લખાણ પર જાઓ

માણસાઈના દીવા/શનિયાનો છોકરો

વિકિસ્રોતમાંથી
← બાબરિયાનો બાપ માણસાઈના દીવા
શનિયાનો છોકરો
ઝવેરચંદ મેઘાણી
’બ....હુ....ઉ લાંબું દેખું છું’ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.





૧૪
શનિયાનો છોકરો


હીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઈ ઊઠ્યો છે.

મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાભા પર પડ્યો છે : કોઈ એની કને આવી શકતું નથી : બદબો અસહ્ય બની ગઈ છે.

"શનિયા !" મહારાજે છોકરાના બાપને કહ્યું : " હીંડ, આને આણંદ દવાખાને લઈ જઈએ."

"હું ચ્યમ કરીને હીંડુ, બાપજી ?"

"ચ્યમ વળી શું ?"

"છોકરાં દાણા વિના મરી જાય. ખેતરમાં કોઈ જનાર નથી."

"તારી વઉ છે ને ?"

"ઘરમાં ખાટલો મૉંદો છે, મહારાજ ?" ('ખાટલો માંદો છે, ' એટલે વહુને સુવાવડા આવેલ છે.)

અર્થ એ થયો કે શનિયો એકલો બીજાં છોકરાંને અને બૈરીને બચાવવા માટે મજૂરી કર્યા કરે; અને છોકરાનું રોગે ગંધાઈ ગયેલ હાડપિંજર ધીરે ધીરે ખતમ થઈ છેલ્લા શ્વાસ છોડી દે, એટલે છુટકરો થાય.

"વારુ;" મહારાજે કહ્યું : "તને દાણા અલાવી દઉં તો તું આવે?"

"તો આવું."

અધમણ ભાત ખરીદીને મહારાજે શનિયાના ઘરમાં નંખાવ્યા; અને પછી છોકરાના રસી વહેતા શરીરને ઝોળીમાં ઉપાડી મહારાજે ટ્રેનના એક ડબ્બામાં ચડાવ્યું. બીજા મુસાફરો ત્યાંથી ખસી ગયાં બદબો જીવતી નરકનો ખ્યાલ કરાવતી હતી.

ચાલતી ગાડીએ છોકરાને માખીઓ ઉડાડતા મહારાજ એકલા જ સંભાળે છે; બાપનું ધ્યાન દીકરામાં નથી. રાસ ગામને પાધરે જ રેલવે દોડે છે, સ્ટેશન છે; પણ અવતાર ધરીને શનિયો કોઈ દિન આગગાડીમાં બેઠો નથી. આજે એને પહેલો જ પ્રસંગ છે. એનો આનંદ ઉછાળા મારે છે. બારીમાંથી એ ઝાડવાને પાછી દોટ કાઢતાં જોઈ જોઈ નાના બાળક જેવો બની દાંત કાઢી રહ્યો છે. એક વાર તો મહારાજે 'અલ્યા શનિયા, તું આને માખો તો ઉડાડ !' એમ કહી ઠપકો પણ આપ્યો; પણ શનિયો તે વેળા બાપ નહોતો, પતિ નહોતો, કુટુંબની રોટી રળનાર નહોતો : બાળક બની ગયો હતો. પહેલી ને પ્રથમ વાર એણે જીવનના રોજિંદા, એકસુરીલા નિષ્પ્રાણ સંગ્રામ વચ્ચે એક રોમાંચ અનુભવ્યો હતો.

આણંદ ઊતર્યા. છોકરાને ઉપાડ્યો : ઝોલીના આગલા બે છેડા શનિયા પાએ ઉપડાવ્યા, પાછલા મહારાજે ઉપાડ્યા. શનિયો ભાર ઉંચકી શકતો નહોતો. મહરાજે એને કાળજીથી ઊંચકવા કહ્યું. શનિયાએ જવાબ વાળ્યો :

"આ મૂઆનામાં ભાર બૌ છે તો !"

શનિયાના મોંમાંથી ટપકેલો આ વીશેક વર્ષ પૂર્વેનો બોલ આજે મહારાજની છાતીએ ચોંટી રહ્યો છે. ગંધાઈ ગયેલું નાના બાળકનું હાડપિંજર - એમાં તે શો ભાર હોય ! સાવી વાત એ હતી કે શનિયા ખેડુના શરીરમાં કંઈ પોષણ નહોતું.

'મૂઆનામાં ભાર બૌ છે તો !'

એ વાક્યે મહારાજને મૌન પકડાવ્યું.

આણંદની ઇસ્પિતાલે કહેવામાં આવ્યું કે રોજનો રૂપિયો પડશે; એટલે મહારાજે છોકરાને ઉપાડીને પાછો ઝોળીમાં ઉપાડી સ્ટેશન ભેળો કર્યો. બેઠા બેઠા પોતે પછેડી વતી માખીઓ ઉડાડી રહ્યા છે, શનિયો બાજુમાં કશી સમજણ વગર ચૂપચાપ બેઠો છે. ગાડી આવવાને વાર છે. એ વેળા થોડે છેટે એક ઊજળાં લૂંગડાંવાળા અજાણ્યા ભાઈ ઊભા ઊભા આ જુએ, અને મનમાં વિસ્મય પામે કે, આ બીજી કોમના કોઈ છોકરાને આ બ્રાહ્મણ જેવા દેખાતા માણસ કેમ પવન ઢાળી રહ્યા છે ? એવામાં ગાડી આવી. મહારાજે ઝોળી ઉપાડીને ગાડીમાં નાખી. ત્યાં પેલા જોઈ રહેનાર ભાઈ દોડતા આવ્યા, અને પૂછ્યું : "તમે કોણ છો? આ છોકરો કોણ છે ?" મહારાજે બધી વાત કરી. એણે એ જ ઘડીએ ગજવામાં હાથ નાખીને પરચૂરણ અને રોકડ મળીને ૩-૪ રૂપિયા મહારાજના હાથમાં મૂક્યા. મહારાજે ઘણી ના પાડી છતાં એમણે પરાણે આપ્યા, અને એ છોકરા માટે વાપરવાનો આગ્રહ કરતા એ ભાઈ જતા રહ્યા.

શનિયાનો છોકરામા કશો રસ રહ્યો નહોતો. એ તો સાથે જતો હતો. કારાણકે મહારાજને ના કહી શકાઇ નહિ. વડોદરે સંગાથે ગયો. મહારાજની કંઈક શરમ લાગી તે ગાડીની બારીમાંથી ઝાડવાંની દોટાદોટના જલસા ચોરીછૂપીથી જોતો રહ્યો; દીકરાને માખીઓ ઉડાડવાનો કંઈક કંઈક દેખાવ કરતો ગયો. ગાડીનો વેગ એને ગમ્મત આપતો હતો - અંદર મૃતપ્રાય: પુત્ર ભલેને પડ્યો ! રેલના પૈડાં પર વિહરવાની મોજ પણ વિરલ હતી. નિત્યનું નિશ્ચેતન જીવન જાણે કે ઝંઝાવાત પર ઘોડેસવારી કરે રહ્યું છે. શનિયો મનમાં મનમાં થનગને છે.

વડોદરાની મોટી ઉસ્પિતાલે છોકરાને તપાસીને દાક્તરે મહારાજને કહ્યું : " આજની એક રાત કાઢે તો જ ઉગાર છે. જો કે કાઢવા સંભવ નથી; ઝેર લોહીમાં પ્રસરી ગયું છે."

શનિયાનો તો કશી જ ખબર નહોતી; ખબરની દરકાર પણ નહોતી. એને કંઈ ગમ-સમજણ નહોતી. એને તો કોઈ કોઈ વાર 'ઘર માંદો ખાટલો' (સુવાવડી બૈરી) અને અધમણ ભાત પર છોડેલાં છોકરાં યાદ આવતાં.

છોકરાએ રાત ખેંચી કાઢી. દાક્તર કહે : " હવે ભો નથી." એટલે મહારાજે કહ્યું : "શનિયા ! તું-તારે હવે જા. તારે ખેડકામ ખોટી થાય છે. જા હું અહીં છું. છોકરાને લઈને આવીશ."

શનિયો ઊભો થયો. મહારાજ એને રેલમાં બેસારવા સાથે ચાલ્યા. એ તો છોકરાને કશું કહ્યા વિના, એની સામું પણ સરખી રીતે જોયા વિના, દવાખાનાની ઓરડીમાંથી બહાર નીકળવા માંડ્યો.

"કેમ, 'લ્યા !" મહારાજે પૂછ્યું : "કેમ ઊભો?"

શનિયો લજ્જા પામતો પામતો હસ્યો, અને અપ્છી માંડ માંડ બોલ્યો.

"જતાં દિલ થતું નથી."

"શાથી, 'લ્યા ?"

"આ છોકરો છે ના, દાદા, તે એવો એ મારાં સરવે છોકરાંથી વધુ ડાહ્યો છે."

"શાથી?"

"એ તો એમ, દાદા, કે ઘરમાં જે દા'ડે દાણા નો'ય, તે દા'ડે બાકીના બધાં છોકરાં ખાવાનું પામ્યા વગર રડારોળ કરી મૂકે, પણ આવો આ ભૂખ્યો છાનોમાનો પડ્યો રહે- ચૂં કે ચાં ન કરે, હો દાદા ! ખાવા નહોય ત્યારે રડૅ-કરે નહિ. તેથી કરીને આવો આ મને વધુ ડાહ્યો લાગે છે. તેથી કરીને જતાં જીવ મૂઓ ચાલતો નથી."

એટલું કહીને ફરી વાર મોં મલકાવીને લજવાતો શનિયો ઊભો થઈ રહ્યો. પન પછી પોતે કંઈક અનુચિત બાબત કહી નાખી હોય એમ માનીને સ્ટેશન ભણી વળ્યો.

વીશેક દિવસે છોકરાંને સાજોનરવો લઈને મહારાજ પાછા વળ્યા. રસ્તામાં એણે કહ્યું " "અલ્યા, તું મારી જોડે રહીશ ? હું તને પેટ ભરીને ખવરાવીશ-પિવરાવીશ; તને ભણાવીશ."

છોકરાએ હા પાડી.

ગામની બજાર આવી એટલે છોકરો મહારાજ કનેથી દોટ કાઢીને બાપને બાઝી પડ્યો, ને ઘેર ચાલ્યો ગયો.

એને પેટ ભરીને ખાવા-પીવા ને ભણવા કરતાં ગરીબ બાપને ઘેર અન્ન નહોય તે દિવસે 'ડાહ્યો' બની રહેવાનું, ખાવાને કહિયોઇ ન કરવાનું વિશેષે પસંદ પડ્યું હશે.

મહારાજ કહે : "શનિયા, તારો છોકરો તું મને આલી દે ને! હું એની સાર-સંભાળ રાખીશ."

"એવો એ નહિ આવે, દાદા !.... એ કરતાં એને કોઈક પાટીદારને ત્યાં ચાકરીએ રાખી દો ને ! એ રળતો થઈ જશે."

કંગાલિયતની એ કથા મહારાજને પચાવવી પડી.