માઈ, મને મળિયા મિત્ર ગોપાલ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

માઈ, મને મળિયા મિત્ર ગોપાલ, નહીં જાઉં સાસરે.

સંસાર મારું સાસરું ને મહિયેર વૈકુંઠ વાસ,
લખચોરાસી ફેરા હતો તે, મૂક્યો મેં મોહન પાસ ... નહીં જાઉં.

સાસુ મારી સુકૃત કહીએ, સસરો પ્રેમ સુજાણ,
નાવલિયો અવિનાશી વિશ્વંભર, પામી હું જીવનપ્રાણ. ... નહીં જાઉં.

સાથી અમારા સંત સાધુ, સાધન ધીરજ ધ્યાન,
કર જોડી મીરાં વીનવે, હવે પામું ન ગર્ભાધાન. ... નહીં જાઉં.