માણસાઈના દીવા/પહેલી હવા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← બાબર દેવા માણસાઈના દીવા
પહેલી હવા
ઝવેરચંદ મેઘાણી
૧. કાળજું બળે છે →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


ગલાં પાનાંમાં જે લખ્યું છે તે તો મહારાજના શ્રીમુખેથી સાંભળ્યું તે પરથી આલેખ્યું. માનવપાત્રો અમુક પ્રકારના કલ્પી લીધાં. એ ભોમકા, એ ગામડાં, એ ખેતરાં, નહેરાં ને કોતરો, પણ કલ્પનાસૃષ્ટિમાંથી ઉતાર્યા.

'અવાસ્તવિક તો નહિ હોય ?': શંકા પડી. એ ધરતી અને ધરતીના સંતાન નજરે નિહાળવાં જ જોઈએ. એ મહીકાંઠો કદી ભાળ્યો નહોતો. મહારાજને વીનવ્યા કે, એ પ્રદેશ દેખાડો. એમણે નોતરું દીધું. હું અને 'ભારતી સાહિત્ય સંઘ'ના સંચાલક શ્રી ઈશ્વરલાલ દવે મહારાજની સાથે ચાલ્યા. પહેલો મુકામ બોચાસણ પડ્યો.