી એ કેટલીક વાર કટાક્ષપૂર્વક સ્ત્રીને કહેતો કે “તમે તમારો બધો પ્રેમ તો ઈશ્વરને આપ્યો છે, તો પછી મને શું આપશો બોલો જોઈએ ?”
આવી મશ્કરી કરતી વખતે પણ તેના મનમાં પત્ની ઉપરની ઝાંઝ જણાઈ આવતી હતી. એને ખબર નહોતી કે, ઈશ્વરને હૃદય અર્પણ કરવામાં આવે છે, ત્યારે એ કાંઈ એને ઠાલવી દઇને બધો પ્રેમ કાઢી લેતો નથી; પરંતુ ઉલટો પોતાના પ્રેમરૂપી પારસમણિદ્વારા ભક્તના પ્રેમને સોનાનો બનાવી દે છે. એવે સમયે એ ભક્તિમતી સાધ્વીના સ્વામીને જેટલો લાભ થાય છે, તેટલો લાભ બીજે કોઈ સમયે થતો નથી.
મેડમ ગેયાઁ હવે ઘરસંસારની આ બધી પ્રતિકૂળ અવસ્થાઓની સાથે સંગ્રામ કરતાં કંટાળતાં નહિ; પરંતુ કોઈ કોઈ વખત તેમનું હૃદય દુર્બળ થઇ જતું અને સુખની ઇચ્છા પ્રબળ થઇ જઇને ધર્મ ભાવ ઝાંખો પડી જતો, અને હૃદયમાં રહેલા પ્રાણેશ્વરને હૃદયમાં ખોળી શકતાં નહિ; તેથી એ બાબતની ચિંતાઓમાં એ દુઃખી થઈને મરણતોલ બની જતાં.
હાય, મેડમ ગેયાઁએ એક દિવસ જે એમ ધાર્યું હતું કે, ધર્મરાજ્યમાં મેં જે સ્થાન ઉપર અધિકાર જમાવ્યો છે તે સ્થાન ઘણું ઉંચું છે; વા-વંટોળીઆથી એ સ્થાન હાલશે નહિ, વજ્ર્ પડવાથી તૂટશે નહિ; અને હમેશાં એજ સ્થાનમાં નિર્વિઘ્ને વાસ કરી શકીશ. પરંતુ બે વર્ષ વીત્યાં ન વીત્યાં એટલામાં તો જે પર્વત ઉપર તેમણે આશ્રય લીધો હતો તે પર્વત ધરતીકંપથી હાલી ઉઠ્યો. તેમણે ચમકીને જોયું કે, એમના વિશ્વાસનો પાયો ડગમગી રહ્યો છે; આધારના ચૂરેચૂરા થવાની તૈયારી છે. હવે ક્યાં ગઇ એમની આધ્યાત્મિક સંપત્તિ ? આ તો અંતઃકરણમાં બંડ ઉઠ્યું છે; હુંપદનો ભાવ ઉગ્ર થઈ રહ્યો છે; પ્રેમ સૂકાઈ રહ્યો છે ! આવી અવસ્થામાં એક દિવસ એક અજાણ્યા તટસ્થ પુરુષે ઈશારો કરીને તેમના બધા દોષ અને દુર્બળતા જણાવી દીધાં, એ જાણતાં જ તેઓ માનસિક વેદનાથી મૂર્છિત થઈ ગયાં.
પરંતુ મેડમ ગેયાઁ આ વખતે એવી દુર્દશામાં આવી પડ્યાથી નિરાશ થયાં નહિ. સંશય તેમના મન ઉપર સદાને માટે માયાજાળ ફેલાવી શક્યો નહિ; એ પાતાના ઉંડા આધ્યાત્મિક ચિંતનની મદદવડે ધર્મ માર્ગના રહસ્યની કથા ઘણી ઉત્તમરૂપે સમજી શક્યાં. એમના મનમાં આવ્યું કે, આ ધર્મમાર્ગ માં બધે ઠેકાણે કાંઈ પાકી સડક નથી. કોઈ કોઈ સ્થળે એવી સડક છે ખરી; એવે સ્થાને જરાપણ હરકત વિના ચાલી શકાય છે, પરંતુ બીજે કેટલેક સ્થળે જોખમકારક સંગ્રામપૂર્ણ અને અરણ્યમય કાંટાવાળી જમીન પણ હોય છે. એવે સ્થળે ચાલતી વખતે બ્હીતે બ્હીતે લોહીવાળા ચરણોએ અને સજળ નયને ચાલવું પડશે. એ સિવાય બીજો ઉપાય નથી.
મેડમ ગેયાઁએ હવે પ્રાર્થના અને ઉપાસનાને મજબૂતીથી ધારણ કર્યા. હવે એ આત્મશક્તિ ઉપર જરા પણ આધાર રાખી શક્યાં નહિ. કેવી રીતે રાખી શકે ? ધર્મ–અધર્મના સંગ્રામમાં પડતાં આખડતાં અને પાછાં ટટાર થતાં એમને એવું શિક્ષણ મળ્યું હતું કે, મનુષ્યની દુર્બળતાની અવસ્થામાં સંપૂર્ણપણે ઈશ્વરના હાથમાં પાતાને સમર્પણ કર્યા સિવાય વિપત્તિમાંથી છુટકારો મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી; કારણ કે આત્મસમર્પણ અને દૃઢ વિશ્વાસમાં થઈનેજ ઈશ્વરની સહાય અને શક્તિ આપણામાં દાખલ થાય છે અને જીવનમાં તેની ક્રિયાનો આરંભ થાય છે; એ દેવી શક્તિની ક્રિયા શરૂ થતાંજ હું પદનો ઉગ્રભાવ ચાલ્યો જાય છે, વિશ્વાસ ઉજ્જ્વળ થાય છે અને પાપની ઉશ્કેરણી બંધ પડી જાય છે.
સાધ્વીજી પોતાના મનમાં સૂક્ષ્મ આત્મચિંતન જાગ્રત રાખીને દિનપર દિન ધર્મમાર્ગમાં આગળ વધવા લાગ્યાં. ઘણી વખત એવું બને છે કે, મનુષ્ય અડધો ધર્મ પકડીને-મનની એક તરફ અંધારું અને બીજી તરફ અજવાળું રાખીને પોતાની જાતને છેતરે છે. એટલા સારૂ મેડમ ગેયાઁએ પોતાના જીવનમાં પૂર્ણ ધર્મનાં લક્ષણ ખીલવવા માટે વિશ્વાસ, પ્રેમ અને દાસત્વદ્વારા એકદમ ઈશ્વરનાં થઈ જવા માટે સાધના કરવા માંડી. એ વિષયમાં એમણે આત્મચરિત્રમાં લખ્યું છે કે “જો બની શકશે તે હું આજથી – આ ક્ષણેથી સંપૂર્ણ રૂપે ઈશ્વરની બનીશ. મારો કોઈ પણ અંશ હવે સંસારમાં મારો રહેશે નહિ.”
મેડમ ગેયાઁના જીવનના સંગ્રામ અને પરિવર્તનની વાત વાંચીને લાકોના મનમાં એક પ્રશ્ન ઉભો થાય તેમ છે. એક દિવસ આ સાધ્વીના હૃદયમાં નવવસંતના આવિર્ભાવની માફક પ્રેમનો પ્રકાશ થયો હતો, મનરૂપી કળીમાં પુણ્યકુસુમ ખીલી રહ્યું હતું, પરંતુ પાછું તે હૃદય પ્રેમશૂન્ય થઈ ગયું, પવિત્રતાનું ફૂલ ખરી પડ્યું. ત્યારે શું ધર્મ રાજ્યમાં પણ પ્રકૃતિની રમત ચાલ્યા કરે છે ? ત્યાં પણ શું વસંત સદાને માટે આવતી નથી ? ફૂલ સદાને માટે ખીલતુ નથી ? ધર્મની અંદર અટલ થઈને ઉભા રહેવાને માટે કોઈ એક નિર્ભય સ્થાન નથી ? આ પ્રશ્નનો ઉત્તર એજ છે કે, સાધનની નીચલી અવસ્થામાં તે સાધકના અંતઃકરણમાં એક પછી બીજી ઋતુની આવ-જા થયા કરે છે; પણ અતિ ઉચ્ચ અવસ્થાને પામ્યા પછી ત્યાં પ્રભુ પ્રેમ સદા કાળને માટે આવી વસે છે અને પુણ્યપુષ્પ સદાને માટે ખીલે છે. આ વાત ધ્યાનમાં રાખ્યાથીજ ધાર્મિક પુરુષોની દુર્બળતાની પળોમાં તેમને ઠગારા કે ઢોંગી ગણી કાઢીને તેમની નિંદા ન કરતાં, તેમની પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી શકાય છે.
ઈ. સ. ૧૬૭૦ ના ઓક્ટોબર માસમાં મેડમ ગેયાઁને શીતળાનો ઘાતકી રોગ લાગુ પડ્યો. રોગની વેદનામાં એ ભક્તિમતી સાધ્વીનો વિશ્વાસ અને પ્રભુ ઉપરનો આધાર સોગણો વધી ગયો. એમનું શરીર હવે શક્તિહીન થઈ ગયું, અંગનું લાવણ્ય ઝાંખું પડી ગયું; પરંતુ એમના હૃદયના આધ્યાત્મિક પ્રકાશથી આખું જીવન ઉજ્જ્વલ થઈ ગયું. એ સખ્ત પીડામાં એ પાતાના હૃદયદેવતાના દુર્લભ પ્રેમ અનુભવીને આનંદ તથા ભાવાવેશથી પૂર્ણ થઈ ગયાં. એમના મનના એ આનંદ અને આત્માની એ અવસ્થા સંબધે એ લખી ગયાં છે કે “આ અવસ્થાએ મારા આત્માને એટલો બધો આનંદ આપ્યેા હતો કે એના બદલામાં હું સમૃદ્ધિશાળી રાજાની અવસ્થા પણ લેવાનું ચાહું નહિ.”
મેડમ ગેયાઁ એ કઠિન પીડામાંથી સાજા તો થયાં, પરંતુ તેમનો કુસુમ જેવો સુકુમાર બાળક માતાના ખોળાને સૂનો બનાવીને સંસારમાંથી ચાલ્યો ગયો. મોટો છોકરો દાદીની ખોટી શીખવણીએ ચઢીને માતાની ઇચ્છાનુસાર વર્તતો નહોતો, એટલા માટે જનનીએ આ બીજા છોકરાને પોતાનાજ સ્નેહમાં ઉછેરીને સારો માણસ બનાવવાનું ધાર્યું હતું. એટલા માટે એ પુત્રના મૃત્યુનો ઘા માતાને માટે ઘણો મર્મપીડક થઈ પડ્યો. પરંતુ એ આપત્તિના સમયમાં તેમણે ઈશ્વરના સામું જોઈને શોકનું સંવરણ કર્યું અને કહ્યું કે “ઈશ્વરે આપ્યો તોતા, અને ઈશ્વરેજ તેને લઈ લીધો છે. તેનું નામ જયયુક્ત થાઓ.”
આ દારુણ શોકના આઘાતથી મેડમ ગેયાઁના હૃદયમાં એક નવો ભાવ ખીલી નિકળ્યો. એ સમયથી એ કરુણ અને મર્મસ્પશી કવિતા રચવા લાગ્યાં.
પરંતુ હાય ! આ ધર્મશીલા નારીના ભાગ્યમાં કાંટાવાળા માર્ગમાં ઘવાયલા પગેજ ચાલવાનું લખ્યું હશે એમ લાગે છે. એટલા માટે શોક ઉપર શોક અને સંગ્રામ ઉપર સંગ્રામ આવીને તેમના કોમળ અતઃકરણ ઉપર કઠોર આઘાત કરવા લાગ્યા. મેડમ ગેયાઁના પુત્રના મૃત્યુને એક વર્ષ થયા પછી તેમના સ્નેહાળ પિતાએ પરલોકવાસ કર્યો ત્યારપછી તેમને પ્રાણ કરતાં પણ અધિક વહાલી એક કન્યાને ગુમાવવાનો પ્રસંગ આવ્યો. એ છોકરી જાણે કોઇ સૌંદર્યના દેશમાંથી, મુખમાં અલૌકિક માધુર્ય અને મનમાં સરળતા લઇને આ સંસારમાં આવી હતી. જીવી હોત તો કદાચ એનામાં માતાનો ધર્મભાવ ખીલી નીકળત. એ કન્યા માતાને આંખો મીંચીને બેઠેલી જોઈને કહેતી ‘મા ! તમે ઉંઘી ગયાં છો ? ના, મા ! તમે પ્રાર્થના કરો છો.’ એટલું કહીને એ નાની કન્યા પતે પણ બે હાથ જોડીને સુંદર પ્રાર્થના કરવા મંડી જતી.
એ બધા શોક અને દુઃખ પછી એ ભક્તિમતી સાધ્વીના હૃદયમાં એક મધુર ભાવની સ્ફુરણા થઈ. એમનો એ ભાવ આપણા દેશના વૈષ્ણવોના ભાવને ઘણે ખરો મળતો આવે છે. એ વખતે એમણે એક પત્રમાં પોતાની સહી કરી હતી, એ પત્રને સારાંશ નીચે પ્રમાણે છેઃ
“જો કે હું તેના પ્રેમને યોગ્ય નથી છતાં પણ હું ઈશ્વરને પતિરૂપે વરૂં છું અને તેનાજ હાથમાં આત્મસમર્પણ કરું છું. પરમાત્માની સાથે આત્માનો વેગ સાધીને હું તેની ઈચ્છાની સાથે મારી ઇચ્છાને જોડી શકું; શાંત અને પવિત્રભાવથી ઈશ્વરની. ઈચ્છા સાથે મારી ઈચ્છાને એક બનાવી શકું, એજ એકમાત્ર અભિલાષા છે.”
૪-સંસારમાર્ગમાં એકલવાયાં
વૈષ્ણવોમાં એક ઘણી સુંદર વાત પ્રચલિત છે. ભાગવતમાં ઈશ્વરે ભક્તને કહ્યું છે કે:- “જે મારી આશા કરે છે, તેનું હું સર્વનાશ કરું છું અને એમ છતાં પણ જે આશા છોડતો નથી તેના દાસનો હું દાસ બનું છું.”
મેડમ ગેયાઁના જીવનમાં એ કથા અક્ષરે અક્ષર સાચી પડી હતી. સાંસારિક નજરે જોતાં ખરેખર તેમનું સત્યાનાશ વળી ચૂક્યું હતું, પરંતુ એમ છતાંયે એક પણ દિવસ તેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવાની આશા મૂકી દીધી નથી. પ્રાર્થના અને ઉપાસના ઉપરથી ચિત્ત ઉઠાવ્યું નહોતું. એટલા માટેજ એમના પ્રેમદેવતા ઈશ્વરની સાથે તેમના પ્રેમનો સંબંધ સ્થપાયેા. ફ્રાન્સ દેશના ધાર્મિક પુરુષ ફ્રેનલોં જેવાની પણ એ ભક્તિ આકર્ષી શક્યાં.
મેડમ ગેયાઁના ઘરમાં મૃત્યુએ પ્રવેશ કરીને તેમના સ્નેહવૃક્ષ ઉપરથી બે સુંદર કળીઓ ચુંટી લીધી હતી તે અમે આગળ કહી ગયા છીએ. આ વખતે મૃત્યુએ વંટોળીઆના રૂપમાં આવીને તેમનું આશ્રયગૃહ તોડી નાખ્યું, તેમને અનાથ બનાવ્યાં. એક તણખલાની પેઠે એ એકલવાયાં સંસારના સ્રોતમાં વહેવા લાગ્યાં અને એક તરફથી બીજી તરફ ધક્કા ખાવા લાગ્યાં.
ઈ. સ. ૧૬૭૬ નો જુલાઈ માસ ભીષણ મૂર્તિ ધારણ કરીને તેમની પાસે આવ્યો. એ સમયે તેમના પતિ ગંભીર રોગમાં પડ્યા. સાધ્વી નારીએ પ્રેમમાં પોતાની જાતનું ભાન ભૂલી જઈને સ્વામીની સેવા કરવા માંડી. એ સેવા દ્વારાજ તેમના હૃદયની અમૃતધારા સ્વામીના તૃષાર્ત હૃદયમાં પ્રવેશી. તેનો રોગથી પીડાતો જીવ એ અમૃતથી શાંત થયો.
એ ધનવાનના સંતાનમાં ખરેખર પુષ્કળ દોષ અને ત્રુટિઓ હતાં. પત્ની રાતદિવસ ધર્મનીજ ધૂનમાં રહેતી એ એને જરા પણ રુચતું નહોતું. જનનીની પાસેથી પત્નીની નિંદા સાંભળીને એને ગુસ્સો ચઢતો ત્યારે એ પત્નીની સાથે નિર્દય વ્યવહાર કરતો.. એને જોઇતું હતું કેવળ દુનિયામાં સુખ અને તેની સ્ત્રી ચાહતી હતી પવિત્રતા, ઈશ્વરનો પ્રેમ, દુ:ખીઓની સેવા. એટલા સારૂ એ બન્નેમાં પ્રેમનું મિલન થયું નહોતું, થઈ શકે એમ પણ નહોતું. એમ છતાં પણ પત્ની પ્રત્યે તેને સ્વાભાવિક શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાને તે મનમાં ને મનમાં છુપાવી રાખવા ઇચ્છતો; પણ એમ બની શકતું નહિ. વખતોવખત બહારની વર્તણુકમાં પણ એ શ્રદ્ધા જણાઈ આવતી. તેના ઓળખીતાઓ જ્યારે તેના દયાગુણની પ્રશંસા કરતા ત્યારે એ મનમાં ને મનમાં ગૌરવ અનુભવતો. એટલું જ નહિ પણ કોઈ કોઈ વાર તે એ પોતાના દોષો અને ખામીએાનુ સ્મરણ કરીને ઘણું જ પસ્તાતો. એવે વખતે તેનું સળગતું હૈયું શાંતિદાયિની પત્ની સાથે જોડાઈ જતું. પત્નીના પવિત્ર હૃદયના મધુરા પ્રેમથી તેનું મન પણ સ્નિગ્ધ, કોમળ અને સરળ બની જતું.
મેડમ ગેયાઁ લાગલાચટ ચોવીસ દિવસ સુધી આહારનિદ્રા વિસરી જઈને પ્રેમથી સ્વામીની સેવા કરવા લાગ્યાં. કેવળ શરીરનીજ સેવા કરતાં નહિ, પરંતુ આ છેવટની ઘડીએ સ્વામી ઇશ્વરના હાથમાં આત્મસમર્પણ કરીને શાંતિ મેળવે, તે સારૂ પણ એ સ્વામીની સાથે એકત્ર થઈને પ્રાર્થના કરતાં. એ રોગશય્યામાં સ્વામી અને સ્ત્રીના પ્રાણ વચ્ચે કોઈ અંતર રહ્યું નહિ. બન્ને જણાં થોડા સમય સારૂ મિલનનો સુનિર્મળ અને સુમિષ્ટ આનંદ ભાગવવા લાગ્યાં.
એક દિવસ મેડમ ગેયાઁએ સ્વામીની આગળ ઘુંટણીએ પડીને ને કહ્યું કે “મેં તો એવાં અનેક કાર્યો કર્યા છે કે જેને લીધે તમને અતિશય ક્લેશ સહન કરવો પડ્યો છે; પરંતુ મેં જાણી જોઈને કદી તમને દુઃખી કર્યા નથી. આમ છતાં પણ મારા અનેક અપરાધ થયા છે. આજ એ બધા અપરાધોની આપની પાસે ક્ષમા માગુ છું. પ્રસન્નચિત્તે મને ક્ષમા આપો.”
મેડમ ગેયાઁના સ્વામીના રોગક્લિષ્ટ મુખ ઉપર સ્નેહ અને પ્રેમની એક પ્રકારની સુરખી આવી, અને તેનાં નયનોમાં કરુણ અને મધુર ભાવનું તેજ ઝળકવા લાગ્યું. એ બોલ્યો “તું શા સારૂ મારી પાસે ક્ષમા માગે છે ? હું તને મેળવવાને યોગ્ય નહોતો, એ વાત શું હું જાણતો નથી ? દોષ તો મારોજ છે. હું જ તારી પાસે ક્ષમા માગું છું.”
૨૧ મી જુલાઇએ મેડમ ગેયાઁના પતિનો અંતકાળ આવી પહોંચ્યો. એ દિવસે દાક્તરોનું ઔષધ, સ્ત્રીની સેવા, સંતાનોની આંખનાં આંસુ, એ બધું વ્યર્થ ગયું; મૃત્યુએ તેમના ઘસાઈ ગયેલા દેહ ઉપર પોતાની પ્રચંડ શક્તિ અજમાવવા માંડી. પત્ની અને પુત્રપુત્રી તથા સંસાર અને સંપત્તિ બધુ પૃથ્વીમાં મૂકીને તેમણે પરલોક તરફ પ્રયાણ કર્યું.
મેડમ ગેયાઁના લગ્નને બાર વર્ષ અને ચાર માસ થયા હતા. હવે એમની વય અઠ્ઠાવીસ વર્ષની હતી. એ વયે એ બે પુત્ર અને એક કન્યાને લઈને વિધવા થયાં. એમની આધ્યાત્મિક શક્તિ ગમે તેટલી પ્રબળ હોવા છતાં પણ આ દારુણ શોક એ સહેલાઈથી સહન કરી શક્યાં નહિ. અનેક દિવસ સુધી તેમને આંસુ પાડવાં પડ્યાં. ત્યારપછી એ સાધ્વી નારીએ પોતાના હૃદયમાં અનુભવ્યું કે, ઇશ્વરના ચરણમાં પોતાનું જીવન અને યૌવન સમર્પણ કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે, ઈશ્વરની કરુણા અને પ્રેમસિવાય આ સંસારમાં તેમને આધાર લેવા યોગ્ય બીજુ કાંઈજ હવે નથી.
ત્યારપછી થોડાક મહિના બાદ ખ્રિસ્તોત્સવ શરૂ થયો. એ વખતે વિધવા નારીએ સાસુનો સ્નેહ આકર્ષવા અને તેની સાથે સંપ કરવાના પ્રયત્ન કરવા માંડ્યો. તેમણે મનમાં ધાર્યું હતું કે, આ શોકના સમયે સાસુજી તેમને પોતાની કુખમાં લઈને ધીરજ આપશે. એટલા માટે તેમણે અતિશય દયામણે ભાવે સાસુને કહ્યું:- “માજી ! આજના આ પવિત્ર દિને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વીમાં શાન્તિ આણવા સારૂ જન્મ ધારણ કર્યો હતો. હું તેમના નામે આપની પાસે શાંતિની ભિક્ષા માગું છું. મારો કોઈ અપરાધ થયો હોય તો વિસરી જાઓ, અને મને આપની પુત્રી જેવી ગણીને સ્વીકારો.”
પરંતુ એ સખ્ત પથ્થર પીગળે એવાં કાઈ લક્ષણ દીઠામાં આવ્યાં નહિ. ઉલટુ સાસુજીએ કહ્યું કે “તારી સાથે આ ઘરમાં હું રહી શકીશ નહિ.” એ વાક્યનો અર્થ એ હતો કે, તારે મારા આ ઘરમાંથી ચાલ્યાં જવું. મેડમ ગેયાઁ સાસુની આજ્ઞાનું પાલન કરવા ત્રણ સંતાનોને લઈને ઘર બહાર નીકળ્યાં, પરંતુ પિતૃહીન સંતાનોના મુખ તરફ જોવાથી તથા સ્વામીના ગૃહ તરફ નજર નાખ્યાથી એમની આંખમાંથી ચોધાર આંસુ ખાળ્યાં ખળી શક્યાં નહિ, એમ છતાં પણ એમણે સાસુપ્રત્યે કોઈ દ્વેષભાવ રાખ્યો નહિ. તેમણે વિચાર્યું કે, સાસુના દોષ અને ખોડખાંપણનો વિચાર કરવાનો ભાર ઇશ્વરે કાંઈ મને સોંપ્યો નથી; હું શા માટે તેનો વિચાર કરીને મારું મન ખાટું કરું ?
આ વખતે મેડમ ગેયાઁ જે ઘરની બહાર નીકળ્યાં તે નીકળ્યાંજ; ત્યાર પછી કદી પણ ઝાઝો વખત ઠરીને એક સ્થળે બેસવાનો પ્રસંગ તેમને મળ્યો નહિ. એવી સગવડ શા સારૂ ન મળી તેનું અમે યથાસ્થાને સંક્ષેપમાં વર્ણન કરીશું. હાલ તો એ નિરાધાર સાધ્વી જનકોલાહલથી જરા દૂર એક નિર્જન સ્થાનમાં જઈ વસ્યાં. ત્યાં આગળ સૌથી પ્રથમ પોતાનાં સંતાનોને સારું શિક્ષણ આપવા તરફ એમનું ધ્યાન ખેંચાયું. તેમણે છોકરાંઓને ભણાવવાનો સારો બંદોબસ્ત કર્યો. ત્યારપછી એમણે પોતે લેટિન ભાષા શીખવા માંડી. એ ભાષામાં પ્રવીણતા મેળવ્યાથી તેમને જ્ઞાનની શોધમાં અને ધર્મની સાધનામાં ઘણી જ મદદ મળી. એવું જણાય છે કે, ત્યાર૫છી થોડાક જ દિવસોમાં કેટલાક પુરુષો તેમની આગળ લગ્નની માગણી કરીને તેમને પજવવા લાગ્યા. સાધ્વી નારીએ એમનાં માગાંઓ પાછાં કાઢ્યાં.
હવે એ ભક્તિમતી સાધ્વીએ નવજીવન પ્રાપ્ત કર્યાનો દિવસ– ૨૨ મી જુલાઈ આવ્યો. એ આખો દિવસ અને રાત તેમણે ઉપાસનામાં ગાળ્યાં. તેમના મનના પ્રત્યેક વિચાર, તેમના કંઠમાંથી નીકળતુ પ્રત્યેક વાક્ય, તેમના નયનનું પ્રત્યેક અશ્રુ ઈશ્વરની આગળ પહોંચ્યું. હાય ! આટલા દિવસોમાં પણ એ દુઃખી નારીનો સંગ્રામ બંધ પડ્યો નહોતો, એ સંશય અને પાપથી અતીત થઇ શકી નહોતી. આજ પ્રેમમય ભગવાને તપસ્વિની નારીની આગળ એક બીજો શુભ દિન રજુ કર્યો. મેડમ ગેયાઁએ સૂક્ષ્મરીતે જોયું તો જણાયું કે, હવે તેના હૃદયમાં સંશયની રેખા સુદ્ધાં નથી, પાપ પણ નથી, વિકાર પણ નથી, વિદ્રોહ પણ નથી, હું પદનો અહંકાર નથી. આજ અંદર અને બહાર કેવળ જ્યોતિર્મય ઈશ્વરનો વિચિત્ર પ્રકાશ છે.
મેડમ ગેયાઁની ચરિત્રકાર તેમની એ દિવસની અવસ્થા સંબધે લખે છે કેઃ “ઉંડી શાંતિમાં એ નિમગ્ન થઈ ગયાં. હવે એમને ઇચ્છવા જેવું કાંઇ રહ્યું નહિ, તેમ ખાવાયોગ્ય પણ કાંઈ રહ્યું નહિ, ભય જેવું કાંઈ રહ્યું નહિ. ઈશ્વરની ઈચ્છાજ એમની ઈચ્છા બની રહી.”
પછી એ સાધ્વી બાઈ પોતાનાં એ સંતાનને એક યોગ્ય શિક્ષકના હાથમાં સોંપીને, તથા બાળક ક્ન્યાને પોતાની સાથે લઇને દૂર દેશાવરની યાત્રાએ નીકળ્યાં. એ યાત્રાને તેમની ધર્મયાત્રા પણ કહી શકાશે. કારણ કે એ યાત્રાનો ઉદ્દેશ ધર્મસાધના, ધર્મપ્રચાર અને દુ:ખીઓની સેવા કરવાનો હતો. આપણે આગળ જોઇશું કે એ ત્રણ કામને સારૂ તેમણે પોતાનો સમય, ધન અને સામર્થ્ય સઘળુંજ અર્પણ કરી દીધુ હતું.
પ-યોગ અને કર્મ
મેડમ ગેયાઁ જેક્સ નગરમાં ગયાં. શહેરના લોકોએ અગાઉથીજ તેમના ધર્મજીવનની કથા સાંભળી હતી, એટલે તેમણે તેમનો ઘણો આદરસત્કાર કર્યો. અહીંઆ કેટલાક દિવસ સુધી ખૂબ સુખમાં રહ્યાં. તેમની મનોવીણા નિરંતર ઉચ્ચ સૂર વગાડ્યા કરતી. એ વીણામાંથી જે સ્વર્ગીય સંગીત નીસરતું, તેનાથી એમનું છે હૃદય મધુમય થઈ જતું. ધાર્મિક વૃત્તિના જે લોકો ધર્મની તૃષા છીપાવવા ત્યાં આવતા, તેમનાં હૃદય ભીંજાઈ જતાં. સાધ્વીની એ સમયની આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થાવિષે તેમનું જીવનચરિત્ર લખનાર બાઈ લખે છે કે “અનેક વખત મધ્યરાત્રે તેમની ઉંઘ ઉડી જતી, ઈશ્વરાનુભૂતિનો આનંદ તેમને ઉંઘવા દેતો નહિ. પ્રિય પ્રભુના સાક્ષાત્કારના વિમળ આનંદમાં તેમની આખી રાત વીતી જતી.”
આ દેશના સાધકો કહે છે કે, ધર્મનો સર્વથી ઉચ્ચ ભાવ યોગ અને ભક્તિ છે. મેડમ ગેયાઁના જીવનમાં દિનપ્રતિદિન એ બંને ભાવોનો વિકાસ થવા માંડ્યો. તેમની ભક્તિ ઈશ્વર તરફજ ઝૂકવા લાગી; અને ઉંડા પ્રેમથી ઈશ્વરની સાથે યોગયુક્ત થઈને એ સમય ગાળવા લાગ્યાં. ઇશ્વરની ઈચ્છામાંજ તેમની ઇચ્છા વિલીન થઈ જતી. તેમના યોગની અવસ્થા વિષે તેઓ પોતે લખે છે કે: “મારો ઈશ્વરની સાથે એટલો પરિચય અને સંબંધ થયો છે કે જેથી તેનીજ ઇચ્છામાં મેં મારી ઇચ્છાને સંપૂર્ણ ગુમાવી દીધી છે. ઈશ્વર મારા ઉપર દયા કરીને એ પ્રમાણે મારું સર્વસ્વ બન્યો છે; તેથી જે અહંકાર એક સમયે મને કષ્ટ આપતો હતો, તે હવે દેખાતો નથી અને બધી વસ્તુઓમાં તથા બધી ઘટનાઓમાં હુંએ દયાસિંધુનેજ દેખું છું. જીવ કાંઈજ નથી, ઈશ્વરજ બધું છે.”
મેડમ ગેયાઁએ કેવા પ્રકારના સંગ્રામ અને સાધના કરીને આવું ઉન્નત આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કર્યું હતું, એ વિષયમાં પણ તેમણે લખ્યું છે કે “મારા પણ દુઃખના દિવસ વીત્યા છે, વિદ્રોહી મનને વશ કરતાં કરતાં મારે હૈયાફાટ રોવું પડ્યું છે. કેટલાએ માસ અને કેટલાંએ વર્ષ મેં અશ્રુજળથી નયન ભીજવ્યાં છે. આખરે દયાસિંધુની દયાથી મુક્તિના દિન ઉગ્યો, ઘા રૂઝાયો, આંસુ સૂકાયાં અને કૃતજ્ઞતાસહિત કહી શકું છું કે, હવે મારા અંતરાત્માએ શાંતિ અને પવિત્રતારૂપે પ્રભુપ્રસાદ મેળવ્યો છે.”
તપસ્વિની મેડમ ગેયાઁએ જે દુર્લભ ધર્મની પ્રાપ્તિ કરીને જીવનનું સાર્થક કયું હતું, તે ધર્મની સત્ય વાણી મનુષ્યોને સંભળાવવા સારૂ હવે તેમણે યત્ન કરવા માંડ્યો. તે ઉપરાંત તેમણે રોગીઓની સેવા અને ગરીબોનાં દુઃખ ટાળવા તરફે પણ ચિત્ત પરોવ્યું.
જેક્સ શહેરનાં દરિદ્ર મનુષ્યની દુર્ગતિ જોઈને તેમણે ધનની મદદ આપીને તેમના અભાવ દૂર કર્યા, તેમની સેવા અને કોમળ વ્યવહારથી દુઃખી લોકો ઘણા સુખી થતા. પુષ્કળ સ્ત્રીપુરુષો પાપથી વ્યાકુળ થઇને તેમની પાસે આવતાં અને પોતાના મનની વાત ખુલ્લી રીતે કહેતાં. એમના હૃદયમાં તેઓ ધર્મભાવ જાગ્રત કરતાં. તેમના યત્નથી અનેક લોકો ઇશ્વરને શરણે જતાં અને સદાને માટે પાપનો માર્ગ છોડી દેતાં.
પરંતુ મેડમ ગેયાઁ આ શહેરમાં ઝાઝા દિવસ રહી શક્યાં નહિ. તેમના વિશુદ્ધ ધર્મમતને લીધે જૂના વિચારના કટ્ટર ખ્રિસ્તીઓનું એક દળ તેમનો શત્રુ બન્યું હતું. તેઓની ખટપટથી આ ધર્મશીલા સાધ્વીને બીજી જગ્યાએ જવું પડ્યું. ત્યાં આગળ એમને ખર્ચે એક દવાખાનું બાંધવામાં આવ્યું. એ ઇસ્પિતાલમાં જાતે જઇને માંદાં સ્ત્રીપુરુષની સેવા કરતાં. ત્યારપછી શત્રુઓની ખટપટને લીધે એમને બીજાં ઘણાં સ્થાનોમાં ફરવું પડ્યું હતું. લાકોનું - વિરુદ્ધાચરણ હોવા છતાં પણ એ સદા દુઃખી મનુષ્યનાં આંસુ સાથે પોતાનાં આંસુ ભેળવવા યત્ન કરતાં. પુષ્કળ ગરીબ અને નિરાધાર લોકો તેમની પાસે જતાં અને સહાયતા મેળવીને પાછાં આવતાં. કેટલાએ કારીગરો અને કળાકૌશલ્ય જાણનારાઓને તેમણે ધનની મદદ આપીને ઉત્સાહિત કર્યા હતા. એ મહાન સાધ્વીના આત્મચરિત્રમાં લખ્યું છે કે:-
“પીડિત મનુષ્યને ધીરજ આપવા અને તેમનાં બિછાનાં તૈયાર કરવા હું તેમની પાસે જતી. તેમના ઘા ધોતી, લૂછતી તથા ફરીથી તેને મલમપટ્ટો બાંધતી. મરી ગયેલાંને સમાધિસ્થ કરવાનું ખર્ચ ઘણી વખત હું જ ઉપાડી લેતી. કોઇ કોઈવાર ગુપ્ત રીતે ગરીબ અને આપત્તિમાં આવી પડેલા ધંધાદારી અને કારીગરોને મદદ આપતી.”
અમે જે સમયનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, તે સમયે ફ્રાંસદેશના લોકોનો ધર્મભાવ ઝાંખો પડી ગયો હતો. અનેક સ્ત્રીપુરુષો ધર્મનાં કેટલાંક બહારનાં અનુષ્ઠાન તો ખૂબ ધામધૂમથી કરતાં; પરંતુ એથી ધર્મની પ્રાપ્તિમાં એમને વિશેષ સગવડ મળતી નહોતી, બલ્કે એ બધાં આડંબરભરેલાં અનુષ્ઠાનની આડમાં મનુષ્યનાં પાપ ઢંકાઈ જતાં, ધર્મને નામે અધર્મનો પ્રચાર કરવાની સગવડ મળતી, પુષ્કળ ધર્મહીન પાદરીઓ અમુક મત અને પ્રાણહીન અનુષ્ઠાન ઉપરજ સખ્ત નજર રાખતા. એ વિષયમાંથી કોઈ જરાક ચસકતું તો એનું આવી બનતું; કેમકે એ બધા પાદરીઓની સત્તા જનસમાજ પર જમાવવા માટે એવો મત અને બહારનાં અનુષ્ઠાન પૂરતાં હતાં.
દેશમાં ચારે તરફ જ્યારે ધર્મની આવી અવસ્થા હતી, ત્યારે મનુષ્યનાં દુઃખ અને પાપ જોઈને મેડમ ગેયાઁનું હૈયું પીગળી ગયું. તેમણે ધર્મને સત્યરૂપે પ્રાપ્ત કર્યો હતો; ધર્મ ન હોય તો મનુષ્યનો સંસાર બિલકુલ ચાલે નહિ. એ સિદ્ધાંત પણ હંમેશને સારૂ તેમના મર્મસ્થાનમાં કોતરાઈ ગયો હતો. એથી આ ધર્મશીલા સાધ્વી જીવતા જાગતા ધર્મની અમૃતમયી વાણી લઈને લોકોને બારણે ઉભી રહી. જે સ્ત્રીપુરુષોની ધર્મતૃષ્ણા પ્રબળ હતી, જેઓ પાપથી દુઃખી હતાં, પશ્ચાત્તાપથી પીડાતાં હતાં, તેઓ મેડમ ગેયાઁનો ઉપદેશ સાંભળવા સારૂ વ્યાકુળ થઈ ગયાં. વિશ્વાસથી ઉત્તેજિત થઈને તેમણે જોશદાર ભાષામાં પોતાના જીવનમાં અનુભવેલાં સત્યો બધાની આગળ પ્રગટ કરવા માંડ્યાં. એ બધી સરળ અને અકૃત્રિમ ધર્મકથા નરનારીઓનાં હૃદયને સ્પર્શ કરવા લાગી; ઘણાંઓનાં મન બદલાઈ ગયાં; કેટલાંક સ્ત્રીપુરુષો પાપના માર્ગનો ત્યાગ કરીને ઈશ્વરને શરણે આવવા લાગ્યાં. મેડમ ગેયાઁ પાતાના આ ધર્મપ્રચારના કાર્ય વિશે લખે છે કે:-“પ્રાત:કાળથી માંડીને રાતના આઠ વાગ્યા સુધી હું ભગવત્કથા કહેતાં કંટાળતી નહિ. ઈશ્વર મારી સંગાથે હતો અને એજ મને લોકોની આધ્યામિક અવસ્થા અને તેમની અગવડો અને આવશ્યકતાઓ જણાવી દેતો. એ સમયે અનેક જણે ઈશ્વરની આગળ આત્મસમર્પણ કર્યું હતું. કોઇ કોઇ તો પળભરમાં બદલાઈ જતાં અને કેટલાંક પ્રયત્ન કરતાં કરતાં તેની કૃપા પ્રાપ્ત કરતાં. કરુણાનિધિ ઈશ્વરનું કાર્ય અતિ અદ્દભુત છે.”
અમે અહીંઆં મેડમ ગેયાઁની થોડીક ધર્મકથા ઉતારીશુ. તે ઉપરથી જણાશે કે, એમનાં એ વચનો કેવાં જ્વલંત છે ! કેવા ઉંડા ભાવથી પૂર્ણ છે ! કેવાં પ્રાણસ્પર્શી છે ! તપસ્વિની સાધ્વી કહે છે કેઃ- “પ્રાર્થના એ શું છે ? નક્કી કરી રાખેલાં વાક્યો બોલી જવા કરતાં જરૂર એમાં કાંઈક વધારે છે. જે અવસ્થામાં મનુષ્યહુદય ઈશ્વર સાથે વિશ્વાસ અને પ્રેમવડે જોડાયેલું હોય છે, તે અવસ્થાને પ્રાર્થના કહે છે.”
“એકાંતમાં વિશ્વાસપૂર્ણ હૃદયે ઈશ્વરની સાથે તમારો શો સંબં'ધ છે, તેનો અનુભવ કરવાનો યત્ન કરો; તમારું અંતઃકરણ બરાબર પ્રભુ સન્મુખ કરો. મનને પ્રથમ એ મહાન ચિંતનમાં જોડો કે “ઈશ્વર સત્ છે, સર્વત્રની પેઠે તમારી પણ એ સન્મુખજ ઉભો છે, ઈશ્વર આપણો છે અને તેની આગળ આપણે બધા ઋણી છીએ.” એ મહાસત્યોની ઉપર શાંતભાવે અને શ્રદ્ધાપૂર્વક મનને જમાવો. શાંત નમ્ર થઈને રહો; બધી ઇંદ્રિયોને, બધી ચિંતાઓને પરિધિમાંથી સંકેલીને કેન્દ્રમાં લાવી બેસાડો. આ પ્રમાણે ઈશ્વરને માટે રાહ જુઓ. તીવ્ર આકાંક્ષા સહિત તેની વાટ નિહાળો, પરંતુ અંતઃકરણને અધીરૂં થવા દેશો નહિ.”
તમારૂં બીજું “સર્વસ્વ છોડી દીધા વગર સાચું અને પુરૂં આત્મસમર્પણ થઈ શકતું નથી. ઈશ્વરના ચરણમાં પોતાને સર્વ પ્રકારે છોડી દઈ પૂરેપૂરું સમર્પણ કરવું પડશે. ભૂતકાળના વિષયો વિસ્મૃતિસાગરને તળીએ ડૂબાડી દેવા પડશે અને ભવિષ્યની ચિંતા ભગવાનના ઉપર છોડી દઈને વર્તમાનમાં–આ મુહૂર્તમાં આપણે આપણી જાતનું તેનાં ચરણોમાં સર્વભાવે સમર્પણ કરી દેવું જોઇએ.”
“પૃથ્વીની સાંત્વના બે દિનની છે, એ ચાલી જાય છે; પરંતુ ઇશ્વરની સમીપ સંપૂર્ણ આત્મસમર્પણ કર્યાથી મળતી સાંત્વના શાશ્વત છે. જેણે દુઃખનું વરણ કર્યું નથી, તે ઈશ્વરને વરી શકતો નથી. ”
મેડમ ગેયાઁની આશ્ચર્યકારક આધ્યાત્મિક શક્તિની વાત આખા દેશમાં પ્રસરી ગઈ. દેશના જ્ઞાની,મૂર્ખ, ગૃહસ્થાશ્રમી અને સંન્યાસી, કુમારી, સધવા અને વિધવા-સર્વ શ્રેણીનાં સ્ત્રીપુરુષો તેમના આ જવલંત ઉપદેશ સાંભળવા સાફ આવવા લાગ્યાં. તેમણે એ લોકોના અંતઃકરણમાં જવલંત ધર્મભાવ જાગ્રત કરી દીધો, પરંતુ સાધ્વીની આ આધ્યાત્મિક શક્તિ, એક પ્રકારના હઠીલા રોમન કેથોલિક ખ્રિસ્તીઓ સહન કરી શક્યા નહિ. કેવી રીતે સહન કરી શકે ? તેઓ મૂળ ધર્મકારોનાં ચરિત્ર અને ઉદ્દેશ ભૂલી જઈને જે કાંઈ ઉપલક આચાર અને તેને ઓથે દુરાચાર ચાલતા હતા, તેમાં ડૂબવાને લીધે જૂનું એટલું સોનું કહેનારા અને રૂઢ રીતરિવાજોના આંધળા પક્ષપાતી હતા. મનુષ્ય ધર્મને નામે અધર્મને અને બાહ્યાડંબરોરૂપી પથ્થરને છાતીએ બાંધીને ભલે ડૂબી મરે, તેમાં તેમને વાંધો નહોતો; પરંતુ કોઈ ધર્મના નૂતન પ્રકાશથી આત્મોન્નતિ કરવા માગે તો તેઓ ગુસ્સે થઇ જતા. એ પક્ષના અનેક ધર્માંધ પાદરીઓ સ્વાર્થને ખાતર, સત્યના કરતાં કુસંસ્કારનો પ્રચાર કરવામાં પોતાના કર્તવ્યની સફળતા માનતા. કેાઈ એમની વિરુદ્ધ બોલવા જતું તો રાજાની તલવાર તેના માથા ઉપર પડતી; પાદરીઓ રાજશક્તિની મદદથી તરત તેને કેદમાં મોકલાવી દેતા.
પરંતુ મેડમ ગેયાઁ દેવી શક્તિશાળી, અને ધર્મ તેજથી તેજસ્વિની બન્યાં હતાં. તેમણે નિર્ભય ચિત્તે અસત્ય, કુસંસ્કાર અને નકામી ક્રિયાઓ તથા અસ્વાભાવિક દેહદમનવિરુદ્ધ પોતાનો મત પ્રકટ કરવા માંડયો. યથાર્થ ધર્મ કેવો હોય છે, એ સમજાવવા સારૂ તેમણે કેટલાક ધર્મગ્રંથો રચ્યા. હવે શું બાકી રહે ? જાૂના વિચારના રોમન કેથોલિક ખ્રિસ્તીઓએ પોતાનો પક્ષ બાંધીને એ સાધ્વીપર જુલમ કરવો શરૂ કર્યો તે એટલે સુધી કે મેડમ ગેયાઁ સ્થિરતાથી કંઈ પણ કાર્ય કરી શકતાં નહિ. ફક્ત એક જગ્યાથી બીજી જગ્યાએ અને ત્યાંથી વળી ત્રીજી જગ્યાએ એમ ફરતાં ફરવા લાગ્યાં.
૬-જીવનની શેષ કથા
મેડમ ગેયાઁ વિવિધ સ્થાનોમાં ફરતાં ફરતાં પેરિસ શહેરમાં આવી પહોંચ્યાં. અહીઆં પણ પુષ્કળ ધર્મપિપાસુ નરનારીઓ તેમનાં જ્ઞાન, ભક્તિ અને કર્મના યોગવાળું સુપવિત્ર જીવન જોઇને તથા તેમના મધુર ઉપદેશો સાંભળીને ધર્મ માર્ગમાં આગળ વધવા લાગ્યાં. પરંતુ આ પેરિસ શહેરમાં જે મોટા મોટા પાદરીઓ વાસ કરતા હતા, તેમનામાં એક વર્ગ એવો હતો કે જે ઈશ્વરને ધર્મના સિંહાસન ઉપરથી ઉતારી પાડીને પોતેજ તેની જગ્યાએ ગોઠવાઈ ગયેા હતો. એમ છતાં પણ મેડમ ગેયાઁએ તો એકમાત્ર ઈશ્વરનેજ ધર્મના સિંહાસન ઉપર પધરાવીને સર્વત્ર તેનાજ મહિમાનો પ્રચાર કરવા માંડયો. તેમણે મનુષ્યોને સ્પષ્ટ ભાષામાં સમજાવી દીધું કે “સ્વયં ઈશ્વરજ મનુષ્યના હદયમાં શાંતિ રેડે છે અને તેનાજ ચરણમાં જીવન અર્પણ કરવાથી યથાર્થ મુક્તિ મેળવાય છે"
સાધ્વી ગેયાઁની આ સત્યવાણી ધર્માંધ પાદરીઓ અને હઠીલા રોમન કેથલિકો કેવી રીતે સાંખી શકે ? તેમણે મેડમ ગેયાઁને ધર્મદ્રોહનાં અપરાધી ગણીને તેમની વિરુદ્ધ મુકદ્દમો ચલાવ્યો, પરંતુ એ દેશના પ્રચલિત કાયદાની કોઈ પણ બેડીદ્વારા એ સાધ્વીને બાંધી શક્યા નહિ. આખરે વિરુદ્ધ પક્ષવાળાઓએ એક બનાવટી પત્ર લખીને એ જૂઠા પત્રને સાચા દસ્તાવેજ તરીકે ન્યાયાધીશ આગળ રજુ કર્યો. રાજાએ મેડમ ગેયાઁને કેદખાનાની શિક્ષા કરી. તેમને સેન્ટ મેરીના મઠમાં કેદ રાખવામાં આવ્યાં. સ્નેહમયી સાધ્વીએ નાના પ્રકારની ચઢતીપડતીમાં પણ પોતાની નાની વયની કન્યાને સાથેજ રાખી હતી. એને છાતીસરસી ચાંપીને એ માતૃત્વનું અનિર્વચનીય સુખ અનુભવતાં હતાં, પરંતુ આ વખતે અમલદારોએ એ કન્યાને પણ માતાથી વિખૂટી પાડી. અસહાય સાધ્વી ગેયાઁ બંદી અવસ્થામાં શું કરી શકે ? નિર્જન કેદખાનામાં પોતાના પ્રેમદેવતાના સૌંદર્યમાં ગરકાવ થઈ જઈને એ બધું દુઃખ ભૂલવાનો યત્ન કરવા લાગ્યાં. અહીં એમણે અનેક ભક્તિરસાત્મક કાવ્યોની રચના કરી. એ કાવ્યોમાં તેમના જીવનમાં પરીક્ષા કરેલાં અનેક સત્યો પ્રગટ થયાં હતાં. દિલગીર છીએ કે, કવિતા રચવાનો અભ્યાસ નહિ હોવાથી અમે એમની કવિતાનો અનુવાદ પ્રગટ કરી શકતા નથી.
આઠ માસસુધી એમણે કેદખાનાનું દુઃખ વેઠયું. ત્યારપછી એક શક્તિશાળી મહિલા સાથે તેમને વાતચીત થઈ. એ મહિલા એ ફ્રાન્સના રાજા ઉપર પેાતાનો પુષ્કળ પ્રભાવ જમાવ્યો હતો. એ સ્ત્રીને મેડમ ગેયાઁ સાથે વાતચીત કરવાથી ખાત્રી થઈ કે, ખરેખર એ ધર્મશીલા સાધ્વી છે; કેવળ ધર્મની ખાતરજ વિપત્તિ વેઠી રહી છે. આથી મેડમ ગેયાઁનો છૂટકારો થયો. આ એ સમયમાં સુપ્રસિદ્ધ ફેનેલોન ફ્રાન્સદેશનો એક અસાધારણ ધાર્મિક પુરુષ હતા. તેનામાં ઉજજવળ પ્રતિભા, અગાધ પાંડિત્ય અને ઉંડી ઈશ્વરભક્તિ હતાં. એ સાચા ધાર્મિક પાદરી સાથે મેડમ ગેયાઁને ગાઢ મૈત્રી બંધાઈ. એ પણ ધર્મશીલા સાધ્વીના જીવનની ઉરચ અવસ્થા જોઈને, અને તેમની પ્રતિભા તથા શકિતનો પરિચય પામીને, તેમના પ્રત્યે અત્યંત શ્રદ્ધા પ્રગટ કરવા લાગ્યાં. એટલુંજ નહિ પણ એ ઉદારચિત્ત ઉન્નતચરિત વિદ્વાન પાદરી મેડમ ગેયાઁના ઉંડા તત્ત્વજ્ઞાનના લેખો વાંચીને તેમના ધર્મનું સમર્થન કરવા લાગ્યો.
એ વખતે પાછું ચારે તરફ વાવાઝોડું ઉઠ્યું; ઘોર આંદોલન શરૂ થયું. જૂના વિચારના પાદરીઓ માનવા લાગ્યા કે, મેડમ ગેયાઁ કેાઈ માયાવિની સ્ત્રી છે. કોઈ પ્રકારની મેલી વિદ્યા ન જાણતી હોત તો ફેનેલોન જેવા અસાધારણ વિદ્વાન ઉપર એ પેાતાની અસર કેવી રીતે સ્થાપી શકત ?
હવે વિપક્ષી લોકોએ એકજથે થઈને ફેનેલોન અને મેડમ ગેયાઁના ઉપર પોતાનાં વજ્ર ફેંકવા માંડયાં. એનું પરિણામ એ આવ્યું કે, ફેનેલોન પોતાના કર્મક્ષેત્રથી દૂર જઈને દેશનિકાલ પામેલા પાદરીની પેઠે વસવા લાગ્યા. મેડમ ગેયાઁને ફરીથી કારાગૃહવાસની આજ્ઞા મળી. બિનસેજજના કેદખાનામાં તેમને રાખવામાં આવ્યાં. આ વખતે એમને કોઈ પણ જાતની સ્વતંત્રતા આપવામાં આવી નહિ; પરંતુ એથી ગંભીર આનંદ અને સુમધુર શાંતિથી એ વંચિત ન રહ્યાં. જેનો આત્મા ઈશ્વરની સાથે ગૂઢ યોગથી જોડાયેલો હોય છે, જે ઈશ્વરપ્રેમથીજ પરિતૃપ્ત છે, ઇશ્વરજ જેનું સર્વસ્વ છે, તેને અશાંતિ કયાંથી? ભકિતમતી સાધ્વી કેદખાનામાં પ્રેમસંગીત રચવા લાગ્યાં. એ ધાર્મિક ગીત ગાતાં ગાતાં પ્રેમ અને આનંદથી મસ્ત થઈ જતાં, એમણે પોતે લખ્યું છે કેઃ-
“હું જાણે નાનુંશુ પંખીડું છું. મારા પ્રભુએ મને પાંજરામાં પૂરી રાખ્યું છે. અહી' હરિ ગુણગાન સિવાય મારે બીજું કામ નથી.”
અમે આ પ્રેમમયી ફ્રેંચ સાધ્વીના એક સંગીતનો ગદ્યાનુવાદ નીચે આપીએ છીએઃ-
‘‘મારા ઇશ્વરને ચાહું છું, પરંતુ મારા પ્રેમવડે નહિ; કેમકે તેને આપવા સરખો તો મારો પ્રેમ નથી. હે પ્રભુ ! હું તને ચાહું છું પરંતુ મારો પ્રેમ તો તારોજ છે, તારા પ્રેમથીજ હું જીવું છું. હું જાતે તો કાંઈ પણ નથી. તને વળગવામાં, તારામાં જ ખોવાઇ જવામાં, તારામાંજ મસ્ત થવામાં મારો આનંદ છે. હે પ્રભુ ! તું જ મારો એક એવો સહાયક અને સર્વસ્વ છે, કે જેના વગર મારૂં જરા પણ ગાડું ચાલે નહિ. તારામાંથીજ મારા સુખના સ્રોત વહે છે. જેઓ એ સુખથી સુખી છે, તેઓજ તારામાં વાસ કરે છે. તુંજ જીવનનું ઝરણું છે. જે કરુણા આખો દિવસ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, તેના મૂળ ઝરો તુંજ છે; અમારા જીવનનો ભંડાર તુંજ છે; ઉત્પત્તિસ્થાન તુંજ છે અને કેન્દ્ર પણ તું જ છે. તુંજ અમારૂં નિવાસસ્થાન છે.”
ચાર વર્ષ પછી મેડમ ગેયાઁએ કારાગૃહમાંથી મુક્તિ મેળવી, પરંતુ પેરિસમાં તેમને રહેવા દેવામાં આવ્યાં નહિ; તેમને દૂર દેશનિકાલ કરવામાં આવ્યાં. અત્યારસુધીમાં અનેક દેશના ધાર્મિક લોકોએ તેમના ઉન્નત ધર્મજીવનની વાત સાંભળી હતી. એટલે ઇંગ્લેંડ, જર્મની વગેરે દેશમાંથી પુષ્કળ લોકો તેમનાં દર્શને આવવા લાગ્યા. એ લોકોના અત્યંત આગ્રહથી એમણે પોતાનું આત્મચરિત્ર પ્રગટ કરવા સારૂ ઇંગ્લંડના એક સંદ્ગૃહસ્થને સોંપ્યું.
આખરે તેમના જીવનનો અંતિમ સમય આવી પહોંચ્યો. એ ધનવાનની કન્યા, ધનવાનની પત્ની, રૂપવતી, ગુણવતી, સુશિક્ષિતા અને ધર્મશીલા સાધ્વી હતાં. પરંતુ સત્તર વર્ષની વયથી ઘરમાં અને ઘરબહાર તથા પોતાના હૃદયની અંદર પણ લાંબા સમય સુધી એમને કેવળ સંગ્રામજ કરવો પડયેા હતો. લૌકિક ભાષામાં જેને સુખ કહે છે, તેવું સુખ કોઈ દિવસ એમના ભાગ્યમાં લખાયું ન હતુ. દુઃખના અંધકારમાં થઈને ઠોકરો ખાતાં ખાતાં એમને જીવનના માર્ગમાં આગળ વધવું પડયું હતું, પરંતુ હવે તેમનો સંગ્રામ બંધ થયો, દુઃખનો અંધકાર ઉડી ગયો; તેમના જીવનના સ્વામી સ્વયં ઈશ્વરે તેમને પોતાના આનંદનિકેતનમાં બોલાવ્યાં. મેડમ ગેયાઁ ઈ. સ. ૧૭૧૭ ની ૯ મી જુને ૬૯ વર્ષની વયે આ લોકમાંથી હસતે મુખે ચાલ્યાં ગયાં. મૃત્યુની પૂવે એ એક પત્ર લખી ગયાં હતાં. તેમાંથી અમે થોડાંક વાકયો ઉતારીશુ. તપસ્વિની નારી ઈશ્વરને સંબોધીને કહે છેઃ-
"મેં તમારી પાસેથી સઘળું મેળવ્યું છે, અને તમનેજ સર્વસ્વ સમર્પણ કરવા જાઉં છું. હે ઈશ્વર ! તમારી જે ઈચ્છા હોય તે કરો. હું તમને મારું શરીર અને આત્મા અર્પણ કરું છું. તમારી ઇચ્છા પૂર્ણ થાઓ. ”