માણવો હોય તો રસ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે'વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે'ણી પાળવા હેતથી હાલો ... માણવો.

રે'ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે'ણી થકી રોમરોમ ભીંજાય,
રે'ણી થકી રસ શરીરમાં પરવરે,
રે'ણી થકી ઉગાવો જોને થાય ... માણવો.

રે'ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે'ણી થકી અમર જોને થવાય,
રે'ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે'ણી થકી પાર પોગી જોને જવાય ... માણવો.

રે'ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે'ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે'ણી પાળ્યેથી આનંદ વરતાય ... માણવો